આવો આ વર્ષે હેલ્ધી અને હેપ્પી દિવાળી મનાવીએ
તહેવારો પછી શુગર લેવલમાં વધારો, બ્લડ પ્રેશર અને અન્ય ચીજો પર જોવા મળે છે.
- હેલ્થ – ભૂમિકા ત્રિવેદી
દિવાળીના દિવસોમાં ખાણીપીણીમાં બેદરકારી ઘણીવાર આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. આખું વર્ષ પોતાની હેલ્થને લઈને સચેત રહેનારા લોકો તહેવાર પર થોડી વધુ બાંધછોડ કરી લે છે. તેનું પરિણામ તહેવારો પછી શુગર લેવલમાં વધારો, બ્લડ પ્રેશર અને અન્ય ચીજો પર જોવા મળે છે.
જો તમે હેપ્પી અને હેલ્ધી રીતે દિવાળી સેલિબ્રેટ કરવા ઇચ્છતા હો તો આટલી બાબતોનું ધ્યાન રાખો…
શુગર ઇનટેક પર ધ્યાન આપો
ડાયાબિટીસના દર્દીઓએ આ દરમિયાન સાવધાની રાખવી જોઈએ. મીઠાઈઓથી દૂર રહેવાની સાથે ડાયાબિટીસ પેશન્ટે શુગર અને સ્ટાર્ચ ઇનટેક પર નજર રાખવી જોઈએ. મોટા ભાગના લોકોનું માનવું હોય છે કે શુગર લેવલ ગળી વસ્તુઓથી જ વધે છે, પરંતુ વધુ નુકસાન ઓઇલી વસ્તુઓ ખાવાથી પણ થાય છે.
મેંદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરો
દિવાળી દરમિયાન સ્નેક્સમાં મળતી મોટા ભાગની વસ્તુઓમાં મેંદાનો ઉપયોગ થતો હોય છે. મેંદો પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે. સાથે તેમાં ઓછા ન્યુટ્રિશન પણ હોય છે અને વધુ કેલરી હોય છે. તેને રોકવા માટે મેંદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરો. ઘઉંમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે તેથી તે ગ્લુકોઝના સ્તરને પ્રભાવિત કરતો નથી.
પાણીની કમી ન થાય તેનું ધ્યાન રાખો
તહેવારની મસ્તીમાં આપણે ખાણીપીણી પર ધ્યાન આપીએ છીએ. આપણે વિવિધ પીણા પીએ છીએ, પરંતુ પાણીની માત્રા ઘટાડી દઈએ છીએ. તે આરોગ્ય માટે ખોટું છે. સ્વસ્થ રહેવા અને અન્ય બીમારીઓ પર અંકુશ લગાવવા માટે ખુદને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૃરી છે.
વ્યાયામમાં બ્રેક ન પાડો
લોકો તહેવારના ચક્કરમાં કે લાંબી રજાઓમાં એક્સર્સાઇઝ પર બ્રેક મારી દે છે. દિવાળી કે તેના પછી એક્સર્સાઇઝ માટે થોડો સમય જરૃર કાઢો. જેથી તહેવારો દરમિયાન જે પણ કેલરી વધી છે તે બર્ન થઈ શકે.
ફ્રેશ ઓઇલનો ઉપયોગ કરો
મોટા ભાગની દુકાનોમાં નમકીન કે અન્ય સ્નેક્સને તળવા માટે વારંવાર એક જ તેલનો ઉપયોગ થાય છે જે આરોગ્ય માટે હાનિકારક છે. વારંવાર એકના એક તેલનો ઉપયોગ કરવાથી તેમાં ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન થાય છે જે સ્વસ્થ કોશિકાઓ સાથે જોડાઈ જાય છે અને બીમારીઓનું કારણ બને છે. સાથે સાથે તેનાથી આર્ટરીઝમાં અવરોધ ઊભો થાય છે. એસિડિટી અને છાતીમાં બળતરા પણ થાય છે.
ઘરે બનાવો મીઠાઈ
શુગર ફ્રી કે આર્ટિફિશિયલ શુગરના બદલે પ્રાકૃતિક રીતે મીઠી વસ્તુઓનો ઉપયોગ કરો. તેમાં ખજૂર, ગોળ, મધ, અંજીર સામેલ છે. ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે કે આર્ટિફિશિયલ સ્વીટનર્સમાં એસ્પાર્ટમ હોય છે જે બ્રેઇન ટ્યુમરનું કારણ બને છે. સાથે સાથે કેમિકલ પ્રિઝર્વેટિવથી કિડની કે લીવર સાથે જોડાયેલી પરેશાનીઓ આવે છે. સાથે સાથે થાઇરોઇડ, યાદશક્તિ, એસિડિટી અને મેદસ્વિતા જેવી સમસ્યાઓ આવે છે. સ્વીટનર્સનો ઉપયોગ કરવાની માત્રા સીમિત છે, પરંતુ મીઠાશ માટે તેનું પ્રમાણભાન જળવાતું નથી. તે બ્લડ ગ્લુકોઝ ઉપરાંત હાર્ટ અને અન્ય અંગોને પ્રભાવિત કરે છે.
ખાવાથી બચો નહીં, થોડંુ થોડંુ ખાવ
તહેવારના ચક્કરમાં ક્યારેક લોકો ખાવાનું સ્કિપ કરી દે છે. તેનાથી કોલેસ્ટ્રોલ, શુગરની સાથે બ્લડ પ્રેશર પણ વધે છે. સાથે સાથે પાર્ટીના ચક્કરમાં ક્યારેક ઓવર ઇટિંગ પણ કરી લે છે. તેની અસર લિવર પર પણ પડે છે. ત્રણથી ચાર કલાકના અંતરાલમાં થોડી-થોડી અને હેલ્ધી વસ્તુઓ ખાવ. મીઠાઈઓ પર તૂટી પડવાના બદલે બદામ, કિસમિસ, ખજૂર, ખીર, શ્રીખંડ ખાવ.
——————————–