- ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
સમગ્ર વિશ્વને અસર કરે એવું એક યુદ્ધ હવે પોસાય ના
માત્ર વેપારી શાંતિથી કોઈના પૂર્વના કરેલાં ધોવાય ના
અમેરિકા અને ઈરાન વચ્ચેનું સંકટ સમાપ્ત થઈ ગયું છે એવું અત્યારે લાગે છે. અમેરિકાએ ઈરાની જનરલ સામે પગલાં ભર્યાં, ઈરાને વળતો જવાબ આપ્યો અને હવે બંને પક્ષે ગામ જોઈ શકે તેમ દુશ્મનાવટ નિભાવવાનું બંધ કર્યું. ચાર દાયકાના સંઘર્ષમાં આ રાઉન્ડ કોણ જીત્યું તે અંગે હવે દાવા ‘ને પ્રતિદાવા ચાલી રહ્યા છે. ચાલીસ વર્ષ પહેલાં ઈરાન ‘ને અમેરિકા મિત્ર હતા એવું જેને યાદ હશે તેને ઈરાન-ઈરાક યુદ્ધ ‘ને ઈરાની ખૌમેનીનો હિટલરવાદી ફતવાકાળ પણ યાદ હશે. ભારતમાં ઓછાને ખબર હશે કે ૩૭૦ નાબૂદ થઈ તે પહેલાં એક જમાનામાં આપણા કાશ્મીરમાં ખૌમેની ‘ને મહમૂદના ફોટા જ્યાં ‘ને ત્યાં લટકતાં ‘ને ચોંટેલા રહેતાં. સમય આગળ વધ્યો છે. વિશ્વ બુશ વન ‘ને ટુ વખતે ચાલેલા ગલ્ફ વૉરથી એટલું ધરાઈ ગયું છે કે હવે કોઈ નાની મગજમારી પણ ભોગવવા તૈયાર નથી. વિશ્વમાં યુદ્ધ સિવાયની સમસ્યાઓ પૂરતી છે. છતાં અમેરિકા ‘ને ઈરાન વચ્ચેનો નફરતનો માહોલ સદા માટે ગુલાબી નરમ થાય તેવું કવિઓને પણ નહીં લાગતું હોય.
તારીખિયામાં થોડું પાછળ જઈને બનેલી ઘટનાઓની રીકેપ લઈએ તો ૨૦૧૯ની ૨૭ ડિસેમ્બરે થયેલા ઈરાની હુમલામાં એક અમેરિકન સિવિલિયન કોન્ટ્રાક્ટર મૃત્યુ પામ્યો. એ હુમલાના મૂળમાં જાપાન ‘ને યુએઈ જેવા દેશોમાં આતંકવાદી જાહેર થયેલી ‘ને સાથી દળો સામે ઈરાકમાં લડતી ઈરાની સંસ્થા કતૈબ હેઝબુલ્લાહ હતી. ૨૯ ડિસેમ્બરે અમેરિકાએ એ સંસ્થાના હથિયારના એક ગોદામ તેમ જ કમાન્ડ સેન્ટર પર હવાઈ હુમલો કર્યો ‘ને ૨૫ મારી નાંખ્યા. ૩૧ ડિસેમ્બરે કતૈબ હેઝબુલ્લાહના તથા પીએમએફના ટેકેદારોએ તેમના સૈનિકો કે આતંકવાદીઓ સાથે ઈરાકના ગ્રીન ઝોનમાં આવેલી અમેરિકન એમ્બેસી પર હિંસક હુમલો કર્યો. તે સાથે અમેરિકાને ૧૯૭૯ની એક ઘટના યાદ આવી ગઈ અને એ ઘટનામાંથી બોધપાઠ લઈને અમેરિકાએ ૩ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મંજૂરીથી ડ્રોન હુમલો કર્યો જેમાં અબુ મહદી સાથે કાસિમ સુલેમાનીનું મોત થયેલું.
૪૦ વર્ષ પહેલાંની એ ઘટના ઘટેલી ૪ નવેમ્બર, ૧૯૭૯ના રોજ. ઈરાની વિદ્યાર્થીઓના એક જૂથે તેહરાન સ્થિત યુ.એસ. દૂતાવાસ પર હુમલો કર્યો હતો, જેમાં ૬૬ અમેરિકન સહિત ૯૦ બંધકોને બાનમાં લીધા હતા, કારણ કે ત્યારના અમેરિકન રાષ્ટ્રપતિ જીમી કાર્ટરે ઈરાનના તે વખતના પશ્ચિમ તરફી ‘ને પદભ્રષ્ટ પ્રમુખ શાહ મોહમ્મદ રેઝ પહેલવી જેમને અમુક માસ અગાઉ ઈરાનમાંથી હાંકી કાઢવામાં આવેલા તેમની કૅન્સરની સારવાર માટે યુનાઇટેડ સ્ટેટસમાં આવવા મંજૂરી આપતો નિર્ણય લીધો હતો. ખરેખર તો શાહની તબીબી સારવારની મંજૂરી સિવાય અન્ય કારણ હતું. વાસ્તવમાં એ કહેવાતાં વિદ્યાર્થી ક્રાંતિકારીઓએ નાટકીય રીતે ઈરાનના અમેરિકા સાથેના ભૂતકાળમાં રહેલા સારા સંબંધનો એ હોસ્ટેજ પ્રકરણ દ્વારા અંત લાવી દુશ્મનાવટના પ્રારંભ પર મહોર મારી હતી. વત્તા એ રીતે તેમણે તેમના અમેરિકા વિરોધી નેતા મૌલવી આયતુલ્લાહ રુહોલ્લાહ ખોમેનીની રાષ્ટ્રીય ‘ને વૈશ્વિક છબી પ્રસ્થાપિત કરી હતી. એ કટોકટી શરૃ થયાના છેક ૪૪૪ દિવસ પછી ૨૧ જાન્યુઆરી, ૧૯૮૧ના રોજ ત્યારના નવા રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગને તેમનું પ્રથમ સંબોધન કર્યું તેના થોડા કલાકો પછી એ કહેવાતાં વિદ્યાર્થીઓએ તેમના અપહરણકારોને મુક્ત કરેલા.
રાજકારણના પંડિતો માને છે કે એ બંધકની કટોકટીના પરિણામે જીમી કાર્ટર જેવા નોંધપાત્ર નેતા બીજી વાર રાષ્ટ્રપતિ ના બન્યા ‘ને તેથી વિશેષ રોનાલ્ડ રેગનનો રાજકીય રીતે અત્યંત મહત્ત્વનો અંતરાલ શરૃ થયો. ઘટના ચાર દાયકા પહેલાંની હોય કે તાજેતરના દસકાની, ભૂતપૂર્વ રાષ્ટ્રીય નેતાગીરીના પડઘા વર્તમાન શાસકોએ ભોગવવા જ પડે છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વના મહદ્ દેશોમાં સ્થાનિક મુદ્દાઓએ જોર પકડ્યું ‘ને લિબરલ ટેગ હેઠળના નેતાઓ એક પછી એક પરાસ્ત થયા. લિબરલ જેમને પશ્ચિમમાં બહુમત લોકો રિટાર્ડ શબ્દના ઉપસર્ગ થકી લિબટાર્ડ કહે છે તેમને પછાડીને જીતેલામાંના એક ટ્રમ્પ જીત્યા ત્યારથી મીડિયા દ્વારા સતત ‘ને અંતિમવાદી નકારાત્મકતાનો સામનો કરી રહ્યા છે. લિબરલ્સને રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રવાદ પ્રકારની વાતો પ્રત્યે નફરત હોય છે. સામાન્ય રીતે તેમને દેશના દુશ્મનને માફ કરીને વ્હાલ કરવાનું પસંદ હોય છે. એ લોકો ટ્રમ્પે ડ્રોન હુમલો ‘ને સુલેમાની મરાયો એ હવાઈ હુમલો મંજૂર કર્યો એટલે એવો આરોપ મૂકે છે કે રાષ્ટ્રપતિપદ પર તોળાતા ખતરા પરથી ફોકસ બીજે હટાવવા ટ્રમ્પે આવું કર્યું.
એક કરતાં વધુ રીતે એ દાવામાં દમ નથી દેખાતો. કોઈ પણ પક્ષની અમેરિકન ગવર્નમેન્ટ પાંચ વર્ષના શાસન દરમિયાન કોઈ યુદ્ધકીય પગલાં ના ભરે એવું માની શકાય તેમ નથી. વાસ્તવમાં હિલેરી પર તમામ સ્તરના અમેરિકન્સને શંકા હતી કે જો તે પ્રમુખ બની તો જરૃર બે ચાર ઠેકાણે યુદ્ધ છેડશે. ખેર, આવી રાજકીય ધારણાઓ સિવાય અમુક માહિતી વડે ટ્રમ્પ સરકાર દ્વારા ભરવામાં આવેલાં સશસ્ત્ર પગલાંનાં મૂળિયાં જાણી ‘ને સમજી શકાય તેમ છે. સુલેમાનીને મારવાનું પગલું લાંબા સમયથી ચાલતાં ઉંદર બિલાડીના ખેલ જેવા પ્રોક્સી-વૉરથી હટીને નેક્સ્ટ લેવલનું હતું. વોશિંગ્ટને તહેરાનને પ્રત્યક્ષ ડંખ મારેલો. અમેરિકન પાવરનો અભિગમ કહો કે નિર્ણય તદ્દન સ્પષ્ટ હતો કે ઈરાને તેની રીતરસમ બદલવી જ પડશે. વિશ્વમાં એ પગલાંને એટલું ગંભીર ગણવામાં આવેલું કે ટ્રમ્પ પરની ખાર કાઢવા એ પગલાંની ગંભીરતાનો ઉપયોગ કરીને ઘણા રાજકારણના વિશ્લેષકો ત્રીજા વિશ્વયુદ્ધના ડર અંગે લખવા માંડેલા.
પરંતુ, એ પગલાંના મૂળ કાલક્રમાનુસારના બનાવો પર થઈને ઓબામા શાસનકાળમાં જાય છે. ઓબામા પ્રધાનમંડળે એક જોખમ ભરેલું સાહસ ખેડેલું જેને રાજકીય જુગાર જ કહી શકાય. ઓબામાએ ઈરાની મુસ્લિમ વડાઓ કહો કે મુલ્લાઓ જોડે સમાધાનની ડીલ કરવા નિર્ધાર કરેલો. ૨૦૧૫ની એ ન્યુક્લિયર ડીલને કારણે યુએનના પ્રતિબંધો સાવ હળવા થઈ ગયા જે યુએનના પ્રતિબંધોને કારણે ઈરાનનું અર્થતંત્ર ખોરવાઈ ગયેલું. ઓબામાએ એ ડીલ દ્વારા ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટિઝ પર કામચલાઉ મર્યાદા બાંધી ‘ને ઈરાન પાસે ન્યુક્લિયર શસ્ત્રો કદી ના વિકસાવવા માટે ગોળગોળ પ્રતિબદ્ધતા લેવડાવી હતી. વ્હાઇટ હાઉસ ખાતે ભરાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઓબામાને પૂછવામાં આવેલું કે, શું આ ડીલ ન્યુક્લિયર ઇસ્યૂ સિવાય ઈરાનની ગલ્ફ વિસ્તારને અશાંત કરવાની જે રીતિ રહી છે તેને બળપૂર્વક ખારિજ કરી શકશે? ઈરાનની આતંકવાદ તરફી પ્રવૃત્તિને લઈને ચિંતિત પત્રકારોને એ જાણવામાં રસ હતો કે અમેરિકા નવી ડીલ વડે શત્રુને સક્ષમતાથી રોકી શકશે કે નહીં.
મીઠાશથી સરળ કે સીધી વાત કરનારની ઇમેજ ધરાવનાર ઓબામાએ પોતાના ઉત્તરમાં એક મુદ્દો કીધેલો કે આ ડીલને કારણે આપણા માટે ઈરાનની દુષ્ટ ગતિવિધિઓ પર નજર રાખવાનું સહેલું થઈ જશે, જો તેમની પાસે બોમ્બ નહીં હોય તો જે વિસ્તારોમાં આપણા કે આપણા સાથીઓના હિત વિરોધી પ્રવૃત્તિ કરે છે ત્યાંથી તેમને દૂર ખદેડી મૂકવામાં સુગમતા પડશે. ઓબામાની એ વાતમાં દમ હતો કે જો ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ ના હોય તો તેની સામે કામ કરવું ઓછું અઘરું પડે, પરંતુ એ જવાબના બાકીના ભાગનું શું? અમુક વર્ષ અગાઉ ઓબામાએ ઈરાકમાંથી અમેરિકન લશ્કર હટાવી લીધેલું જેને કારણે યુએન એવમ અમેરિકા તરફી ઈરાકી સાથીઓ તેમના દુશ્મન ઈરાન સામે બખ્તર વિહોણા થઈ ગયેલા. હવે આ ડીલને કારણે ઈરાન કાયદાનાં કપડાં પહેરીને ગેરકાયદેસર નગ્નતા સાથે ઈરાક, સિરિયા, લેબેનોનના માર્ગે ઇઝરાયલની સરહદ સુધી પહોંચી શકે. એ ડીલના લીધે ઈરાન પાસે નાછૂટકે પણ પોતાનો સ્વભાવ બદલવાનું કોઈ કારણ ના રહ્યું.
એ ન્યુક્લિયર ડીલનું એક કોમિક વત્તા ક્રૂર પાસું એ હતું કે ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે જરૃરી જે રાચરચીલું ‘ને સરંજામ હતાં તેના પર કોઈ તાળું મારવામાં નહોતું આવ્યું. ડીલ એટલી અપુખ્ત હતી કે આમ ઈરાની એવું અહંકારથી માનવા લાગેલો કે યુએસએ અમારા ઘૂંટણિયે પડ્યું. અમેરિકા નબળું ‘ને મૂર્ખ સાબિત થયેલું તેનું એક દેખીતું કારણ એ હતું કે અમુક વર્ષો અગાઉ અમેરિકાએ યુએનમાં ઈરાન વિરોધી પ્રતિબંધ લગાડવા જે મુદ્દાઓ રજૂ કરેલા તેનું ફારસ તેણે પોતે આ ડીલ વડે કરેલું. રાજકારણના નવા અભ્યાસુને પણ સમજાય એવાં આ કારણોસર એ ડીલને લઈને ઓબામાનો જે આશાવાદ હતો એ પોકળ સિદ્ધ થતો હતો. છતાં એ ગોટાળાનુમા ચક્કર ફરવા માંડ્યું. ઈરાનની દુષ્ટ ગતિવિધિઓ પર નજર રાખવાનું સહેલું થઈ જશે એ વાતનો કોઈ અર્થ નહીં રહે એ ૨૦૧૫ પછીના સમયમાં સિદ્ધ થવા લાગ્યું.
એ ડીલ પછી યુએન ‘ને અમેરિકાની નજર સામે ઈરાકની સરકાર પર શિયા શસ્ત્રદળોની અસર વધવા લાગેલી. સિરિયાના સિવિલ વૉરમાં રશિયા ‘ને ઈરાનની સક્રિયતાને ઓબામા ચુપચાપ માન્ય કરતા રહ્યા જેને કારણે અસાદનો વિજય એ સહજ ધારેલું પરિણામ બની ગયેલું. લેબેનોનમાં હિઝબુલ્લાહ ગ્રૂપે સત્તા કબજે કરી દીધી. આઈસીસનો ભારેભરખમ ઉદય થયો. પછી અમેરિકા ઈરાકમાં ફરીથી થોડું સક્રિય થયું, પણ ઈરાન તેની મનમાની કરવા આઝાદ જ હતું. આઈસીસ સામે અમેરિકા લડતું રહ્યું, પણ તેનો સીધો ‘ને મોટો ફાયદો ઈરાનને મળતો હતો. ગલ્ફના એ વિસ્તારમાં ઈરાનનું વર્ચસ્વ વધતું જ ગયું. ઓબામા એન્ડ કંપની ‘ને તેમની એ ડીલને કારણે ઈરાન સીધી કે સામાન્ય રીતે કાબૂમાં ના આવી શકે એવું તાકાતવર બન્યું. કદાચ ઓબામાએ એ ડીલને કારણે આવા નકારાત્મક સમીકરણો રચાશે ‘ને આવી નુકસાનકારક ફળશ્રુતિ મળશે તેવી ગણતરી નહીં રાખી હોય.
ટ્રમ્પ સરકાર રચાઈ ત્યારથી રિપબ્લિકન ટાંપીને બેઠેલા કે મોકો મળે કે તુરંત ઈરાન પર પગલાં ભરવા સરકાર પર પ્રેશર કરવું જેથી એ શેતાની સાબિત થયેલી ડીલનું કરેલું ભૂસી શકાય. નિઃસંદેહ કટ્ટર પ્રકારના અમેરિકન્સ ઈરાનને ફરી એક વાર માપમાં કરી નાખવા માંગતા હતા. અંતે સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક ઈરાન સામેની એવી કડક માગણીઓના મુસદ્દા સાથે આવ્યા કે જે બુશ તંત્ર કરતાં પણ વધુ ચુસ્ત હતી. ઓબામાની ઈરાન ડીલથી હાથ ધોઈ નાખવા માત્રથી અમેરિકાએ ભોગવેલી ભૂલો સુધરવાની નહોતી. ભૂતકાળમાં અમેરિકાએ જાતે ઈરાન સામેના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધને એક લિમિટેડ પ્રતિબંધયુક્ત ન્યુક્લિયર ડીલ વડે ધોઈ નાખેલો એટલે અમેરિકા મોકાની તલાશમાં હાથ પર હાથ રાખી બેસી રહેલું. કોઈ નવું ડિપ્લોમેટિક મિશન વિશ્વના અગ્રણી દેશોને સાથે લીધા વગર આગળ વધારવું શક્ય નહોતું. વળી, હવે રશિયા વાંકી ચાલ ચાલે એવી શક્યતા પૂરી હતી. એમાંય જે મર્યાદિત સેન્ક્શન નાખવામાં આવેલાં તે ઈરાન પાળી રહ્યું હતું એટલે કાયદેસર નાકાબંધી કરવી શક્ય નહોતી.
ઈરાન પર જે પ્રતિબંધો મૂકાયેલા તેને કારણે વિશ્વમાં ઓઇલના ભાવ કાબૂમાં રહેલા. સાઉદી અરેબિયા ‘ને યુનાઈટેડ આરબ અમિરાત ઈરાનને કારણે જે ઓઇલની ખાધ પડતી એ પૂરી કરવા મજબૂત બનતાં ગયેલાં. એટલે ઓબામાની ડીલ પછી ઈરાન જ્યારે ફરી મજબૂત થયું ત્યારે તેણે બદલો વાળવાનું શરૃ કરેલું. ઈરાને સાઉદી ‘ને યુએઈના શિપમેન્ટ પર હુમલા કર્યા. ત્યાર બાદ સાઉદીની મોટી ઓઇલ પ્રોડક્શન ફેસિલિટી પર ગંભીર હુમલો કરેલો જેને કારણે ઇન્ટરનેશનલ ઓઇલ પ્રાઇસમાં રેકોર્ડ-બ્રેક ઉછાળો આવેલો. છતાં અમેરિકા વિદેશી બાબતોમાં પરંપરાગત રીતે મોનિટરનો રોલ કરવાની જે પૉલિસી હતી તેને બદલે ટ્રમ્પ સરકારની પોતાના કુંડાળામાં જ રમવાની પૉલિસીને વળગી રહ્યું ‘ને તેણે કોઈ લશ્કરી હિલચાલ ના કરી. અમેરિકાએ ત્યારે જ લશ્કરી પ્રત્યાઘાત આપ્યા જ્યારે ઈરાને જાહેરમાં ઈરાક સ્થિત અમેરિકન એમ્બેસી પર હુમલાઓનો દોર ચલાવ્યો.
હાલ અમેરિકા ‘ને ઈરાન બંને શાંત પડ્યા છે, પરંતુ આ વખતે અમેરિકાનો હાથ ઉપર રહ્યો તેવું કહી શકાય તેમ નથી. અમેરિકાએ અન્ય અગ્રણી દેશોનો સાથ લેવો જ પડશે અને તે માટે તેમણે કિંમત પણ ચૂકવવી પડશે. ઈરાનના હાથમાં હવે ઓઇલ પ્રાઇસની ચાવી આવી ગઈ છે. અમેરિકાએ સમસ્યાના નિવારણને બદલે સમસ્યા પેદા કરનારને અમુક હદમાં રાખવાની જે નીતિ અપનાવી તે અતિ જોખમી સાબિત થઈ શકે એમ છે. ઈરાનને અમુકતમુક ધંધા કરતા રોકવું ‘ને ઈરાનને એવા કુકર્મો કરવા લાયક ના રાખવું એ બંને અભિગમમાં ઘણુ અંતર છે. તેમાંય આ વખતે વિશ્વના માહેર રાજનીતિજ્ઞ મોંમાં આંગળા નાખી જાય તેવી ચાલ ઈરાન રમવામાં સફળ થયું.
ઈરાને ન્યુક્લિયર વેપન અંગે બોલવામાં પણ કોઈ બફાટ ના કર્યો. ઈરાને અમેરિકા સામે દુનિયાના દેશો એમની સામે નિવેદન આપે એવા પણ કોઈ આત્યંતિક હુમલા ના કર્યા અને ચૂપ પણ ના બેસી રહ્યું. ઈરાને અમેરિકન બેઝિઝ પર જે બેલિસ્ટિક મિસાઇલ્સ છોડી તેમાં માનવ મૃત્યુ ના થયા એ તેની સફળ કુટિલતા કહેવાય. ઈરાને ઈરાન-ઈરાક યુદ્ધ પછી પહેલી વાર મિસાઇલ્સનો ઉપયોગ કર્યો. ઈરાને તેની પ્રજાને તેમની સરકારમાં વિશ્વાસ આવે ‘ને સરકાર પર ગર્વ થાય તેવું કામ કર્યું. ઈરાને એ સાથે ઈરાક ‘ને આસપાસના દેશોને જણાવી દીધું કે અમે તમારા પર પણ મિસાઇલ મારો કરી શકીએ છીએ. પાછું ઈરાન પોતાની રીતે ભારત જેવા દેશો સાથે પોતાની ઓઇલની તાકાત વડે સારા સંબંધ રાખતું રહ્યું.
હા, ઈરાને એક અત્યંત નીંદનીય પગલું ભર્યું. યુક્રેનનું ૧૭૬ મુસાફરો ભરેલું પ્લેન તોડી પાડ્યું અને પ્લેન તોડ્યું જાન્યુઆરી આઠે ‘ને ઈરાને સ્વીકાર્યું છેક જાન્યુઆરી અગિયારે. પ્લેન ટૅક-ઓફ ભરે એ પછીની ગણતરીની પળોમાં આ કુબનાવ બનાવવામાં આવેલો. મૃત્યુ પામનાર ૧૭૬માં મૂળ ઈરાનીઓ છે. ઈરાને કીધું કે અમને એમ કે એ મિસાઇલ હતું એટલે ભૂલથી તોડી પાડ્યું. ઈરાન તરફી માનસ ધરાવનારા માને છે કે ઈરાને જાહેરમાં માફી માગી એ સારું કહેવાય. ખરી વાત તો એ છે કે વિશ્વમાં એ માફી પહેલાં થોડી ચહલપહલ થઈ એટલે ઈરાને સ્વીકાર્યું કે એ કરતૂત તેની હતી બાકી એ તો ધરાર ઇનકારના રસ્તા પર જ દોડતું હતું. અહીં સવાલ એ થાય છે કે શું ઈરાનના લશ્કરી સ્ટાફ પાસે આવડતની કમી છે ‘ને ગલ્ફના દાદા બનવા નીકળ્યા છે? ઈરાની મૂળના કેનેડિયન્સ સિવાયના ૮૨ ઈરાની મૃતક અંગે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. શું એ પ્લેનમાં મારી નાંખવામાં આવેલા મુસાફરોમાં કોઈ ખાસ હતું કે એ પ્લેનમાં કશું ખાસ ટ્રાન્સપોર્ટ થતું હતું? જે થયું તે વિશ્વએ ઈરાનના એ અંગે કાન આમળવા જોઈએ, આખરે ૧૭૬ નિર્દોષ તો સીધા મરાયા.
ઈરાન-અમેરિકા કટોકટીનો અત્યારે જે અંત આવ્યો છે તે કાયમી અંત બને એવી સંભાવના કમ છે. ટ્રમ્પ વિરોધીઓનું માનવું છે કે ઈરાન સામેના યુદ્ધના ખરાબ પરિણામ વિચારીને જ ઓબામા સરકાર ચાલી હતી, આ ઉત્પાત ટ્રમ્પે સાવ ખોટો ઊભો કર્યો છે. સ્વાભાવિક રીતે એ લોબી ઈરાન વૈશ્વિક ઓઇલના વેપારને બાનમાં લે છે તે ‘ને તેના અન્ય આતંકવાદ પ્રેમી કર્મ તરફ આંખ આડા કાન કરે છે. ઈરાન ‘ને અમેરિકા વચ્ચે યુદ્ધ થશે તો વિશ્વને ભયંકર નુકસાન જશે તેવું માનનાર વર્ગમાં સાધારણ જનથી લઈને અસાધારણ વિભૂતિઓ છે. ઓફ કોર્સ, એ વૈશ્વિક સંવેદનાનો ઉપયોગ ઈરાન પોતાના ફાયદા ‘ને મોટા ભાગના દેશના ગેરફાયદા માટે કરશે એમાં ખાસ કોઈ શક નથી. આજે ઈરાનનો એક અભણ કટ્ટરવાદી ‘ને અમેરિકાનો કોઈ ભણેલો પત્રકાર સરખા વિચાર અભિવ્યક્ત કરે છે કે ઈરાન પર હુમલો કરવાની અમેરિકાની તાકાત નથી ‘ને કરશે તો અમેરિકાની ખેર નથી. એવામાં આવનારા કાળમાં ખરેખર શું થશે એ અંગે ભારત કશું વિચારી શકે તો ખરું.
બુઝારો – પાકિસ્તાન સુન્ની મુસ્લિમ તરફી દેશ રહ્યો છે. ઈરાન પછી વિશ્વની સૌથી વધુ શિયા મુસ્લિમની આબાદી ભારતમાં છે, કુલ મુસ્લિમના ૧૦-૧૫ %. આપણા કાશ્મીરમાં બહુમતી સુન્ની છે, ૨૫-૩૦ % શિયા છે.
——————–