તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છના કલાકારે બનાવેલાં વહાણનાં મોડેલ પહોંચ્યાં દેશવિદેશમાં

The ship model made by the artist of Kachchh reached the countryside

0 709

પાંજોકચ્છઃ સુચિતા બોઘાણી કનર
sbk.bhuj1@gmail.com

કચ્છના માંડવી બંદરે બનનારાં વહાણોની જેમ બોલબાલા હતી તેમ જ આજે અહીં બનનારાં વહાણોનાં મોડેલ વિખ્યાત છે. વિવિધ ભાગો સાથે બનેલું વહાણનું મોડેલ સાચા વહાણની મિનીએચર કૃતિ જ હોય છે. અહીંના શિવજી ભુદા ફોફંડી નામના વયોવૃદ્ધ ખલાસીએ બનાવેલું વહાણનું મોડેલ ટાઇટેનિક જેવી ફિલ્મમાં વપરાયું છે તો અમેરિકા, જાપાન, મુંબઈ, વડોદરા, અમદાવાદ, ભુજનાં મ્યુઝિયમની શોભા પણ બન્યાં છે.

 

કચ્છના માંડવી બંદરે એક જમાનામાં સમૃદ્ધિની છોળો ઊડતી અને અહીં બનતાં વહાણો મારફતે દેશવિદેશમાં મોટાપાયે વેપાર ચાલતો હતો. ખાસ તો આફ્રિકા સાથે નિયમિત વેપાર ચાલતો હતો. અહીંની વેપારી કોમની સાથે ખલાસીઓ પણ તેમના સાહસ માટે પ્રખ્યાત હતા. માંડવીમાં બનેલાં વહાણો તે સમયે ભારે વિખ્યાત હતાં. તેમ આજે તેનાં મોડેલોની ખ્યાતિ દેશદેશાવર ફેલાઈ છે. માત્ર આઠ વર્ષના હતા ત્યારથી દરિયો ખેડતા શિવજી ભુદા ફોફંડી નામના માલમ આજે ૮૬ વર્ષની ઉંમરે વહાણે ચડવાના બદલે વહાણના મોડેલ બનાવીને વિખ્યાત થયા છે.

વીસમી સદીની શરૃઆતમાં માંડવીથી આફ્રિકાનું અંતર કાપતાં દેશી બનાવટના વહાણને દોઢ- બે મહિના જેટલો સમય લાગતો હતો. આ મુસાફરી સલામત રીતે પાર પડે તે માટે ખલાસીઓ આફ્રિકા પાસે આવેલા એક નાનકડા ટાપુ પરના શિકોતર માતાને નાનું વહાણ અર્પણ કરતાં. વહાણની મુસાફરી વખતે જ કોઈ ખારવો માતાજી માટે નાનું વહાણ બનાવતો અને વહાણ જ્યારે શિકોતર માતાના ટાપુ પાસેથી પસાર થાય ત્યારે તેને દરિયામાં અર્પણ કરાતું.

પોતાની કલા વિશે વાત કરતાં શિવજીભાઈ કહે છે, ‘હું સાત-આઠ મહિનાનો હતો ત્યારે જ મારા પિતાનું અવસાન થયું હતું. માતાએ પારકા કામ કરીને મને ઉછેર્યો અને આઠ વર્ષની વયે તો હું વહાણ પર ચડી ગયો. ૧૨ વર્ષની વયે તો માલમ તરીકેનો અનુભવ મળ્યો. પહેલી ખેપ દારેસલામથી જંગબારની ખેડી હતી. વહાણની મુસાફરી દરમિયાન જ માત્ર શોખથી મેં શિકોતર માતાને અર્પણ કરવાના વહાણ બનાવવાનું શીખ્યું હતું, પરંતુ બીજાની જેમ માત્ર ઢાંચો બનાવવાના બદલે મેં સાચા વહાણ જેવા ખુવા, ડેક, ધરો, મોરા, પઠાણ, સઢ, સુકાન વગેરે સાથેનું નાનું વહાણ બનાવવાનું શરૃ કર્યું હતું. તેમાં મને હથોટી બેસી ગઈ. પછી તો મેં અનેક વહાણોનાં મોડેલ બનાવ્યાં અને મહાનુભાવો, અનેક સંગ્રહાલયો અને મોટી-મોટી હોટેલોને આપ્યાં છે. મારા પછી આ કલા લુપ્ત ન થઈ જાય તે માટે હું નાનકડી કાર્યશાળા પણ ચલાવું છું. જેમાં યુવાનોને મોડેલ બનાવતાં શીખવું છું.’

તેમણે એક વખત માંડવીના પોર્ટ ઑફિસના એક કર્મચારીને એક વહાણનું મોડેલ ભેટ આપ્યું હતું. ત્યાર પછી ઘણા વખતે તેમણે પોર્ટ ઑફિસમાં નોકરી મળે તે માટે અરજી કરી હતી. ઇન્ટરવ્યૂમાં પોર્ટ ઓફિસરે તેમના જ મોડેલને તેમની સામે રાખીને વહાણના વિવિધ ભાગના નામ પૂછ્યા ત્યારે ‘આ મોડેલ તો મારું જ બનાવેલું છે. મને તેના તમામ ભાગ વિશે પૂરતી ખબર છે.’ તેવું કહ્યું ત્યારે પોર્ટ ઓફિસર થોડી વાર તો તે માની શક્યા ન હતા. તેમને પોર્ટ ઑફિસમાં નોકરી મળી ગઈ. નાની હોડીઓ ચલાવવાથી માંડીને ટંડેલ, સુકાની, સારંગ, સુપરવાઇઝર, વર્કશોપ ફોરમેન, ગનર, પોર્ટ ઓફિસર ઉપરાંત મોટા સ્ટીમરોનું પાઇલોટિંગ કરવાની કામગીરી પણ તેમણે સુપેરે બજાવી હતી.

Related Posts
1 of 319

માંડવીમાં બનતાં વહાણોનાં મોડેલ ઉપરાંત વિવિધ જહાજો, સ્ટીમરોના માત્ર ફોટા જોઈને તેના ૨૦૦૦થી વધુ મોડેલ તેમણે બનાવ્યા છે. પોરબંદર પાસે ડૂબી ગયેલી હાજી કાસમની ‘વીજળી’નું મોડેલ બનાવ્યું છે. ટાઇટેનિક ફિલ્મમાં એક સીનમાં તેમણે બનાવેલું ૬ ફૂટનું મોડેલ દર્શાવાયું છે. તેમણે ૬ ઇંચથી માંડીને ૧૫ ફૂટની લંબાઈનાં વહાણોનાં મોડેલ બનાવ્યાં છે. વધુ મોડેલ ૬ ફૂટનાં છે. ફિરંગી લોકો જેવા પ્રકારના વહાણમાં બેસીને ભારત આવ્યા હતા તેવા વહાણની તેમણે બનાવેલી ૧૫ ફૂટની

પ્રતિકૃતિ અત્યારે ગોવાના મ્યુઝિયમમાં છે. અમેરિકા શોધવા ગયેલા ક્રિસ્ટોફર કોલંબસે જે વહાણમાં સફર કરી હતી તે વહાણનું મોડેલ પણ તેમણે બનાવ્યું હતું. આ મોડેલ ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપનીએ અમેરિકાના કોઈ મ્યુઝિયમમાં રાખેલું છે.

મોડેલ બનાવવા માટે તેઓ સાગવાની લાકડાંનો ઉપયોગ કરે છે. તેઓને એક ૬ ફૂટનું મોડેલ બનાવતા ૧૦થી ૧૨ દિવસ લાગે છે અને રૃ.૫૦ હજારની આસપાસની કિંમતે તે બને છે. જ્યારે ૧૫ ફૂટનું મોડેલ બનાવતા ૨ મહિનાથી વધુ સમય લાગે છે. તેની કિંમત અંદાજે રૃ. ૨-૩ લાખની હોય છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પહેલા વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, ઇંદિરા ગાંધી, નરેન્દ્ર મોદી, વિજય રૃપાણી સહિતના મહાનુભાવો તેમનાં વહાણોનાં મોડેલ જોઈને પ્રભાવિત થયા હતા. મુંબઈ, દિલ્હી સહિતનાં શહેરોની મોટી-મોટી હોટેલોને પણ તેમણે બનાવેલાં વહાણોનાં મોડેલો શોભાવે છે.

તેમના શિપ મોડેલ સેન્ટરમાં તર, મછવા, સ્ટીમર ઉપરાંત વિવિધ પ્રદેશના વિવિધ પ્રકારનાં વહાણોના નમૂના જોવા મળે છે. તેઓ ભવિષ્યમાં માંડવીના દરિયા કિનારે એકાદ એકર જગ્યામાં સિમેન્ટ કોંક્રિટનું અત્યાધુનિક શિપ બનાવવાની મહેચ્છા ધરાવે છે. જેમાં ક્રૂઝ જેવી શિપમાં મળતી તમામ સુવિધાઓ જેવી કે સ્વિમિંગ પુલ, જિમ, સિનેમાગૃહ, ફાસ્ટફૂડ ઝોન, દરિયાઈ જીવસૃષ્ટિનું મ્યુઝિયમ જેવી વિવિધ સુવિધા હોય.

આ કલા તેમની સાથે લુપ્ત ન થઈ જાય તે હેતુથી તેઓ યુવાનોને મોડેલ બનાવતા શીખવે છે. અત્યારે તેમની પાસે ૬-૭ યુુવાનો શીખી રહ્યા છે. જો યુવાનો આ કલામાં પ્રવીણ થઈ જાય તો તેમને એક નવો વ્યવસાય હાથ લાગી શકે. તેમનો પૌત્ર નિશાંત આજે વહાણના મોડેલ બનાવવાના શોખને વ્યવસાયમાં પલટાવી રહ્યો છે. તે લાકડાં અને ધાતુનાં વહાણો બનાવે છે.

 

———————.

Leave A Reply

Your email address will not be published.

Translate »