તમારા માટે, તમારી સાથે, સતત…

વાલી-સંચાલકોની હુંસાતુંસીમાં વિદ્યાર્થીઓ પીસાયા

વાલી અને શાળાના સંચાલક બંનેનો સરખો વાંક છે

0 195

શિક્ષણ – હેતલ રાવ
hetalrao.abhiyaan@gmail.com

ફી અધિનિયમનો કાયદો વાલી માટે કેટલો કારગત નિવડ્યો છે તેની વાત કરવી તો દૂર રહી, પરંતુ હાલમાં તો આ કાયદાએ વાલી અને શાળાના સંચાલકો વચ્ચે જંગ છેડી છે. સરકાર પર પણ એવા આક્ષેપો થઈ રહ્યા છે કે શાળાના સંચાલકો સાથે હાથ મિલાવી નિયમના નામે વાલીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. એક બાજુ વાલીઓ આંદોલન પર ઊતરી પડ્યા છે તો બીજી બાજુ શાળાના સંચાલકો વચલો માર્ગ શોધી રહ્યા છે. સરકાર કયા પલ્લે બેસવું તે વિચારી રહી છે અને બધાના વચ્ચે બાળકો પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. આ બધામાં વિદ્યાર્થીઓનું કોણ વિચારી રહ્યું છે?

નવમા ધોરણમાં ભણતા ધ્રુવે મામાને ફોન કર્યો અને કહ્યંુ કે, ‘મામા, મારે પરીક્ષા જ નથી આપવી અને બસ હવે આગળ નથી ભણવું.’ તેના મામા તો હેરાન જ થઈ ગયા અને પ્રશ્ન પર પ્રશ્ન પૂછવા લાગ્યા. દરેક સવાલના અંતે ધ્રુવ એટલું જ કહેતો કે, ‘મામા, હું મમ્મી-પપ્પાની પરિસ્થિતિ સમજું છું અને તેમના સહકારમાં પણ છું, પરંતુ સાચું કહું, હવે કંટાળી ગયો છું. સમજ નથી પડતી કે શું કરવું, ઘરમાં આવું તો આ ફીની બબાલ, શાળામાં જવું તો પણ ફીની બબાલ, ભણવા કેવી રીતે બેસંુ. એસએસસીના ક્લાસ પણ શરૃ થઈ ગયા છે, પણ બધું છોડી દૂર ભાગવાનું મન થાય છે.’ શું તમારા બાળકને પણ આવું નહીં થતું હોય. વાલીઓની લડત સારી અને સાચી છે, પરંતુ તેની અસર પોતાના બાળક પર કેટલી થાય છે તે જોવું પણ જરૃરી છે. બાળકના ભવિષ્ય માટે અને સારા શિક્ષણની અપેક્ષા સાથે આજે જે વાલી અને શાળાના સંચાલકો વચ્ચે જંગ છેડાઈ છે તેનો કોઈ અંત આવતો નથી. બંને પક્ષ જીતવાની જીદ લઈને બેસી ગયા છે. આ બધામાં મુશ્કેલીનો સામનો માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને જ કરવો પડે છે. તે હકીકત કદાચ કોઈ વિચારી શકતું નથી.

સવાર થાય એટલે મીડિયાથી લઈને સોશિયલ મીડિયા પર ફીની બબાલોને લઈને ન્યૂઝ શરૃ થઈ જાય છે. આ સત્યની લડત છે અને જોવા જઈએ તો ઘણી ખરી રીતે તો આ લડતમાં વાલીઓની જીત પણ થઈ છે. કેટલીય શાળાઓ એવી છે જેણે ફી ઘટાડી છે, પરંતુ માત્ર નેગેટિવ વાતોને જ ચાવવાનું મન કરતા લોકો સારી વાતોને જોઈ નથી શકતા તે એક કડવી હકીકત છે. હાલમાં આ બાબતને લઈને જે માથાકૂટો ચાલી રહી છે તેમાં વાલી અને શાળાના સંચાલક બંનેનો સરખો વાંક છે તે સ્પષ્ટ અનુભવાય છે. મારી આ વાત કદાચ વાલી મંડળને પસંદ ન પડે, પરંતુ જો પોતાના બાળક માટે ખરેખર વિચાર કરવો હોય તો પહેલાં તેમની પરીક્ષા સારી જાય તે ડિપ્રેશનમાં ન આવે તે વિચારો, પછી લડત આપો. બાકી રહી ફીની બાબત તો તેની માટે તો કૉલ્ડ વૉર ચાલી જ રહ્યું છે. મોટાં શહેરોની અને ધનિક લોકોની નબળાઈ કહો કે દેખાડો, પરંતુ પોતાનું સંતાન શહેરની ટોપ ફાઇવ શાળામાં અભ્યાસ કરે છે અને સંપૂર્ણ ફેસિલિટી ત્યાં ઉપલબ્ધ છે તેવા ડોળમાં અને ડોળમાં બાળકોના ભાવિ સાથે ચેડાં કરે છે. અમદાવાદ શહેરની જ વાત કરીએ તો એવી ઘણી શાળાઓ છે જેની ફી એક લાખ કરતાં પણ વધુ છે. ફીના મુદ્દે જે સાચી લડત ચાલી રહી છે તેમાં ઘણા વાલીઓ એવા પણ છે જે પોતાનો કક્કો સાચો ઠરાવવાનો પ્રયત્ન કરે છે. જેની અસર ક્યાંક ને ક્યાંક તેમનાં જ બાળકો પર થતી હોય છે. જ્યારે ઘણા એવા વાલીઓ પણ છે જે મફતમાં પબ્લિસિટી મેળવવા પણ આ હોડમાં દોડે છે, જ્યારે ઘણા તો વાલી જ નથી જે સૌથી આગળ ઊભા રહી ફી ઓછી કરવાની માગ કરે છે. સાચી વાત તો એ છે કે આ ફીનો મુદ્દો પોલિટિક્સનો એક ભાગ બની બેઠો છે અને જેનો ભોગ નિર્દોષ વાલી અને વિદ્યાર્થીઓ બની રહ્યાં છે.

Related Posts
1 of 142

હવે વાત કરીએ ફીની તો હાલમાં વાલી મક્કમ બની ગયા છે અને નક્કી થયેલા ધારાધોરણ પ્રમાણે જ ફી ચૂકવવાનો નિર્ધાર કર્યો છે. આ વિષય પર વાત કરતા વાલી સ્વરાજ મંચના કન્વીનર અમિત પંચાલ કહે છે, ‘૨૦૧૭માં જ્યારે ફીના મુદ્દે એફઆરસીની રચના કરવામાં આવી ત્યારે અમે સાથે મળીને વોઇસ ઓફ પેરેન્ટ્સ નામની ચળવળ શરૃ કરી હતી. અમારી રજૂઆત પહેલેથી જ એ રહી છે કે કોઈ પણ શાળાએ ૧૩ હજારથી વધુ ફી વસૂલવી જોઈએ નહીં અને સરકારે દરેક નિર્ણય લેવો જોઈએ, આ કમિટી બનાવી સરકારે છટકબારી તૈયાર કરી છે. હાલની વાત કરું તો કોઈ પણ વાલી નિર્ધારિત કરી છે તે જ ફી ભરશે. વધારાની ફી ભરવામાં આવશે નહીં. જોકે ૭૦ ટકા વાલી એવા છે જેમને ૧૫ હજાર કરતાં વધુ ફી ભરેલી છે. ૩૦ ટકા વાલી જે લડતના મૂડમાં છે તેમણે ૧૫ હજાર કરતાં ઓછી ફી ભરી છે જેમને શાળાઓ દ્વારા વારંવાર ફી ભરી જવાનું કહેવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ મેઇલ પણ કરવામાં આવે છે ફી ભરી જવા બાબતનો, પરંતુ અમે વાલીઓ મક્કમ છીએ. અમારી આ લડતમાં દરેક વાલી અમારી સાથે છે. જે કાયદો બનાવવામાં આવ્યો છે તેનું બરોબર પાલન થવું જોઈએ.’

‘મારી દીકરી તુલીપ ઇન્ટરનેશનલ શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે’, તેમ કહેતા હેમાંગ ભટ્ટ કહે છે, ‘સરકારે જે નીતિ બનાવી છે તેના પર મક્કમ રહેવું જોઈએ. શાળામાંથી ફી ભરી જવા બાબતે રોજ લેટર આવે છે. આ ઉપરાંત નિયમિત એસએમએસ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત પણ ટ્વેલ અને ટેન્થના વિદ્યાર્થીઓની રિસીપ પણ શાળાએ અટકાવી હતી. જ્યારે વાલીઓએ હોબાળો કર્યો ત્યારે રિસીપ આપવામાં આવી હતી. શાળાની આ પ્રકારની દાદાગીરી યોગ્ય નથી.’

આ વિશે વાત કરતાં અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ મહેતાએ કહ્યંુ કે, ‘અમદાવાદના તમામ સંચાલકો અને પ્રિન્સિપાલની મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં દરેક વાતની ચર્ચા કરવામાં આવી હતી. જેના કારણે કોઈ પણ બાળકને ફી બાબતે લઈને પરીક્ષામાં નહીં બેસવા દેવાની કે અન્ય પ્રકારની હેરાનગતિ કોઈ પણ શાળા નહીં કરે તે સ્પષ્ટ છે. ક્યારેય કોઈ બાળક હેરાન થાય તેવું અમે નહીં થવા દઈએ અને જો એમ થતું હોય તો વાલી અમારી પાસે આવી શકે છે. રહી વાત ફીના મુદ્દાની તો જે શાળાએ કમિટી સમક્ષ ફીને લઈને અરજી કરી નથી તેમને અરજી કરવા માટે કહેવામાં આવ્યું છે અને અરજીના દસ દિવસમાં જ તેની સુનાવણી કરી સુપ્રીમ કોર્ટના ગાઇડન્સને લઈ શાળાની ફી નક્કી કરી દેવામાં આવશે. વાલીઓ બિલકુલ ફી ન ભરે તે પણ યોગ્ય નથી. નિયમ પ્રમાણે તો ફી આપવી જ જોઈએ. સરકારના નિર્ણયની જીત થઈ છે જ.’

ફીના મુદ્દાનો ઘણા વાલીઓ ગેરલાભ પણ ઉઠાવી રહ્યા છે. ઘણા વાલીઓએ અત્યાર સુધીમાં એક રૃપિયો પણ ફીનો ભર્યો નથી. આ આખા મુદ્દામાં પાડાના વાંકે પખાલીને દંડ કહેવત સાચી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આવી બાબતોના કારણે વિદ્યાર્થીઓની માનસિક પરિસ્થિતિ બગડે નહીં અને એપ્રિલમાં આવી રહેલી વાર્ષિક પરીક્ષામાં બરોબર ધ્યાન રાખી શકે તે જોવાની જવાબદારી વાલી અને શાળા બંનેની છે.
—–.
કોઈ પણ વાલી નિર્ધારિત કરી છે તે જ ફી ભરશે. વધારાની ફી ભરવામાં આવશે નહીં. જો કે ૭૦ ટકા વાલી એવા છે જેમણે ૧૫ હજાર કરતાં વધુ ફી ભરેલી છે
અમિત પંચાલ, કન્વીનર, વાલી સ્વરાજ મંચના
———.
શાળામાંથી ફી ભરી જવા બાબતે રોજ લેટર આવે છે. આ ઉપરાંત નિયમિત એસએમએસ પણ કરવામાં આવે છે શાળાની આ પ્રકારની દાદાગીરી યોગ્ય નથી – હેમાંગ ભટ્ટ, વાલી
———-.
શક્તિ પ્રદર્શન યોગ્ય રીતે કરો
છેલ્લા એક વર્ષથી ફીના મુદ્દાએ એટલી બધી બબાલો કરી છે કે હવે તો વિદ્યાર્થીઓ પણ ત્રાસી ગયા છે. વાલીઓ અનેક નિતનવા પ્રયોગો કરી વધારે ફીનો વિરોધ કરે છે. બીજી બાજુ શાળાના સંચાલકો ફી ઓછી ના કરવી પડે તેના રસ્તા શોધે છે. આ બધા વચ્ચે વાલીઓ પોતાનાં જ બાળકોને જોકર બનાવે છે. તો વળી સરકાર અને સંચાલકોને ગધેડા કહે છે. વિરોધ કરે છે, પરંતુ શું તે યોગ્ય રીત છે. જો ખરેખર વાલીઓનો વિરોધ ફીને લઈને હોય તો તેમને હિંમત કરી બાળકોને શાળાએ મોકલવાનું જ બંધ કરી દેવું જોઈએ. જો બાળકો શાળાએ જતાં બંધ થશે તો શાળાના સંચાલકોને નમતંુ જોખ્યા વિના નહીં ચાલે. વાલી મંડળોએ બીજી બધી રીતે દેખાવો કર્યા કરતાં શાળાનાં પાટિયાં જ ઊતરી જાય તેવું કરવું જોઈએ. આ રસ્તા પર ચાલતાં થોડો સમય બાળકો અભ્યાસ વિના રહેશે, પરંતુ લાંબે ગાળે બધાને ફાયદો થશે. પોતાના બાળકને ઘરે પણ ભણાવી શકાય છે. એક બાજુ મસમોટી ફી લેતી શાળામાં બાળકોને અભ્યાસ માટે મૂકવામાં આવે છે અને બીજી બાજુ ફી નહીં ભરવાનો વિરોધ. પ્રદર્શન કરવું છે તો તેની યોગ્ય રીત હોવી જોઈએ. ફાયદો માત્ર પોતાનો નહીં, બધાનો હોય તે જરૃરી છે. પોતાની લીટી મોટી કરવા બીજાની લીટી નાની ન થાય તે જોવું જરૃરી છે. બાળકો શાળાએ જતાં બંધ થશે તો સંચાલકોની સાન ઠેકાણે આવશે. આ રસ્તો પણ અપનાવવા જેવો ખરો, કારણ કે દિલ્હીમાં જેમ કેજરીવાલે શાળાઓમાં બેસ્ટ સુવિધા પૂરી પાડી તેવું આપણા ગુજરાતમાં થવું શક્ય નથી માટે જરૃરી છે, આંદોલન યોગ્ય દિશામાં થાય.
——————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »