તમારા માટે, તમારી સાથે, સતત…

જિંદગીનાં પાછલાં વર્ષોને મનભરીને માણી લેવાની ઝંખના

એકલતા અને વૃદ્ધત્વ વડીલોને વધુ ઝડપથી તોડી નાખે છે.

0 265
  • રેખા પટેલ ( યુએસએ )

જીવનની અડધી સદી વટાવી ગયેલા વડીલો જ્યારે રિટાયર્ડ થઈ બાકીનું જીવન શાંતિથી જીવી લેવાની ઇચ્છા ધરાવે છે ત્યારે મોટા ભાગનાની એ ઇચ્છા સંપૂર્ણપણે પૂરી થતી હશે? આ સવાલ સાચે જ વિચાર માગી લે તેવો છે. આ સહુએ જીવનનો મોટા ભાગનો સમય બીજાઓ માટે, તેમની ખુશી અને જરૃરિયાતો પૂરી કરવામાં વિતાવ્યો હશે. અડધી ઉપર જિંદગી આમ જ ખર્ચાઈ ગઈ. તેના વળતર રૃપે બાળકોને જરૃરિયાત પ્રમાણે સુખ સગવડ આપીને સ્થાયી કર્યાનો આનંદ મળ્યો હશે. બીજાઓ માટે ખૂબ જીવ્યા. હવે જ સાચો સમય છે તેમને પોતાની માટે, ગમતા શોખ માટે જીવી લેવાનો. ગમતા મિત્રોના સંગમાં જીવનને ઉત્સવ બનાવવાનો આ જ ખરો સમય છે.

આવો મોકો આપણાં ભારત દેશમાં મળી શકે છે, પરંતુ અહીં પરદેશમાં આવી રીતે જીવન જીવવું એક સ્વપ્ન સમું છે. સમય હોય ત્યારે મિત્રોની ખોટ વધુ સાલે છે. હમઉમ્ર સરખા વિચારો, શોખ ધરાવતા મિત્રો મળી આવે, પરંતુ બધા દૂર-દૂર રહેતા હોય, વારંવાર મળવું શક્ય બનતું નથી. રોજ સવારે સાથે ચાલવા જવાનું સુખ નથી મળતું. વળી, સામાન્ય જીવનથી શરૃ કરીને અને પ્રોડક્શનથી લઈને પોલિટિક્સ સુધીની ચર્ચાઓ કરવાની મજા દૂર-દૂર રહીને નથી આવતી.

પરદેશમાં આવા સ્વપ્નને સાકાર કરવા માટે અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં શાંતિનિકેતન સિનિયર કોમ્યુનિટી ઑરલાન્ડોના તાવારેસ ટાઉનમાં શરૃ કરવામાં આવી છે. શાંતિનિકેતનનું લક્ષ્ય ખાસ કરીને પંચાવન વર્ષથી વધારે ઉંમર ધરાવતા રિટાયર્ડમૅન્ટ ભોગવતા લોકો જેમાં સમગ્ર વિશ્વના લોકો, તેમાંય ખાસ કરીને અમેરિકામાં વસવાટ કરતા ભારતીય નાગરિકો માટે સારી ગુણવત્તાયુક્ત જીવનશૈલીને પૂરી પાડવા માટેની યોજના છે. જેમાં તેમને તેમની જરૃરિયાત મુજબ ઘર અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

૨૦૦૬માં તેમણે આખા અમેરિકામાં ફરીને એ જાણવા પ્રયત્ન કર્યો કે વડીલોની આખરી સમયમાં માગ શું હોય છે તેમની ઇચ્છા કેવી રીતે બાકીનું જીવન વિતાવવું છે. અને તે પ્રમાણે તેમની માગ પ્રમાણે આખીય યોજના હાથ ધરી.

સૌપ્રથમ આજથી દસ વર્ષ પહેલાં મૂળ ચેન્નાઈના વતની ઇગી ઇગ્નટીયસે શાંતિનિકેતન રેસિડેન્સીની શરૃઆત ફ્લોરિડાના ઑરલાન્ડો શહેરથી ૪૦ માઈલ દૂર તાવારેસમાં ૨૦૦૮માં ૫૭ કોન્ડો હાઉસથી શરૃ કરી હતી. આની બાંધણી ખૂબ સુવ્યવસ્થિત રીતે ઉંમરવાળા વૃદ્ધોને તકલીફ ના પડે તે રીતે કરાઈ છે.

આ સમય દરમિયાન અમેરિકામાં આવેલા મની ક્રાઈસીસમાં ઇગી ઇગ્નટીયસને ખૂબ તકલીફ પડી હતી. છેવટે પ્રથમ દસ રેસિડેન્સી તરીકે મળી આવેલા ઇન્વેસ્ટરોની અને બીજા ઇન્વેસ્ટરોની મદદથી ૨૦૧૧માં આખો પ્રોજેક્ટ પૂરો થયો. આજે તેમાં ૩૦૦૦થી પણ વધારે વૃદ્ધો અહીં ખુશી-ખુશી રહે છે. આ પ્રોજેક્ટનું નામ તેમની સ્વર્ગસ્થ પત્ની શાંતિના નામ ઉપરથી રખાયું છે.

આ મકાનોની વચમાં એક મોટું ક્લબ હાઉસ બનાવેલું છે. જેમાં જિમ, લાઇબ્રેરી, પૂજા આરતી માટે મંદિર, યોગા રૃમ તથા એક મોટા હૉલમાં સવાર બપોર અને સાંજ જમવા તથા નાસ્તા માટે ડાઇનિંગ રૃમ આવેલા છે. સાંજે ડિનર પહેલાંના હેપી અવર્સમાં કેટલાય વૃદ્ધો ક્લબ હાઉસની બહાર ગપાટા મારતા જોવા મળે છે, ત્યારે ગામની બહાર આવેલો ચોતરો બરાબર યાદ આવી જાય છે. તેવી જ અનુભૂતિથી ખુશી થઈ આવે છે.

સામાન્ય રીતે અહીં રહેનારે સૌપ્રથમ ઘર ખરીદી લેવાનું હોય છે. ત્યાર બાદ તેની ઇચ્છા પ્રમાણે ઘરે રાંધી શકે અથવા તો અહીં જમવાનું બંધાવી શકે છે અથવા જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે ૪૮ કલાક પહેલાં ઈ-મેઇલ દ્વારા જમવામાં હાજરી આપશે તેમ જણાવી દેવાનું હોય છે અને એ પ્રમાણે ડૉલર્સ લેવામાં આવે છે. અઠવાડિયામાં બે ત્રણ સાંજ જમવાનું પત્યા પછી કંઈ ને કંઈ કાર્યક્રમો યોજાતા રહે છે.

સામાન્ય રીતે આખો મહિનો અહીં દરેક ટાંક જમવા અને રહેવાનો બે જણનો ૧૨૦૦ ડૉલર્સ ખર્ચ આવતો હોય છે. જેમાં બધું જ આવી જાય. આખી લાઈફ નોકરી કરી હોય તો પતિપત્નીને ભેગાં મળીને મહિને આનાથી વધારે રિટાયર્ડમૅન્ટ આવતું હોય છે આથી તે ખર્ચ કોઈને ખાસ ભારે પડતો નથી.

Related Posts
1 of 289

ત્યાર બાદ બીજા ૧૧૦ કોન્ડો બન્યાં. માગ વધતાં ફરી ત્રીજા પ્રોજેક્ટમાં ફરી ૧૧૦ બન્યાં. જેમાં હવે ત્રણ બેડરૃમના વધારે સહુલિયતવાળાં ઘર બનાવાયાં છે. હવે બીમાર અને અશક્ત વૃદ્ધો માટે નર્સિંગહૉમ પણ ટૂંક સમયમાં બની રહ્યું છે. આનાથી એક વધારાનો ફાયદો એ થશે કે પોતાની જાતે કંઈ ના કરી શકે તેવા વૃદ્ધોને કોઈ ઓરડાના ખૂણામાં સેવા વગર નહીં રહેવું પડે. અહીં ડૉક્ટર્સ અને નર્સોની સેવા પણ ઉપલબ્ધ રહેશે.

ઇગી ઇગ્નટીયસ સાથે થયેલી વાતચીત મુજબ તેમણે જણાવ્યું હતું કે આવા રહેઠાણ બનાવવાનું સ્વપ્ન બાળપણથી મનમાં રોપાયું હતું જ્યારે એ ચિન્નાઈના તેમના ઘરે રહેતા હતા. ત્યારે ઘરે કામ કરતી બાઈ ઘરડી અને બીમાર થઈ જતાં તેને નોકરના ક્વાર્ટરમાં રહેવાની અને બે ટાઇમના જમવાની સહુલિયત આપી હતી. આ ઉપરાંત ત્યાં તેની સાથે કોઈ વાત કરવા કે દુઃખ વહેંચવા કોઈ ખાસ હતું નહીં.

દિવસે દિવસે તબિયત બગડતી હતી. તેવામાં ત્યાંના ચર્ચની નન આવીને તે બાઈને તેમની સંસ્થામાં લઈ ગઈ. ચમત્કારિક રીતે તે બીમાર બાઈની તબિયતમાં દેખીતો સુધારો આવી ગયો. બસ, ત્યારથી આ સ્વપ્ન મનમાં લઈને તેઓ ફરતા હતા.

શરૃઆતમાં તેમના આ પ્રોજેક્ટ ઉપર કોઈનેય ખાસ વિશ્વાસ નહોતો આવતો. કોઈ પોતાનું ઘર કુટુંબ અને કાયમી જગ્યા છોડી દૂર છેક ફ્લોરિડા કેવી રીતે રહેવા જઈ શકે? પરંતુ આજે ત્યાં રહેવા જવાનું એકલા પડેલા વૃદ્ધોનું સ્વપ્ન બની ગયું છે. શાંતિનિકેતનમાં રહેતાં વડીલોના સ્વજનો સાથે તેમનાં બાળકોને મહેમાન બનીને અવારનવાર રહેવા જવાની છૂટ છે. તેમાંય ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો ૩૦ દિવસ સુધી દાદા-દાદી કે નાના-નાની સાથે રહી શકે છે.  અહીં રહેતાં વડીલો સાથે પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન અહીંની વ્યવસ્થા વિષે ખૂબ જાણવા મળ્યું. તે આધારે તેઓ અહીં આવીને ખૂબ જ ખુશ છે. તેમની જૂની જિંદગી કરતાં આ ખૂબ મજાની આનંદ ભરી લાગે છે.  ઇગીના જણાવ્યા પ્રમાણે જેઓ અમેરિકાની સમૃદ્ધિ વચ્ચે પણ એકલતામાં રહેતાં હોય તેમની માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. એક રીતે આ વાત સાચી પણ છે.

‘મારી ધારણાથી તદ્દન વિરુદ્ધ અહીંના વડીલ વૃદ્ધોના ચહેરા ઉપર માયૂસીને બદલે ખુશમિજાજી અને જિંદગીનાં આ વર્ષોને મનભરી જીવી લેવાની ઝંખના અને ખુશી જોઈ છે.’ ક્યારેક કોઈને પ્રશ્ન થયા કે દેશની માયા મમતા છોડી વડીલો અમેરિકાની પરદેશી ધરતી ઉપર પરાણે શા માટે રહેતાં હશે? જવાબમાં એક જ વાત ધ્યાનમાં આવે છે કે માબાપ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકા મોકલે, પરંતુ તેમનાથી દૂર રહી શકતાં નથી અને સાથે રહેવાના મોહમાં અહીં સુધી ખેંચાઈ આવે છે, પરંતુ આ ઇચ્છાને પૂરી કરવા તેમને પાછલી ઉંમરમાં મોટું બલિદાન આપવું પડે છે. તેમાંય જો પતિ-પત્ની બેમાંથી કોઈ એક રહી જાય તો અહીં તેમનું જીવન બધું એકાકી બની જાય છે.

પરદેશમાં આવીને મોટા ભાગના વૃદ્ધો અહીંની આબોહવા અને જીવનશૈલીમાં પોતાને ઢાળવાની કોશિશ કરે છે. મને કમને ઘણુબધું સ્વીકારી લે છે. છતાં પણ દેશમાં આજ સુધી જીવ્યાં હોય તે પરિસ્થિતિ કરતાં અહીંની સ્થિતિ સાવ ઊલટી હોય છે. તેના કારણે તેમને તકલીફ પણ પડે છે. પરદેશમાં આવેલાં દાદા-દાદી કે નાના-નાનીની હેલ્થ સારી હોય ત્યારે ઘરમાં નાનાં બાળકોને જાળવવાનું કામ મોટા ભાગે વડીલો પ્રેમથી ઉઠાવી લેતાં હોય છે. મોટા ભાગે આ દેશમાં પતિપત્ની બંને કામ કરતાં હોય છે. આથી વડીલોની હાજરીને કારણે ઘરની અને નાનાં બાળકોની સાચવણીની જવાબદારીમાંથી તેમને મુક્તિ મળે છે. બદલામાં ઘરમાં વડીલોનું માન-સન્માન બરાબર જળવાઈ રહે છે.

બાળકો પણ નાનાં હોય ત્યારે દાદાદાદીની આજુબાજુ ઘૂમતાં હોય છે. તેમની બનાવેલી રસોઈ પ્રેમથી જમતાં હોય. દાદાદાદીનો હાથ પકડી વૉક કરવા જાય, ગેમ્સ રમે. ટૂંકમાં, બાદાદાની હૂંફમાં સમય વિતાવે છે, પરંતુ આ બધો પ્રેમ વડીલો માટે બાળકો દસ બાર વરસનાં હોય ત્યાં સુધી જ મળે છે. પછી ધીરે-ધીરે આ પરિસ્થિતિ બદલવા લાગે છે. હવે ટીનેજર બનેલાં બાળકો પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે અને બાદાદા ફરી એકલાં પડી જાય છે. આ દરમિયાન દાદાદાદી પણ જરા વૃદ્ધ થઈ ગયાં હોય છે. બસ, કરુણ સમયની શરૃઆત જ અહીંથી થાય છે.

એકલતા અને વૃદ્ધત્વ વડીલોને વધુ ઝડપથી તોડી નાખે છે. આ કંઈ ભારત નથી કે ઘરમાં અને અડોશપડોશમાં વાતો કરવા કોઈ ને કોઈ મળી આવે. અહીં વિદેશમાં  બધા પોતપોતાની જરૃરિયાત પ્રમાણે પોતાની જ દુનિયામાં મસ્ત રહેતાં હોય છે. બાજુમાં કોણ રહે છે તેની પણ કોઈને જાણ કે પરવા હોતી નથી. આ દેશમાં ઓટલો, ફળિયું કે ચોતરો નથી મળતો કે જ્યાં વડીલો તેમના હમઉમ્ર સાથે વાતોના ગપાટા મારી સમય વિતાવી શકે, કે પછી અહીં ચાલતાં જવાય એવા મંદિરો નથી કે શાકની લારીઓ નથી કે જ્યાં બહેનો હમઉમ્ર સાથે સુખ દુઃખની વાતો કરી સમય ટૂંકાવી શકે.

આવા માહોલમાં વડીલો એકલતા અને ડિપ્રેશન અનુભવવા લાગે છે. સવાર-સાંજ ઘરની ચાર દીવાલો તેમની માટે એક સહુલિયતભરી જેલ બનીને રહી જાય છે. તેમની એક માત્ર ઇચ્છા હોય છે કે કોઈ આવીને બે ઘડી તેમની સાથે વાત કરે. પ્રેમથી આવીને, પૂછે, ‘કેમ છો? તમને કાંઈ તકલીફ કે દુઃખ જેવું કાંઈ નથી ને?’

ઘણા એવા સ્વાર્થી લોકોને વૃદ્ધ મા-બાપની હાજરી પણ ઘરમાં ખૂંચતી હોય છે. આવી સ્થિતિમાં વડીલોને સંતાનોના ઘરના ખૂણામાં આંસુ સારવા સિવાય કોઈ રસ્તો હોતો નથી. તેમાંય એક કરતાં વધારે સંતાનોનાં માતાપિતાનું દુઃખ કંઈક અલગ હોય છે. માંડ એક જગ્યાએ સેટ થાય ત્યાં બીજાને ત્યાં રહેવા જવાનો વારો આવી જતો હોય છે.  જોકે બધાં સંતાનો આવાં નથી હોતાં. ઘણા સંતાનો ફોરેનમાં આવીને મૂળ સંસ્કારોને ભૂલતાં નથી. તેમનાથી શક્ય બને એટલું માતાપિતાની ખુશી માટે કરતા હોય છે. કારણ તેઓ સમજે છે, આ ભારત નથી કે તેઓ બહાર જઈ વડીલો પોતાનું મન હલકું કરે. અહીં ચાલીને પણ બધે જવાતું નથી. આથી શક્ય હોય તેટલો સમય ઘરમાં વિતાવે છે. સમય મળતા મંદિર કે તેઓને આનંદ આવે તેવી જગ્યાઓ ઉપર અવારનવાર લઈ જાય છે. માબાપ બીમાર હોય તો તેમની નાના બાળક જેવી સાચવણી કરે છે, પરંતુ તેમની પણ એક લિમિટ આવી જતી હોય છે.

આજે તો ઠીક છે, માબાપને સંતાનો પોતાની સાથે રાખે છે, સાચવે છે, પરંતુ આ પછીની નવી જનરેશનમાં બાળકોને પોતાની જિંદગી તેમની રીતે સ્વતંત્રતાથી જીવવી હશે, ત્યારે ઘરડા થયેલાં માબાપ અડચણ રૃપ લાગશે અને સામા છેડે નવી જનરેશનના વૃદ્ધો પણ સ્વતંત્ર રહેવા ટેવાયેલા હોઈને તેમને પણ અલગ રહેવું હશે, ત્યારે આવી રહેઠાણ વ્યવસ્થા દરેક માટે ખૂબ જ અનુકૂળતા ભરી બની રહેવાની. ‘આવી બધી સમસ્યાઓના ઉકેલ સ્વરૃપે ભવિષ્યમાં આવાં જ રહેઠાણો જેના ખિસ્સાને પરવડશે તેની માટે ખુશીઓનો દરવાજો ખોલી જશે.’
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »