તમારા માટે, તમારી સાથે, સતત…

દર્દ નિવારક પુષ્પો

સ્વર્ગસ્થ રાજીવ દીક્ષિતે પારિજાતનાં પાંદડાંનો મહિમા વર્ણવતા કહ્યું છે કે ...

0 1,549

ફૂલો ફોરમતા ફાગણમાં હોળી રમવી એ મૂળ તો ફાગણના વધામણાનો ઉત્સવ છે. ફૂલોને અને તેની રંગતને આવકારવાનો તહેવાર છે. કહેવાય છે કે ફાગણમાં ક્યારેક યક્ષો અને ગાંધર્વો પણ હિમાલયની રમણીય વાદીઓમાં વિહાર કરવા ગાંધર્વલોકથી ઊતરી આવે છે. જોકે અહીં આપણે ફૂલોની સુંદરતા અને સુગંધની મહત્તા નથી ગાવી, પરંતુ જેનાથી આપણે ઓછા જ્ઞાત છીએ એવા ફૂલોના ઔષધિય ઉપચારની વાત કરવી છે. આવો જોઈએ, કયું ફૂલ કઈ બીમારીને મટાડે છે…

પારિજાતને ગુજરાતીમાં હરશણગાર કહે છે. સ્વદેશી જાગરણની અહાલેખ જગાવનાર સ્વર્ગસ્થ રાજીવ દીક્ષિતે પારિજાતનાં પાંદડાંનો મહિમા વર્ણવતા કહ્યું છે કે ૪૦ વર્ષ જૂના વા અર્થાત્ કે આર્થરાઇટિસને નાબૂદ કરવાની ક્ષમતા પારિજાતમાં છે. રાત્રે પારિજાતનાં ૫-૭ પાન તોડીને એક ગ્લાસ પાણીમાં નાખી, પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળીને પછી ઠંડું થવા દેવું. સવારે ભૂખ્યા પેટે ગાળીને પી જવાથી ૪૦ વર્ષ જૂનો આર્થરાઇટિસ ૭ દિવસમાં ઠીક થઈ જશે. પારિજાતનાં પાનનો રસ સવાર-સાંજ ગોળ કે ખાંડ સાથે લેવાથી કૃમિ મટે છે. વાળના ખોડા માટે પારિજાતના બીનું ચૂર્ણ પાણી કે છાશમાં વાટીને માથાના વાળના મૂળમાં રાતે ભરી દેવું અને સવારે ધોઈ નાખવું. થાઈરોઈડમાં તેનાં પાંદડાંનો લેપ લાભદાયક છે. શ્વાસ કે દમના દર્દી માટે તેની છાલનું ચૂર્ણ પાનમાં રાખીને ખાવાથી સલાહ અપાય છે. હરશણગારનાં બીજને પીસીને ટાલ પર લગાવવાથી નવા વાળ આવે છે. પાંદડાને પીસીને લગાવવાથી દાદર દૂર થાય છે. આ બધામાં ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું કે વસંતઋતુમાં પારિજાતનાં પાંદડાં ગુણહીન થઈ જાય છે. એટલે આ પ્રયોગો વસંતઋતુમાં કામ નથી આવતા. ચીન અને તાઇવાન જેવા દેશોમાં પારિજાતનાં ફૂલો અને પાંદડાંની હર્બલ ટી બનાવવામાં આવે છે. તેનાં બે પાંદડાં અને ૪ ફૂલોને મેળવીને પાંચ કપ ચા બનાવી શકાય છે. દૂધ વગરની આ ચા તબિયત માટે બહુ ફાયદાકારક છે. પારિજાતનું વૃક્ષ ઘર આંગણે હોય તો તે સારી સુગંધ પ્રદાન કરવાની સાથે તમારા ઘરમાં બહારથી આવતી નકારાત્મક ઊર્જાને રોકે છે અને આરોગ્યની પણ રખેવાળી કરે છે.

પારિજાતની એક રસપ્રદ કથા જોઈએ.
પારિજાતનું ઝાડ પાંચ હજાર વર્ષ સુધી જીવિત રહી શકે છે. ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના બોરોલિયા ગામમાં પારિજાતનું બહુ જૂનું અને વિશાળકાય ઝાડ છે. આ ઝાડ નીચે બેસવાથી ઘડીકમાં થાક દૂર થઈ જાય છે અને તાજગી અનુભવાય છે. આ પારિજાતના વૃક્ષની કથા એવી છે કે નારદે શ્રીકૃષ્ણને સ્વર્ગનું પારિજાતનું ફૂલ ભેટમાં આપ્યું હતું. એ ફૂલ શ્રીકૃષ્ણે રુકમણીને આપ્યું. સત્યભામાને જાણ થતાં તે ઘણા ગુસ્સે ભરાયા અને તેમણે પારિજાતના ફૂલની માગ કરી. શ્રીકૃષ્ણે ઇન્દ્ર પાસે માગણી કરી, પણ ઇન્દ્રએ પારિજાતનો છોડ આપવાની ના પાડી હતી. તો તેને હરાવીને છોડ લાવવામાં આવ્યો અને ઇન્દ્રને શ્રાપ આપ્યો કે હવે આ પારિજાત વૃક્ષ ઉપર ક્યારેય ફળ આવશે નહીં. શ્રીકૃષ્ણે પારિજાતનો છોડ રોપ્યો. પારિજાતની એક ખાસિયત છે કે તેના ફૂલ ઝાડથી થોડે દૂર ખરે છે. એ માટે પણ કહેવાય છે કે શ્રીકૃષ્ણએ એવી યુક્તિ વિચારી હતી કે ઝાડના ફૂલ રુકમણીના કમરામાં પડે.

ગુલાબ માત્ર પ્રેમના એકરાર માટેનું જ ફૂલ નથી. ગુલાબ એક સારી જડીબુટ્ટી છે. રશિયામાં તો કેટલાય કિલોમીટરના ગુલાબના બગીચાઓ ઉગાડવામાં આવે છે. ગુલાબનાં ફૂલ, ગુલાબનાં ફળ, ગુલાબ જળ અને ગુલાબના તેલથી અનેક બીમારીઓમાં આરામ મળે છે. જેમ કે ગુલાબના તેલને ઘાવ પર લગાવવાથી લોહી વહેતું અટકી જાય છે. હોઠની કાળાશ દૂર કરવા ગુલાબની પાંખડીઓ સાથે સમાન માત્રામાં મલાઈ મેળવીને હોઠ પર નિયમિત લગાવવી. ગુલાબનાં ફૂલોની પાંખડીઓને ચાવવાથી મોઢામાં પડેલા ચાંદાં સારા થઈ જાય છે. ગુલાબના ઔષધિય ગુણો પેટના વિકારને મટાડે છે. ભોજન બાદ બે ચમચી ગુલકંદ ખાવ, પેટના રોગો દૂર રહેશે. યુનાની ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે ગુલાબ એકદમ ઠંડી પ્રકૃતિ ધરાવે છે. એટલે ગરમીના કારણે પેદા થતા રોગો જેવા કે માથાનો દુખાવો, બેહોશી, હૃદયના ધબકારા વધારવામાં ગુલાબ લાભદાયક છે. માસિક ધર્મને લગતી સમસ્યાઓ માટે ગુલાબનું તેલ ઉત્તમ છે. અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ કૉલેજમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા વૈદ્ય દેવાનંદ પંડિત કહે છે, ‘આયુર્વેદમાં ગુલાબનાં ફૂલોનો ઉપયોગ પ્રદર રોગ, નેત્ર રોગ અને પિત્તવિકારમાં થાય છે.’

મહાદેવને પ્રિય એવા કરેણનાં ફૂલ દરેક ગામ-ગલીઓમાં જોવા મળે છે. કરેણનાં ફૂલ ખરજવાનો રામબાણ ઇલાજ છે. ૧૦૦ ગ્રામ કરેણનાં ફૂલને અડધા લિટર રાઈના તેલમાં તેલ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળીને ઠંડું કરીને શીશીમાં ભરી લેવું. જ્યારે પણ ખરજવાની સમસ્યા થાય ત્યારે આ તેલ લગાવવું. સફેદ તલના તેલમાં કરેણનાં પાનને પકાવીને લગાવવાથી સૂકંુ ખરજવું પણ મટી જાય છે. કરેણની ચાર પ્રજાતિ સફેદ, પીળા, લાલ અને ગુલાબી ફૂલોવાળી થાય છે. જેમાં પીળા અને સફેદ કરેણનો ઔષધિય ઉપયોગ વધારે થાય છે. કરેણના એક બીજનું ઝેર ડાઇગાક્સીનની સો ટીકડીઓ બરાબર થાય છે. એટલે જ કરેણની ઓછી માત્રામાં ઉપયોગ અમૃત અને વધુ માત્રામાં સેવન ઝેરના ગુણ બતાવે છે. કરેણનાં ફૂલને આંબળા સાથે પીસીને ઠંડા પાણી સાથે ભેળવીને માથે લગાડવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. સફેદ કરેણનાં ફૂલોને પીસીને ચહેરા ઉપર લગાવવાથી સુંદરતા વધે છે. વૈદ્ય દેવાનંદ પંડિત કહે છે, ‘કરેણ વિષાક્ત હોવાથી તેનાં ફૂલનો સીધો ઉપયોગ નથી થતો પરંતુ તે દવા બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. અમુક ઉપચારમાં કરેણનાં ફૂલની માળા બનાવીને વાપરવામાં આવે છે એટલું જ.’

સ્ટેજ શણગારવામાં વ્યાપકપણે વપરાતાં ગલગોટાનાં ફૂલ એક ઉમદા આયુર્વેદિક ઔષધિ છે. આદિવાસીઓ પાસેના જ્ઞાન પ્રમાણે, જે પુરુષોને સ્પર્મેટોરિયા(પેશાબ કે મળમાં વીર્ય) હોય તેને ગલગોટાનાં ફૂલોનો રસ પિવડાવવામાં આવે છે. ગલગોટાના ફૂલોની પાંખડીઓને પીસીને શરીરે સોજા પર લગાવવાથી સોજા મટી જાય છે. ગલગોટાના ફૂલોના રસને મેંદા સાથે અઠવાડિયે બે વાર માથામાં લગાડવાથી માથામાં પડેલી ફોડલીઓ દૂર થાય છે. ડાંગના આદિવાસીઓ પ્રમાણે ગલગોટાનાં ફૂલોને સૂકવીને તેનાં બીજને સાકર સાથે(પાંચ ગ્રામ બંને) ત્રણ દિવસ લેવાથી દમ અને ઉધરસની સમસ્યામાં ઘણો ફાયદો મળે છે. વૈદ્ય દેવાનંદ પંડિત કહે છે, ‘બધાં ફૂલોનો એક સામાન્ય ગુણધર્મ પેટશુદ્ધિનો છે. ગલગોટાનો વપરાશ મુખ્યત્વે કબજિયાતની બીમારીમાં થાય છે. જોકે તેના વિકલ્પરૃપે ત્રિફળા, હરડે વગેરેનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી ગલગોટાનો ઔષધિય ઉપયોગ બહુ ઓછો છે.’

આદિવાસીઓમાં એવી માન્યતા છે કે જે માતૃત્વ ઝંખતી મહિલાઓ માટે દાડમનાં ફૂલ વરદાન જેવા છે. દાડમની તાજી કળીઓને પીસીને પાણી સાથે મેળવીને ગાળીને પીવાથી મહિલાઓમાં ગર્ભધારણની ક્ષમતામાં વધારો થાય છે. આદિવાસીઓના અન્ય એક સંશોધન પ્રમાણે દાડમનાં ફૂલને છાયે સૂકવીને તેને બારીક દળી લેવામાં આવે અને તેનાથી દિવસમાં ૨-૩ વાર મંજન કરવામાં આવે તો દાંતોમાંથી નીકળતું લોહી બંધ થઈને દાંત મજબૂત થાય છે. ડાંગના આદિવાસીઓ પ્રમાણે, દાડમનાં ફૂલને પીસીને શરીરના દાઝેલા ભાગે લગાડવાથી બળતરા એકદમ ઓછી થઈ જાય છે. વૈદ્ય દેવાનંદ પંડિત કહે છે, ‘મહુડો નિદ્રાજનક છે. મહુડાનાં ફૂલોમાં અવસાદનો ગુણ રહેલો છે. તે હાઈપરએક્ટિવને શાંત કરવાનું કામ કરે છે. મહુડાનાં ફૂલનો આથો બનાવવા માટે ઉપયોગ થાય છે.’

જાસૂદનાં ફૂલોને તલના તેલમાં ગરમ કરીને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે અને આદિવાસીઓના મત મુજબ વાળનો રંગ પણ કાળો કરી દે છે. વૈદ્ય દેવાનંદ પંડિત કહે છે, ‘જાસૂદનો ઉપયોગ વાળ રંગવા અને ગર્ભાશય સંબંધિત રોગોમાં ઉપયોગ થાય છે.’ આશાવરિષ્ટ નામની પ્રવાહી આયુર્વેદિક ઔષધિ બનાવવામાં આથવણ તરીકે ધાવડીનાં ફૂલોનો ઉપયોગ થાય છે. વૈદ્ય દેવાનંદ પંડિત કહે છે, ‘ધાવડીનાં ફૂલોનો ઉપયોગ બાળકોને દાંત ફૂટે ત્યારે દુખાવો દૂર કરવા, સ્ત્રીઓને રતવા રોગમાં, ગર્ભિણીને ઝાડાના રોગમાં તેનો ઉપયોગ થાય છે.’

Related Posts
1 of 70

ઘરોના આંગણે ક્યારીઓમાં ઉગાડવામાં આવતી બારમાસી એક મહત્ત્વનો ઔષણિય ફૂલછોડ છે. આદિવાસીઓ માને છે કે બારમાસીનાં લાલ ફૂલોનું સેવન હાઈ-બ્લડપ્રેશરમાં ફાયદો કરાવે છે. ડાંગના આદિવાસીઓ લાલ અને ગુલાબી ફૂલોનો ઉપયોગ ડાયાબિટીસમાં કરે છે અને આધુનિક વિજ્ઞાને પણ તેને પ્રમાણિત કર્યું છે. એ માટે બે ફૂલોને એક કપ ગરમ પાણી અથવા ખાંડ વગરની ઉકાળેલી ચામાં નાખીને ઢાંકીને રાખવામાં આવે છે અને પછી ઠંડા પડ્યા પછી પી લેવામાં આવે છે.

સંશોધિત તથ્ય છે કે કેળાનાં ફૂલનો રસ તૈયાર કરીને ટાઇપ-૧ ડાયાબિટીસના દર્દીને આપવામાં આવે તો તે લોહીમાં શુગરની માત્રા ઓછી કરવામાં મદદ કરશે. કાચા કેળા અને કેળાનાં ફૂલના ચૂર્ણથી મોઢાના ચાંદા દૂર થાય છે. કેળાના ફૂલના રસથી અનેક પ્રકારના ત્વચા વિકારો દૂર કરી શકાય છે.

રાતોને મહેકતી રાખવાનું કામ રાતરાણી કરે છે. રાતરાણીના ફૂલથી રાતે સ્નાન કરવાથી આખો દિવસ શરીર મહેકતું રહેશે. શયનકક્ષમાં એક બાલદી પાણીમાં રાતરાણીના ૧૫-૨૦ ફૂલો રાખી દો. ઓરડો મઘમઘતો રહેશે. કેવડાનાં ફૂલોમાંથી બનેલા અત્તરનો વ્યાપક ઉપયોગ થાય છે. કેવડાના અત્તરની તાસીર ગ્રીષ્મમાં શરીરને શીતળતા આપે છે. કેવડાનાં ફૂલોવાળા પાણીથી સ્નાન કરવાથી ચામડીની બળતરા અને પરસેવાની દુર્ગંધ દૂર થાય છે.

ગણેશજી અને મા કાલીની પૂજામાં વપરાતાં જાસૂદનાં ફૂલને ધર્મશાસ્ત્રોમાં અતિ પવિત્ર ગણવામાં આવ્યાં છે અને આયુર્વેદમાં પણ જાસૂદના ઝાડને સંપૂર્ણ ઔષધિ માનવામાં આવી છે. તેના મૂળથી લઈને ફૂલ સુધી કોઈને કોઈ બીમારીનો ઇલાજ છે. ખાસ કરીને ચામડીની બીમારીઓ માટે જાસૂદનું બહુ મહત્ત્વ છે. જાસૂદનાં ફૂલોની હર્બલ ચા બને છે, તેને હિબિસ્કસ ટી કહેવાય છે. જાસૂદના સૂકાયેલાં ફૂલને પાણીમાં ઉકાળીને આ ચા બનાવવામાં આવે છે. આ ચાના સેવનથી મેદસ્વિતા ઓછી કરી શકાય છે અને રોગપ્રતિકારકતા વધારી શકાય છે. જાસૂદનાં ફૂલ અને પાંદડાંને સૂકવીને તેનો પાવડર બનાવી રોજ એક ગ્લાસ દૂધમાં મેળવીને પીવાથી યાદશક્તિ વધે છે. સાથે હિમોગ્લોબિન પણ વધે છે. ચહેરા ઉપરના દાગ માટે જાસૂદનાં ફૂલને પાણીમાં લસોટીને મધ સાથે ઉપયોગમાં લેવાય છે. મોઢામાં ચાંદી પડે તો જાસૂદનાં પાન ચાવવાની સલાહ અપાય છે. જાસૂદમાં કુદરતી મૂત્રવર્ધક ગુણ હોવાથી ડાયેટિંગ કરનારા અને કિડનીની બીમારીવાળાને જાસૂદનાં ફૂલોને બરફ સાથે ખાંડ મેળવ્યા વગર પિવડાવવામાં આવે છે. તમારે વાળને મજબૂત અને સુંદર બનાવવા હોય તો જાસૂદનાં તાજાં ફૂલોને લસોટીને વાળમાં લગાવવા. જાસૂદનાં ફૂલને પાણીમાં ઉકાળીને માથું ધોવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે. મહેંદી અને લીંબુના રસમાં જાસૂદનાં ફૂલને મેળવીને વાળના મૂળમાં લગાવવાથી ખોડો દૂર થાય છે. ભારતમાં જાસૂદનાં ફૂલ અને પાંદડાંથી હર્બલ આઇશેડો બનાવવામાં આવે છે અને બાળકોના હર્બલ શેમ્પૂની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. જાસૂદનાં ફૂલ શરીરમાં સોજો અને ખંજવાળ અને ચામડીની કરચલીઓમાં પણ રાહત આપે છે.

આદિવાસીઓનું કલ્પવૃક્ષ મહુડો અને વસંત ઋતુનું અમૃતફળ છે. એકવાર આદિવાસીના ઘરે મહેમાન બનીને તમને મહુડાનાં ફૂલનું શાક ખાવાનું સૌભાગ્ય મળ્યંુ તો તમને તેનો સ્વાદ જીવનભર યાદ રહેશે. મહુડાનાં તાજા ફૂલોમાંથી રસ કાઢીને તેના અનેક વ્યંજન બનાવવામાં આવે છે. મહુડાનું ફૂલ એક કારગત ઔષધિ પણ છે. મહુડાનાં ફૂલના સેવનથી સાયટિકા જેવા ભયંકર રોગથી સંપૂર્ણ છુટકારો મળી શકે છે. મહુડો વાતનાશક અને પૌષ્ટિક તત્ત્વોવાળો મનાય છે. સાંધા ઉપર તેનું લેપન કરવાથી સોજો અને પીડા ઓછી થાય છે.

હનુમાનજીને પ્રિય એવા આંકડાના ફૂલના ઘણા ઔષધિય ગુણો છે. તે આયુર્વેદ, હોમિયોપથી અને એલોપથી બધામાં ઉપયોગમાં લેવાય છે. આયુર્વેદમાં ઘણા અસાધ્ય અને હઠિલા રોગોમાં આ મૃદુઉપવિષનો ઉપયોગ થાય છે. રોજ આંકડાનાં પાંચ ફૂલ ખાવાથી મરડાનો ઉપદ્રવ શાંત થાય છે અને પેટના ઇન્ફેક્શનમાં લાભ થાય છે. પથરીમાં પણ આંકડાનાં ફૂલ અકસીર મનાય છે. આંકડાનાં ૧૦ ફૂલને પીસીને ૧ ગ્લાસ દૂધમાં મેળવીને રોજ સવારે ૪૦ દિવસ સુધી લેવાથી મૂત્રાશયની પથરી નીકળી જાય છે. સૂર્યોદય પહેલાં પતાસા પર આંકડાના દૂધના ૩ ટીપાંના સેવનથી હરસમાં લાભ થાય છે. માઇગ્રેન કે આધાશીશીમાં જો દુખાવો સૂર્યોદય સાથે વધતો કે ઘટતો હોય તો સૂર્યોદય પહેલાં પતાસા પર બે ટીપાં આંકડાના દૂધને ટપકાવીને ખાવા. ૪ ચમચી આંકડાના દૂધને ૨૦૦ ગ્રામ હળદર સાથે પીસીને સુકાઈ જાય ત્યારે શીશીમાં ભરી લેવું. આ પાવડરમાંથી એક ચણા બરાબર અડધી ચમસી મધ સાથે રોજ ૪ વખત ચાટવાથી ટીબીનો રોગી ૩ મહિનામાં સાજો થઈ જશે. ટીબીમાં લોહીની ઊલટી પણ મટી જાશે. આંકડાનાં ફૂલની બે ડોડી થોડા ગોળ સાથે મેળવીને ખાવાથી મેલેરિયા ચડતો નથી. આંકડો હળવું ઉપવિષ હોવાથી તેની સહેજ વધુ માત્રા પણ દુષ્પરિણામ નોંતરી શકે. જો આંકડાના સેવનની આડઅસર થાય તો પલાશના પાંદડાને ઉકાળીને પાણી પીવાથી આંકડાનું ઝેર દૂર થાય છે. આંકડાનું દૂધ લગાડવાથી ઘાવ થઈ જાય તો પણ પલાશનાં પાંદડાંને ઉકાળીને તેના પાણીથી ઘાવને ધોવાથી સારા થઈ જાય છે. વૈદ્ય દેવાનંદ પંડિત કહે છે, ‘ખાંસીમાં આંકડાનાં ફૂલનો મરી સાથે ઉપયોગ થાય છે.’

કમળ પુષ્પોનો પણ ઘણો આયુર્વેદિક ઉપયોગ છે. વૈદ્ય દેવાનંદ પંડિત કહે છે, ‘બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા, તાવ ન આવે, શરદી ન થાય અને ઠંડક રહે તે માટેની અરવિંદાસવ જેવી દવા કમળની બને છે.’ ચૈત્રમાં લીંમડાનાં ફૂલ(મોર)નો ઉપયોગ તાવ ન આવે અને આખું વર્ષ સ્વાસ્થ્ય સારું રહે તે માટે થાય છે. વૈદ્ય દેવાનંદ પંડિત કહે છે, ‘રક્તપ્રદરના દર્દીને ચિમળાનું શાક બનાવીને ખવડાવવામાં આવે છે. કબજિયાતના દર્દી માટે ગરમાળાનાં ફૂલનું ગુલકંદ બનાવીને ખવડાવવામાં આવે છે. એવી જ રીતે અરડૂસીનું ગુલકંદ શ્વાસ અને ખાંસી મટાડવા માટે વપરાય છે. વારંવાર નસકોરી ફૂટતી હોય તેમના માટે દાડમના ફૂલોનું નસ્ય(નાકના ટીપા) આપવામાં આવે છે. નાગકેસરનો ઉપયોગ લોહીના ઝાડા, પ્રદર જેવી બીમારીમાં થાય છે.’

 (ફૂલોનો સારવાર માટે પ્રયોગ કુશળ તબીબના માર્ગદર્શનમાં જ કરવો.)

——————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »