સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર કાળા ચોખાની સફળ ખેતી
'બ્લેક રાઇસમાં શક્તિશાળી ઍન્ટિ-ઓક્સિડેન્ટ અને એન્થોકાયનીન વધારે હોય છે
- કૃષિ – ગરિમા રાવ
કાળા ચોખા શબ્દ સાંભળતા જ પંચાણુ ટકા લોકોના મોઢામાંથી હેં..કારો નીકળી પડશે, કારણ કે આપણે સફેદ ચોખા ઉપરાંત બ્રાઉન ચોખાથી પરિચિત છીએ, પરંતુ બ્લેક રાઇસ નવો શબ્દ છે. એટલું જ નહીં, પણ નવતર ખેતી પણ છે. સમગ્ર ગુજરાતમાં માત્ર ખેડા જિલ્લાના સાંખેજ ગામમાં જ કાળા ચોખાની ખેતીનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને આ પ્રયત્નને સફળતા પણ સાંપડી છે. ગુજરાતના ખેડા જિલ્લાને કોઈ ઓળખાણની જરૃર નથી. તેવી જ રીતે ચરોતરમાં ખેતી માટે થતા રહેતા નવા નવા પ્રયોગો પણ લોક જાણીતા જ છે.
ખેડૂતનો દીકરો ખેડૂત જ બને, તેવું હવે નથી રહ્યું, કારણ કે હવે મોટા ભાગના ખેડૂતપુત્રો ભણીગણી ઉચ્ચ ડિગ્રી મેળવી શહેર તરફ દોટ મુકે છે, ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા. એમ પણ કહી શકાય કે આજની યુવાપેઢીને ખેતીમાં કોઈ રસ નથી, પરંતુ સાંખેજ ગામના હરેશભાઈ પટેલના દીકરા શિવમે આ વાતને ખોટી ઠેરવી છે. મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કરી પોતાના ગામમાં જ બ્લેક રાઇસની ખેતી કરી સમગ્ર ગુજરાતમાં નવો ઇતિહાસ રચ્યો છે. ભારતમાં ઘણા ઓછા સ્ટેટ છે જ્યાં બ્લેક રાઇસની ખેતી કરવામાં આવે છે. જેમાં ત્રિપુરા અને મિઝોરમ પ્રથમ ક્રમે છે, જ્યારે નેપાળમાં પણ આ રાઇસની ખેતી થાય છે, પરંતુ ઘણા ઓછા પ્રમાણમાં. ગુજરાતમાં એક માત્ર સાંખેજ ગામમાં શિવમ પટેલ દ્વારા બ્લેક રાઇસની ખેતી કરવામાં આવી છે.
નવી-નવી વસ્તુનું રિસર્ચ કરવાનો શોખ ધરાવતા શિવમને એક દિવસ બ્લેક રાઇસ અને તેનાથી થતા ફાયદાની માહિતી મળી. બસ, એ જ દિવસે તેમણે નક્કી કરી લીધું કે ગમે તેમ કરીને પણ આપણા ગુજરાતમાં બ્લેક રાઇસ તો ઉગાડવા જ છે. પછી તો આ વિશે વધુ માહિતી એકત્રિત કરીને ત્રિપુરામાંથી તેનાં બીજ લાવી સંપૂર્ણપણે સાત્ત્વિક રીતે બ્લેક રાઇસની ખેતી કરી. આ વિશે વાત કરતા શિવમ પટેલ કહે છે, ‘બ્લેક રાઇસ માટે હવા-પાણી અને ખાતર બધું યોગ્ય પ્રમાણમાં હોવંુ જરૃરી હતંુ. માટે પહેલાં તો મેં તે વિશેની જાણકારી મેળવી. પછી પ્રાયોગિક ધોરણે ત્રણ વીઘા જમીનમાં બ્લેક રાઇસની ખેતી કરી. બ્લેક રાઇસ આરોગ્ય માટે આશીર્વાદ ગણવામાં આવે છે, પરંતુ કોસ્ટલી હોવાના કારણે ઘણા ઓછા લોકો તેનો ઉપયોગ કરે છે. ખાસ કરીને ઓનલાઇન તેનું વેચાણ વધુ થાય છે. બ્લેક રાઇસની ખેતીમાં સફળતા મળતા હું અન્ય નવા પ્રયોગ પણ હાથ ધરીશ. જેના કારણે ગુજરાતમાં પણ અનેક પ્રકારની નવી ખેતી થઈ શકે.’
ચોખા વળી કાળા કેમ હોય તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં શિવમ કહે છે, ‘બ્લેક રાઇસમાં શક્તિશાળી ઍન્ટિ-ઓક્સિડેન્ટ અને એન્થોકાયનીન વધારે હોય છે, જેના કારણે તેનો રંગ વધુ કાળો બને છે. આ રાઇસમાં અખરોટનો સ્વાદ હોય છે. અન્ય ચોખા કરતાં વધુ સુગંધિત અને વધુ પૌષ્ટિક છે. નિષ્ણાતોના મતે બ્લેક રાઇસમાં ઓછી કેલેરી હોય છે. ઉપરાંત કાર્બોહાઇડ્રેડ ઓછું, પ્રોટીન ને ઍન્ટિ-ઓક્સિડેન્ટ વધુ હોય છે. સાથે જ આયર્ન ફાઇબર અને વિટામિન બી પણ તેમાંથી મળી રહે છે. માટે આ ચોખા ડાયાબિટીસ, કૅન્સર, હાર્ટ એટેક જેવા રોગોના દર્દીઓ માટે વધુ ફાયદામંદ છે. વજન ઓછંુ કરવા માટે પણ આ રાઇસનો ઉપયોગ કરવામાં આવે છે.’ પૉલિશ કરેલા સફેદ ચોખામાં પ્રોટીનની માત્રા ૬.૮ ટકા હોય છે. બ્રાઉન ચોખામાં ૭.૦ પ્રોટીન, આયર્ન ૫.૫ અને ફાઇબર ૨.૦ ટકા હોય છે. જ્યારે કાળા ચોખામાં પ્રોટીન ૮.૫, આયર્ન ૩.૫, ફાઇબર ૪.૯ ટકા હોય છે. માટે અન્ય ચોખા કરતાં આ ચોખા આરોગ્ય માટે બેસ્ટ છે.
બ્લેક રાઇસ ખાવા માટે ઉત્તમ છે, પરંતુ આ રાઇસને ગુજરાત સુધી લાવીને સાંખેજ જેવા નાના ગામમાં સફળ રીતે ખેતી કરવા માટે શિવમને બિરદાવવા જેવો તો ખરો જ, કારણ કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે કોઈ ત્યાં પહોંચે ગુજરાતી.
———————————————–