તમારા માટે, તમારી સાથે, સતત…

હણે તેને હણાય ખરાં?

જો આપણે જીવતાં રહેવું હોય તો મચ્છર મારવા ફરજિયાત છે.’

0 140

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી
jagdishtrivedi1967@gmail.com

 

‘આજના છાપામાં એક આઘાતજનક સમાચાર છે.’ મેં અખબાર દૂર કરતાં કહ્યું.

‘આઘાતજનક…?’ પત્નીએ પાકું કર્યું.

હા… આઘાતજનક… આમ તો જોકે મોટા ભાગના સમાચારો આઘાતજનક જ હોય છે. પહેલા ક્યારેક એવું વાંચવા મળતું કે સાવકા પિતાએ પોતાની સાવકી પુત્રી સાથે બળજબરી કરી, પરંતુ આજના છાપામાં સમાચાર છે કે સગા પિતાએ સગી પુત્રી સાથે બળજબરી કરી છે.

‘રામ…રામ…રામ… હવે હળાહળ કળિયુગ આવ્યો છે.’ પત્નીએ બળાપો કાઢ્યો.

‘વિધાનસભામાં દરરોજ અખાડા થાય છે. પ્રજાએ પોતાનો પવિત્ર અને કીમતી મત આ લોકોને ઝઘડા કરવા માટે જ આપ્યો હોય એવી દશા છે. નેતાઓ સાવ નિમ્નકક્ષા સુધી નીચે ઊતરીને એકબીજા સાથે બકવાસ કરે છે. પુષ્કળ શોરબકોર બાદ અત્યંત સુવિધાયુક્ત મહેલ જેવા મકાનમાં આરામ કરે છે. આ પ્રજાના સેવક છે?’ મેં બીજો વિષય પકડ્યો.

‘આજે જ મારી બહેનપણીનો વોટ્સએપ આવ્યો છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ખૂબ જ તોફાન કરતા હતા. વર્ગશિક્ષકે પ્રવેશીને પૂછ્યું કે આ બધી ધમાલ કેમ આદરી છે? ત્યારે એક વિદ્યાર્થી બોલ્યો કે અમે વિધાનસભા, વિધાનસભા રમીએ છીએ…’ પત્નીએ પ્રસંગોચિત વાત કરી.

‘આ બંને સમાચાર કરતાં પણ વધુ આઘાતના સમાચાર બીજા છે.’

‘આથી પણ વધુ ખરાબ શંુ હોઈ શકે?’ પત્નીને દુઃખદ આશ્ચર્ય થયું.

‘છે’ મારો એકાક્ષરી જવાબ હતો.

‘શું?’ પત્નીનો એકાક્ષરી સવાલ.

‘અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં આવેલા એક ચર્ચમાં ગન કલ્ચર એટલે કે શસ્ત્રવાદને પ્રોત્સાહન આપતી પ્રાર્થનાસભા યોજાઈ હતી.’

‘પ્રોત્સાહન કે વિરોધ…?’

‘ચર્ચ, મસ્જિદ, ગુરુદ્વારા કે મંદિરમાં શસ્ત્રનો વિરોધ થવો જોઈએ, પરંતુ આ ચર્ચના પાદરીની બુદ્ધિ ઘાસ ચરવા ગઈ હશે એટલે એણે શસ્ત્રને ટેકો આપ્યો. સૌ અનુયાયીઓએ પોતપોતાનાં શસ્ત્રો સાથે લઈને આવવું. જે લોકો પાસે બંદૂક ન હોય તેમણે શસ્ત્રોની દુકાને જઈ સાત સો ડૉલર ભરીને પોતે ભવિષ્યમાં જરૃર ગન ખરીદશે એવી ખાતરી આપવી.’ મેં આખી વાત સમજાવી.

‘પાદરી પાગલ થઈ ગયો લાગે છે.’

‘હાસ્તો… ધર્મગુરુુઓનું કામ તોડવાનું નથી, પરંતુ જોડવાનું છે અને એ માટે શસ્ત્રો નહીં, પરંતુ શાસ્ત્રોનો સહારો લેવો જોઈએ. આ પ્રકારના હિંસાપ્રેમી ધર્મગુરુઓને તો ગન આપીને બોર્ડર ઉપર મોકલી દેવા જોઈએ…’ મેં બળાપો કાઢ્યો.

‘સૈનિકને શસ્ત્રની ફરજિયાત જરૃર પડે બાકી બીજા કોઈને નહીં.’

‘એક સેના એવી હતી જેમાં સૈનિકો પાસે શસ્ત્રો નહોતાં, ટેન્ટ કે મકાન નહોતાં, એમના માટે રસોઈ પણ બનાવવાની નહોતી અને તમને આશ્ચર્ય થશે, પરંતુ સૈનિકો કપડાં પણ પહેરતાં નહોતાં…’

‘તમે સવારના પહોરમાં ગપ્પાં મારવાનું બંધ કરો…’ પત્ની ઊભાં થતાં બોલી. મને થયું કે એમને મારી વાત મહાજૂઠ લાગી છે. એમને મારા ઉપર વિશ્વાસ ન હોય તે સ્વાભાવિક છે, કારણ અમે પરણેલા છીએ, પરંતુ મારી વાત ઉપર પણ વિશ્વાસ ન રહે તો જીવવું કેમ?’

‘તમે બેસો… હું સાબિત કરી દઉં.’ મેં વિનંતી કરી.

‘તમે મને સાવ મૂરખ સમજતા લાગો છો.’ પત્નીએ છણકો કર્યો.

‘એવું નથી. આપ જે છો તે સમજું છું.’

‘જે છો તે એટલે…?’ એક સૂૂર ઊંચો ગયો.

‘જે છો એટલે આમ સમજદાર છો અને હું આપને સમજદાર સમજું છું. આપને મૂરખ બનાવવાની જરૃર જ નથી.’

‘એટલે…?’

Related Posts
1 of 14

‘એટલે આપ ઓલરેડી જે છો તે કેવી રીતે બનાવવા એવું નથી, પરંતુ આપ સમજદાર છો અને મૂરખ બની શકો તેમ નથી એટલે આપને મૂરખ બનાવવાની જરૃર નથી.’ વાવાઝોડું આવ્યું અને કોઈ પણ જાતના નુકસાન વગર પસાર થઈ ગયું. મને પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની એક વાતનું સ્મરણ થયું. નદીનું પૂર તોતિંગ વૃક્ષોને સમુદ્રમાં ઢસડી જશે, પરંતુ નેતરને નહીં, કારણ પૂર આવે ત્યારે નેતર નમી જાય છે. હું પણ પત્નીની હળવી મજાક કરીને પછી નેતરની માફક નમી ગયો. જે નમી જાય તે જગતને ગમી જાય.

‘શું વિચારો છો?’ પત્નીએ મારી વિચારધારા તોડતાં પૂછ્યું.

‘કશું નહીં… હું નેતર તું નદી, હું ક્ષણ તું સદી…’

‘મને કહો કે એવો રાજા કોણ હતો જે રાજાની સેનાને રોટી, કપડાં અને મકાનની જરૃર નહોતી.’ પત્ની મૂળ વાત પર આવી.

‘હા… એવો રાજા આ પૃથ્વી ઉપર થયો છે અને ભારતમાં જ થયો છે.’

‘તમારી વાતને વળ ચડાવવાની ટેવ છોડો અને જવાબ આપો.’

પત્નીની અધીરાઈ વધતી જતી હતી અને હું વાતમાં મોણ નાખતો જતો હતો. મને થયું કે આજે જો સાચો જવાબ નહીં આપું તો સવાર સાથે દિવસ પણ બગડવાની વકી છે. જે રીતે આ વરસે હોળીની જ્વાળા પૂર્વ દિશામાં ગઈ અને આગાહી કરનારાઓએ કહ્યું કે ક્યાંક દુષ્કાળ તો ક્યાંક અતિવૃષ્ટિ થશે. ટૂંકમાં સપ્રમાણ વરસાદ વરસવાનો નથી. મારા ઘરમાં આભ તો ઘેરાઈ ગયું હતું.

હોળીની જ્વાળા અમારા બંને તરફ વારાફરતી આવતી હતી અને અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ ન થાય તે જોવાની મારી ફરજ હતી. આપણા નેતાઓ પ્રમાણસર વરસાદ વરસે તો અંદરથી નારાજ થાય છે, કારણ જો દુકાળ પડે તો રાહતકાર્યો કરવામાં નેતાઓને પણ ઘણી રાહત મળી શકે છે. જો હોનારત થાય તો બચાવ કાર્યો કરવામાં નેતાઓનો પણ ઘણો બચાવ થઈ શકે છે. આ મારા દાંપત્યજીવનનો પ્રશ્ન હતો. અહીં દુકાળ કે હોનારતમાંથી કોઈ આવી ચડે તો પરિવારને નુકસાન થાય તેમ હતું.

‘તમે જવાબ આપો છો કે હું ઊભી થઈ જાઉં?’ પત્નીએ ત્રાગું કર્યું.

‘કહું છું… કહુ છું… ભારતમાં એક રાજા એવા થઈ ગયા જેમની પાસે સેના હતી એવી સેના આજ દિવસ સુધી કોઈ રાજા પાસે હતી નહીં અને હશે પણ નહીં. ન ભૂતો ન ભવિષ્યતિ. એ રાજા પણ નાનોસૂનો રાજા નહોતો. એ રાજાએ પરદેશના રાજા ઉપર ચડાઈ કરી હતી અને રોટી, કપડાં અને મકાન વગરની સેના દ્વારા વિજય પણ મેળવ્યો હતો. મેં ઇંતેજારી વધારી દીધી.

‘તમે હવે ચોળીને ચીકણું કરો મા.’ પત્ની કંટાળી ગઈ.

‘તો શું કરું?’

‘ફટાફટ જવાબ આપો કે એ રાજા કોણ હતા?’

‘એ રઘુપતિ રાઘવ રાજા રામ હતા. જેમની પાસે રીંછ અને વાનરની સેના હતી. આ સૈનિકો એવા હતા જે વૃક્ષો અને ગુફાઓમાં રહેતા એટલે ટેન્ટ કે મકાનની જરૃર નહોતી. આ સૈનિકો ફળાહારી હતા એટલે રસોઈનો પ્રશ્ન નહોતો. આ સૈનિકો કપડાં પણ પહેરતા નહોતા. આ એવા સૈનિકો હતા જે પગાર કે પેન્શન પણ લેતા નહોતા. એમને હૈયાતીમાં કે મરણોત્તર કોઈ માન-સન્માનની પણ અપેક્ષા નહોતી. બોલ સાચી વાત છે કે ખોટી વાત છે?’

‘તમારી વાત સાવ સાચી છે.’ પત્નીને મીનો ભણ્યો.

‘હવે મને કહો કે આખા વિશ્વમાં એક પણ રાજા એવો થયો છે જેમની પાસે રાજા રામ જેવી સેના હોય?’

‘ના.’

‘એવા રાજા ભગવાન રામનો રપમી માર્ચે હેપ્પી બર્થ ડે છે. આમ તો ચૈત્ર સુદ નોમ એમનો જન્મ દિવસ છે. આજે પણ લોકો રામરાજ્યના દૃષ્ટાંત આપે છે અને ઉત્તમ રાજ્યવ્યવસ્થા માટે ‘રામરાજ્ય’ શબ્દ પ્રયોજાય છે. કોઈ એમ નથી કહેતું કે આપણે વિકાસ કરીને ‘સિકંદર રાજ્ય’ કે ‘નેપોલિયન રાજ્ય’ સ્થાપીશું. સૌને રામરાજ્યની ઝંખના છે.’ મેં પ્રવચન ઠપકાર્યું.

‘તમારી વાત સાવ સાચી છે.’

‘એટલે વિધાનસભામાં નેતાઓ ટપોરીની અદાથી ઝઘડે અને સગી પુત્રી ઉપર પિતા દુષ્કર્મ કરે તેનાથી પણ વધુ આઘાતજનક સમાચાર તો ધર્મજગતનો માણસ શસ્ત્રોનો મહિમા કરે તે છે. આપણા વડાપ્રધાને જોર્ડનના રાજા સાથે કુલ ૧ર કરાર કર્યા. તેમાં પણ યુવાનોને હિંસાના માર્ગે દોરી જતાં સંગઠનોએ વિરોધ કર્યો છે.’

‘આજે સવારના પહોરમાં સરસ ચર્ચા થઈ ગઈ. હવે મારે કૂકર મૂકવાનો સમય થયો છે. તમે બજાર જાવ તો મચ્છર મારવાનું રેકેટ લઈ આવજો.’

‘એ પણ એક પ્રકારની હિંસા જ થઈ.’ મેં કહ્યું.

‘અમુક હિંસા જરૃરી હોય છે. જો આપણે જીવતાં રહેવું હોય તો મચ્છર મારવા ફરજિયાત છે.’ પત્ની આટલું બોલીને રસોડામાં જતી રહી. ‘અમુક હિંસા જરૃરી હોય છે’ આ વાક્ય મને વારંવાર સંભળાવા લાગ્યું. મને રામનવમીના પવિત્ર દિવસે ગીતાના કૃષ્ણ યાદ આવ્યા. જે હણે એને હણવામાં કોઈ પાપ નથી એ વાક્યનું સ્મરણ થયું અને હું કપડાં બદલીને મચ્છર મારવાનું રેકેટ લેવા રવાના થયો.

મારા વહાલા વાચકોને રામનવમીની શુભકામના.

————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »