દેશ માટે જુસ્સો ધરાવતી કારકિર્દી ક્રિમિનોલોજી
ક્રિમિનોલોજી અર્થાત અપરાધ-શાસ્ત્ર, વિજ્ઞાનની જ એક વિશિષ્ટ શાખા છે
- નવી ક્ષિતિજ – હેતલ રાવ
દેશમાં ગુનાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જુદા-જુદા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં ગુનેહારો નિતનવી રીતો અપનાવે છે. જેના કારણે તેમના સુધી પહોંચવામાં ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગુનાઓ પર રોક લગાવવા માટે ક્રિમિનોલોજીમાં નિષ્ણાત પ્રોફેશનલ્સની મદદ લેવામાં આપે છે. યુવાનો માટે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી પડકાર રૃપ બની રહેશે.
ગુનેગારો દ્વારા અપનાવવામાં આવતી હાઈટેક રીત પોલીસ અને ડિટેક્ટિવ એજન્સીઓની પરેશાનીમાં વધારો કરે છે. તેમને રોકનારા વિશેષજ્ઞોની ડિમાન્ડ સૌથી વધુ છે. એકબાજુ નવી-નવી ટૅક્નોલોજીના કારણે ઘણા બધાં કામો સરળતાથી થઈ જાય છે, તો બીજી બાજુ આવી ટૅક્નોલોજીનો દુરુપયોગ પણ ઘણો વધ્યો છે. સાયબર ગુનાઓ તકનીકના દુરુપયોગનું જ એક સ્વરૃપ છે, જે ઘણુ ઘાતક છે. આવા ગુનાઓનું પ્રમાણ વધવાના કારણે નવી ચિંતાઓ અને સમસ્યાઓ જન્મ લે છે. આ પ્રકારના અપરાધો પર પ્રતિબંધ લાદવા માટે ક્રિમિનોલોજીમાં નિષ્ણાત પ્રોફેશનલ્સની મદદ લેવામાં આવે છે.
કાર્યક્ષેત્ર
ક્રિમિનોલોજી અર્થાત અપરાધ-શાસ્ત્ર, વિજ્ઞાનની જ એક વિશિષ્ટ શાખા છે, જેમાં અપરાધ અને તેના બચાવનાં જુદાં-જુદાં સોલ્યુશન વિશેની માહિતી આપવામાં આવે છે. જેમનું કાર્યક્ષેત્ર ગુનેગારોની કાર્યપદ્ધતિના આધાર પર વધારવામાં આવે છે. કોઈ પણ ગુનેગારો ગુનો કરે ત્યારે જાણતા-અજાણતા કોઈ ને કોઈ નિશાન છોડે જ છે. જેમાં અપરાધીની આંગળીઓની છાપ, વાળ, લોહી, થૂંક અથવા અન્ય ઓર્ગેનિક સામગ્રી, ગુનાહિત પ્રવૃત્તિમાં વાપરવામાં આવેલાં હથિયાર અથવા અન્ય સામાન જેવી દરેક વસ્તુઓ આવે છે. આવા પુરાવા, ગુનાની રીત, પ્રકૃતિ અને હેતુની સંપૂર્ણ તપાસ દ્વારા ગુનેગારો સુધી પહોંચી શકાય છે. આ ગુનાઓનું નિરાકરણ લાવીને ગુનેગારોનો અસલી ચહેરો બહાર લાવવાનું કામ ક્રિમિનોલોજિસ્ટ (ગુના વિજ્ઞાની)ના નામથી ઓળખાય છે. આ ક્રિમિનોલોજિસ્ટ એ ગુનાઓ સાથે જોડાયેલા જટિલ કેસ સૉલ કરી અપરાધીઓ સુધી પહોંચવામાં અને તેમને પકડાવવામાં મદદ કરે છે. આ રોમાંચિત કારકિર્દી સાથે ત્યારે જ જોડાઈ શકાય જ્યારે ક્રિમિનોલોજીનો ઔપચારિક અભ્યાસ પૂર્ણ કર્યો હોય.
ક્રિમિનોલોજી અને ફોરેન્સિક સાયન્સ
સામાન્ય રીતે લોકો ફોરેન્સિક સાયન્સ અને ક્રિમિનોલોજીને એક જ સમજે છે, પરંતુ બંને જુદા-જુદા છે. ફોરેન્સિક સાયન્સ ક્રિમિનોલોજીનો એક ભાગ છે, જે ક્રિમિનોલોજી કેવી રીતે પોતાના પુરાવાનો અભ્યાસ અને પ્રયોગ કરે તે વિશેની માહિતી આપે છે. ડીએનએની તપાસ અને ફિંગર પ્રિન્ટ અંગેનું કાર્ય ફોરેન્સિક સાયન્સમાં આવે છે. જ્યારે ક્રિમિનોલોજીમાં ઘટના, સ્થળ પરથી પુરાવા એકઠા કરવા, અપરાધ સંબંધિત પરિસ્થિતિઓનો અભ્યાસ, અપરાધ કરવાના કારણે સમાજ પર થતી અસરનું પરીક્ષણ કરવું અને તપાસ ટીમની મદદ કરવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે.
ક્યારે મેળવી શકો પ્રવેશ
જો તમે સ્નાતક છો તો ક્રિમિનોલોજીમાં બે વર્ષીય પીજી ડિપ્લોમા કરી શકો છો. ત્યાર પછી એક વર્ષીય માસ્ટર ડિગ્રી કે પીએચ.ડી. પણ કરી શકાય. પીએચ.ડી. દરમિયાન વિશ્વવિદ્યાલયમાં ગુનાની જટિલતાઓ, ગુનાનાં કારણો અને તેના નિવારણમાં ઉપયોગમાં લેવામાં આવેલી નીતિ, ગુનેગારોની પ્રવૃત્તિ વગેરે પર શોધ અને અભ્યાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે. ગ્રેજ્યુએટ લૉ માં પણ ક્રિમિનોલોજીમાં વિશેષ કોર્સ કરાવવામાં આવે છે. આ કોર્સ નોકરી કરતા પ્રોફેશનલ્સ પણ કરી શકે છે. આઇએફએસ જેવી ઘણી સંસ્થાઓ છે, જે ત્રણથી છ મહિનાનો સર્ટિફિકેટ અને એડવાન્સ કોર્સ કરાવે છે.
અભ્યાસક્રમ
ક્રિમિનોલોજીના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પોલીસની વહીવટ કામગીરી, માનવીય ચાલ-ચલન વગેરેની વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે. જેમાં મુખ્ય રીતે ક્રિમિનોલોજીના સિદ્ધાંત, ક્રિમિનલ લૉ, પોલીસ-વહીવટ, સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને ગુનાઓના મનોવિજ્ઞાન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ અભ્યાસમાં સતત થતાં પ્રયોગોનો સમાવેશ થાય છે. ગુનાહિત પ્રવૃત્તિમાં ઝડપથી વધતા નેટવર્ક અને સાયબર ક્રાઇમને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે, કારણ કે બદલાતા સમય સાથે ક્રિમિનોલોજીમાં પણ સતત અપડેટ કરવામાં આવે છે.
કૌશલ્ય
યોગ્યતાની સાથે-સાથે અન્ય કુશળતા પણ પ્રોફેશનલ્સમાં હોવી જરૃરી છે. સામાન્ય રીતે તપાસ કરવાની માનસિક્તા, ધૈર્યવાન, પરિશ્રમી અને સાહસિક ગુણ રાખનારા યુવાનો આ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. ક્રિમિનોલોજિસ્ટે આંખ-કાન હંમેશાં ખુલ્લા રાખવા પડે છે, એટલે કે સતત સતર્ક રહેવંુ પડે છે. સામાજિક વાતાવરણ અને આંકડાની રમત હોવાના કારણે આ ક્ષેત્રમાં મનોવિજ્ઞાનની સમજ હોવી અનિવાર્ય છે. ઉપરાંત વિશ્લેષણની ઉચ્ચ કુશળતા અને સાઇકિયાટ્રિસ્ટના ગુણ પણ વિશેષ મહત્ત્વના છે. કોઈ પણ સમયે પડકારો સામે લડવાનો જુસ્સો હોવો સૌથી વધારે જરૃરી છે. આંકડાકીય માહિતી એકત્રિત કરવી અને સાચવીને રાખવાની કુશળતા આ પ્રોફેશનમાં મદદરૃપ બની રહે છે.
રોજગારની સંભાવનાઓ
સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં પ્રોફેશનલ્સ માટે તક રહેલી છે. સૌથી વધુ કામ રિસર્ચ પ્રોજેક્ટર તરીકે મળે છે. આ ઉપરાંત સીબીઆઇ, આઇબી, ખાનગી ચેનલ, સરકારી ક્રાઇમ લેબ, પોલીસ પ્રશાસન, ન્યાયિક એજન્સીઓ, ભારતીય સેના, પ્રાઇવેટ ડિટેક્ટિવ કંપનીઓ, રિસર્ચ એનાલિસિસ વિંગ વગેરેમાં રોજગાર ઉપલબ્ધ છે. કૉલેજોમાં અભ્યાસ કરાવવાનું કામ પણ કરી શકાય છે.
પગાર ધોરણ
ગંભીરતાપૂર્વક કોર્સ કર્યા પછી એક ક્રિમિનોલોજિસ્ટને શરૃઆતના સમયમાં સહેલાઈથી ૩૦થી ૩૫ હજાર રૃપિયા પ્રતિમાસ મળી રહે છે. ત્રણ-ચાર વર્ષના અનુભવ પછી ૫૦થી ૫૫ હજાર રૃપિયા દર મહિને સહેલાઈથી મળી રહે છે. આ ઉપરાંત ફ્રીલાન્સ તરીકે પણ કામ કરી શકાય છે.
મુખ્ય અભ્યાક્રમ
* એમએ, એમએસસી ઇન ક્રિમિનોલોજી
* ફોરેન્સિક પેથોલોજીમાં સ્નાતક
* ડિપ્લોમા ઇન ક્રિમિનોલોજી
* સર્ટિફિકેટ કોર્સ ઇન ક્રિમિનોલોજી
* ગુનાહિત વિજ્ઞાનમાં સ્નાતક અને શોધકાર્ય
આ હોદ્દા પર મળી શકે કામ
* ક્રાઇમ ઇન્ટલિજન્સ
* લૉ રિફોર્મ રિસર્ચર
* ફોરેન્સિક એક્સપર્ટ
* કન્ઝ્યુમર ઍડ્વોકેટ
* *ડ્રગ પોલિસી એડવાઇઝર
* ઍન્વાયરન્મૅન્ટ પ્રોટેક્શન એનાલિસ્ટ
* કમ્યુનિટી કરેક્શન કો.ઓર્ડિનેટર
ગુનાહિત પ્રવૃત્તિમાં જે રીતે ઝડપી વધારો થઈ રહ્યો છે તે જોતાં ક્રિમિનોલોજી સચોટ કારકિર્દી છે, જે અંતર્ગત ક્રિમિનલ લૉ, આઇપીસી, સીઆરપીસી, ફોરેન્સિક સાયન્સ, પિનાલોજી વગેરે વિશે સમજાવવામાં આવે છે. વિદ્યાર્થી જો યોગ્ય રીતે કોર્સ કરી આ ક્ષેત્રમાં ડગ માંડે છે તો તેમને સરળતાથી જોબ મળી રહે છે. આ પ્રોફેશનલ્સમાં સૌથી વધુ લોકો સ્પેશલાઇઝેશન કર્યા પછી જ એન્ટ્રી લે છે, એટલે કે જે પહેેલેથી જ કોઈ ને કોઈ કોર્સ સાથે જોડાયેલા હોય છે. ઉપરાંત કોર્સની સીટ પણ ઘણી સીમિત હોય છે. હજુ પણ યુવાનો પાસે આ કોર્સ સંબંધિત જાણકારીનો અભાવ છે. તો બીજી બાજુ ક્રાઇમના બનાવો વધી રહ્યા છે, માટે આ ક્ષેત્રમાં નીડર પ્રોફેશનલ્સની જરૃર છે. દેશના હિતમાં અને દેશ માટે કામ કરવાનો જુસ્સો ધરાવતા યુવાનો માટે આ ફીલ્ડ કારકિર્દી તરીકે બેસ્ટ ગણી શકાય.
——-.
મુખ્ય સંસ્થાઓ
* નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિમિનોલોજી એન્ડ ફોરેન્સિક સાયન્સ, નવી દિલ્લી
* લખનઉ વિશ્વવિદ્યાલય, લખનઉ
* બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસી
* અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ
* પટના વિશ્વવિદ્યાલય, બિહાર
* યુનિવર્સિટી ઓફ મદ્રાસ, ચેન્નાઈ
* ડૉ. હરિ સિંહ ગૌર વિશ્વવિદ્યાલય, મધ્યપ્રદેશ
————