તમારા માટે, તમારી સાથે, સતત…

સતયુગથી દ્વાપર યુગ સુધી હોલિકાના ભટકતા આત્માનો મોક્ષ કેવી રીતે થયો?

હિરણ્યકશિપુએ બ્રહ્મા દ્વારા અગ્નિથી ન બળવાનું વરદાન મેળવનાર પોતાની બહેન સિંહિકા (હોલિકા)ને પ્રહલાદ સાથે પ્રજ્વલિત હોળી પર બેસાડી દીધી,

0 924

હોલિકા અને ભક્ત પ્રહલાદની કથા એટલી પ્રચલિત છે કે વારંવાર તેની પુનરોક્તિ રુચતી નથી, પરંતુ આપણે જે જાણીએ છીએ એ ધાર્મિક કથાના રૃપમાં તેને જાણીએ છીએ અને તેમાં ચમત્કૃતિનું તત્ત્વ પણ ભારોભાર છે. એટલે માહિતી અને જ્ઞાનની રીતે તેમાં ઘણું બધું છૂટી જાય છે. તેમાંથી ઇતિહાસ અને ભૂગોળ રીતે તેની સાથેના પૂર્વાપર સંબંધની વિગતો છૂટી ગઈ છે. કથા અત્યંત પૌરાણિક હોવાથી ઇતિહાસની રીતે પણ તેને પ્રમાણિત કરવાનું મુશ્કેલ છે, પરંતુ ઘટનાક્રમના સંદર્ભો જાણવાની ઇચ્છા રાખનારાઓ માટે તેમાંની ઘણી વિગતો રસપ્રદ છે.

દક્ષ રાજાની દીકરી દીતિ. તેણે ચાર પુત્રો અને એક પુત્રીને જન્મ આપ્યો. તેમનાં નામ હિરણ્યકશિપુ, હિરણાક્ષ, વજ્રાંગ અને અંધક. પુત્રી સિંહિકા. દીતિનાં સંતાન હોવાને કારણે એ દૈત્યો તરીકે ઓળખાયાં. એમાંની સિંહિકા જ આગળ જતાં હોલિકા તરીકે ઓળખાઈ. સિંહિકાના લગ્ન વિપ્રચિત્તિ નામના દાનવ સાથે થયા. તેનાથી સિંહિકાએ ૧૩ પુત્રોને જન્મ આપ્યો. નમુચિ, રાહુ, નરક, કાલનેમી વગેરે તેનાં નામો હતાં. તેમાં રાહુ સૌથી ભયંકર અને પરાક્રમી હતો.

ભૂગોળશાસ્ત્રીઓ જાણે છે કે, કશ્યપ સાગરને પાર કરીને ઓક્સસ અથવા પારદરિયા પહોંચાતું હતું. એ જ વિશાળ રણપ્રદેશને ‘ગ્રેટ ડેઝર્ટ’ અથવા ‘સાલ ડેઝર્ટ’ પણ કહે છે. ત્યાં કોઈ એક કાલખંડમાં સોનાની ખાણો હતી અને તેના પર કબજો જમાવવા માટે દેવતાઓ અને દૈત્યો વચ્ચે ભયાનક યુદ્ધ છેડાયું હતું. સમુદ્ર કિનારે વાસુકિ, કરકોટ, તક્ષક, શેષ વગેરે ર૬ નાગવંશી જાતિઓ રહેતી હતી. દેવતા અને દૈત્યોએ આ નાગવંશીઓની મદદથી સમુદ્ર પાર કરીને સોનાની ખાણો પર વર્ચવ્ય મેળવ્યું જેને પુરાણોમાં સમુદ્ર મંથન કહેવાયું છે.

નસીબના જોરે સોનાની આ ખાણો પર હિરણ્યકશિપુ હિરણ્યાક્ષ – બંને ભાઈઓનું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું. હિરણ્યકશિપુએ આ સોના (હિરણ્ય)ના વિશાળ ભંડારને મેળવીને પોતાની નવી રાજધાની વસાવી અને દેવતાઓને ત્યાંથી ભગાડ્યા. ઉત્તરી, પશ્ચિમી, ફારસ તથા સંપૂર્ણ અફઘાનિસ્તાન સુધી હિરણ્યકશિપુનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. આપણને જાણીને નવાઈ લાગે, પરંતુ હકીકત એ છે કે રાવણના નાના અને મામા માલી, સુમાલી અને માલ્યવાને અહીંથી જ સોનું લાવીને હેતી તેમજ પ્રહેતી નામના વાસ્તુકારોએ નિર્માણ કરેલી લંકાને સુવર્ણજડિત કરી હતી.

બીજી બાજુ હિરણ્યકશિપુના ભાઈ હિરણ્યાક્ષે બેબીલોનની આસપાસના પ્રદેશો પર કબજો જમાવ્યો. (પુરાણોમાં તેને સ્વર્ગ અને દેવલોક તરીકે ઓળખાવ્યા છે.) આ સંજોગોએ દેવતાઓને દર-દર ભટકવા મજબૂર કર્યા. દેવતાઓએ વરાહદ્વીપમાં (જેને હાલ નોર્વે દ્વીપ કહે છે) જઈને આશ્રય લીધો અને અહીંની વરાહ જાતિ સાથે મળીને વિષ્ણુએ હિરણ્યાક્ષનો વધ કર્યો.

પોતાના ભાઈ હિરણ્યાક્ષના મૃત્યુથી હિરણ્યકશિપુ હતાશ અને નિર્બળ બન્યો. તેની સામે સૌથી મોટી સમસ્યા પોતાના જ પુત્ર પ્રહલાદની હતી. એ દૈત્ય સંસ્કૃતિનો ઘોર વિરોધી હતો. હિરણ્યકશિપુના ચાર પુત્રો હતા. પ્રહલાદ, અનુહલાદ, હલાદ અને સંહલાદ. ભાગ્યવશ પ્રહલાદનો ઉછેર ઋષિઓના આશ્રમમાં થયો. એથી પ્રહલાદ પર ઋષિ પરંપરા અને દેવ સંસ્કૃતિનો ભારે પ્રભાવ પડ્યો. એ રીતે મા કયાધુ અને પુત્ર પ્રહલાદ દૈત્ય સંસ્કૃતિના ઘોર વિરોધી બની ગયાં. ઘરના કલહને કારણે જ હિરણ્યકશિપુ હચમચી ગયો. હિરણ્યકશિપુએે ક્રોધ અને આવેશમાં પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહલાદની માતા કયાધુ અને દેવતાઓની કૂટનીતિને કારણે તેને તેમાં સફળતા ન મળી. આવા જ એક પ્રયાસરૃપે હિરણ્યકશિપુએ બ્રહ્મા દ્વારા અગ્નિથી ન બળવાનું વરદાન મેળવનાર પોતાની બહેન સિંહિકા (હોલિકા)ને પ્રહલાદ સાથે પ્રજ્વલિત હોળી પર બેસાડી દીધી, પરંતુ અન્યને ખોળામાં લઈને અગ્નિ પર બેસવાના કારણે વરદાનનું અવળું પરિણામ આવ્યું. પ્રહલાદ બચી ગયો અને હોલિકા બળી ગઈ. આ જ હોલિકાની આત્મા સતયુગથી છેક દ્વાપર યુગ સુધી ભટકતી રહી.

આ ઘટના પછી દેવતાઓએ હિરણ્યકશિપુના વધની તૈયારી શરૃ કરી દીધી. ઈરાની ઇતિહાસકારોએ તેને નાગવંશીઓનું વિજય અભિયાન ગણાવ્યું છે. આ જ નાગવંશીઓની મદદથી નૃસિંહે (વિષ્ણુ) કશ્યપ સાગર નજીક સુમના પર્વત પર હિરણ્યકશિપુનો વધ કર્યો. નૃસિંહની પ્રતિમા અર્ધ સિંહની છે, જે પરસા પ્રાંતમાંથી મળી આવી છે. એ જ રીતે લુલવી પ્રાંતમાં બગદાદના કરનમશાહ સ્થાન પર એક ભીંતચિત્ર મળી આવ્યું છે, જેમાં નૃસિંહ સૂર્યના ચિહ્ન સાથેનો ધ્વજ લઈને સેનાનું નેતૃત્વ કરી રહ્યા છે. આમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ – બંને ભાઈઓનો અંત આવ્યો. લક્ષ્મીરૃપી સોનાની ખાણો પર વિષ્ણુ અને દેવતાઓનો અધિકાર સ્થાપિત થયો.

હોલિકાની ભટકતી આત્મા દ્વાપર યુગમાં વ્રજમાં જ્યાં બાળ કનૈયાની લીલા ચાલતી હતી ત્યાં પહોંચી ગઈ. મથુરામાં કંસે અનેક રાક્ષસો, દૈત્યો અને કૃત્યાઓને પોતાના વશમાં કરી રાખ્યા હતા. તેમાં હોલિકા જે-તે વખતે ઢુંડા નામની કૃત્યા તરીકે ઓળખાતી હતી. તેનો પણ સમાવેશ થતો હતો. કંસે કૃષ્ણને મારવા માટે વ્રજ તરફ મોકલી, પરંતુ કંસે એ પણ કહ્યું કે આજ સુધીમાં જે કોઈ કૃષ્ણને મારવા ગયું છે તે પાછું આવ્યું નથી. એથી કૃષ્ણને લાવવા કે મારવામાં સાવચેતી રાખવી પડશે.

આમ એક તરફ કૃત્યા હોલિકા કૃષ્ણને મારવા માટે વૃંદાવન ગઈ તો બીજી બાજુ સૂર્યની દાસી સવર્ણાના પુત્ર શનિશ્ચરે પણ વ્રજ તરફ પ્રયાણ કર્યું. શનિની વિશેષતા એ છે કે તે નીલમ પહેરનાર માટે શુભ ફળદાયી બને છે. જ્યારે કાળા રંગ પર તેની કોપ દૃષ્ટિ કાયમ રહે છે. આથી નીલ વર્ણ શ્યામસુંદર માટે શનિશ્ચર લાભકારક નિવડ્યા જ્યારે કાળા રંગની કૃત્યા હોલિકા માટે તે મૃત્યુનું કારણ બન્યા.

એ દિવસે હોળી હતી. વૃંદાવનના બાળકો તો પંચમીથી જ નંદગાંવ અને બરસાના વચ્ચે સૂકાં લાકડાં, કંડી વગેરે એકત્ર કરતાં હતાં. પૂનમ સુધીમાં તો એ નાની ટેકરી જેટલો વિશાળ ઢગલો થઈ ગયો. ગ્વાલ-બાલ હોળી-દહનની તૈયારી કરતા હતા. બાળક કૃષ્ણ તો એ દિવસે ઘરે સૂઈ રહ્યા હતા. એ જ સમયે બાળકોને રસ્તામાં વિશાળકાય પર્વત જેવી મહિલાનો પડછાયો દેખાયો. તેના વાળ વડલાની વડવાઈઓની માફક ચારે તરફ ફેલાયેલા હતા. આંખો બળતા અંગારા જેવી લાલ હતી. લાંબી જીભ બહાર લટકતી હતી. વૃંદાવનના ગ્વાલ-બાલ આવા રાક્ષસોથી અપરિચિત ન હતા. કંસની મહેરબાનીથી આવતા આવા રાક્ષસોનો કૃષ્ણ-બલરામની મદદથી વધ કરી ચૂક્યા હતા. આ વખતે ગ્વાલ-બાલ સમૂહે વિચાર્યું કે કાનાને જગાડવો નથી. આપણે એકલા જ તેનો ખાતમો કરી નાખીએ. ગ્વાલ-બાલોએ શોર મચાવ્યો એટલે કૃત્યા હોલિકા ભાગીને લાકડાં-પાન-કંડીકાના મોટા ઢગલા પર પડી ગઈ. ગ્વાલ-બાલોએ તેને આગ ચાંપી દીધી. કૃત્યાનો વ્રજમાં મોક્ષ થઈ ગયો. બીજા દિવસે સવારે ગ્વાલ-બાલોએ પાણી નાખી રાખને ઠંડી કરી અને એ રાખ અને ભીની માટીને એકબીજા પર ઉડાડવા લાગ્યા. એ રીતે હોળી પછી ધુળેટીનો આરંભ થયો. યુગોથી જે વ્રજમાં ચંદન, અબીલ-ગુલાલ અને ફૂલોના રંગથી હોળી ખેલાતી ત્યાં હવે કૃત્યા હોલિકાથી મુક્તિ મેળવ્યા બાદ રંગોની સાથે ગોબર-કીચડ અને ગાલી-પ્રદાન સાથે હોળી ખેલાય છે.

————–.

કાશીની હોળીનો અનોખો મહિમા
ભગવાન શિવ રંગભરી એકાદશીએ પાર્વતીનું આણુ કરીને પિતૃગૃહેથી કાશી લાવ્યાં હતાં.
હોળીનું પર્વ ભારતીય સંસ્કૃતિના મૂળ તત્ત્વ ‘ઉલ્લાસ’નું ધારક છે. જૈમિની સૂત્રમાં તેને માટે ‘હોલાકા’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ફાગણ પૂર્ણિમાએ હોળી મનાવાય છે. લિંગ પુરાણ અનુસાર ફાગણ પૂર્ણિમાને ‘ફલ્ગુનિકા’ પણ કહેવાય છે. એ લોકોને ઐશ્વર્ય પ્રદાન કરનાર ઉત્સવ ગણાય છે. વસંત ઋતુના આગમન સાથે શરૃ થતું આ પર્વ એક માસ સુધી ચાલતું હતું. વસંત પંચમીથી જ હોળીની હલચલ શરૃ થઈ જતી. સંપૂર્ણ ભારતનું મનભાવન પર્વ હોવા છતાં દેશનાં પ્રત્યેક રાજ્યમાં હોળી મનાવવામાં થોડી ભિન્નતા પણ જોઈ શકાય છે. બંગાળમાં હોળી પર ‘દોલ-યાત્રા’નું પ્રચલન છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણને હિંડોળે ઝુલાવાય છે. કાશીમાં ‘રંગભરી’ એકાદશી એટલે કે હોળી પહેલાંની અગિયારસથી જ હોળીનો શંખનાદ થઈ જાય છે. કાશીમાં એવી માન્યતા છે કે એ દિવસે રંગ એકાદશીના રોજ બાબા વિશ્વનાથ શિવશંકર પર્વતરાજ હિમાલયના ઘરેથી દેવી પાર્વતીનું આણુ કરીને પોતાની સાથે કાશીમાં લાવ્યાં હતાં. એથી કાશીમાં એ દિવસથી, અગિયારસથી જ રંગભરી હોળીના પર્વની શરૃઆત થઈ જાય છે. આજે પણ કાશીમાં આ પરંપરા જળવાઈ રહી છે. કાશીવાસીઓ જાનૈયા બનીને માતા પાર્વતીની ડોલી ઉઠાવીને ચાલે છે અને વિશ્વનાથ મહાદેવના ઘરે દેવીના આગમન નિમિત્તે ભવ્ય રીતે અબીલ-ગુલાલથી હોળી રમાય છે. એ પછી દિવસો સુધી કાશીમાં હોળીનો માહોલ જમાવટ કરે છે. હોળીની પૂર્ણિમાના દિવસે સાંજે કાશી નગરજનો ચોસઠ-યોગિનીઓને ગુલાલ ચઢાવવા અને તેનાં દર્શન કરવા દેવીમંદિરે પહોંચી જાય છે.

Related Posts
1 of 70

એક માત્ર હોળીનું પર્વ એવું છે કે હિંદુઓના ત્રણેય આરાધ્ય દેવ ભગવાન શિવશંકર, શ્રીરામ અને શ્રીકૃષ્ણ હોળી ખેલે છે.  વ્રજ, વૃંદાવન, મથુરા-બરસાનમાં કૃષ્ણ-કનૈયા હોળી ખલે છે તો અવધમાં રઘુવીરા ભગવાન રામ પણ હોળી ખેલે છે. લોકમાનસ રામના હાથમાં કનક પિચકારી પકડાવી દે છે તો લક્ષ્મણના હાથમાં અબીલ-ગુલાલ. ભોળાનાથ શિવશંકર ભસ્મની હોળી પણ ખેલે છે. તો હાસ-પરિહાસના આ પર્વમાં લોકગીતના માધ્યમથી રાધા શ્રીકૃષ્ણને કહે છે કે, ‘આજે તમે રાધા બનો શ્યામ, હું બનીશ નંદલાલ’ આવું કહીને રાધા હોળીની બાજી પોતાના હાથમાં લઈ લેવા ઇચ્છે છે. આ કલ્પના જ કેટલી મધુર છે!

હોળી ઉદાસ મનને પણ ઉમંગ અને ઉલ્લાસથી ભરી દે છે.

————–.

*       હિરણ્યકશિપુનું સામ્રાજ્ય અફઘાનિસ્તાન સુધી હતું.

*       તેમના ભાઈ હિરણ્યાક્ષ બેબિલોન ક્ષેત્રમાં જંગી સોનાની ખાણોનું આધિપત્ય ધરાવતા હતા.

*       રાવણની લંકાને સોનેથી મઢવા તેમના નાના અને મામા આ ખાણોમાંથી સોનું લાવ્યા હતા.

*       સિંહિકા (હોલિકા)ને અગ્નિથી ન બળવાનું બ્રહ્માનું વરદાન હતું.

*       સિંહિકા (હોલિકા)એ ખોળામાં પ્રહલાદને રાખી અગ્નિ પ્રવેશ  કર્યો એટલે બ્રહ્માના વરદાનનું વિપરીત પરિણામ આવ્યું.

*       સિંહિકા (હોલિકા) બળી ગઈ, પ્રહલાદ બચી ગયો.

*       પ્રહલાદનો ઉછેર ઋષિઓના આશ્રમમાં થયો હતો એટલે તે દેવ સંસ્કૃતિથી પ્રભાવિત હતો અને પિતાની દૈત્ય સંસ્કૃતિનો વિરોધી હતો.

————–.

(મહેન્દ્ર પ્રતાપ તિવારીના લેખના આધારે)

Leave A Reply

Your email address will not be published.

Translate »