તમારા માટે, તમારી સાથે, સતત…

બાલકૃષ્ણ દોશીઃ ભારતીય સ્થાપત્યવિદ્યા અને પ્રકૃતિપ્રિયતાનું વૈશ્વિક બહુમાન

અમદાવાદમાં દોશી-હુસેનની ગુફા અમદાવાદની એક સિગ્નેચર બનતી જાય છે

0 876

સન્માન – અભિમન્યુ મોદી
abhimanyu.sandesh@gmail.com

‘ધ મધર ઓફ ઑલ આર્ટ્સ’ અર્થાત્ દરેક કળાઓને પોતાની હજાર ભુજાઓની અંદર સમાવી દેતી કળા એટલે સ્થાપત્યકળા. માનવજગતના સાંસ્કૃતિક ઉત્થાનમાં સ્થાપત્યશાસ્ત્ર-વાસ્તુશિલ્પનું અનન્ય મહત્ત્વ છે. પરાપૂર્વથી આર્કિટેક્ચરે આ દુનિયાનો ઇતિહાસ અને ભૂગોળ બનાવ્યા છે. આવી અદકેરી કળા માટે પ્રીત્ઝ્કેર આર્કિટેક્ચર પ્રાઇઝ જે સ્થાપત્યનું નોબેલ પ્રાઇઝ ગણાય છે તે આ વર્ષે આપણા વિખ્યાત અંતર્મુખી સ્થાપત્યવિદ્યાવિદ્દ બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીને મળ્યું. બાલકૃષ્ણ દોશી વિશ્વભરમાં ખૂબ પ્રતિષ્ઠિત એવા પ્રીત્ઝ્કેર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા. દક્ષિણ એશિયાના આર્કિટેક્ચરના ઇતિહાસમાં અતિમહત્ત્વનું સ્થાન ધરાવતાં નેવું વર્ષીય બાળકૃષ્ણ દોશીએ આ દુનિયાને આપેલા યોગદાનની દુનિયા સામે ફરી એક વખત નોંધ લેવાઈ.

Related Posts
1 of 319

‘દરેક ઈંટ સામે ધ્યાનથી જોશો તો તે તમારી સાથે વાત કરશે’ આવું આઈઆઈએમ અમદાવાદનું ઐતિહાસિક બિલ્ડિંગ સર્જનાર લુઈ ક્હાન બાલકૃષ્ણ દોશીને કહેતા. દોશી સાહેબનો જવાબ રહેતો કે, ‘હું કુદરત સાથે વાત કરું છું અને કુદરત મને પ્રત્યુત્તર આપે છે, પણ કુદરત તો મૌન ધારણ કરીને બેઠી છે, તેણે અવાજ કરીને પોતાની પ્રવૃત્તિ બતાવવાની જરૃર નથી.’ કદાચ એટલા માટે જ ગગનચુંબી ઇમારતો અને ઝાકમઝોળ ચમકાટ ધરાવતાં બાંધકામોને બદલે ભારતીય સૌંદર્યશાસ્ત્ર, આધુનિકતા અને કુદરતના ત્રિભેટા જેવી ડિઝાઇન બાલકૃષ્ણ દોશીએ ડિઝાઇન કરેલાં બાંધકામમાં જોવા મળે છે.

અમદાવાદમાં દોશી-હુસેનની ગુફા અમદાવાદની એક સિગ્નેચર બનતી જાય છે. તેમણે બનાવેલું સેપ્ટ-સેન્ટર ફોર ઍન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટૅક્નોલોજીનું બિલ્ડિંગ, વિઝ્યુઅલ્સ આર્ટ સેન્ટર, કનોરિયા સેન્ટર ફોર આટ્ર્સ તો અમદાવાદમાં અને ગુજરાતમાં પ્રચલિત છે. આઈઆઈએમ બેંગ્લોરની ડિઝાઇન દોશી સાહેબની છે. તે ઉપરાંત સંગાથ આર્કિટેક્ટ સ્ટુડિયો, વારાણસીનું જ્ઞાન પ્રવાહ સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડીઝ, ૧૯૯૦થી ૨૦૦૧ની વચ્ચે બનેલંદ પુણે ખાતેનું સવાઈ ગંધર્વ, અમદાવાદનો ટાગોર હૉલ જેવી નોંધપાત્ર જગ્યાઓ દોશી સાહેબના દિમાગ અને તે દિમાગ વડે કાગળ ઉપર દોડતી પેન્સિલની નીપજ છે. આખા ભારતમાં સો કરતાં પણ વધુ સ્થાપત્યો દોશી સાહેબની રચનાની દેન છે. પણ જે વાત બાલકૃષ્ણ દોશીને વિશ્વના બીજા આર્કિટેક્ટથી અલગ પાડે છે તે છે તેમની ડિઝાઇનમાં રહેલાં માનવમૂલ્યોનો ધબકાર. આર્થિક રીતે અસક્ષમ વ્યક્તિઓના જીવનની પીડા દોશી સાહેબે જોઈ છે અને માટે જ તેનું નિરાકરણ લાવવા માટે તેમણે વિશાળ ટાઉનશિપો બનાવી છે. કલોલની ઇફકો ટાઉનશિપ, બીમાનગર ખાતેના એલઆઈસી હાઉસિંગ જેવાં અનેક ઘરો તેમણે સાવ ઓછાં બજેટે બનાવ્યાં હતાં. ૧૯૭૦ની આસપાસ હૈદરાબાદમાં એસિલ ટાઉનશિપની રચના એવી રીતે કરી હતી કે પવન અને સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય પણ તે બાધારૃપ બને નહીં.

ચંદીગઢ જેવી સુઘડ રાજધાનીના સ્થપતિ એવા લ કર્બુઝીયરને બાલકૃષ્ણ દોશી પોતાના ગુરુ માને છે. તેમની સાથે તેમણે વર્ષો સુધી સાથે કામ કર્યું. લુઈ ક્હાન જેવા વિશ્વ પ્રસિદ્ધ આર્કિટેક્ટ સાથે તેમણે ઘણા સંયુક્ત પ્રોજેક્ટો પૂરા કર્યા. પુણેમાં જન્મેલા દોશી સાહેબે ઇન્ડિયન એસ્થેટિક્સ સાથે માનવ સંબંધો અને ભવિષ્યના યુગનો અજબ તાલમેલ તેમની ડિઝાઇનમાં કર્યો. પ્રેમજીત રામચંદ્રનની ‘દોશી’ ડોક્યુમેન્ટરી’માં દોશી સાહેબ કહે છે, ‘હું આર્કિટેક્ટ નથી, એ તો મારી શોધયાત્રા છે.’ આગામી પેઢીઓ માટે બહેતર વિશ્વ બનાવવા માટે સદૈવ મથતા જૂજ માનવીઓમાંના એક મુઠ્ઠી ઊંચેરા આ મહાન આર્કિટેક્ટની શોધયાત્રા જ તેમને સ્થાપત્ય કળાના વિશ્વમાં ગુરુશિખર ઉપર મુકે છે.
————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »