તમારા માટે, તમારી સાથે, સતત…

દીકરી ઈશ્વરનું અમૂલ્ય વરદાન – નસીબદારને ત્યાં જ અવતરે – હેતલ રાવ

'બેટી બચાવો, બેટી પઢાવો' આ સ્લોગન બધાને સારું લાગે છે. એટલું જ નહીં,

0 1,297

‘બેટી બચાવો, બેટી પઢાવો’ આ સ્લોગન બધાને સારું લાગે છે. એટલું જ નહીં, પણ સરકારની આ પહેલને લોકો આવકારે પણ છે, પરંતુ હકીકતમાં જ્યારે બેટી બચાવાની વાત આવે કે દીકરી અવતરે ત્યારે લોકોનો અણગમો સ્પષ્ટ જોવાય છે. કદાચ આવા જ અણગમાના કારણે આજે પણ રાજ્યમાં છોકરાઓની સંખ્યા કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે, પણ આપણે આ બધી વાતો નથી કરવી જ્યારે મહિલા દિવસની વાત છે ત્યારે એવા સમાજને અને વ્યક્તિઓને સન્માન આપવું છે જે મહિલાનું મૂળ એટલે કે દીકરી જન્મને વધાવે છે અને દીકરીઓને ઈશ્વરનું અમૂલ્ય વરદાન માને છે.

 

અરે… સુનિતાએ બીજી દીકરીને જન્મ આપ્યો, હવે તો હદ થઈ, એક તો હતી અને બીજી પણ આવી. હૉસ્પિટલના ખાટલે પડી સુનિતા આ બધંુ સાંભળી રહી હતી. તેની સાસુમાના આ શબ્દો તેનું દિલ ચીરી રહ્યા હતા, કારણ કે પોતાની સાસુમાને પણ પહેલાં ત્રણ દીકરી અને પછી દીકરો આવ્યો હતો. છતાં તે પોતાની વેદના સમજી નહોતા શકતા, સુનિતાને બીજી દીકરી આવી, પણ તે નિરાશ નહોતી તેના માટે તો દીકરી અને દીકરા બંને સમાન હતાં, પણ ઘર, કુટુંબ અને સમાજને કેવી રીતે સમજાવે કે મારા મને બંને સરખાં છે. ે સુનિતા આંસુ સારતી બધું સહન કરી રહી હતી અને વિચારી રહી હતી કે દીકરીને જન્મ આપવો ગુનો છે. આ માત્ર એક સુનિતાની વાત નથી, આવી તો ઘર-ઘરમાં સુનિતા જોવા મળે છે.

કેટલીક વાર તો પતિ પત્નીના છૂટાછેડા પણ એટલા માટે થાય છે કે પત્ની દીકરાને બદલે દીકરીને જન્મ આપે છે, કારણ કે ભલે દીકરીને સાપનો ભારો સમજવામાં ન આવે, પરંતુ આ બધા વચ્ચે એવા લોકો પણ છે જે આજે પણ દીકરીને લક્ષ્મી સમજે છે, જ્યાં દીકરીના જન્મને આવકારવામાં આવે છે અને તેનાં પગલાંને મઢીને રાખવામાં આવે છે. હવે ધીમે-ધીમે સમાજ પણ જાગૃત થયો છે. જુદા-જુદા સમાજના લોકો દીકરી જન્મને પ્રોત્સાહન આપવા અનેક કાર્યો કરે છે. જ્યારે ઘણી એવી ફેમિલી છે જેમને એક કે બે દીકરીઓ જ છે છતાં તેમને ક્યારેય દીકરાની અપેક્ષા નથી રાખી. એટલું જ નહીં, પણ દીકરીને દીકરા કરતાં પણ સારી રીતે પાલન કરે છે.

બ્રહ્મભટ્ટ સમાજમાં પહેલેથી જ દીકરીને વિશેષ માન આપવામાં આવે છે. પિતા પણ પોતાની દીકરીને તું કહીને બોલાવાની જગ્યાએ તમે કહીને બોલાવે છે. દીકરીથી વિશેષ પિતા માટે કોઈ હોતું નથી. માટે જ આ સમાજમાં દીકરીને સન્માન આપવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ વિશે વાત કરતા બ્રહ્મભટ્ટ સમાજના બી.ડી રાવ હૉલના મૅનેજિંગ ટ્રસ્ટી મહેશ બારોટ જણાવે છે, ‘હું ઘણો નાનો હતો જ્યારે મારા પિતાનું નિધન થયું હતુ,  મારા મમ્મી હંમેશાં કહેતાં કે, દીકરા, આપણા સમાજ માટે તું કંઈ કરે તેવી મારી ભાવના છે. માટે જ્યારે પણ તારા પરિબળ મજબૂત થાય તો તંુ દીકરીઓ માટે કંઈક વિચારજે.

આજે જ્યારે દીકરી બચાવોની વાત આવે છે ત્યારે પ્રથમ પહેલ સમાજથી જ થાય તેવી લાગણી થાય છે. માટે મેં એવું નક્કી કર્યું કે જ્યારે પણ બ્રહ્મભટ્ટ સમાજમાં પ્રથમ નહીં, પણ બીજી દીકરી અવતરશે ત્યારે તેનાં લગ્ન સમયે હું એક લાખ રૃપિયા આપીશ. આ એક નાનકડી પહેલ છે સમાજ માટે. જેના કારણે એક દીકરી હોવા છતાં પણ જો બીજી દીકરી આવે તો તેને એટલા જ સન્માનથી વધાવવામાં આવે. આ અમારા પરિવાર તરફથી અમારા સમાજ માટેની એક ફરજ છે જે અમે નિભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દીકરી વ્હાલનો દરિયો છે અને તે ઈશ્વરનું અમૂલ્ય વરદાન છે, જે દરેકના ઘરે નહીં, પણ નસીબદારને ત્યાં જ અવતરે છે.’

Related Posts
1 of 289

જ્યારે બીજી બાજુ એવી વ્યક્તિઓ પણ છે જે જાતે જ આ પહેલ કરી રહ્યા છે. જેમની માટે દીકરી કે દીકરો હોવું સમાન છે. નડિયાદના વતની શકુંત પટેલને બે દીકરીઓ છે. ફાલ્ગુ અને શ્રીજી. તેમના જ શબ્દો ટાંકું તો, ‘જ્યારે ફાલ્ગુ આવી ત્યારે અમારી ખુશીનો પાર નહોતો. જાણે ભગવાને અમને દુનિયાની દરેક ખુશીથી નવાજ્યા હોય તેવું લાગ્યું. આજે સમાજમાં દીકરીના જન્મને વધાવવામાં આવે છે, પરંતુ તે સમયે એટલે કે ૧૯ વર્ષ પહેલાં મહિલા ગર્ભવતી રહે એટલે ઘરનો વારસદાર કે પછી માતા-પિતાનો સહારો જ જોઈએ એટલે કે દીકરો જ જોઈએ તેવું માનવામાં આવતું. તે સમયે મારી પ્રિન્સેસ ફાલ્ગુનો જન્મ, પરંતુ હું અને મારી પત્ની સોનલ બંને ખૂબ ખુશ હતાં, કારણ કે લક્ષ્મી આવી હતી. સાથે જ પરિવારે પણ મારી ફાલ્ગુને દીકરાના જેમ જ આવકારી જ્યારે મારી શ્રીજી આવી ત્યારે તો અમે રીતસરના અભિભૂત બની ગયા કે ઈશ્વર આટલો બધો કૃપાળુ છે કે અમને બે-બે દીકરીઓનું સુખ આપ્યું. મારી બંને દીકરીઓ શેર છે. તો વળી બાળપણથી મારી બહેન સાથે પણ ઘનિષ્ઠ સંબંધ. બહેન કરતાં તે મિત્ર, વેલવિશર અને ક્યારેક માતા પણ બની જતી. તેને જ્યારે સાસરે વળાવી ત્યારે ખરેખર એક દીકરીની ખોટ સાલવા લાગી અને સાચું કહું ત્યારે એવું લાગ્યુ કે દીકરીઓ તો ભાગ્યસાળીને ત્યાં જ હોય. થેન્ક્સ ટુ ગોડ કે મારા ભાગ્યમાં એક નહીં પણ બે દીકરીઓ છે. મારા સમાજમાં પણ હંમેશાં દીકરીઓને સન્માન મળે તે માટે મારા પ્રયત્ન રહે છે.

જ્યારે સરમશખાન પઠાણની વાત થોડી જુદી છે. તેમને તો દીકરી માટે ૧૭ વર્ષ રાહ જોવી પડી અને જ્યારે તેમની આતુરતાનો અંત આવ્યો ત્યારે તેમણે પણ ઉપરવાળાનો ઉપકાર માન્યો. તેમની જ લાગણીને વર્ણવું તો, ‘મારે સંતાન સુખ માટે ઘણી રાહ જોવી પડી, પણ જ્યારે અલ્લાહે મારી સામે જોયું ત્યારે અમારી ‘સારા’ આ દુનિયામાં આવી. તે દીકરી છે કે દીકરો તેનાથી અમને કોઈ જ ફરક નથી પડતો. બસ, મારે તો મારા ઘરની ખુશી જોઈતી હતી અને તે મારી દીકરીથી છે. ઉપરવાળાનો શુકરગુજાર છું. તેમને મને વર્ષો રાહ જોવડાવ્યા પછી પણ તેની રહેમત રૃપે દીકરી આપી, કારણ કે દીકરી તો નસીબદારના ત્યાં જ હોય.’ ઘણીે અમારી ખુશી અમારું જીવન છે. તેના આવવાથી લાગે છે કે દીકરી કરતાં વધુ પ્યારું તો કોઈ જ ન હોઈ શકે.

આ રીતે ઘણી હૉસ્પિટલ પણ છે જેમાં દીકરી જન્મને વધાવવા માટે એક હજાર રૃપિયા રોકડ ભરેલી થેલી આપવામાં આવે છે. તો વળી ઘણી જગ્યાએ દીકરીના જન્મની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. આજકાલ તો સોશિયલ સાઇટ પર અનેક વીડિયો જોવા મળે છે. જેમાં દરેક રીતે દીકરીને શ્રેષ્ઠ સાબિત કરી છે. આવા તો એક બે નહીં, પરંતુ અગણિત ઉદાહરણો છે જે સાબિત કરે છે કે દીકરી કે દીકરો તે ઉપરવાળાની દેન છે જ્યારે ભગવાન તેમાં ભેદ નથી કરતા તો આપણને હક નથી તેમાં તફાવત કરવાનો, પરંતુ સાથે એક વિચાર એ પણ આવે છે કે આવી વાતો આજે પણ સાબિત કરવી પડે છે. લોકોને કહેવું પડે છે કે મારે દીકરી છે. તમારે ચિંતા કરવાની જરૃર નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક આજે પણ દીકરીને અવગણવામાં આવે જ છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં બાળકીઓની સંખ્યા બાળકોની સંખ્યા કરતાં નાંેધપાત્ર રીતે ઘટી છે. દીકરીઓને બચાવવા માટે દરેક સમાજે આગળ આવીને વ્યક્તિગત પહેલ કરવી પડશે. આ પહેલ થશે તો પછી દીકરી બચાવો અભિયાનની જરૃર નહીં રહે. માટે જ આ મહિલા દિવસે ‘દીકરી બચાવો દીકરી ભણાવો’ અને ‘દીકરા દીકરીના ભેદભાવને દૂર કરો’ના સૂત્રને સાર્થક કરીએ ત્યારે જ સાચો મહિલા દિવસ સાર્થક થશે.

—.

રાજ્યમાં દીકરી બચાવો ઝુંબેશનો ફિયાસ્કો
નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કન્યા જન્મના પ્રમાણમાં ભારે ઘટાડો નાંેધાયો છે. ૨૦૧૨ની તુલનામાં છોકરીઓના જન્મનું પ્રમાણ ૬૦ ટકા જેટલંુ ઓછું થયું છે. ૨૦૦૭થી ૨૦૧૩ સુધી બાળકીઓનું જન્મ પ્રમાણ વધ્યંુ હતું, પરંતુ ફરી એકવાર તેમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૃપિયા બેટી બચાવો અભિયાન પાછળ ખર્ચે છે, પરંતુ આ અભિયાન પૂર્ણ થયું નથી. ૨૦૧૨માં દર હજાર છોકરાઓએ ૯૦૭ બાળકીઓનો જન્મ નોંધવામાં આવ્યો હતો. જ્યારે ૨૦૧૬માં આ આંકડો ઘટીને ૮૪૮ થઈ ગયો છે. પીસીપીએનડીટી એટલે કે ગર્ભપાત અટકાવવાનો કાયદો તો છે, પરંતુ તેને હજુ પણ વધુ કડક રીતે અમલમાં મુકાય તે જરૃરી છે. એક બાજુ અનેક સમાજના લોકો અને વ્યક્તિગત પણ બેટી બચાવો બેટી ભણાવોને સાર્થક કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આ રીતે બેટીને અવગણવામાં પણ આવે છે.

—————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »