તમારા માટે, તમારી સાથે, સતત…

હોટ, ગોટ, ડૉગ, વિન્યાસ અને વાઇન યોગા!

વાઇન યોગાના નામે તાજેતરમાં યોગની એક નવી પેટન્ટ લેવાઈ છે

0 432
  • કવર સ્ટોરી – હિંમત કાતરિયા

અમેરિકન એલાયન્સનું સર્ટિફિકેટ ન હોય તો તમે યોગ શિક્ષક થઈ શકો નહીં. એટલે કે તમે અમેરિકામાં યોગ શિખવી શકો નહીં. સૌથી મોટી વિકટ સમસ્યા એ છે કે એ કોણ છે એ ખબર નથી, પણ અમેરિકામાં કેટલાક લોકોએ એવો પ્રચાર કર્યો છે અને યોગની પેટન્ટ કરાવી છે.

શિવાનંદ આશ્રમના અધ્યાત્માનંદજી છેલ્લાં ૩૫ વર્ષથી દર વર્ષે યોગ વર્ગો ચલાવવા અમેરિકા જાય છે. અમેરિકામાં વસતા અનેક ભારતીય યુવક-યુવતીઓ શિવાનંદ આશ્રમ, અમદાવાદમાં યોગ શિક્ષક તાલીમ શિબિરમાં ભાગ લેવા આવે છે અને યોગ શિક્ષક બનીને જાય છે. અધ્યાત્માનંદજીએ તેમના વિદ્યાર્થીઓને અમેરિકન એલાયન્સ ચલાવવા લોકો વિશે જાણી લાવવા કહ્યું તો તેમને જવાબ મળ્યો કે, સ્વામીજી, તેમનો ચહેરો જોવા નથી મળતો, ઓનલાઇન જ વાત કરવી પડે છે. અધ્યાત્માનંદજી કહે છે, ‘આયુષ(છરૃેંજીઁ- આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપથી) મંત્રાલયે પોતાના પ્રતિનિધિઓ વિશ્વભરમાં મોકલેલા છે. તેમાંના એકને મારે તાજેતરમાં મળવાનું થયું ત્યારે મેં તેમને યોગના પેટન્ટની સમસ્યાનો ઉકેલ લાવવા કહ્યંુ ત્યારે તેમણે પણ મને કહી દીધું કે સ્વામીજી, અમે આમાં કશું નહીં કરી શકીએ. કારણ કે કોઈએ એમને જોયા જ નથી, પણ ૫૦,૦૦૦થી વધુ લોકો એલાયન્સ સાથે જોડાયેલા છે, તેમની ફ્રેન્ચાઇઝી લીધી છે. યોગા એલાયન્સ પાસેથી ફ્રેન્ચાઇઝી મેળવવા પેટે વર્ષે ૩૫૦ અમેરિકન ડૉલર ચૂકવવા પડે છે. ઉપરાંત યોગના વર્ગ ચલાવવા માટે યોગા એલાયન્સના ૩ શિક્ષકની નિમણૂક કરવી ફરજિયાત છે. આ એલાયન્સના પ્રત્યેક યોગ શિક્ષક દર વર્ષે એલાયન્સને ૫૦ ડૉલર જમા કરાવવા પડે છે. શા માટે એલાયન્સ લેવું તેની કોઈને ખબર નથી, પણ પ્રચાર કરીને તેમણે આ વાત લોકમાનસમાં ઠસાવી છે.’

મેસેચ્યુએટ્સમાં કૃપાળુ યોગ સંસ્થાન નામે એક યોગ સંસ્થા છે. વડોદરાના કૃપાળુ મહારાજના શિષ્ય ત્યાં સ્થાયી થયા હતા અને તેમણે આ યોગ સંસ્થા ચાલુ કરી હતી. હવે અમેરિકન લોકોએ તેમની હકાલપટ્ટી કરીને સંસ્થા ઉપર કબજો જમાવી દીધો છે અને યોગાસનો શિખવવાના લાખો રૃપિયા ફી લે છે.

અધ્યાત્માનંદજી પાસે દુનિયાભરમાંથી જિજ્ઞાસુઓ પ્રમાણભૂત યોગ શિખવા આવે છે. તેમની પાસેથી ૨૦ દિવસ રોજ સાડા અગિયાર કલાક ભણાવવામાં આવે છે તેના બદલામાં ૫૦૦ ડૉલર લેવામાં આવે છે. જેમાં યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, યોગાસન, મુદ્રાઓ, ઉપરાંત એનાટોમી, ફિઝિયોલોજી, ગાયનેકોલોજી, ઓર્થોપેડિક, આયુર્વેદિક, સંસ્કૃત, રેકી ડિગ્રી-૧ અને ૨, ભગવદ્દગીતાનાં ૧૮ પ્રવચનો, પાતંજલ યોગસૂત્રનાં ૧૮ પ્રવચન સાથે જિજ્ઞાસુને આવાસ અને ભોજનની સુવિધા આપવામાં આવે છે. દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘના નામે ગુજરાત યુનિવર્સિટી સાથે રજિસ્ટર્ડ થયેલો હોવાથી યુનિવર્સિટીની માન્યતાપ્રાપ્ત સર્ટિફિકેટ આપવામાં આવે છે. પહેલા અહીં યોગ શિખવા આવતા વિદેશી સાધકોની ભારે ભીડ રહેતી હતી, પરંતુ હવે ભીડ જોવા મળતી નથી, કારણ કે અહીં યોગા એલાયન્સ આપવામાં આવતું નથી.

ઋષિકેશમાં દરેક ગલીકુંચીમાં યોગ સંસ્થા ચાલે છે. તેઓ યોગ શિખવવાની ૩૦૦૦ ડૉલર જેટલી ફી વસૂલે છે. એક મહિનો રાખે છે. તેમાં ૧૦ દિવસ યોગાસન શિખવે છે. તે પછી આજુબાજુના પહાડોમાં ફરવા લઈ જાય. સવાર, બપોર અને સાંજ બ્રેડ આપે, બાફેલા બટાટા આપે, બાફેલો ભાત આપે અને મગની દાળ બસ આટલું જ જમવામાં મળે અને સવારમાં એક કેળું મળે. એલાયન્સનો ધંધો ખૂબ જામ્યો છે. લોકોએ, પ્રશાસકોએ બજારમાં ઊભા રહીને પૂછવું જોઈએ કે આ શું ચાલી રહ્યું છે.

વિક્રમ ચૌધરી નામના એક બંગાળી આજથી ૩૦-૩૫ વર્ષ પહેલાં હોલિવૂડમાં જઈ વસ્યા હતા. વિક્રમને બંગાળીમાં બિક્રોમ બોલાય છે. તેમણે બિક્રોમ યોગા અને હોટ યોગાની પેટન્ટ કરાવી હતી. તેમાં બંધ કમરામાં ૧૦૦ ડિગ્રી ફેરનહિટ જેટલું તાપમાન ઊભું કરવાનું અને તેમાં લંગોટ કે અંડરવેરધારી પુરુષો અને અંતર્વસ્ત્રોધારી સ્ત્રીઓને યોગાસનો કરવાનાં. આપણે કરીએ છીએ તે જ બધાં આસનો થાય પરંતુ તેમણે પોતાની પેટન્ટ કરાવી, હોટ યોગાના નામે. હોટ યોગાની રીતે કોઈ યોગાસન શિખે કે શિખવાડે તો તેમને તેમની આવકમાંથી ૩૦ ટકા જેટલી રકમ પેટન્ટ ધારકને આપવાની. દાયકાઓથી હોટ યોગાના નામે કારોબાર ચાલતો આવ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષથી બિક્રોમ ગાયબ છે, પરંતુ હોટ યોગા હજુ ચાલે છે.

Related Posts
1 of 262

પતંજલિ યોગસૂત્ર કહે છે, અથઃ યોગાનુશાસનમ્. યોગનો અર્થ જ સ્વયં પર અનુશાસન થાય છે. ગોળબજાણિયા કે મદારી કે સર્કસની જેમ શરીરને વાળવાની ક્રિયાને આ પેટન્ટધારકો અષ્ટાંગ યોગ કહે છે. પેટન્ટ ધારકોએ હવે એક નવું નામ બજારમાં મૂક્યંુ છે, વિન્યાસ યોગ. જેમાં એક આસનમાંથી બીજા આસનમાં જવું, કોઈ અટકાવ નહીં, કોઈ ઠહરાવ નહીં. વાસ્તવમાં યોગનું એવું છે કે બેઠત બારા, ચલે અઠારા, દૌડે મેં બીસ બીસા, કામ ક્રોધ મેં ચલે બહતર, કહતે હૈ દાસ ઘસીટા. કહેવાય છે કે સાધારણ માણસ એક મિનિટમાં બેઠો હોય તો બાર શ્વાસોશ્વાસ લે, ચાલે તો અઢાર, દોડે તો ચાલીસ, ગુસ્સામાં કે હવસમાં બોતેર શ્વાસ લે છે. કૂદાકૂદમાં તો શ્વાસોશ્વાસ બોતેરથી પણ વધી જાય છે. તેને કેવી રીતે યોગાસન કહેવાય.

વાઇન યોગાના નામે તાજેતરમાં યોગની એક નવી પેટન્ટ લેવાઈ છે. સ્ત્રી-પુરુષ અંતઃવસ્ત્રો પહેરીને સામસામે વાઇનની બોટલો એક હાથમાંથી બીજા હાથમાં ઉછાળે અને પછી મોઢા ઉપર ફેંકવાની. ગત વર્ષે એક નવી પેટન્ટ ખૂલી છે, ગોટ યોગા અર્થાત્ કે બકરી યોગાના નામે. આ કહેવાતા યોગમાં ૫૦-૬૦ જણા અંતઃવસ્ત્રો પહેરીને એક બોટ ઉપર જાય. ત્યાં સપાટ પ્લેટફોર્મ પર ઊંધા કે ચત્તા સૂઈ જવાનું. એમની ઉપર ૨૫-૩૦ બકરીઓને ચલાવવાની. બકરીઓ બોટમાંથી જાય તો જાય ક્યાં? સ્વામી અધ્યાત્માનંદજી કહે છે, ‘એક દિવસ અમેરિકામાં આવા ગોટ યોગાના ક્લાસમાં કોઈ મને લઈ ગયંુ અને કહે કે આશીર્વાદ આપો! એ ક્લાસમાં યોગના આચાર્ય ભાંગડા નૃત્યમાં પહેરવામાં આવે તેવો વેશ પહેરીને બેઠા હતા. માથે પાઘડી, કાનમાં કુંડળ અને ગળામાં ઘણીબધી માળાઓ, વગેરે. અચાનક યોગાચાર્યે એક ચીસ પાડી. મેં પૂછ્યું કે આ શું કરો છો? તો કહે કે ધીસ ઇઝ કુંડલીની અવેકનિંગ(કુંડલીની જાગૃત થઈ રહી છે). કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના.’

અધ્યાત્માનંદજી દર વર્ષે અમેરિકા જાય છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ત્યાં તેમણે ૧૨૦૦ કરતાં વધુ યોગ શિક્ષકો તૈયાર કર્યા છે. અહીંથી યોગ શિક્ષક બનીને જાય પછી બે-ત્રણ મહિને સ્વામીજીને ફરિયાદ કરે કે સ્વામીજી અહીં શિવાનંદ યોગાને કોઈ પૂછતું નથી. અહીં તો લોકોને હોટ, ગોટ, ડોગ, વિન્યાસ, વાઇન યોગા જોઈએ છે. લોકોને યોગા ફોર સેક્સ જોઈએ છે. અધ્યાત્માનંદજી તેમને હૈયાધારણ આપે છે અને ચલિત થયા વગર શિખવેલી શુદ્ધ ભારતીય યોગ પદ્ધતિને જ વળગી રહેવાની સલાહ આપે છે. સમય વિતતા લોકોને ખરા અને ખોટાનું ભાન થાય છે અને મૂળ તરફ પાછા ફરે છે. એવી રીતે અહીંનો સાધારણ દલિત યુવક પણ પરદેશમાં જઈને મહિને પાંચ હજાર ડૉલર કમાતો થયો છે. ટાગોરની પંક્તિઓમાં કહીએ તો વૃક્ષ ઉપર પક્ષીઓ બેસે તેનાથી વૃક્ષની શોભા નથી, વૃક્ષમાં ફૂલ અને કળીઓ કે પાન આવે તેનાથી વૃક્ષની શોભા નથી, વૃક્ષની શોભા ડાળીઓ કે થડથી પણ નથી, વૃક્ષની શોભા એના મૂળથી છે. મૂળ છે તો વૃક્ષ છે. આપણે આપણા મૂળને જાળવવું પડશે.

અધ્યાત્માનંદજી કહે છે, ‘અમેરિકનો કહે છે કે અમારી પાસેથી એલાયન્સ લીધું હોય તે જ યોગ શીખી શકે. આ મામલામાં ભારતના આયુષ મંત્રાલયે ભારતમાં યોગાસનો કરવાની એક પદ્ધતિસરની નિયમાવલી પ્રકાશિત કરવી જોઈએ અને તે પ્રમાણે જ આસનો કરવા, કરાવવાનું ફરજિયાત કરવું જોઈએ.’

પતંજલિ યોગસૂત્ર પ્રમાણે અષ્ટાંગ યોગ એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્યચર્ય અને અપરિગ્રહ. નિયમ એટલે સૌચ, સંતોષ, તપ અને સ્વાધ્યાય. ત્યાર બાદ આસન અને પ્રાણાયામ અને ત્યાર બાદ પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોનો સંયમ કે નિગ્રહ. ધારણા એટલે મનની એકાગ્રતાનો પ્રયત્ન અને ધ્યાન એટલે મનની એકાગ્રતા અને આઠમું અંગ છે સમાધિ. હવે તો સમાધિ માટેના પણ વર્ગો ખૂલવા માંડ્યા છે. લાગે છે કે મહર્ષિ પતંજલિને ફરીથી વાંચવાનો સમય આવી ગયો છે.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યંુ છે કે યુક્તાહાર વિહારસ્ય સમત્વમ્ યોગ ઉચ્ચયતે. સંતુલિત આહાર-વિહાર એટલે યોગ. પતંજલિ કહે છે કે યોગઃ કર્મશુ કૌશલમ્ અર્થાત્ કે કુશળતાપૂર્વક, ન્યાયપૂર્વક કર્મ કરવું તે યોગ છે. યોગઃ ચિત્ત વૃત્તિ નિરોધઃ ચિત્તની ચંચળતા ઉપર નિરોધ કરવો તે યોગ છે. આ વ્યાખ્યાઓની સાથે દેશ-પરદેશમાં ચાલી રહેલા યોગને સાંકળી જોતા ઘણુ સત્ય ઉજાગર થાય છે. સતો નૈરંતર્ય, સત્કાર સેવિતઃ યોગમાં નિરંતરતા જોઈએ અને લાંબા કાળ સુધી કરવું જોઈએ, રુચિ સાથે કરવો પડે, દ્રઢ નિશ્ચય કરવો પડે. યોગનો અર્થ સુખદ સ્વાસ્થ્ય જ નથી, યોગનો અર્થ છે આત્મ જાગૃતિ. યોગ એટલે જોડવું. આપણી વ્યક્તિગત ચેતનાને સમષ્ટિ ચેતના સાથે જોડવાની છે. યોગનો અર્થ આનંદ છે,

પરસ્પર પ્રેમ છે, યોગનો અર્થ બહારથી ભીતર પ્રવેશવાનો છે. તમે નિયમિત યોગ કરશો તો તમારા વિચાર, વાણી અને વર્તનમાં સૌમ્ય થશો અને તમારામાંથી પ્રમાદ જશે અને તમે ખરા અર્થમાં કર્મયોગી થશો.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »