તમારા માટે, તમારી સાથે, સતત…

બારટેન્ડરઃ સ્મોલ જોબ, બિગ ઇન્કમ

વાઇન સંસ્કૃતિનો પરિચય આપણા માટે નવો કહી શકાય.

0 136
  • નવી ક્ષિતિજ – – હેતલ રાવ

વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણો દેશ બારટેન્ડિંગ માટે નવો છે. એટલે કે ભારતમાં બારટેન્ડિંગની સ્થિતિ જુદી છે. વાઇન સંસ્કૃતિનો પરિચય આપણા માટે નવો કહી શકાય. માટે જ અહીંની રેસ્ટોરન્ટમાં તાલીમ મેળવેલા બારટેન્ડરોની અછત છે. દેશમાં ટ્રેઈન્ડ બારટેન્ડરો માટે જોબની અનેક તક રહેલી છે.

બારટેન્ડર માટે એમ કહેવાય છે કે સારી આવક આપતી નાની જોબ છે, જ્યારે અન્ય તમામ સેક્ટરમાં મંદીનો માહોલ હોય છે ત્યારે આ ક્ષેત્રમાં જોબની ક્યારેય અછત નથી વર્તાતી. ઉપરાંત બારટેન્ડરને શરૃઆતના સમયમાં દસ હજારની જોબ તો સહેલાઈથી મળી રહે છે, જ્યારે એક વર્ષના અનુભવ પછી બારટેન્ડર સહેલાઈથી માસિક ૨૫ હજાર રૃપિયાની સૅલરી મેળવી શકે છે.

બારટેન્ડરનું કાર્ય
બારટેન્ડરનું કામ મહેમાનો માટે ડ્રિન્ક્સ તૈયાર કરી તેને સર્વ કરવાનું હોય છે. સામાન્ય રીતે કોઈ પણ બારટેન્ડર આલ્કોહોલિક અને નોન આલ્કોહોલિક ડ્રિન્ક્સ સહેલાઈથી બનાવી શકે છે. ઉપરાંત ડ્રિન્ક્સને સારી રીતે સર્વ કરવાની આવડત પણ તેમનામાં રહેલી છે. માટે જ બારટેન્ડરોના હાથે બનેલા ડ્રિન્કની મજા લેવાનું જ લોકો યોગ્ય સમજે છે.

વર્કપ્લેસ
બારટેન્ડરોને અનેક જગ્યાએ જોબ મળી રહે છે. જેમાં રેસ્ટોરન્ટ, બાર, નાઇટ ક્લબ્સ, પબ્સ, લાઉન્જ અને પ્રાઇવેટ પાર્ટીઓમાં તેમની ડિમાન્ડ રહે છે. આ દરેક વર્કપ્લેસ પર તે ડ્રિન્ક્સ બનાવીને પીરસવાનું કામ કરે છે. બારટેન્ડરને મિક્સોલોજિસ્ટ પણ કહેવામાં આવે છે. હકીકતમાં તે ફ્લેયરિંગનું કામ પણ કરે છે. ફ્લેયરિંગ એટલે બોટલોને ફેરવવી. ફ્લેયરિંગનું કામ કરતા બારટેન્ડરો પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. જેના કારણે લોકો તેમના પ્રત્યે આકર્ષિત થાય છે. જોકે કોઈ પણ બારટેન્ડર ફ્લેયરિંગ સહેલાઈથી નથી શીખી શકતા, તેના માટે ટ્રેનિંગ અને અનુભવની જરૃર હોય છે.

Related Posts
1 of 55

મહત્ત્વની વાત
આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાનો રસ ધરાવતા યુવાનો પાસે કામને લઈને પૂર્ણ માહિતી હોવી જરૃરી છે. પ્રોફેશનલ્સે પાર્ટી સમયે અન્ય વ્યક્તિની ખુશીઓનું ધ્યાન રાખવાનું હોય છે. ઉપરાંત ખાસ સમારંભ હોય તેમાં પોતાના કાર્યને બેસ્ટ બનાવવાનો પ્રયાસ પણ કરવો રહ્યો. આલ્કોહોલિક પીણા પીનારા લોકો માટે તેમની વચ્ચે રહીને કામ કરવાનું હોય છે. માટે તે પ્રમાણે પહેલેથી જ માઇન્ડ સેટ કરવું પડશે. પોતાના કામમાં ધીરજ અને સ્વભાવમાં આદરભાવ રાખવો પણ જરૃરી છે.  આ ક્ષેત્રમાં એવા જ યુવાનોએ રસ દાખવવો જેમને આ પ્રકારની પાર્ટીઝ, કાર્યક્રમ અને પ્રસંગોમાં કામ કરવાનું પસંદ હોય.

જવાબદારી
બારટેન્ડરે ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે ડ્રિન્ક્સ તૈયાર કરી સર્વ કરવા ઉપરાંત પણ અનેક જવાબદારી નિભાવવાની હોય છે. બારમાં મેનુ તૈયાર કરવા, ત્યાંનાં સાધનોની દેખરેખ, કૉકટૅલની રેસિપી તૈયાર કરવી, બારને મેનેજ કરવાનું અને વર્કસ્પેસને ઓર્ડરમાં રાખવાની જવાબદારી પણ બારટેન્ડરની જ છે. હેડ બારટેન્ડર અન્ય બારટેન્ડરોના કામને સુપરવાઇઝ કરે છે.

બારટેન્ડર માટે માત્ર ફ્લેયરિંગની જ યોગ્યતા પૂરતી નથી. પ્રોફેશનલ્સ પાસે  ડ્રિન્ક્સ તૈયાર કરવાની કાર્યક્ષમતા એક કલા છે, જે નિયમિત અભ્યાસ અને અનુભવના આધારે વધુ યોગ્ય બને છે. બારટેન્ડર કે મિક્સોલોજિસ્ટ બનવા માટે પોતાના કામ સાથે પ્રેમ કરવો જરૃરી છે. સકારાત્મક દ્રષ્ટિકોણ ઉપરાંત લોકો સાથે વાતચીત કરવાની આવડત અને મનમેળ રાખવાની કુનેહ પણ તમારામાં હોવી જોઈએ. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી આ કારકિર્દીમાં ૧૨થી ૧૮ કલાક કામ કરવાનું હોય છે. બાર કે પબમાં કામ કરનારા બારટેન્ડરની ડ્યૂટી સાંજના સમયે શરૃ થઈને મોડી રાત સુધી ચાલતી હોય છે.

બારટેન્ડિંગ હોટલ મૅનેજમૅન્ટની શાળાઓમાં જુદા-જુદા કોર્સના ભાગરૃપે ભણાવવામાં આવે છે. આ કારકિર્દી વિશિષ્ટ છે જેમાં અનેક પડકારો રહેલા છે. એક સમયે જુદા-જુદા ગ્રાહકોની ડિમાન્ડને પૂર્ણ કરવાની હોવાથી પ્રોફેશનલ્સે ચપળતા અને સ્ફૂર્તિ સાથે કામ કરવું પડે છે. આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે ૧૮ વર્ષની ઉંમર ફરજિયાત છે. ધોરણ ૧૨ પાસ કર્યા પછી આ ક્ષેત્રમાં કામ કરી શકાય છે. જોકે નાના રેસ્ટોરન્ટમાં યોગ્યતા નહીં, પેશનની જરૃર વધારે છે. દેશમાં ઘણી સંસ્થાઓ છે જે બાર સંબંધી કોર્સ કરાવે છે.

અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં બારટેન્ડિંગની સ્થિતિ જુદી છે, પરંતુ ધીમે-ધીમે સ્થિતિ બદલાઈ રહી છે. પહેલાં આ ક્ષેત્રમાં પ્રોફેશનાલિઝમ ન હતું, પરંતુ વર્તમાન સમયમાં મહત્ત્વના પ્રોફેશનલ ક્ષેત્રોમાં આ ક્ષેત્રનો સમાવેશ થાય છે. બારટેન્ડિંગનું કામ ફ્રીલાન્સ તરીકે પણ કરી શકાય છે. ફન અને આકર્ષણથી ભરેલી આ કારકિર્દી એવા યુવાનો માટે છે જેમનામાં જોમ અને જુસ્સો હોય.
———–.

મહિલાઓ પણ નિભાવી રહી છે ભૂમિકા
સામાન્ય રીતે એવી ધારણા હોય છે કે, બારટેન્ડિંગનું કામ પુરુષ વર્ગ વધારે કરે છે. આ ક્ષેત્રમાં પુરુષોનું વર્ચસ્વ સૌથી વધારે છે, પરંતુ હવે મહિલાઓ પણ અહીં કારકિર્દી બનાવી રહી છે. પાર્ટી, બાર અને પબ્સ જેવી જગ્યાએ પણ મહિલાઓનું વર્ચસ્વ જોવા મળે છે. ભારત કરતાં વિદેશ કલ્ચરમાં મહિલાઓનું સામ્રાજ્ય વધારે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણા દેશમાં મહિલાઓ આ પ્રોફેશનલ્સને સ્વીકારતી નથી. મોટાં શહેરોમાં મુક્તપણે મહિલાઓ બારમાં કામ કરે છે. પાર્ટીઓમાં બારટેન્ડર તરીકેની બખૂબી ભૂમિકા નિભાવે છે. બે-ચાર વર્ષના અનુભવ પછી બહારના દેશમાં પણ તેમને સહેલાઈથી કામ મળી રહે છે. પરિવારની મદદ કરવાના આશયથી કે પછી સ્વનિર્ભર બનવા માટે પણ મહિલાઓ આવા પ્રોફેશનલ્સને સ્વીકારતી થઈ છે. ઘણા પ્રસંગોમાં મિક્સોલોજિસ્ટ તરીકે મહિલાઓને જ કામ સોંપવામાં આવે છે. જેમાં ખાસ કરીને યુવતીઓની બેચરલ પાર્ટી હોય તેમાં મહિલા બારટેન્ડર પર પસંદગી ઉતારવામાં આવે છે. માટે એમ કહી શકાય કે આ કારકિર્દીમાં મહિલાઓ પણ પુરુષોને સમકક્ષ કામ કરે છે.
——————————

Leave A Reply

Your email address will not be published.

Translate »