તમારા માટે, તમારી સાથે, સતત…

પાકિસ્તાન બ્લૅક લિસ્ટમાંથી ક્યાં સુધી બચશે?

દિલ્હીમાં ભાજપની વેપારી મતબેન્ક સરકી જતાં સંઘ ચિંતિત

0 61
  • રાજકાજ – ચાણક્ય

ત્રાસવાદને નાથવા માટે અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ નિવડેલા પાકિસ્તાનને એફએટીએફ દ્વારા ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવાયો છે. પાકિસ્તાન આ લિસ્ટમાંથી બહાર નીકળવા માટે દેખાવ પૂરતાં પગલાં લે છે. વાસ્તવમાં પાકિસ્તાનમાં પ્રવૃત્ત ત્રાસવાદી સંગઠનો અને તેના વડાઓને પાકિસ્તાનમાં રાજકીય સંરક્ષણ મળેલું છે એ વાત હવે આખી દુનિયા જાણે છે. આવા ત્રાસવાદી સંગઠનોને નાણાકીય ભંડોળ મળતું બંંધ થાય એ માટેનાં પગલાંની તકેદારી આંતરરાષ્ટ્રીય સ્તરે ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ નામની સંસ્થા રાખે છે. આ સંસ્થાએ પાકિસ્તાનને કુલ ૨૭ પગલાંઓ લેવા માટે જણાવેલું છે, પરંતુ પાકિસ્તાને તેમાંથી અડધા પગલાં પણ અસરકારક રીતે લીધાં નથી. ત્રાસવાદી સંગઠનના હાફીઝ સૈયદ જેવા નેતાની ધરપકડ કે સજાના નાટક કરીને પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા હવાતિયાં મારે છે. તે અસરકારક પગલાં નહીં લે તો ગ્રે લિસ્ટમાંથી બ્લેક લિસ્ટમાં મૂકવાની ચેતવણી સંસ્થાએ આપી છે. જો બ્લેક લિસ્ટમાં જાય તો પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક નિયંત્રણો લદાય એવી શક્યતા રહે છે. ૨૦૧૮થી પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં છે અને તેને બ્લેક લિસ્ટમાં જતું અટકાવવા ચીન, તુર્કિસ્તાન જેવા દેશો મદદ કરે છે. દરેક વખતે આવા દેશોની મદદથી બચી જતા પાકિસ્તાનને આ વખતે ચીને પણ એવો સંકેત આપ્યો છે કે ત્રાસવાદ સામે ગંભીર પગલાં લેવા જોઈએ. સ્વાભાવિક અને સર્વસામાન્ય અભિપ્રાય એવો છે કે ત્રાસવાદી સંગઠનો અને તેને ચલાવનારાઓને મળતા નાણાકીય ભંડોળ અટકાવી દેવામાં આવે તો આવા સંગઠનોને ટકી રહેવાનું મુશ્કેલ બની જાય. ત્રાસવાદીઓને તાલીમ અને આશ્રય માટે નાણાકીય સાધન સ્ત્રોતો અઢળક જોઈએ. આવા સ્ત્રોતો બંધ થઈ જાય તો તેમને મળતાં શસ્ત્રો-દારૃગોળા અને અન્ય સાધનો પણ ઉપલબ્ધ ન થાય. આવા સ્ત્રોતોને અટકાવવા માટે એફએટીએફ પ્રયત્નશીલ છે, પરંતુ પાકિસ્તાન તેમાં સહયોગ આપતું નથી. દરેક વખતે જ્યારે પાકિસ્તાનના સ્ટેટસ અંગે સમીક્ષા કરવાનો સમય આવે ત્યારે પાકિસ્તાન દેખાવ ખાતર કેટલાંક પગલાંની જોરશોરથી જાહેરાત કરે છે.  આ વખતે પણ પાકિસ્તાને ચીનની મદદથી શોર મચાવ્યો કે તેણે ૧૪ પ્રકારનાં પગલાં લીધાં છે એથી તેને ગ્રે લિસ્ટમાંથી બહાર મૂકવામાં આવે, પરંતુ વાસ્તવિકતા એ હતી કે કુલ ૨૭માંથી પાકિસ્તાને માત્ર પાંચ જ શરતોને પુરી કરી છે. પાકિસ્તાનને કાયમ એવી આશા રહે છે કે ચીન, તુર્કી, મલેશિયા જેવા દેશો તેને બ્લેક લિસ્ટમાં જતા બચાવી લેશે. એટલે જ કોઈ પ્રકારનાં નક્કર પગલાં લીધા વિના શરતો પુરી કરવા માટેના પંદર મહિના વેડફી નાખનાર પાકિસ્તાનને હવે સંસ્થાએ ફરી ચાર મહિનાની મહેતલ આપી છે. પાકિસ્તાનને હવે વધારે આવી મુદત ન મળે એ માટે ભારતે તકેદારી રાખવી જોઈએ. ચીન પણ હવે પાકિસ્તાનને ત્રાસવાદ સામે પગલાં લેતું જોવા ઇચ્છે છે. ચીને એવા સંકેત તો આપ્યા  છે, પરંતુ ચીનના આ સંકેત પાછળ કોઈ ગૂઢાર્થ છે કે કેમ એ જાણવું પણ જરૃરી છે. પાકિસ્તાનને ખોટી રીતે પંપાળતા રહેતા ચીન માટે કશું અશક્ય નથી. પાકિસ્તાનને ચાર મહિનાની વધુ મુદત મળે એ માટે પણ ચીને તેનું વલણ બદલ્યું હોવાની શક્યતા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત  મુલાકાતને લક્ષમાં લઈને ચીને વલણમાં થોડો બદલાવ કર્યો હોય એ પણ શક્ય છે. ભારત-અમેરિકા વચ્ચે ગાઢ બનતા જતા સંબંધો ચીનને નરમ વલણ માટે ફરજ પાડે છે. એટલે ચીનનું વલણ હંગામી ધોરણે બદલાયું છે કે સ્થાયી ધોરણે – એ અત્યારે નક્કી થઈ શકે તેમ નથી. પાકિસ્તાન સાથે અત્યારે તેના સમર્થનમાં એક માત્ર તુર્કી છે. આતંકવાદથી ત્રસ્ત ભારતની પીડા તુર્કી સમજી શકવાનું નથી. વિશ્વની તમામ બાબતોને ધાર્મિક દૃષ્ટિકોણથી નિહાળવાને ટેવાયેલા તુર્કી જેવા દેશ દક્ષિણ એશિયામાં ત્રાસવાદની ખતરનાક અસરોને નિહાળવાનો ધરાર ઇનકાર કરતા રહે છે. ખુદ પાકિસ્તાન તેમાં બરબાદ થઈ રહ્યું છે એ પણ તેઓ ધ્યાનમાં લેતા નથી. આવી પરિસ્થિતિમાં એફએટીએફ અને પાકિસ્તાનની હિલચાલ પર ભારતે સતત નજર રાખવી જોઈએ. ભારતનો ઉદ્દેશ પાકિસ્તાનને પરેશાન કરવાનો નહીં  પણ પાકિસ્તાન પર દબાણ ઊભું કરીને ત્રાસવાદને નિયંત્રિત અને ખતમ કરવાનો ચોક્કસ છે.
—————.

Related Posts
1 of 5

દિલ્હીમાં ભાજપની વેપારી મતબેન્ક સરકી જતાં સંઘ ચિંતિત
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પરંપરાગત વેપારી વર્ગના મતો અન્યત્ર સરકી જવાથી આરએસએસની છાવણી ચિંતિત છે. આ ચિંતાનું મહત્ત્વનું કારણ ર૦૨૨માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે. ઉત્તર પ્રદેશમાં પણ વેપાર વર્ગ ભાજપનો મતદાર રહ્યો છે. અને દિલ્હીના પરિણામની અસર રાજ્યમાં પડવાની શક્યતા છે. કેમ કે સંઘના આંતરિક રિપોર્ટ પ્રમાણે ભાજપને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પચાસ ટકાથી વધુ વેપારી વર્ગના મતોનું નુકસાન થયું છે. તેનાં ઘણા બધાં કારણો છે – જેમ કે જીએસટી સંબંધિત મુશ્કેલીઓ, આર્થિક મંદીને કારણે ઘટતો વેપાર તેમજ ભાજપ-સંઘના પરંપરાગત સમર્થક સમુદાયો પ્રત્યે ભાજપના સ્થાનિક નેતાઓની સતત ઉપેક્ષા. સંઘ સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર પચીસ ટકાથી વધુ વેપારી વર્ગ મતદાન કરવા માટે ઘરેથી નીકળ્યો જ નહીં અને પચીસ ટકાથી વધુ વેપારી વર્ગ આમ આદમી પાર્ટી તરફ સરકી ગયો. આ વલણે ભાજપ અને સંઘની મૂંઝવણ વધારી છે. ઉત્તર પ્રદેશમાં પણ વેપારી વર્ગ જ ભાજપની મતદાર બેન્કનો મોટો હિસ્સો છે. દિલ્હીની માફક જ જો ઉત્તર પ્રદેશનો વેપારી વર્ગ ભાજપથી મોઢું ફેરવી લે તો ભાજપને મુશ્કેલી પડશે. તાજેતરમાં આગ્રામાં મોટા જ્વેલર્સ દંપતીની હત્યા અને ૫૦ કરોડની લૂંટથી ક્રોધિત વેપારીઓએ રાજ્યની કથળેલી કાયદો-વ્યવસ્થા સામે બંધ પાળ્યો હતો. પક્ષમાં એક એવું સૂચન કરાઈ રહ્યું છે કે યોગી આદિત્યનાથના સ્થાને અન્ય કોઈને મુખ્યપ્રધાન બનાવવા જોઈએ, પણ એ માટે મોદીની સંમતિ જરૃરી ગણાય અને હાલ મોદી તો યોગીના વહીવટથી ખુશ છે.
—————.

બિહારમાં કનૈયાકુમારની યાત્રાઃ પડદા પાછળ કોનો દોરી સંચાર?
આજકાલ બિહારમાં કનૈયાકુમારની જનગણમન યાત્રા ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીના પરાજય પછી બિહારના રાજકારણમાં સક્રિય થવાનો તેનો આ બીજો તબક્કો છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં શરૃ થયેલી તેના યાત્રાના રાજકીય સૂચિતાર્થો શોધવામાં આવી રહ્યા છે. કહે છે કે  તેને સામાન્ય યાત્રા માનવાની ભૂલ કરવા જેવી નથી. તેની પાછળ બિહારની ચૂંટણી વ્યૂહરચના છૂપાયેલી છે. અને કોઈ શક્તિશાળી રાજકીય પરિબળ આ યાત્રાને પડદા પાછળથી નિયંત્રિત કરી રહ્યા હોવાનું કહેવાય છે. આ રાજકીય પરિબળ કયું છે? આમ તો કનૈયાકુમાર સામ્યવાદી પક્ષ સાથે સંબંધ ધરાવે છે, પરંતુ કનૈયાકુમારની આ યાત્રાને અંજામ આપી શકે એવો શક્તિશાળી સામ્યવાદી પક્ષ નથી. ભાજપ અને જનતા દળ (યુ) સામે કનૈયાકુમારે મોરચો ખોલ્યો છે. આરજેડી અને ખાસ કરીને તેજસ્વી યાદવ સાથે કનૈયાના કોઈ સંપર્ક નથી. આરજેડી કનૈયાના ઉદયને તેજસ્વીના નેતૃત્વ સામે પડકાર સમજે છે. એથી તેનો સહયોગ હોવાની શક્યતા નથી. તો પછી કોણ હોઈ શકે? કેટલાકના મતે કનૈયાની યાત્રા પાછળ કોંગ્રેસનો હાથ છે. લાંબા સમયથી કોંગ્રેસ બિહારમાં આરજેડીની છાયાામાંથી બહાર નીકળીને પોતાના અસ્તિત્વને જીવંત કરવા ઇચ્છે છે, પરંતુ રાજ્યમાં તેની પાસે કોઈ ડાયનામિક ચહેરો નથી. કનૈયાકુમાર મારફત તેને ફાયદો થઈ શકે છે. કનૈયા ઉચ્ચ વર્ણ સાથે સંબંધ ધરાવે છે. કોંગ્રેસને એ અનુકૂળ આવે તેમ છે. કેમ કે આરજેડી અને જેડીયુની હાજરીથી ઓબીસીમાં કોંગ્રેસ માટે અવકાશ ઊભો થાય તેમ નથી. બિહારમાં સામ્યવાદી પક્ષનું કોઈ મજબૂત કે વ્યાપક નેટવર્ક નથી. વિધાનસભાની ચૂંટણીમાં એ સત્તા માટે દાવેદારી કરી શકે એવી ક્ષમતા પણ નથી. વિધાનસભાની ચૂંટણી માટે તમામ બેઠકો માટે ઉમેદવારો શોધવામાં પણ તેને ફાંફાં પડી જાય એવી સ્થિતિ હોય ત્યાં કનૈયાકુમાર બિહારનું રાજકીય પરિભ્રમણ કરે ત્યારે સવાલો તો સર્જાય જ.
——————————

Leave A Reply

Your email address will not be published.

Translate »