તમારા માટે, તમારી સાથે, સતત…

અંતરિક્ષમાં અભેદ્ય ભારતઃ અવકાશમાં ભારતની નવી શક્તિનો ઉદય

અવકાશમાં એન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરનારા દેશમાં ભારતનો સમાવેશ એક મોટી સિદ્ધિ છે

0 408
  • કવર સ્ટોરી – તરુણ દત્તાણી

મિશન શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત ભારતે એન્ટિ સેટેલાઇટ મિસાઇલ ટૅક્નોલોજીનંુ પરીક્ષણ કરીને વિશ્વને ચોંકાવી દીધું છે. ૨૦૦૭માં ચીને આ પ્રકારનું પરીક્ષણ કર્યું ત્યારે અમેરિકા બહુ નારાજ થયું હતું. ભારતના પરીક્ષણ પછી અમેરિકાએ તત્કાલ એવી કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ પરીક્ષણના પાંચેક દિવસ પછી અમેરિકાની નાસા સંસ્થાએ ચીપિયો પછાડ્યો છે અને કહ્યું છે કે પરીક્ષણમાં ભારતના તોડી પડાયેલા ઉપગ્રહના ચારસો ટુકડા અંતરિક્ષમાં ઘૂમી રહ્યા છે અને તે અમેરિકાના સ્પેસ સ્ટેશન માટે જોખમી છે. ૨૦૦૭માં ચીને કરેલા પરીક્ષણમાં તેણે તોડી પાડેલા ઉપગ્રહના એક હજાર ટુકડા હજુ અંતરિક્ષમાં ફરે છે અને જોખમી બનેલા છે. નાસા કહે છે કે આવા ત્રણ હજાર જેટલા ટુકડાઓ પર તે નજર રાખી રહ્યું છે. પરોક્ષ રીતે ભારતના પરીક્ષણ સામે અમેરિકાની આ નારાજી છે, પણ આવા વાંધાવિરોધ દ્વારા અમેરિકા અવકાશમાં વર્ચસ્વ સ્થાપિત કરી શકે નહીં. ભારતની તાકાતથી છાની ઈર્ષ્યા તો ઘણાને થવાની. અવકાશમાં હજુ સુધી કોઈ યુદ્ધ થયું નથી એ વાત સાચી પણ સંરક્ષણ નિષ્ણાતો અંતરિક્ષને ભવિષ્યની રણભૂમિ તરીકે નિહાળે છે. કેટલાક તો એવું માનીને ચાલે છે કે આગામી વિશ્વયુદ્ધ અવકાશમાં જ લડાશે. બદલાયેલા સમય અને સંજોગોમાં હવેનાં યુદ્ધો સામસામે સૈન્ય દ્વારા લડાય એવું રહ્યું નથી.

તેમાં નવાં પરિબળો સામેલ થઈ ચૂક્યા છે. અવકાશ વિજ્ઞાન પણ એવું જ એક પરિબળ છે. તેમાં તમે શત્રુ દેશની સંચાર વ્યવસ્થાને ધ્વસ્ત કરી શકો છો. આ સંદેશા વ્યવહાર તંત્ર ખોરવાઈ જાય એટલે યુદ્ધની સંપૂર્ણ બાજી પલ્ટાઈ જાય. અમેરિકા અને રશિયાએ આ ટૅક્નોલોજી ગઈ સદીમાં જ વિકસિત કરી લીધી હતી, પરંતુ ત્યારે એ એટલી મહત્ત્વપૂર્ણ ન હતી જેટલી આજે છે. અવકાશમાં શસ્ત્ર-સજ્જતા અંગેની બાહ્ય અંતરિક્ષ સંધિ-૧૯૬૭માં થઈ હતી, ભારત તેમાં આરંભથી જ સામેલ છે. તેમાં જનસંહારક શસ્ત્રો અવકાશમાં ખડકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ભારતના એન્ટિ સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણથી આ સંધિનો ભંગ થયો નથી અને ભારતને આવા વધુ પરીક્ષણથી કોઈ રોકી શકે નહીં. અંતરિક્ષમાં ભારતના હિતોની સુરક્ષા એ જ ભારત માટે સૌથી મહત્ત્વની બાબત છે. અન્યથા અવકાશી યુદ્ધની સંકલ્પના સાથે અમેરિકા તો સ્પેસ ફોર્સની રચનાની તૈયારીમાં વ્યસ્ત છે. અમેરિકાના લશ્કરી દળોની એ છઠ્ઠી પાંખ હશે. ૨૦૨૦ સુધીમાં તે વિધિવત્ અમેરિકી સેનાનું અંગ બને એવી શક્યતા છે. રશિયા પાસે આવું સ્પેસ ફોર્સ છે. ૧૯૯૨થી ૯૭ અને ૨૦૦૧થી ૧૧ સુધી તે સક્રિય રહ્યું. અમેરિકાને અવકાશમાં ફરતા તેના ઉપગ્રહોની સુરક્ષાની ચિંતા છે એટલે સ્પેસ ફોર્સ તૈયાર કરે છે એવું તેનું કહેવું છે. જો આટલી જ વાત હોય તો ભારત જેવા દેશને પણ તેના ઉપગ્રહોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાનો અધિકાર છે. ભારત એ દિશામાં સાનુકૂળ સંજોગોમાં આગળ વધી રહ્યું છે. અવકાશમાં ભારત કોઈને ભયભીત કરશે નહીં તો કોઈનાથી ડરશે પણ નહીં.
——————-.

અવકાશમાં ભારતની નવી શક્તિનો ઉદય
અવકાશમાં એન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરનારા દેશમાં ભારતનો સમાવેશ એક મોટી સિદ્ધિ છે. ૨૭ માર્ચના રાષ્ટ્રને સંભોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  જણાવ્યું કે મિશન શક્તિ અભિયાન અંતર્ગત અવકાશના લો અર્થ ઓર્બિટમાં સેટેલાઇટને માત્ર ત્રણ મિનિટમાં તોડી પાડવામાં આવ્યો. અત્યાર સુધીમાં અમેરિકા, રશિયા અને ચીન પાસે આ ક્ષમતા હતી. ટૅક્નોલોજીની રીતે આ બહુ મુશ્કેલ ક્ષમતા માનવામાં આવે છે. કેમ કે જે ‘ઓબ્જેક્ટ’ને આપણે ટાર્ગેટ બનાવીએ છીએ એ બહુ તેજ ગતિએ ભ્રમણ કરતું હોય છે. કોઈ સ્થિર ચીજવસ્તુની સરખામણીમાં ગતિશીલ વસ્તુને તોડી પાડવાનું વધુ મુશ્કેલ હોય છે અને જો આ વસ્તુ અવકાશી ખંડ અથવા સેટેલાઇટ હોય તો આ કામગીરી વધુ મુશ્કેલ બને છે, એટલા માટે કે પૃથ્વી પણ પોતાની ગતિએ ફરતી રહે છે. જે હથિયારથી આપણે ‘ઓબ્જેક્ટ’ને નિશાન બનાવવા ઇચ્છીએ છીએ તે હથિયાર એટલે કે મિસાઇલની પણ એક ગતિ હોય છે. સેટેલાઇટની ગતિ તો હોય જ છે. આવા મિશનમાં પ્રત્યેક પાસાં બહુ મહત્ત્વનાં હોય છે. એક નાનકડી ભૂલ પણ આપણને નિષ્ફળ બનાવી શકે. અહીં ત્રણ ચીજોની ગતિનું સંકલન સાધવાનું હોય છે. એ કારણસર જ અવકાશમાં કોઈ ગતિશીલ વસ્તુને સંપૂર્ણ કુશળતા સાથે નાશ કરવાની ક્ષમતા અત્યાર સુધી ઘણા દેશો મેળવી શક્યા નથી.

આપણી આ સિદ્ધિ ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં, ઈંધણના વિકાસમાં અને ગાઇડેડ મિસાઇલને વિકસિત કરવામાં ઘણી મદદરૃપ નિવડશે. ગાઇડેડ મિસાઇલનો મતલબ એક એવી મિસાઇલ તૈયાર કરવાનો છે જે પોતાના ટાર્ગેટનો પીછો કરીને તેનો નાશ કરે છે. મિશન શક્તિની સફળતા પછી હવે આપણે ‘ઓબ્જેક્ટ’ને તમામ રીતે ખતમ કરી શકીએ તેમ છીએ, પછી અવકાશમાં હોય કે ધરતી પર. સેટેલાઇટ બહુ નાના હોય છે. એથી બહુ દૂર કોઈ ગતિશીલ પદાર્થ પણ હવે નષ્ટ કરી શકાય તેમ છે.

આપણા પહેલાં ચીને આ સિદ્ધિ મેળવી લીધી હતી. એ વખતે વિશ્વભરમાંથી જાત-જાતની પ્રતિક્રિયાઓ આવી હતી. ખાસ કરીને અમેરિકા એ વખતે બહુ નારાજ થયું હતું. ચીનની એ સિદ્ધિએ વિવાદ પણ બહુ જન્માવ્યા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આવા પરીક્ષણોથી અવકાશમાં કચરો વધે છે, જે માનવ જાતિ માટે ખતરનાક બની શકે છે. જોકે ભારતની સિદ્ધિના સંદર્ભમાં આવી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આ પ્રકારની ટૅક્નોલોજીનું પોતાનું આગવું ગણિત હોય છે. આપણી પાસે રોકેટ છે એટલે આપણે જાણીએ છીએ કે કેટલી ઝડપે તેને ઉપર ફેંકવાથી તે ધરતીના ગુરુત્વાકર્ષણથી બહાર નીકળી જશે. એક રીતે જોવામાં આવે તો ગુરુત્વાકર્ષણ શક્તિને પાછળ ધકેલવાની ક્ષમતા હાસલ કરી લેવી એ જ સ્વયં એક મોટી સિદ્ધિ છે. એ જ ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે કોઈ લોન્ચ વિહિકલને રોકેટ બનાવી શકીએ છીએ અથવા મિસાઇલ બનાવી શકીએ છીએ, પરંતુ રોકેટ પ્રક્ષેપણ અને કોઈ સેટેલાઇટને નિશાન બનાવવાની પ્રક્રિયામાં પાયાનો તફાવત એ છે કે રોકેટ પ્રક્ષેપણથી આપણે કોઈ ઉપગ્રહને અવકાશની કક્ષામાં સ્થાપિત કરીએ છીએ જ્યારે સેટેલાઇટને નિશાન બનાવવા માટે એક ખાસ ગતિની જરૃર હોય છે. એટલું જ નહીં, બલ્કે એક નિશ્ચિત દિશામાં મિસાઇલને એક ચોક્કસ અંતર પણ કાપવાનું હોય છે. એથી ‘મિશન શક્તિ’ જેવા કાર્યક્રમોને રોકેટ પ્રક્ષેપણ કરતાં વધુ મુશ્કેલ માનવામાં આવે છે.

ટૅક્નોલોજીમાં શ્રેષ્ઠતા મેળવવાનો આ મામલો છે અને એ માટે આપણા વિજ્ઞાનીઓ અભિનંદનને પાત્ર છે. સમગ્ર દેશ માટે એ એક સિદ્ધિ છે. મિશન શક્તિ પર આજે કામ શરૃ  થયું નથી. તેમાં વર્ષોની મહેનત કામે લાગી હતી. મિશન શક્તિ માટે આપણા વિજ્ઞાનીઓ કમ સે કમ એકાદ દાયકાથી કામે લાગ્યા હશે. અલબત્ત, વિજ્ઞાનીઓમાં યશ લેવાની સ્પર્ધા હોતી નથી, માત્ર ભારતમાં જ નહીં, વિશ્વમાં પણ આ જ રીતિ ચાલી આવે છે.

આ સફળતાનો મતલબ એ છે કે હવે આપણે બીજા દેશોના સેટેલાઇટને ટાર્ગેટ કરી શકીશું. કોઈ દેશે યુદ્ધના સમયે આ ટૅક્નોલોજીનો ઉપયોગ કર્યો હોય એવું હજુ સુધી બન્યું નથી. સ્પષ્ટ છે કે અવકાશમાં શસ્ત્રોની સ્પર્ધાનો પણ આ મામલો નથી. આ બાબત મુખ્યત્વે કોઈ ગતિશીલ વસ્તુને તોડી પાડવાની ટૅક્નોલોજી મેળવવાનો છે. તેનો ઉપયોગ અન્ય અનેક પ્રણાલીઓ અને ઉદ્દેશો માટે થઈ શકે છે. આ સિદ્ધિ આપણામાં એક વિશ્વાસ ઉત્પન્ન કરશે કે આપણે એક મુકામ મેળવી લીધો છે અને તેનું શ્રેય સંપૂર્ણપણે વિજ્ઞાનીઓને જ ફાળે જાય છે.
——————-.

Related Posts
1 of 262

મિશન શક્તિ – મહત્ત્વના મુદ્દા

*           ઍન્ટિ સેટેલાઇટ મિસાઇલના સફળ પરીક્ષણ પછી ભારત હવે અવકાશમાં પણ દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે. આ ટૅક્નોલોજી દ્વારા ભારત તેના ૧૦૨ ઉપગ્રહોનું રક્ષણ કરશે.

*           નવ વર્ષ પહેલાં તિરુવનંતપુરમમાં યોજાયેલ ૯૭મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં ડીઆરડીઓના જનરલ રૃપેશે પહેલીવાર ઘોષણા કરી હતી કે ભારત દુશ્મનના ઉપગ્રહોને તેની કક્ષામાં જ તોડી પાડવા માટે જરૃરી ટૅક્નોલોજી વિકસિત કરી રહ્યું છે.

*           ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૦માં ડીઆરડીઓના ડાયરેક્ટર જનરલ અને સંરક્ષણ પ્રધાનના વિજ્ઞાની સલાહકાર ડૉ. વી.કે. સારસ્વતે કહ્યું હતું કે ભારત પાસે લો અર્થ અને પોલર ઓર્બિટમાં ફરતા દુશ્મનના ઉપગ્રહોને તોડી પાડવાની જરૃરી સાધન સામગ્રી છે.

*           ૨૦૧૨માં ભારતે ઍન્ટિ સેટેલાઇટ ટૅક્નોલોજીની તૈયારીના સંકેત આપ્યા હતા ત્યારે દુનિયાએ ભારતની મજાક ઉડાવી હતી. કોઈ નિષ્ણાતે એ વખતે એવી ટિપ્પણી કરી હતી કે ભારત જો પરીક્ષણ કરીને પોતાની તાકાત નહીં બતાવે તો એ માત્ર કાગળનો વાઘ બની રહેશે.

*           ભારતે હાલ કરેલા પરીક્ષણમાં અવકાશના પર્યાવરણનું ખાસ ધ્યાન રાખ્યું છે. આ પરીક્ષણ દ્વારા સર્જાયેલ ભંગાર આવનાર સપ્તાહોમાં ધરતી પર પડશે. તૂટેલા સેટેલાઇટનો કાટમાળ આકાશમાં ફેલાશે નહીં.
——————-.

ઍન્ટિ સેટેલાઇટ મિસાઇલની ક્ષમતા હજુ વધારવામાં આવશે
ભારતે અવકાશમાં સેટેલાઇટને તોડી પાડવાનું મિશન શક્તિનું પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યા પછી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) માત્ર આટલેથી અટકીને બેસી રહેવાનું નથી. આ પરીક્ષણ તો પૃથ્વીની સૌની નીચલી સપાટીએ એટલે કે લો અર્થ ઓર્બિટમાં પૃથ્વીથી ત્રણસો કિલોમીટર દૂર સુધી કરાયું છે. હવે પછી આપણી આ ક્ષમતાને વધુ શ્રેષ્ઠ અને ઉત્તમ બનાવવા તેમજ તેને વધુ ઊંચાઈ સુધીની મારક ક્ષમતા સુધી વિકસાવવામાં આવશે.

ડીઆરડીઓનાં આગામી પરીક્ષણોમાં પૃથ્વીની નીચલી કક્ષાને સંપૂર્ણપણે આવરી લેવામાં આવશે. જેથી એક હજાર કિલોમીટર સુધીની ઊંચાઈએ પણ સક્રિય ઉપગ્રહોને જરૃર પડે નષ્ટ કરી શકાય. સંરક્ષણ નિષ્ણાતોના જણાવવા પ્રમાણે અને ૨૦૦૭માં કરેલા પ્રથમ પરીક્ષણમાં ૮૬૫ કિલોમીટરની ઊંચાઈએ ભ્રમણ કરતા ઉપગ્રહને ટાર્ગેટ કર્યો હતો. આ ઊંચાઈ પણ પૃથ્વીની નીચલી કક્ષામાં એટલે કે લો અર્થ ઓર્બિટમાં આવે છે. આ એલઈઓ મહત્તમ એક હજાર કિલોમીટરની ઊંચાઈ સુધી ગણાય છે. સામાન્ય રીતે આ ભ્રમણકક્ષામાં હવામાન, મેપિંગ વગેરે સાથે સંકળાયેલા ઉપગ્રહો પૃથ્વીની આસપાસ ફરતા રહે છે. જ્યારે કોમ્યુનિકેશન વગેરે સાથે સંકળાયેલા ઉપગ્રહો એથી વધુ ઊંચાઈની બીજી ભ્રમણ કક્ષામાં રહે છે. એ ધરતીથી બહુ દૂર લગભગ ૩૬ હજાર કિલોમીટરની ઊંચાઈએ હોય છે.

વિજ્ઞાનીઓના જણાવવા પ્રમાણે હજુ જોકે ઉપગ્રહોનો ઉપયોગ આણવિક, જૈવિક કે રાસાયણિક શસ્ત્રો ફેંકવા માટે થતો નથી, એથી હાલ આ પડકાર બહુ મોટો નથી, પરંતુ સંરક્ષણની તૈયારીના સંદર્ભમાં હંમેશાં દૂર દ્રષ્ટિથી વિચારવાનું હોય છે અને એ રીતે તૈયારી કરવામાં આવે છે. એથી જે ખતરો આજે નથી દેખાતો એ શક્ય છે કે ૩૦ વર્ષ પછી ખતરો બની જાય. આવી સંભાવના વિચારીને તૈયારી કરવાની હોય છે. એથી ડીઆરડીઓ ભવિષ્યમાં પણ એન્ટિ સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણ ચાલુ રાખશે. ભવિષ્યમાં વધુ ઊંચાઈના ઉપગ્રહોને ટાર્ગેટ બનાવાશે.
——————-.

ભારત માટે આ ક્ષમતા પ્રાપ્ત કરવાનું જરૃરી હતું
૨૭ માર્ચની સવારે ભારતે ઍન્ટિ સેટેલાઇટ મિસાઇલ દ્વારા લો અર્થ ઓર્બિટમાં દેશના જ એક ઉપગ્રહને તોડી પાડીને મિશન શક્તિ દ્વારા અવકાશી સુરક્ષાની સિદ્ધિ પ્રાપ્ત કરી. viralgossip.inના ન્યુઝ પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝના નિષ્ણાત અજય લેલેએ ભારતની ક્ષમતા અંગે તત્કાલ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ભવિષ્યમાં યુદ્ધ માત્ર જમીન, સમુદ્ર અથવા હવામાં લડાશે નહીં, બલ્કે ઉપગ્રહો દ્વારા પણ લડાશે. ઉપગ્રહો દ્વારા સુરક્ષાને મળતા પડકારોને પહોંચી વળવા માટે અત્યાર સુધી આપણી કોઈ તૈયારી ન હતી. એન્ટિ સેટેલાઇટ મિસાઇલના પરીક્ષણ દ્વારા દેશે હવે આ ક્ષમતા પણ મેળવી લીધી છે. આપણે જાણી લેવું જોઈએ કે આપણા પાડોશી દેશ ચીને ૨૦૦૭માં એન્ટિ સેટેલાઇટ ટેસ્ટ કરી લીધો હતો. આ પરીક્ષણ દ્વારા ભારતે બે પ્રકારની ક્ષમતા મેળવી છે. એક તો હવે જો કોઈ દેશનો ઉપગ્રહ જાસૂસી માટે ભારતીય અવકાશ ક્ષેત્રમાં ઘૂસી આવે તો આપણે તેને તોડી પાડી શકીએ. બીજું, આપણે અવકાશમાં પરિભ્રમણ કરતા આપણા ઉપગ્રહોની સુરક્ષા કરી શકવા સક્ષમ બન્યા છીએ. આજે અવકાશમાં આપણા એકસોથી વધુ ઉપગ્રહો સક્રિય છે. આ ઉપગ્રહોથી પ્રસારણ, સ્ટ્ઠાંચાર, શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતની તમામ સેવાઓ ચાલે છે. આપણા દુશ્મન પાસે તેને તોડી પાડવાની ક્ષમતા હતી. હવે આપણે સક્ષમ બન્યા છીએ એથી ચીન હોય કે અન્ય કોઈ પણ દેશ, તેની હિંમત ભારતના ઉપગ્રહને તોડી પાડવાની કે ભારતની જાસૂસીમાં પોતાના ઉપગ્રહને લગાવવાની હિંમત નહીં થાય. હવે ભારત વળતી કાર્યવાહી કરીને જવાબ આપી શકે છે, તેની પ્રતીતિ સૌને થઈ ગઈ છે.
——————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »