ભગવાન રામની મૂર્તિને સ્થાપિત કરનારા પાંચ મહત્ત્વનાં પાત્રો
રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનો પાયો સ્વામી કરપાત્રીએ નાંખ્યો
- કવર સ્ટોરી
આમ તો એ સમયગાળાની બહુ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે, પણ જેટલી પણ માહિતી મળી છે, તેમાં પાંચ વ્યક્તિઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળે છે.
મહારાજા પટેશ્વરી પ્રસાદ સિંહ
રામજન્મભૂમિની મુક્તિના આંદોલનના મહત્ત્વના રણનીતિકાર. તેઓ બલરામપુર સ્ટેટના મહારાજા હતા. સ્વામી કરપાત્રી અને મહંત દિગ્વિજય નાથ સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. ઇ.સ. ૧૯૧૪માં જન્મેલા અને અજમેરની મેયો કૉલેજમાં અભ્યાસ કરનારા મહારાજાને ટેનિસની રમત ખૂબ પ્રિય હતી અને ટેનિસની રમતને કારણે જ તેમની અને કે.કે. નાયર વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આઝાદી મળી એ સમયે મહારાજાએ પોતાના સ્ટેટમાં એક યજ્ઞ કરાવ્યો હતો. એ યજ્ઞ દરમિયાન જ સ્વામી કરપાત્રી સાથે તેમની ઘનિષ્ઠતા કેળવાઈ હતી.
સ્વામી કરપાત્રી
સ્વામીજીને ધર્મસમ્રાટના નામથી પણ ઓળખવામાં આવે છે. સાવ અલગ પ્રકારના સંન્યાસી તરીકેની ઓળખ ધરાવનારા સ્વામી કરપાત્રીને કેટલાક લોકો સંન્યાસી રાજનેતા તરીકે પણ ઓળખે છે. તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે. આ પુસ્તકો પૈકીનું એક ચર્ચિત પુસ્તક છે – રામરાજ્ય અને માર્ક્સવાદ. સ્વામીજીએ રામરાજ્ય પરિષદ નામના એક રાજકીય દળની પણ સ્થાપના કરી હતી અને આ પક્ષના ચાર સભ્યો લોકસભામાં ચૂંટાઈ પણ આવ્યા હતા. સ્વામીજીએ ગૌહત્યાના વિરોધમાં આંદોલન ચલાવ્યું હતંુ અને સંસદ સામે પ્રદર્શન પણ કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને સાધુઓ વચ્ચે સંઘર્ષ થયો હતો, જેમાં ઘણા સાધુઓએ જાન ગુમાવ્યો હતો. રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનો પાયો તેમણે નાંખ્યો હતો. કહેવામાં આવે છે કે પહેલો ઔપચારિક સંકલ્પ પણ તેમની સામે જ લેવામાં આવ્યો હતો અને સંકલ્પ લેનારા લોકો હતા – બલરામપુર સ્ટેટના મહારાજા પટેશ્વરી પ્રસાદ સિંહ, આઇસીએસ કલેક્ટર કે.કે.નાયર અને મહંત દિગ્વિજય નાથ.
હનુમાન પ્રસાદ પોદ્દાર
ભાઈજીના હુલામણા નામથી ઓળખાતા હનુમાન પ્રસાદને કલ્યાણ પત્રિકાના સંસ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. ગીતાપ્રેસની સ્થાપના જયદયાલ ગોયન્કાએ કરી હતી, પણ તેના સર્વેસવા હનુમાન પ્રસાદ હતા. ૨૨-૨૩ ડિસેમ્બરના રોજ બનેલી ઘટનાની વ્યવસ્થા કરવાની તમામ જવાબદારી ભાઈજીના શિરે હતી. મૂર્તિઓની સ્થાપનાની અને પ્રાણપ્રતિષ્ઠાની પણ.
કે.કે. નાયર
એ રાતની સૌથી વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે જેનો ઉલ્લેખ કરવામાં આવે છે એ છે – કે.કે. નાયર. ૧૯૩૦ની બેચના આઇસીએસ ઓફિસર હતા. ૧ જૂન, ૧૯૪૯ના રોજ તેઓ ફૈઝાબાદના કલેક્ટર બન્યા હતા. કહેવાય છે કે જ્યારે મૂર્તિઓની સ્થાપના થઈ રહી હતી ત્યારે તેઓ મૌન રહ્યા હતા. તેમણે કોઈ જ પ્રકારની કાર્યવાહી નહોતી કરી. બીજા દિવસે જ્યારે વડાપ્રધાન નહેરુના કહેવા પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતે નાયરને મૂર્તિઓ પૂર્વવત્ સ્થાને મૂકવાનો આદેશ આપ્યો ત્યારે નાયરે એ આદેશ માનવાનો ઇનકાર કરી દીધો હતો. તેમનું કહેવું હતું કે આમ કરવાથી હિંસા ફાટી નીકળશે. જો પ્રશાસને મૂર્તિઓ હટાવવી હોય તો તેમણે પહેલા મને હટાવવો પડશે.
અભિરામ દાસ
અભિરામ દાસ નાગા વૈરાગી સાધુ હતા. તેઓ રામજન્મભૂમિના ઉદ્ધારક બાબા તરીકે પણ પ્રસિદ્ધ થયા હતા. તેમનું કહેવું હતું કે બાબરી મસ્જિદના મુખ્ય ગુંબજની નીચે બિરાજમાન રામલલ્લા વારંવાર તેમના સપનામાં આવતા. એ રાતે રામલલ્લાની મૂર્તિઓ બિરાજમાન કરવાનો શ્રેય તેમને જાય છે. મૂર્તિઓ સ્થાપિત કરવાના મામલામાં થયેલી એફઆઇઆરમાં તેઓ મુખ્ય આરોપી હતા.
—————————————–.
શિલાન્યાસનાં ચાર પાત્રો
રાજીવ ગાંધીઃ વડાપ્રધાન થઈને ૧૯૮૬માં વિવાદિત સ્થળનાં તાળાં ખોલાવીને બાદ ૧૯૮૯માં મંંદિર નિર્માણના શિલાન્યાસમાં પણ પ્રમુખ ભૂમિકા ભજવી હતી. અલબત્ત, આ રાજીવ ગાંધીની ચૂંટણી ચાલ હતી. તેમણે એવું વલણ અપનાવ્યંુ કે જેથી રામમંંદિરના નિર્માણમાં કોઈ વિવાદ ન થાય અને મસ્જિદ પણ સલામત રહે, પરંતુ ૧૯૯૧માં તેમની હત્યા બાદ તેમની નીતિઓને યોગ્ય રીતે આગળ વધારવામાં ન આવી.
કામેશ્વર ચૌપાલઃ બિહારના સહરસાના એક દલિત પરિવારમાંથી આવતા ૩૫ વર્ષીય કામેશ્વરે રામમંદિરના શિલાન્યાસનો પહેલો પથ્થર રાખ્યો હતો. તે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર હતા. ત્યારે કામેશ્વર ઘટનાસ્થળે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના લોકો સાથે હાજર હતા. શિલાન્યાસ કાર્યક્રમમાં વીએચપીના નેતાઓએ તેમની પાસે પહેલી ઈંટ મુકાવી.
બૂટા સિંહઃ ભારતના તત્કાલીન ગૃહમંત્રી બૂટા સિંહ શિલાન્યાસના એક દિવસ પહેલાં તમામ મુસ્લિમ સમૂહો અને અલાહાબાદ હાઈકોર્ટના સબ-રજિસ્ટ્રાર સાથે વિવાદિત સ્થળે પહોંચ્યા. બૂટા સિંહે ત્યા હાજર સંઘ પરિવાર અને તેમના સાથી પક્ષોને શિલાન્યાસ માટે એકમત થવા માટે રાજી કર્યા. બૂટા સિંહને ક્યાં ખબર હતી કે આ પગલું ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસને મૂળ સોતી ઉખેડી નાખશે.
નારાયણ દત્ત તિવારીઃ રામમંદિરના શિલાન્યાસ સમયે ઉત્તર પ્રદેશમાં એન.ડી. તિવારી મુખ્યમંત્રી હતા. તિવારી વડાપ્રધાનના શિલાન્યાસ કાર્યક્રમ સાથે સંમત નહોતા. તેમની અસંમતિ છતાં વડાપ્રધાનના નિર્ણય સાથે રહ્યા અને એક મુખ્યમંત્રી તરીકે સહયોગ કર્યો. એન.ડી. તિવારી ઉપર કેન્દ્રિય ગૃહમંત્રીને બેસાડીને વડાપ્રધાન રાજીવ ગાંધીએ એમનો અવાજ દબાવી દીધો હતો.
—————————————–.