તમારા માટે, તમારી સાથે, સતત…

આ શંકર જુદી માટીના હતા

પ્રતિષ્ઠિત કાંચી કામાકોટી પીઠના ૬૯મા શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનો દેહવિલય

0 477

શ્રદ્ધાંજલિ – હિંમત કાતરિયા

પ્રતિષ્ઠિત કાંચી કામાકોટી પીઠના ૬૯મા શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનો દેહવિલય થયો છે. મહાસ્વામી તરીકે ઓળખાતા તેમના ગુરુ ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીના સીધા વારસ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી તેના પુરોગામી કરતાં લગભગ તમામ મુદ્દે જુદા પડતા હતા. આવો, તેમની હાજરીને સમજીએ….

શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી પરંપરાવાદી ઓછા અને સુધારાવાદી વધુ હતા. તેમણે ઘણીવાર રૃઢિવાદની મર્યાદાઓ ઓળંગીને મઠની પહોંચ અને પ્રભાવ વિસ્તાર્યા છે. આ શંકરાચાર્ય વિવાદાસ્પદ રહ્યા તેમાં પણ તેમની તાલીમ અને મઠની આભાથી વિપરીત આ જોખમી ક્ષેત્રોમાં પ્રવેશ જ કારણભૂત હતો. તેમની સાથે જોડાયેલા વિવાદમાં ગુરુ-શિષ્યની તકરાર પણ સમાયેલી છે. ગુરુ મહાસ્વામીના પ્રયત્નોને કારણે કાંચી મઠ દિવ્યતામાં ચારેય મઠમાં સૌથી આદરણીય બન્યો હતો. તેમની નમ્રતા અને સરળતા, તેમની સૌમ્યતા અને મૌને લાખોને તેમના તરફ આકર્ષ્યા હતા. મહાવિદ્વાનો, મોટા રાજનેતાઓ, મોટા શ્રેષ્ઠીઓ તેમનાં દર્શન અને તેમની વાણીમાં તરબોળ થવા તરસતા હતા. આપખુદો તેમનાં દર્શન માત્રથી શાંત બની જતા હતા. મહાસ્વામીની હાજરીમાં મઠ સિદ્ધિના શિખરે પહોંચ્યો હતો. તેમના સીધા વારસ જયેન્દ્ર સરસ્વતી તેમનાથી સાવ સામે છેડે હતા.

મહાસ્વામી શાંત હતા, તો જયેન્દ્ર સરસ્વતી વાચાળ હતા. મહાસ્વામી પદયાત્રા કરતા તો જયેન્દ્ર કાર કે વિમાનનો ઉપયોગ કરતા. ગુરુ પ્રસિદ્ધિથી દૂર ભાગતા, શિષ્ય પ્રસિદ્ધિથી હરખાતા. મહાસ્વામી સ્વયંમાં ડૂબકી લગાવતા તો જયેન્દ્ર દુનિયા સાથે મંત્રણા કરતા. આ વિરોધાભાસના કારણે જ ૧૯૮૮ની સ્થિતિનું નિર્માણ કર્યું અને જયેન્દ્ર સરસ્વતી પોતાની ઇચ્છા પ્રમાણેનું પરિવર્તન લાવી શકાશે નહીં એમ માનીને કોઈને પણ જાણ કર્યા વગર મઠ છોડીને જતા રહ્યા હતા. તેમનાં આ પગલાંથી મઠ અને તેમના લાખો શ્રદ્ધાળુઓને આઘાત લાગ્યો હતો. જોકે તેઓ આવેગોના શમન પછી પાછા ફર્યા અને મહાસ્વામીના દેહવિલય બાદ ૧૯૯૪માં શંકરાચાર્ય બન્યા.

શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી માત્ર આધ્યાત્મિક પથદર્શક બની રહેવાને બદલે સમાજસેવક પણ બન્યા. તેમણે હિન્દુ સમાજને એક કરવાનું કામ કર્યું. શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીની મહેનતરૃપે આજે ૫૦ પરંપરાગત વૈદિક પાઠશાળાઓ અને મંદિરો ઉપરાંત કાંચી મઠ ડિમ્ડ યુનિવર્સિટી અને ડઝન જેટલી સ્કૂલો અને હૉસ્પિટલો ચલાવે છે. શંકરાચાર્યે મઠનું બંધિયારપણુ તોડી નાખ્યું. તેઓ હરિજન વસ્તીમાં ગયા અને મઠમાં હજારો નવા ભક્તોની ભરતી કરી. તેમણે મઠને આધ્યાત્મિક અને ધાર્મિક મઠમાંથી સામાજિક પ્રવૃત્તિઓથી ધમધમતો મઠ બનાવી દીધો. આ કારણે તેમની લોકપ્રિયતામાં પણ ઘણો વધારો થયો.

શંકરાચાર્યે દલિતોના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે કામ કર્યું. ભગવાન નટરાજના નંદનાર નામના ભક્તને તે મોચી હોવાના કારણે તેનો મંદિરમાં પ્રવેશ નિષેધ હતો. નંદનારે ભગવાન શિવની સ્તુતિઓ લખી હતી અને
પછીથી તો તેમને સંત તરીકે પૂજવામાં આવતા હતા. શંકરાચાર્યે મોચીના મંદિર પ્રવેશ માટે અભિયાન ચલાવ્યું હતું. શંકરાચાર્યની મુખ્ય ભાવના હતી કે માનવ સેવા એ જ ખરી પ્રભુ સેવા છે અને એટલે લોકો મઠથી દૂર રહે તે ન ચાલે.
શંકરાયાર્યનો મત હતો કે સનાતમ ધર્મ માટે જ મઠની સ્થાપના કરવામાં આવી હતી, વર્ગ, જ્ઞાતિ કે સમુદાયોને એમાં સ્થાન ન હોવું જોઈએ. આદિ શંકરાચાર્ય અદ્વૈત ફિલસૂફીના હિમાયતી હતા અને અદ્વૈત ફિલસૂફીનું સત્ત્વ છે કે અહં બ્રહ્માસ્મિ અર્થાત્ કે હું જ બ્રહ્મ(બ્રાહ્મણ) છું. આ ફિલસૂફી એ પણ પ્રતિપાદિત કરે છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. જયેન્દ્રજીના પુરોગામી શંકરાચાર્ય ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીએ આપેલાં પ્રવચનો તામિલમાં અને બાદમાં હિન્દુ ધર્મ તરીકે અંગ્રેજીમાં પ્રકાશિત થયાં હતાં. જયેન્દ્ર સરસ્વતીજીએ આવાં કોઈ પ્રવચનો છપાવ્યાં નહોતાં.

Related Posts
1 of 269

શંકરાચાર્યના રાજકીય સંપર્કો પણ ઘણા મજબૂત હતા. મુસ્લિમ મૌલવીઓ અને ઓલ ઇન્ડિયા પર્સનલ લૉ બોર્ડના સભ્યો સાથે વાટાઘાટોથી અયોધ્યા રામ મંદિરના વિવાદનો ઉકેલ આવે એ માટે પણ શંકરાચાર્યે ઘણા પ્રયત્નો કર્યા હતા. જોકે મુસ્લિમ પ્રતિનિધિઓએ તેમની વિશ્વસનીયતાના ધોરણે શંકરાચાર્યનો મધ્યસ્થી તરીકે સ્વીકાર કર્યો હતો છતાં તેમને પ્રયત્નોમાં સફળતા મળી નહોતી.

સુધારાવાદી શંકરાચાર્ય બનવાના નફા અને નુકસાન બંને છે. આ કારણે મઠના કેટલાક તત્ત્વોએ શંકરાચાર્યમાં પરંપરાને તોડવાનો દોષ જોયો. દરમિયાન મંદિરના મેનેજરની હત્યા થઈ. શંકરાચાર્યને કાંચી વરદરાજ પેરુમલ મંદિરના મેનેજરના ખૂનના આરોપ હેઠળ જેલમાં પૂરવામાં આવ્યા હતા. દ્રવિડ કઝગમ પાર્ટી અને સોનિયા ગાંધીએ આને એક રાજકીય તક તરીકે જોઈ અને શંકરાચાર્યની ધરપકડ થઈ. ૨૦૦૪માં હિન્દુ મહાતહેવાર દિવાળીના દિવસે જ સોનિયાએ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું આયોજન કર્યું હતું. એ માટે સોનિયા ગાંધીએ મિટિંગ બોલાવી હતી અને એ મિટિંગની વિગતો પ્રણવ મુખર્જીએ તેમની આત્મકથામાં લખી છે. પ્રણવદા લખે છે કે, ‘એ મિટિંગમાં મારો ગુસ્સો ફાટી પડ્યો હતો. મેં એ કેબિનેટ મિટિંગમાં કહ્યંુ હતું કે ભારત દેશનું સેક્યુલારિઝમ માત્ર હિન્દુ સાધુની ધરપકડ પૂરતું જ સીમિત છે? સરકારમાં ઈદ વખતે મુસ્લિમ મૌલવીની ધરપકડ કરવાનું સાહસ છે? કરોડો હિન્દુઓની આસ્થા શંકરાચાર્ય સાથે જોડાયેલી છે અને ખાસ કરીને દિવાળીના દિવસે શંકરાચાર્યની ધરપકડ ન કરવામાં આવે એવી મેં દલીલ કરી હતી. તે વખતે વડાપ્રધાનના મુખ્ય સલાહકાર એમ.કે. નારાયણન મારી વાત સાથે સંમત હતા,’

પરંતુ સોનિયાએ પોતાનું ધાર્યું જ કર્યું. મેનેજર શંકરરમન શંકરાચાર્યના ટીકાકાર હોવાથી શંકરાચાર્યે ગુંડા અપ્પુને સોપારી આપીને મેનેજરનો કાંટો કઢાવી નાખ્યો એવા આરોપ સાથે ૧૧ નવેમ્બર, ૨૦૦૪ના દિવાળીના દિવસે શંકરાચાર્યની ધરપકડ કરાઈ અને જેલમાં પૂરવામાં આવ્યા. કોર્ટમાં ૨૦૦૯થી ૨૦૧૩ દરમિયાન ૧૮૯ સાક્ષીઓનું હિયરિંગ થયું અને અંતે શંકરાચાર્ય નિર્દોષ છૂટ્યા.
સરકારના ઇશારે, અન્ય કોઈ પણ આરોપી માટે જામીન ઉપલબ્ધ હોય છે તે જામીન શંકરાચાર્ય માટે મૅજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરાયા. આખરે તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા, પરંતુ બધી કાર્યવાહીમાં શંકરાચાર્ય અભિમન્યુની જેમ દ્રઢ રહ્યા. છેલ્લે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના જજ રેડ્ડીએ શંકરાચાર્યને નિર્દોષ ઠેરવતા કરેલી ટિપ્પણી ફરી યાદ કરવા જેવી છે. રેડ્ડીએ કહ્યું, ‘સરકારે ૨૫૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવતાં પ્રાચીન, પ્રતિષ્ઠિત અને તેજસ્વી મઠને લોકનજરમાંથી ઉતારી પાડવાની કોશિશ કરી હતી. તેમને અપમાનિત કરવા અતિ ભારે શબ્દોનો પ્રયોગ થયો. તેમની સાથે કૌરવોની કોર્ટમાં દ્રૌપદી સાથે થયો હતો તેવો વ્યવહાર થયો છે.’

ઉપજાવી કાઢેલા કેસમાં નાટકીય વળાંક તો ત્યારે આવ્યો કે જ્યારે કાંચીપુરમ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં પોલીસનો જેમના ઉપર બહુ મદાર હતો તેવા બે ગુંડાઓ શંકરાચાર્યને આરોપી ગણાવતા હતા તે ફરી ગયા અને તેમણે પોલીસને ગુનેગાર ઠરાવીને કેસ પોલીસે ઉપજાવી કાઢ્યો હોવાનું કહ્યું હતું.

શંકરાચાર્યની ધરપકડના અઠવાડિયામાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેમના ઉપરની આ ખોટી અને અન્યાયી કાર્યવાહી છે. ૯ વર્ષ બાદ કોર્ટે પણ તેમને નિર્દોષ છોડ્યા, પરંતુ નવ વર્ષ સુધી તેમણે ધરપકડની ભારે પીડા અને અપમાન વેઠવા પડ્યા હતા. ચાર્જશીટ દાખલ કરતાં પહેલાં જ તેમને અપરાધી જાહેર કરી દેવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા તેમની સમાજસેવાને બિરદાવી હતી. સૌથી આશ્ચર્યકારક શ્રદ્ધાંજલિ દ્રવિડ કઝગમ નેતા કે. વીરામણી તરફથી આવી હતી. તેમણે કહ્યંુ હતું, ‘મારે કાંચી મઠ સાથે તીવ્ર મતભેદો હોવા છતાં મને તેમના મૃત્યુનંુ ભારે દુઃખ છે.’

જયેન્દ્ર સરસ્વતી પર લાદવામાં આવેલી પીડા પણ તેમની સાથે વિલીન થઈ છે, પરંતુ મઠ અને તેમના લાખો શાંત ભક્તોના દિલમાં પડેલા એ ઘાવનું શું? માનવાધિકારના પહેરેદારો અને જેમણે એક દશક સુધી શંકરાચાર્યને પીડ્યા તેમણે આત્મમંથન કરવું રહ્યંુ જેથી આવી ઘટના ફરી ન બને.
————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »