તમારા માટે, તમારી સાથે, સતત…

બાળકો ડાબે હાથે ક્યાંક મુકાઈ ન જાય,  જોજો સૂકાઈ ન જાય…

બાળકો પ્રત્યેનાં આપણાં કેટલાંક કર્તવ્યો એક પછી એક પૂરા થાય છે,

0 306

જેઓ પોતાને બુદ્ધિજીવી માને છે તેવા લોકોનું માતૃત્વ અને પિતૃત્વ જુઓ અને એની સામે જેઓ પોતાને અભણ માને છે એમનું માતૃત્વ અને પિતૃત્વ જુઓ. થોડોક તફાવત જોવા મળશે. એ તફાવત વિશે વ્યાખ્યાન કરવાનો ઉપક્રમ નથી. બાળકને માતા-પિતા પાસેથી માત્ર પ્રેમ જોઈએ, એ જ એનું આજીવન પોષણ છે. સંતાનો અને માતા-પિતા વચ્ચે પ્રશ્નો હોય છે અને હોઈ શકે છે, પરંતુ એ પ્રશ્નોને કારણે વડીલોના અંતઃકરણમાંથી નિરંતર વહેતાં વાત્સલ્યનાં ઝરણાંઓ જો અટકી જાય કે સૂકાઈ જાય તો બાળકો ઝાંખા પડી જાય છે, ઉપરવાસમાં પાણી ન હોય ત્યારે ગામકાંઠાના નદીપટ જેવા ઝાંખા પડી જાય છે તેવું જ અહીં બને છેે. પ્રેમ તો મનુષ્યનું વ્યક્તિગત સર્જન નથી, એ તો અનંત બ્રહ્માંડમાંથી અને ચોતરફથી પ્રકૃતિમાંથી પ્રત્યેક મનુષ્યના હૃદય પર અવિરત વહી આવે છે. એને માત્ર પરિજનો તરફ પુનઃ પ્રવાહિત કરવાનો હોય છે. ભલે ને એમાં પોતાના રંગ-રાગ ભળે, પણ પ્રેમ સતત પ્રવાહિત થતો રહેવો જોઈએ. મનુષ્ય પાંચેય તત્ત્વોમાં પૂર્ણ પ્રફુલ્લિત પ્રકૃતિને સંપૂર્ણ આધીન છે. પ્રેમના નિરંતર ધોધમાં જ એ આ આકાશ હેઠળ અને ધરા પર ઉછરે છે. મોટા થયા પછી કેટલાક લોકો એ પોતાના હૃદય પર અભિષિક્ત પ્રેમને સંઘરી રાખે છે, એવો એમનો ઇરાદો નથી હોતો, પરંતુ તબક્કાવાર એ ટેવ પ્રવેશે છે.

બાળકો પ્રત્યેનાં આપણાં કેટલાંક કર્તવ્યો એક પછી એક પૂરા થાય છે, ને કેટલાક કિસ્સાઓમાં પ્રેમ અને વાત્સલ્ય પણ જાણે એક કર્તવ્ય હોય એમ પૂરા થઈ જાય છે. પછી જે વધે છે તે માત્ર વ્યવહાર. સંતાનોના પક્ષે પણ ક્યારેક માતાપિતા પરત્વેનો પ્રેમ અને આદર શુષ્ક થઈ જાય છે અને પછી જે વધે છે તે વ્યવહારપૂર્ણ વંદન, સેવા, સારવાર વગેરે.

ગુફાવાસી માનવ સમુદાયો પ્રાગૈતિહાસિકકાળમાં પશુઓ અને પંખીઓની જેમ સમૂહમાં જ જીવન જીવતા હશે. એ સમૂહોના કોઈક વડા પણ હશે અને એના આદેશો શિરોમાન્ય હશે. આજે પણ અંધારિયા ખંડમાં ક્યાંક એવી વસ્તી છે જ. પંખીઓના માળાઓનું સદીઓ સુધી માનવજાતે નિરીક્ષણ કર્યું હશે. પછીના વનમાનુષે એ સમૂહમાંથી પોતાના પરિવારને અલગ તારવ્યા હશે. એમ આખો સમુદાય પૃથક થયો હશે. પહાડોની ગુફામાં કે ગિરિકંદરાની કોઈ ઊંચી ઘટાદાર ડાળે તાપણાની આસપાસ, નદી કિનારે કે ભોજનવેળાએ એ પરિવાર ટોળે વળતો થયો હશે. આપણે આજે જે પરિવારથી વીંટળાયેલા છીએ તેના સંઘટનની યાત્રા સહસ્ત્રાબ્દિઓથી ચાલતી આવી છે. એમાં અનેકવાર સંઘટન અને વિઘટન થતાં-થતાં આપણે અહીં સુધી પહોંચ્યા અને તેની એકમાત્ર આધારશિલા પારિવારિક અને પાસ્પરિક વિશુદ્ધ પ્રેમ છે.

પ્રેમનો અર્થ માત્ર આપવાનું છે, કંઈ લેવાનું નથી. ચાહવાનો અર્થ ભેદી છે. આપણે કોઈને ચાહીએ અને કોઈ પાસેથી કશુંક ચાહીએ અને એમાં તફાવત છે. આપ ક્યા ચાહતે હૈ? મૂળ શબ્દ ચાહત છે, એને માણસજાતે બેતરફી પ્રયોજ્યો છે તે એક દુર્ઘટના છે. જ્યાં કંઈક લઈ લેવાની વાત આવે છે ત્યાં પ્રેમ ચૂપ થઈ જાય છે ને પછીથી ધ્યાન ન રાખો તો લુપ્ત પણ થઈ જાય છે. ઈસુ, ગાંધી, બુદ્ધ કે મહાવીર, કૃષ્ણ કે રામ, મોહમ્મદ કે નાનક, એમને માત્ર આપવું જ છે સહુને, કંઈ અપેક્ષા વિના. એવા દૈવી અવતાર તો આપણે નથી, પણ આપણે આપણા પરિવારના કરુણામય ઈસુ હોઈ શકીએ છીએ. એક છોટા ઈસુ. ક્ષમાશીલ મહાવીર હોઈ શકીએ. એક છોટા મહાવીર. વ્યક્તિમત્તાને નીપજાવે અને વ્યક્તિગતતાને પ્રોત્સાહન આપે એવી ટૅક્નોલોજીના વિકાસ પછી પરિવારનો દરેક સભ્ય સ્વતંત્ર હવાઈ ટાપુ ન બની જાય તે જોવાની જવાબદારી કોની છે? સરખે ભાગે દરેક સભ્યની.

આખા દિવસમાં આપણે પરિવારના દરેક સભ્યની જિંદગીમાં નવું શું યોગદાન કર્યું એ વિચારીએ તો એ વિચારની કક્ષા આદ્યાત્મિક છે. પૂજાપાઠમાં આપીએ છીએ એનાથી પાંચમા કે દસમા ભાગના સમયમાં પણ પારિવારિક ચમત્કૃતિને અવકાશ છે. એ દરેકનો સ્વતંત્ર આત્મવિહારનો કે ચિત્તના સંચલનો પ્રમાણેનો વિષય છે. પરિવારમાં તો અનુસંધાનનું પાનું જ મુખ્ય પાનું હોય છે. એ અનુસંધાનનું સાતત્ય જ પૃથ્વી પર સ્વર્ગના સુખ અવતારે છે. સહુ સાથે સહજ અને સ્વાભાવિક રીતે જ જેઓ વર્તતા હોય એમનું જ આ કામ છે. બે કે ત્રણ ચહેરા સાથે એક શરીર લઈને ફરતી બહુ’મુખીલ્લ પ્રતિભાનું અહીં કામ નથી. એમને ઘોર નિષ્ફળતા મળે, કારણ કે

Related Posts
1 of 57

કૃતકતાને કારણે તેઓ પોતાની જ છત્રછાયામાં પાંગરતી આમ્રકુંજો અને પુષ્પકુંજોને વિસરી જાય છે, પછી હૃદયકુંજ સુધી તો પહોંચવાનો પ્રશ્ન જ રહેતો નથી.

પરંતુ જેઓ એક જ સૂર્ય કે એક જ ચંદ્ર જેવા એક જ હોય છે તેઓ લાખો તારાઓની વચ્ચે એમનું અસ્તિત્વ અને એનો ઉજાસ આપણા એટલે કે સર્વ પરિજનો સુધી પહોંચાડે છે. દાદાની ચિરવિદાય પછી ઘરમાં આરામ ખુરશી ખાલી પડે છે. તોય કયાંય સુધી એ આરામ ખુરશીમાંથી વાત્સલ્યધારા વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે ને પરિજનો ભીંજાતા રહે છે. કેટલીક એવી નદીઓ આ દુનિયામાં છે કે એના ચિત્ર જોઈએ તો પણ એના ખળખળ વહેવાનો અવાજ સંભળાય. એને જ નદી કહેવાય. બાકી બધી તો ટૂંકા જળ પ્રવાહના ટુકડાઓ! ચિત્ર જુઓ તો પણ એમાં જળ ઓછું અને રેતી વધુ દેખાય! પછી એ ચિત્ર પર સુખડનો હાર હોય કે સોનાનો- શો ફરક પડે છે?

જેમ ભણવામાં અને પછી પરીક્ષા આપવામાં ભૂલો થાય છે તેમ જિંદગીમાં પણ ભૂલો તો હોવાની જ હોવાની. આયાસી ભૂલો અને નિરાયાસી ભૂલો એ બે મુખ્ય પ્રકાર છે અને એના તો અન્ય કંઈ કેટલાય સાપેક્ષ અને નિરપેક્ષ પ્રકારોની વિકરાળ સૃષ્ટિ છે. જે કંઈ હોય તે પણ મોટા ભાગની એટલે કે નવ્વાણુ ટકા ભૂલો તો સુધારી શકાય છે. એ સુધારવાનો યત્ન શરૃ રહે તો પણ આરામ ખુરશી શોભી ઊઠે. ભલે ને આપણે સુધારેલી ભૂલને એટલે સુધારણાને માન્યતા ન મળે, કોઈ ન સ્વીકારે, પરંતુ એક વાર સુધારણાને ધારણ કરીએ પછી તો એનો પ્રાણ સાથે જ ત્યાગ કરવો, એને કહે છે પ્રાણમય સુધારણા. અહીંથી જ જિંદગીની દિવ્યતાનો સ્પર્શ અનુભવાય છે. આપણે જાતે જ પોતાના પર વિશ્વાસ મૂકવાનો આ પરમ માંગલિક અવસર હોય છે. જેને આપણે ખોળામાંથી ઉતાર્યા પછી કયારેય હૈયામાંથી ઉતારતા નથી એ સંતાનો હોય છે. એમને હૈયે રાખીએ છીએ. એટલે તો તડકો લાગતો નથી. બૌદ્ધિક વિકાસ અને તર્ક તથા ગણતરી એવી ક્ષમતાઓ છે જે મનુષ્યને મતભેદ તરફ લઈ જાય છે. લોકો ભલે કહે કે મતભેદ છે, પણ મનભેદ નથી, પરંતુ ટૂંકા મનના લોકો માટે તો આ બંને ભેદ સમાનાર્થી હોય છે. જ્યાં ભેદ જ નથી એ પૂર્ણ મનુષ્ય છે. આપણે મર્યાદા પુરુષોત્તમનો બહુ અભ્યાસ અને આરાધના કરીએ છીએ તો કયારેક મર્યાદા મનુષ્ય અને પૂર્ણ મનુષ્યની પણ ભલે કલ્પના તો કલ્પના કરીને આરાધના કરવી જોઈએ જેથી વધુ કેટલાક મહાન ગુણસંપુટ માનવ પ્રજાતિને પ્રાપ્ત થાય.

પરિવારો સંયુક્ત હોય કે વિભક્ત-પ્રેમનો પ્રવાહ જળવાઈ રહે અને એકબીજાને એકબીજાથી સમાન રીતે યુક્ત રાખે એ જ આખરે તો સમ-યુક્ત, સંયુક્ત પરિવાર છે. એવા પરિવારનેે અને એના દિગ્દર્શન કરનારા મોભીને આપણા વંદન હજો.

——————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »