તમારા માટે, તમારી સાથે, સતત…

જેલમાં જે બેધડક મળવા આવે તે દોસ્ત

ક્યારેક ભૂતકાળની સ્મૃતિઓ સળવળે ત્યારે એક નામ યાદ આવે છે

0 102
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

રોમાંચક પ્રેમકથામાં સ્ત્રી-પુરુષના બાળપણના પ્રેમને જેમ વધુ પડતું મહત્ત્વ આપવામાં આવે છે તેમ મૈત્રીની બાબતમાં પણ બાળપણની મૈત્રી, કિશોરકાળની મૈત્રી અને શાળા-કૉલેજની મૈત્રીને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે, પણ આ બધી મૈત્રીઓ કુમળી અવસ્થાની જ ગાંઠ હોવાને લીધે સો ટકા સોનાની જ હોય છે તે વાત સાચી નથી. શાળા-કૉલેજમાં એકબીજાના પડછાયા બનીને ચાલનારા મિત્રો સ્વતંત્ર જીવન શરૃ કર્યા પછી એકબીજાથી તદ્દન દૂર ચાલ્યા ગયાના અને લગભગ એકબીજાને ભૂલી ગયાના દાખલા પણ બને છે. ક્યારેક ભૂતકાળની સ્મૃતિઓ સળવળે ત્યારે એક નામ યાદ આવે છે. બાકી જીવંત મૈત્રીના નામે તો ક્યારનુંય મીંડું મુકાઈ ગયું હોય છે અને બંધ થઈ ગયેલા બેન્ક-ખાતાની પાસબુક જેમ જલદી જડે નહીં એવી જગ્યાએ મુકાઈ જાય છે તેમ સંબંધ મુકાઈ જાય છે. આમાં કૃષ્ણ-સુદામાનો કિસ્સો તો અલગ જ ગણવો પડે તેવો છે. તમે તંદુરસ્ત હો, મસ્ત મિજાજમાં હો ત્યારે તમારો મિત્ર થોડોથોડો થઈ જાય, પણ તમે ઓચિંતા બીમાર પડી જાઓ, કોઈક ગંભીર માંદગીનો ભોગ બની જાઓ ત્યારે તમારો મિત્ર શું કરે છે તેની ઉપરથી તમારી બંનેની દોસ્તીની કસોટી થાય છે. આવા એક મિત્રે બીજા મિત્રને ‘નિર્દોષ ભાવે’ પ્રશ્ન કરેલો ઃ ‘આપણો પેલો દોસ્ત બીમાર પડ્યો છે. દાક્તરોએ નિદાન કર્યું છે કે તેને ક્ષય રોગ છે. ક્ષય રોગ તો ચેપી ગણાય છે. તેની ખબર કાઢવા જવું કે ના જવું?’ કેમ જાણે ખબર કાઢવા જવા માત્રથી મિત્રના રોગનો ચેપ લાગી જવાનો હોય! આ જ રીતે કોઈ બંધનમાં આવી પડે તો તેની મુલાકાત લેતાં પણ કેટલાક મિત્રો ક્ષોભ અનુભવે છે. આપણો મિત્ર નિર્દોષ હોય કે ખરેખર દોષિત હોય – જેલમાં છે તે હકીકત છે અને તેની મુલાકાત લેવી એટલે સામાજિક બદનામીમાં ભાગીદારી વહોરવા જેવું નહીં? કોઈ એવું કહી પણ બેસે કે જેલમાં ગયેલો અને જેલમાં તેને મળવા ગયેલો બંને સરખા જ હશે! એટલે જ મોરોક્કોની એક કહેવત બહુ જ માર્મિક છે. એ કહેવત એવી છે કે, ‘જે તમને જેલમાં કે ઇસ્પિતાલમાં બેધડક મળવા આવે એ તમારો સાચો દોસ્ત!’

Related Posts
1 of 281

સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમની જેમ જ બે વ્યક્તિ વચ્ચે દોસ્તી બંધાઈ જવાનું મૂળ કારણ શોધવું કે નક્કી કરવું મુશ્કેલ થઈ પડે છે. કોઈ કોઈ વાર સરખા સ્વભાવની બે વ્યક્તિ વચ્ચે મૈત્રી બંધાય છે. કોઈ કોઈ વાર તદ્દન વિરુદ્ધ સ્વભાવવાળી બે વ્યક્તિઓ વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ જાય છે. કેટલીકવાર એક નાના કે મોટા અહેસાનમાંથી મૈત્રી ઊગી નીકળે છે. અહેસાન કરનાર અને અહેસાન લેનારના કિસ્મતની બાજી પલટાઈ જાય છે ત્યારે તેમની વચ્ચેની દોસ્તી કસોટીએ ચઢે છે. એક શ્રીમંત મિત્રે તેના ગરીબ મિત્રને ખૂબ ખૂબ મદદ કરી. વર્ષો પછી શ્રીમંત મિત્ર પર દુર્ભાગ્યનાં વાદળ વરસ્યાં અને ગરીબ મિત્રનું નસીબ ઝળકી ઊઠ્યું. ગરીબ થઈ ગયેલા શ્રીમંત મિત્રની મદદે શ્રીમંત બની ગયેલા ગરીબ મિત્રે જવું ન જોઈએ? પણ શ્રીમંત થઈ ગયેલો ગરીબ મિત્ર એકવાર નિર્ધન બની ગયેલા મિત્રની પાસે ગયો અને ભૂતકાળમાં જે કંઈ મદદ તેને મળેલી તેનો પાકો હિસાબ કરીને એટલી રકમ પેલાના પગ પાસે મૂકી! ગરીબ થઈ ગયેલા શ્રીમંત મિત્રને માઠું લાગ્યું – એના ગળામાં આંસુ ભરાયાં – આંખમાં ક્રોધ હતો. તેણે કહ્યું ઃ ‘મિત્ર! સાચી દોસ્તીનો આ દસ્તાવેજ નથી. આ દોસ્તીનું રાજીનામું છે. મારી દોસ્તીની આ રીતે હરાજી કરવાનું તને શોભતું નથી. મારી સ્થિતિ સારી હતી ત્યારે મેં તને બધી જ મદદ કરી હતી, પણ આજે તારી સ્થિતિ સારી થઈ હોવા છતાં મેં તો તારી પાસે હાથ લંબાવ્યો નથી! પછી તું મારી મદદની આ મૂળ કિંમત રૃપિયા, આના, પાઈમાં કાઢીને તે ચૂકવી આપવાની ચેષ્ટા કરે છે તેનો અર્થ મારે શું કરવો? એ જ ને કે હું હવે આનાથી વધારે કશાની અપેક્ષા તારી પાસે ના રાખું? મેં તને જે આપ્યું હતું તે તેં મને પાછું આપ્યું! બસ, ઋણ ચૂકવાઈ ગયું? દોસ્તી પૂરી થઈ ગઈ? આજથી ત્રીસ વર્ષ પહેલાં તારા લગ્ન વખતે તને પાંચ હજાર – દાગીનામાં – રોકડામાં આપ્યા હતા. ત્રીસ વર્ષ પછી તે પાંચ હજાર રૃપિયા પાંચ જ હજાર રહ્યા? મિત્ર, મારે વ્યાજનો હિસાબ લગાવવો નથી. મારે વ્યાજ તો શું, મારું મુદ્દલ પણ પાછું જોઈતું નથી.’

‘બદલાની વાત તો દૂર રહી! તેં આજે ખરેખર દોસ્તીનું અપમાન કર્યું છે. તેં આ રકમ પાછી વાળવાની ચેષ્ટા ના કરી હોત, મારી મદદે આવવાની પણ કશી ચેષ્ટા કરી ના હોત તો મને આટલું બધું ખરાબ ના લાગત! તારી સ્થિતિ એકદમ સારી થઈ ગઈ અને હું ખાડામાં પડ્યો છું છતાં મને તારી કોઈ ઈર્ષા નથી, પણ મને આજે તારી દયા આવે છે! ખેર! તારી રકમ પાછી લઈ જા!’

આવું પણ બને છે અને એવાં પણ દ્રષ્ટાંતો છે કે જેમાં પોતાની ખરાબ સ્થિતિમાં મિત્રે કરેલી એક રૃપિયાની મદદનું સાટું સો રૃપિયા ચૂકવીને વાળવાનો પ્રયાસ થયો હોય – આવું સાટું વાળ્યા પછી પણ અહેસાન ચઢાવવાની ચેષ્ટા કરી ના હોય!
——————————————

Leave A Reply

Your email address will not be published.

Translate »