તમારા માટે, તમારી સાથે, સતત…

કુછ તો મજબૂરિયાં રહી હોગી

અચાનક શું થયું કે વર-કન્યાનાં લગ્ન પહેલાં જ વેવાઈ અને વેવાણ ભાગી ગયાં.

0 381
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

સૂરજ બડજાત્યાની ખૂબ સફળ ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’માં એક ગીત આ મુજબ છે. આજ હમારે દિલમેં અજબ યહ ઉલઝન હૈ. ગાને બૈઠે ગાના, સામને સમધન હૈ. હમ કુછ આજ સૂનાયે યહ ઉનકા ભી મન હૈ. ગાને બૈઠે ગાના, સામને સમધન હૈ. અનુપમ ખૈરના વેવાઈ બનેલા આલોકનાથ તથા પોતાની વેવાણ રીમા લાગુ માટે વિવેકપૂર્ણ ભાષામાં આગળની પંક્તિમાં ગાય છે.

કાનોકી બાલિયાં ચાંદ સૂરજ લગે, યહ બનારસકી સાડી ખૂબ સજે. એક રાઝ કી બાત બતાયૈ સમધીજી ઘાયલ હૈ. આજ ભી સમધન કી ખનકતી પાયલ હૈ. આ શબ્દોમાં મઝાક છે, પરંતુ એ મર્યાદાપૂર્ણ છે, એમાં કશું દ્વિઅર્થી નથી તેમ જ કશું અભદ્ર પણ નથી.

આ વાત અત્યારે એટલા માટે યાદ આવી કે થોડા દિવસો પહેલાં ગુજરાતમાં એક નવતર ઘટના બની હતી. આ ઘટના માટે નવતર વિશેષણ એટલે લખું છું, કારણ ભૂતકાળમાં આવું ક્યારેય સાંભળ્યંુ તો નહોતું, પરંતુ વિચાર્યું પણ નહોતું. વેવાઈ અને વેવાણનો સંબંધ ભાઈ-બહેનના સંબંધ જેવો પવિત્ર માનવામાં આવ્યો છે. અમુક જ્ઞાતિમાં જ્યાં મામા-ફઈનાં ભાઈ-બહેનને પરણવાની છૂટ હોય છે, ત્યાં ફઈનો દીકરો અને મામાની દીકરી પતિ-પત્ની બને છે ત્યારે વેવાઈ અને વેવાણ ખરેખર ભાઈ-બહેન હોય છે. થોડા દિવસો પહેલાં નવયુવાન વરરાજા અને કોડભરી કન્યાનાં લગ્ન નક્કી થયાં બાદ અચાનક શું થયું કે વર-કન્યાનાં લગ્ન પહેલાં જ વેવાઈ અને વેવાણ ભાગી ગયાં.

‘જય માતાજી પથુભા…’ મેં કહ્યું.

‘જય માતાજી લેખક… જય માતાજી.’ પથુભાએ થોડો ઢીલો આવકાર આપ્યો.

‘પથુભા… આજે તમારા જવાબમાં જોમ નથી.’

‘સાવ સાચી વાત કરી છે લેખક.’

‘એનું કારણ શું છે?’

‘એનું કારણ આજનું છાપું છે. મને એમ થાય છે કે હવે છાપું જ બંધ કરી દેવું પડશે. અત્યારે છાપામાં જે સમાચાર આવે છે એ વાંચીને દિવસ બગડી જાય છે.’

પથુભાએ બળાપો ઠાલવ્યો.

‘CAA’ના વિરોધમાં તોફાનીઓનાં ટોળાંએ પથ્થરમારો કર્યો એ સમાચાર હવે જૂના થઈ ગયા છે. મહામહીમ રાષ્ટ્રપતિએ ખુદ કહ્યું કે દેશમાં ‘CAA’નો કાયદો પસાર થવાથી વિશ્વવંદ્ય ગાંધીબાપુનું સપનું સાકાર થશે.’ મેં કહ્યું.

‘હું ‘CAA’ ની વાત કરતો નથી.’

‘તો?’

‘ગુજરાતમાં એક વેવાઈ અને વેવાણ ભાગી ગયાં.’ પથુભાએ ખુલાસો કર્યો.

‘હેં..?’ હું ચોંકી ઊઠ્યો.

‘હા… આજના છાપામાં સમાચાર છે. અમારા ક્ષત્રિય સમાજમાં તો વેવાઈ અને વેવાણ વચ્ચે ભાઈ-બહેન જેવા સંબંધ હોય છે. ઘણા લગ્નમાં તો વેવાઈ અને વેવાણ ખરેખર ભાઈ-બહેન જ હોય છે. અમે જ્યારે આવા સમાચાર વાંચીએ ત્યારે અમને બહુ આઘાત લાગે છે.’ પથુભાનું ક્ષત્રિય લોહી પ્રગટ થયું.

‘તમારી વાત સાવ સાચી છે બાપુ.. હવે હળાહળ કળિયુગ આવ્યો છે.’

‘આ સમાચાર કોડભરી કન્યાને મળ્યા હશે ત્યારે એના ઉપર શું વીતી હશે?’

‘હું જવાબ આપુ?’ અંબાલાલ અચાનક આવી ચડ્યો અને ચાલુ ગાડીએ ટીંગાઈ ગયો.

‘હા… આપ…’ મેં અંબાલાલને અનુમતિ આપી.

‘એ કન્યાએ પોતાના ભાવિ પતિને ફોન કરીને કહ્યું હશે કે તું મને પરણે એ પહેલાં તો તારા બાપાએ મારી મા પરણી નાખી છે.’ અંબાલાલે ધડાકો કર્યો.

‘અંબાલાલ. તને દરેક વાતમાં મઝાક સૂઝે છે?’ પથુભા ખીજાયા.

‘ના બાપુ. આ મઝાક નથી. આ હકીકત છે. વેવાઈએ બંને અર્થમાં મા પરણી નાખી કહેવાય. કન્યાની માતાને ભગાડી જવી એનો અર્થ માતા સાથે પરણવું થાય અને વર-કન્યાના અરમાન અધૂરા રાખીને જિંદગીની પથારી ફેરવી નાખી એ અર્થમાં પણ મા પરણી નાખી કહેવાય.’ અંબાલાલે પોતાના શ્લેષ અલંકારનો વિગતે અર્થ સમજાવ્યો.

Related Posts
1 of 5

‘જો અંબાલાલ… મને તો આ ઘટના ઉપરથી એવું લાગે છે કે કોઈ મા-બાપ પોતાનાં સંતાનોનું ભવિષ્ય બગડે એવું ઇચ્છે નહીં. એમને ભાગવું પડ્યું એનો અર્થ કુછ તો મજબૂરિયાં રહી હોગી. યું નહીં કોઈ બેવફા હોતા’ મેં વેવાઈ અને વેવાણની તરફેણમાં દલીલ કરી.

‘ગમે તેવી મજબૂરી હોય તો પણ દીકરા-દીકરીનાં લગ્ન પહેલાં આવું પગલું ભરાય નહીં, એવો મારો અંગત અભિપ્રાય છે.’ પથુભાએ ચુકાદો આપ્યો.

‘શું વાત ચાલે છે મિત્રો?’ ભોગીલાલે એન્ટ્રી મારી.

‘વેવાઈ અને વેવાણની.’ અંબાલાલે ધડાકો કર્યો.

‘મારા દીકરાએ તો એની મમ્મીને સ્પષ્ટ કહી દીધું કે, તમે મારી વાત ચલાવો તો એવી જગ્યાએ ચલાવજો જ્યાં કન્યાની મા મરી ગઈ હોય.’ ભોગી બોલ્યો.

‘કેમ?’

‘દીકરાને મારા ગુલાબી સ્વભાવની ખબર છે. આ વેવાઈ અને વેવાણનો કિસ્સો બન્યા પછી મારો સુપુત્ર જોખમ લેવા માગતો નથી.’

‘તારા ઘરનાએ એને શું કહ્યું?’ પથુભાને રસ પડ્યો.

‘એમણે તરત જ કહ્યું કે, હા દીકરા… તારી વાત સાવ સાચી છે. વાંદરો ઘરડો થાય તો પણ ગુલાંટ મારવાનું ભૂલે નહીં. માટે પાણી પહેલાં જ પાળ બાંધવી સારી વાત છે.’ ભોગીલાલે નિખાલસતાથી એકરાર કર્યો.

‘પુરુષ અને પતંગ બંને સરખા છે. પતંગ ગમે તેટલો ઊંચે જાય તો પણ ગુલાંટ મારવાનું ભૂલતો નથી. આપણે પતંગ ગુલાંટ ન મારે એટલે તો પૂંછડા બાંધીએ છીએ. બાળકો એ પુરુષ નામની પતંગને બાંધેલા પૂંછડા છે.’ મેં પુરુષના સ્વભાવને ઉપમા આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

‘આ વેવાઈ અને વેવાણ ભાગ્યાં એમના તો પૂંછડા પણ પરણવાલાયક થઈ ગયા હતા. છતાં પતંગે ગુલાંટ મારી કે નહીં?’ અંબાલાલે અઘરો સવાલ પૂછી નાખ્યો.

‘અત્યારે તો એ બંનેના પસ્તાવાનો કોઈ પાર નથી. એ લાગતાં-વળગતાંને ફોન કરીને પૂછે છે કે ઘેર બધા કેમ છે?’ ભોગીલાલે કહ્યું.

‘અબ પસ્તાયે હોત ક્યા, જબ ચીડિયા ચુગ ગઈ ખેત. એકવાર જ્ઞાતિમાં અને સમાજમાં નાક કપાઈ ગયા પછી સ્વજનોની ચિંતા કરવી કે પસ્તાવો કરવો એ બંને નિરર્થક છે.’ પથુભાએ ફરી બળાપો ઠાલવ્યો.

‘જુઓ.. હું તમને એક દૃષ્ટાંત આપું. માણસની આંખ આંબા ઉપર કેરી જુએ, પણ આંખ કેરી સુધી જઈ શકતી નથી. માણસના પગ માણસને આંબા પાસે લઈ જાય છે. માણસના પગ નજીક જાય, પરંતુ કેરી તોડી શકતા નથી. એ કેરીને હાથ તોડે છે તો ખાઈ શકતા નથી. માણસનું મોઢું કેરી ખાય છે, પરંતુ કેરીને પચાવી શકતું નથી. કેરીને પચાવવાનું કામ તો પેટ કરે છે. અચાનક ચોકીદારની નજર પડે છે અને એ માણસની પીઠ ઉપર લાકડીનો પ્રહાર કરે છે. પીઠ ભગવાન પાસે ફરિયાદ કરે છે કે મેં કેરીને જોઈ નથી, હું કેરી પાસે ગઈ નથી, મેં કેરીને તોડી નથી, મેં કેરી ખાધી પણ નથી અને મેં કેરીને પચાવી પણ નથી. ઉપરના પાંચ કામ માણસના પાંચ અલગ-અલગ અંગ કરે છે છતાં વગર વાંકે મને શા માટે માર પડે છે?’ મેં વાત પુરી કરી.

‘લેખક…લેખક… તમે તો આજે મગજમાં આંટી પડી જાય એવી વાત કરી નાખી.’

‘મેં આ પ્રસંગ એક હિન્દીભાષી કથાકાર પાસેથી સાંભળ્યો હતો. ત્યાર બાદ મારા મગજમાં પણ આંટી પડી ગઈ હતી. એટલું સારું કે અંબાલાલને આંટી પડશે નહીં.’

‘કેમ?’ અંબાલાલે પૂછ્યંુ.

‘મગજ હોય એને પડે.’ મેં સિક્સર ફટકારી દીધી.

‘વાહ લેખક વાહ… સાવ સાચી વાત કરી. અંબાલાલને ક્યારેય બ્રેઇન હેમરેજ કે બ્રેઇન ટ્યૂમર પણ થશે નહીં.’ ભોગીલાલે ટેકો જાહેર કર્યો.

‘હવે તમે બંનેએ મારી મઝાક કરી લીધી હોય તો જવાબ આપો કે નિર્દોષ પીઠને માર શા માટે પડે છે?’ અંબાલાલે કહ્યું.

‘આ તમારા મિત્રનો મૌલિક વિચાર છે. આ પેલા કથાકારને પણ સૂઝ્યો નથી એ જવાબ મને ઈશ્વરની કૃપાથી સૂઝ્યો છે. માણસના પગ સારું નાચે અથવા દોડે કે કૂદે તો લોકો પગને શાબાશી આપતા નથી, પરંતુ પીઠને આપે છે. હાથ સારું વગાડે કે દોરે કે બનાવે તો લોકો હાથને શાબાશી આપતા નથી, પરંતુ પીઠને શાબાશી આપે છે. મોઢંુ સારું ગાય કે બોલે તો લોકો જીભને શાબાશી આપતા નથી, પરંતુ પીઠને શાબાશી આપે છે. મોઢું સારું ગાય કે બોલે તો લોકો જીભને શાબાશી આપતા નથી, પરંતુ પીઠને શાબાશી આપે છે. પીઠ કંઈ જ કરતી નથી છતાં કાયમ ખોટો જશ લઈ જાય છે. કાયમ ખોટી શાબાશી ખાટી જતાં હોય એણે ક્યારેક વગર વાંકે માર ખાવાની પણ તૈયારી રાખવી પડે.’ મેં વાત પુરી કરી.

‘વાહ લેખક વાહ… માની ગયા બૉસ.’ પથુભાએ પડકારો કર્યો.

‘એમ વર અને કન્યાનો ભલે જરા પણ વાંક ન હોય, પરંતુ એ પણ જીવનમાં ખોટો જશ ખાટી ગયા હશે એટલે વાંકગુના વગર સહન કરવાનો વારો આવ્યો હશે, કારણ આ બધો કર્મનો સિદ્ધાંત છે.’ મેં સૈદ્ધાંતિક સંદર્ભ રજૂ કર્યો.

‘આપણે ત્યાં વરસો જૂની કહેવત છે કે, છોરુ-ભલે કછોરુ થાય, પરંતુ માવતરને કમાવતર થવાની છૂટ નથી. વેવાઈ અને વેવાણના આ કિસ્સામાં તો માવતરથી ભૂલ થઈ છે.’ ભોગીલાલ બોલ્યો.

‘મેં અગાઉ પણ કહ્યું અને ફરી કહું છું કે માવતર ક્યારેય દીકરા કે દીકરીની ચડતી દેગડીમાં પથ્થર ફેંકે નહીં. એ ક્યારેય મંગળ પ્રસંગમાં વિઘ્ન નાખે જ નહીં. આપણે ખરેખર શું થયું હશે એ જાણતા નથી અને કોઈને દોષ આપવો યોગ્ય નથી. એમના શું સંજોગો હશે એ ઈશ્વરને ખબર.’ મેં ફરી વેવાઈ અને વેવાણનો પક્ષ લીધો. ત્યાં યોગાનુયોગ રેડિયો ઉપર ગીત શરૃ થયું ઃ આજ હમારે દિલમંે અજબ યહ ઉલઝન હૈ. હમ ગાને બેઠે ગાના, સામને સમધન હૈ.
—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »