તમારા માટે, તમારી સાથે, સતત…

જૂની પરંપરાઃ સંસ્કૃતિની સાથે સેલિબ્રેશન

'અમારે ત્યાં તો પરંપરાગત આ વારસો ચાલ્યો આવે છે.

0 118
  • ફેમિલી ઝોન – હેતલ રાવ

મંદિરમાં મહાપૂજા કરાવવી અને મહાપ્રસાદનો ભોગ અર્પણ કરવો તે આપણી પરંપરા, સંસ્કૃતિ અને ભગવાન પ્રત્યેની અપાર શ્રદ્ધાનો પુરાવો છે. કોઈ પણ સારા પ્રસંગે પ્રથમ શ્રીહરિનાં ચરણોમાં શીશ નમાવી સમગ્ર પરિવાર સાથે પ્રસાદી લેવી તે આજકાલની નહીં, પરંતુ સદીઓથી ચાલી આવતી રીત છે. જોકે આજની યુવા પેઢીમાં આવા સંસ્કાર ક્યાંથી જોવા મળે તેવો વિચાર ચોક્કસથી આવતો જ હશે, પરંતુ હવે યુવાપેઢી પણ પરિવારની આ પરંપરાની જાળવણી કરવામાં આનંદ અનુભવે છે.

દાદાની વર્ષગાંઠ હોય એટલે ઘરમાં પૂજા-પાઠ હવન કરવામાં આવે અને પછી પરિવાર સાથે મળીને મંદિર જાય. ત્યાં પણ ગરીબોને દાન આપવામાં આવે, મંદિરમાં પણ નક્કી કરેલી રકમ આપવામાં આવે અને અંતે ઘરે જઈને બધા સાથે મળી ભોજન કરે. કાકા-કાકી બીજા શહેરમાં રહેતાં હતાં, પરંતુ તે પણ દાદાના જન્મદિવસ પર સંતાનો સાથે જૂના ઘરે આવતાં. ફોઈ-ફુઆ, બધાં ભેગાં થતાં. ઘણીવાર તો મને એમ લાગતું કે દાદાની બર્થ-ડે છે કે પછી કોઈ તહેવાર. બાળપણથી આ બધંુ જ અમે ભાઈ-બહેન જોતાં, પરંતુ હંમેશાં એક પ્રશ્ન રહેતો કે મમ્મી, દાદી, કાકી, ફોઈ, ત્યાં સુધી કે ઘરમાં વર્ષોથી કામ કરતા રામુકાકા અને મહારાજ પણ અમારી સાથે મંદિર આવતા. તો પછી જમવાના સમયે રસોઈ કેવી રીતે તૈયાર હોય છે. નાનો હતો માટે સારું સારું જમવાથી મતલબ હતો, પણ મોટા થતા તો દાદીને પૂછી જ લીધું કે દાદી આપણા ઘરમાં કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે બધા મંદિરે જઈએ છીએ તો રસોઈ કોણ બનાવે છે? દાદી થોડા હસ્યાં અને મમ્મીને બોલાવીને કહ્યું કે, જો તારો વિરાજ શું પૂછે છે. મારા સવાલથી મમ્મી પણ થોડી હસી અને પછી કહ્યું કે, દીકરા, આપણે મંદિરમાં મહાપૂજા અને ભગવાનને મહાભોગ અર્પણ કરીએ છીએ અને જે પણ રસોઈ ઘરે આવે છે તે પ્રસાદીનો ભાગ હોઈ જેને આપણે ખૂબ જ મજા લઈને આરોગીએ છીએ, સમજ્યો. હું બાળપણથી જે લંચને કોઈ ફાઇવસ્ટાર હોટલ કે નામાંકિત રેસ્ટોરન્ટનું ભોજન સમજતો હતો તે તો ભગવાનના ચરણોમાં અર્પણ કરેલા મહાભોગની પ્રસાદી છે. બસ, તે દિવસે મને સમજાયું કે રસોઈ આટલી સ્વાદિષ્ટ કેમ હોય છે. તે દિવસે મમ્મી અને દાદી બંનેનો હાથ મારા હાથમાં લઈને તેમને વચન આપ્યું કે આપણી આ પરંપરાને હું જીવન પર્યંત જાળવી રાખીશ. વિરાજ જેવો ફાસ્ટફૂડ ખાનારો યુવાન આવું પણ કહી શકે તે વાતથી પરિવાર ખુશ હતો. તેનાં

માતાપિતાની આંખમાં તો હરખનાં આંસુ આવી ગયાં અને બોલ્યાં કે, અમારા સંસ્કાર એળે નથી ગયા. ત્યાં જ દાદી પણ બોલ્યાં કે, દીકરા, જેવું અન્ન તેવા વિચાર.

Related Posts
1 of 289

આજના આધુનિક યુગમાં વર્ષગાંઠ હોય કે એનિવર્સરી, સગાઈનો પ્રસંગ હોય કે પછી કોઈ તહેવાર, ઘણીવાર બધા સાથે મળી બહાર જમવાનો પ્લાન બનાવે છે તો ઘણીવાર પોતપોતાની રીતે દિવસને એકલા કે મિત્રો સાથે એન્જોય કરે છે. પહેલાના સમયમાં બહાર જઈને લંચ કે ડિનર કરવાનો ટ્રેન્ડ જ નહોતો. પતિપત્ની બહાર સાથે ભોજન કરવા જાય તેવું તો ઘણુ ઓછંુ બનતું. વડીલોની આમન્યા તે સમયમાં સૌથી મોખરે રહેતી. સારા પ્રસંગે મંદિરમાં ભગવાનને અર્પણ કરેલી રસોઈ જ પ્રસાદરૃપે લેવી તેવા વડીલોના આગ્રહને પરિવારના કોઈ પણ સભ્ય ના નહોતા કહેતા. ઘરની રીતભાત બાળકો પણ જોતાં અને પેઢી દર પેઢી એ રીતે જ પરંપરા ચાલતી રહેતી. પછી સમય બદલાયો, પરિવાર વિભક્ત બન્યા. હવે ફરી એકવાર જૂના ટ્રેન્ડની શરૃઆત થઈ છે. જે પરિવારોમાં મહાપ્રસાદ કે રાજભોગની રીત ચાલતી હતી ત્યાં તો તે યથાવત્ રહી પણ હવે આ રીત ધીમે-ધીમે આગળ વધી રહી છે.

મંદિરમાં બનતી સાત્ત્વિક રસોઈને છોડીને હોટલમાં બનતી રસોઈને કોણ જમે, તેવું પણ લોકો વિચારી રહ્યા છે. બીજું કે સારો પ્રસંગ છે તો પરિવાર સાથે મળી ભગવાનના આશીર્વાદ મેળવે અને તેમને અર્પણ કરેલા રાજભોગને પ્રસાદીરૃપે આરોગે તેમ લોકો વિચારતા થયા છે. હોટલ, રેસ્ટોરન્ટનાં લંચ-ડિનર કે બ્રેકફાસ્ટની સમાંતરે છેલ્લા ઘણા સમયથી મંદિરો અને હવેલીઓમાં તૈયાર થતાં શુદ્ધ સાત્ત્વિક મહાપ્રસાદ લેવાની શરૃઆત થઈ છે. શહેરમાં એક અંદાજ પ્રમાણે મંદિરોની રસોઈમાં બનતાં ભોજન પ્રસાદને રોજના ચારથી પાંચ હજાર ભક્તો લઈ જતા હશે. જુદી-જુદી વૈષ્ણવ હવેલીઓમાં પણ રોજના અંદાજે ૪૦૦થી પણ વધુ જેટલા રાજભોગ લખવામાં આવતા હોય છે. બપોરે ધરાવવામાં આવતો મુખ્ય ભોગ રાજભોગ છે જેને ભક્તજનો માટે પ્રસાદ તરીકે અગાઉથી જ નોંધવામાં આવે છે. જેમાં બે શાક, બે કઠોળ, દાળ-ભાત, રાયતું, શીરો, પૂરી, ભજિયા, મેવા, અથાણા ઉપરાંત મગસ, મઠડી, ખીર-દૂધપાક, વિવિધ ફરસાણ વગેરે પણ હોય છે. જુદા-જુદા ધર્મસંપ્રદાયો પોતાની રીતે મહાપ્રસાદ, મહાભોગ વગેરેની વ્યવસ્થા કરે છે. વૈષ્ણવ હવેલીઓમાં ભગવાનને ધરાવેલો રાજભોગ નોંધાવવાની પ્રથામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પ્રસાદ ઘરે મોકલવાની વર્ષો જૂની પરંપરા પણ યથાવત્ છે. રાજભોગ માટે ૫૦૦ રૃપિયાથી લઈને ૩ હજાર રૃપિયા સુધી ભક્તો મંદિરમાં ભેટ સ્વરૃપે આપે છે. પંદરેક વ્યક્તિ આરામથી જમી લે તેટલી પ્રસાદી ભક્તોના ઘરે પહોંચે છે. પ્રસાદી લેવી હોય તે પ્રમાણે ભક્તો ભેટ લખાવે છે.

આ વિશે વાત કરતાં મંજુલાબહેન એસ. પટેલ કહે છે, ‘અમારે ત્યાં તો પરંપરાગત આ વારસો ચાલ્યો આવે છે. અમારા પૂર્વજો પણ સારા પ્રસંગે મંદિરમાં મહાપૂજા કરાવી અને મહાપ્રસાદ ગ્રહણ કરવાનો જ આગ્રહ રાખતા હતા. આજે પણ અમારા પરિવારમાં કોઈ પણ સારા પ્રસંગે મંદિરમાં ભગવાનને અર્પણ કરેલું અન્ન જ ગ્રહણ કરવાની રીત છે. મારા પૌત્ર-પૌત્રીઓ પણ બહારના ફાસ્ટફૂડ કરતા મંદિરના પ્રાંગણમાં આવેલી પ્રેમવતીમાં જમવાનું જ વધુ પસંદ કરે છે. મને ખુશી છે કે મારાં બાળકો અને તેમનાં બાળકો આજે પણ અમારા સત્સંગના ગુણ નથી ભૂલ્યા.’

જ્યારે અશોકભાઈ પરીખ કહે છે, ‘હું નાનો હતો ત્યારે મારાં માતાપિતા સારા પ્રસંગની ઉજવણી મંદિરમાં જઈને રાજભોગ ધરાવીને કરતાં હતાં. એ રાજભોગની પ્રસાદી ઘરે આવે અને બધા સાથે મળીને જમતાં, પરંતુ સમયની સાથે બધું જ બદલાઈ ગયું. પિત્ઝા, બર્ગરે પરંપરાને તોડી પાડી, પણ જ્યારે મારા મોટા દીકરા આયુષે કહ્યું કે, પપ્પા, આપણે તમારી એનિવર્સરી મંદિરમાં જઈને પૂજા-પાઠ કરી રાજભોગ ધરાવીને ઉજવીએ તો.. દીકરાના આ શબ્દોએ મને વર્ષો પહેલાંની પરંપરા યાદ અપાવી અને મને સમજાયું કે જો મેં પ્રયત્ન કર્યો હોત તો કદાચ આજે પણ પહેલાંની જેમ જ સાત્ત્વિક પ્રસાદીનો લાભ બધા લઈ શક્યા હોત, પણ દેર આયે દૂરસ્ત આયે. હવેથી અમે નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રસંગ હોય પ્રસાદી તો મંદિરની જ લેવાની.’

ફાસ્ટફૂડ પાછળ ઘેલી બનેલી આજની પેઢી માટે સાત્ત્વિક ભોજનની ખરેખર જરૃર છે. શ્રદ્ધા સાથે ઉજવવામાં આવતો કોઈ પણ પ્રસંગ હંમેશાં ઉત્તમ બની રહે છે. હોટલ, રેસ્ટોરન્ટના ભોજનને કાયમ માટે જાકારો ના આપી શકો તો કંઈ નહીં, પરંતુ તમારા સારા દિવસને વધુ સારો બનાવવા માટે તો પ્રભુનાં ચરણોમાં ધરાવેલા રાજભોગ અને મહાપ્રસાદીને જ આરોગો.
————————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »