તમારા માટે, તમારી સાથે, સતત…

ભલે સમય બદલાયો, પરંતુ મહિલાઓની સ્થિતિ નથી બદલાઈ

સકારાત્મક વિચારશૈલી અપનાવો

0 731
  • ફેમિલી ઝોન – હેતલ રાવ

અનલૉક-૧ની શરૃઆત થઈ છે, પરંતુ અનેક ઘર-પરિવાર એવાં છે જ્યાં લૉકડાઉનની અસર વર્તાય છે. સતત સાથે વિતાવેલા એ દિવસોના કારણે સંબંધોમાં પડેલી તિરાડ હજુ પણ પુરાઈ નથી. નાની-નાની વાતોના કારણે થયેલા ઝઘડાએ ઘણુ મોટું સ્વરૃપ ધારણ કરી લીધું તો બીજી બાજુ લૉકડાઉનમાંથી મુક્ત થયા છતાં સંબંધો વચ્ચે ઊભી થયેલી દીવાલ યથાવત છે. ઘરેલુ હિંસાની ઘટનાઓમાં પણ વધારો થયો છે.

કોરોનાની મહામારી રોજ નવી શીખ આપે છે. એક તરફ જીવન સાથે જુદા જ પ્રકારના અનુભવો જોડાઈ રહ્યા છે તો બીજી બાજુ જૂની પરિભાષાઓ પણ તૂટી રહી હતી. વર્તમાન સમયમાં લગભગ દરેક વ્યક્તિ સમસ્યા સાથે લડી રહી છે. સામાન્ય દિવસો દરમિયાન જેમને ઘરે પહોંચવાની ઉતાવળ હતી તે લોકો લૉકડાઉનમાં પોતાના જ ઘરમાં ભાર અનુભવતાં. ઑફિસમાંથી રજાઓ નથી મળતી એ વાતની ફરિયાદ કરતા લોકો પણ લૉકડાઉન સમયને પરાણે પસાર કરી રહ્યા હતા. બિઝી શિડ્યુલના કારણે પતિ-પત્નીને પોતાના રીલેશન માટે સમયનો અભાવ રહેતો અને જેના કારણે બંને વચ્ચે હંમેશાં તંુ..તંુ..મેં..મેં.. રહેતી એ લોકોના રિલેશન લૉકડાઉનમાં પણ વિવાદોમાં જ વ્યતીત થયા. આ વાતની પુષ્ટી રાષ્ટ્રીય મહિલા આયોગના આંકડા કરી રહ્યા છે, જે જોતા સ્પષ્ટ થાય છે કે, લૉકડાઉનમાં ઘરેલુ હિંસાની ઘટનામાં વધારો થયો છે.

લૉકડાઉનના પ્રથમ ચરણની વાત કરીએ તો મહિલા આયોગને મહિલાઓ સાથે જોડાયેલી જુદા જુદા પ્રકારની ૨૫૭ ફરિયાદ મળી હતી. જેમાં ૬૯ ઘરેલુ હિંસા સાથે જોડાયેલી ઘટનાઓ હતી. ઘણી ઘટનાઓમાં મહિલાઓ એમ વિચારીને ચુપ રહી હતી કે લૉકડાઉન સમય ચાલી રહ્યો છે તો પતિ સાથે એક જ ઘરમાં રહેવંુ પડશે. જો મહિલાઓએ લૉકડાઉન સમયમાં સહનશક્તિ ન રાખી હોત તો આંકડાની સંખ્યા ઘણી વધારે હોત. હેલ્પ ડેસ્ક પર વર્ક કરતી મહિલા પોલીસ કર્મચારીએ પણ સ્વીકાર્યું છે કે, લૉકડાઉનમાં પતિ ઘરે રહેવાથી મહિલાઓ ઘરેલુ હિંસાની ફરિયાદ કરતા ખચકાટ અનુભવતી. શહેરમાં રહેતી મહિલાઓ ઈ-મેઇલ દ્વારા કે પછી કોઈની મદદથી  ફરિયાદ કરતી હતી.

Related Posts
1 of 289

ઘરેલુ હિંસાઓ પાછળ અનેક કારણો જવાબદાર હતાં. સામાન્ય દિવસોમાં દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત રહેતી હોય છે. મોટા ભાગે રાતના સમયે બધા સાથે મળતા હોય છે, ત્યારે કામની થકાવટના કારણે શરીરમાં ઊર્જા પણ નથી રહેતી અને વિવાદ કરવાનો સમય પણ નથી મળતો, પરંતુ લૉકડાઉનમાં ઘરમાં બધા એકસાથે જ સમય પસાર કરતા, જેના કારણે ઘણી બધી વાતોમાં વિવાદ અને તણાવની સ્થિતિ સર્જાતી હતી. નવરાશની પળ એકબીજાની ખામી શોધવામાં પસાર કરતાં. તેં આમ કેમ નથી કર્યું, કે તું આમ કેમ કરી રહી છે જેવા અનેક કારણ વગરના સવાલો રોજ નવા નવા વિવાદોને જન્મ આપતા હતા.

અન્ય એક કારણમાં જોબ સિક્યૉરિટી હતી. ઘણા લોકો પોતાની નોકરીને લઈને ચિંતિત હતા. પગાર ઓછો મળતો હતો. નોકરી સુરક્ષિત રહેશે કે કેમ, બેંક લોન, ઇએમઆઇ જેવી અનેક વાતોની ચિંતા તેમના મનમાં ઘર કરી ગઈ હતી. જેની ખોટી અસર પારિવારિક જીવન પર પડી રહી હતી.

રોજબરોજના જીવનમાં થતા ઝઘડા સ્વભાવના કારણે થતા હતા. ઘરમાં મહિલાઓની સ્થિતિ હંમેશાં અપમાનજનક જ રહેતી હતી. પુરુષ વિચારતા હોય છે કે મહિલાઓ કોઈ જ કામ કરવામાં સક્ષમ નથી. પુરુષ જ શક્તિમાન છે, પત્નીને નિયંત્રણમાં રાખીને જ તેની પાસે કામ કરાવવું, વ્યસન આર્થિક સ્થિતિ વગેરે..વગેરેે કારણો સામાન્ય જીવન સાથે વણેલા છે, પરંતુ લૉકડાઉન પિરિયડમાં થયેલા વિવાદોનું કારણ થોડંુ જુદું છે. એ દિવસોમાં સંપૂર્ણ પણે અને ફરજિયાત રીતે એકસાથે રહેવા બધાં મજબૂર બન્યાં હતાં. નાનાથી લઈને મોટા સુધી દરેકને લાગતું કે પોતાની સ્વતંત્રતા છીનવાઈ રહી છે અને આ વાતોની સૌથી વધારે અસર પતિ પત્નીના જીવન પર થઈ રહી હતી, પરંતુ એ સમયની સ્થિતિ લાંબો સમય નથી રહેવાની માટે વિવાદોને પૂર્ણ કરવાના પ્રયત્ન કરતા રહેવું વધુ યોગ્ય છે.
————.

સકારાત્મક વિચારશૈલી અપનાવો
લૉકડાઉનની સારી અને નરસી બંને પ્રકારની યાદો હશે, પરંતુ સારા વિચારો માટે જરૃરી છે દુઃખદ ઘટનાઓ અને વિવાદોને ભૂલી જવા અને સાથે વિતાવેલા સારા દિવસો યાદ રાખવા. સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે આપણે અંગત વિવાદો માટે લડવું યોગ્ય નથી, પરંતુ આ માટે ઘરના તમામ સભ્યોએ પ્રયાસ કરવા પડશે. લૉકડાઉનમાં મહિલાઓએ ઘરના દરેક સભ્યને પસંદ આવે એવી જુદી-જુદી રસોઈ બનાવીને પીરસી હશે, વર્તમાન સમયમાં તેમને થોડી રાહત આપવાનો પ્રયત્ન કરો. દરેક કામને આનંદ સાથે કરો જો કામ કરવામાં તમને ખુશી મળશે તો તે તમારી માટે ભાર નહીં રહે, વ્યાયામને જીવનમાં નિયમિત રીતે ઉતારો. થોડો થાક રાત્રે સારી ઊંઘ મેળવવામાં અને મન પ્રફુલ્લિત રાખવામાં હેલ્પફુલ બની રહેશે. પત્નીએ પતિને નવરા બેસી રહેવાના મહેણા મારવાનું ટાળવું, તો પતિએ પણ શક્ય હોય એટલી પત્નીને મદદ કરવી. કોઈ વાતમાં મત મળતો ના હોય તો તેના પર પૂર્ણવિરામ મૂકો. વાતને ખેંચવાનો પ્રયત્ન કરવાથી ઝઘડા વધશે. લૉકડાઉનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કર્યો હોય તેનાથી શીખ મેળવવાનો પ્રયાસ કરી પૈસાની બચત કરવાનું આયોજન કરો. કોઈ પણ સમસ્યા એટલી મોટી નથી હોતી જેટલી આપણે તેને બનાવીએ છીએ.
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »