તમારા માટે, તમારી સાથે, સતત…

કારકિર્દી સેટ કરવી છે તો બનો ચૂંટણી વિશ્લેષક

ચૂંટણી વિશ્લેષકની માગમાં પણ વધારો થઈ રહ્યો છે.

0 133

નવી ક્ષિતિજ – હેતલ રાવ

ઇલેક્શન અને તેની સાથે જોડાયેલાં પરિણામ દરેક વ્યક્તિને આકર્ષિત કરે છે. જો તમને પણ ઇલેક્શન પસંદ હોય, પોલિટિકલ વિષયમાં જાણકારી મેળવવી ગમતી હોય અને આ ક્ષેત્રમાં તમારી રુચિ હોય તો હવે સમય આવી ગયો છે આ ક્ષેત્રે ઉમદા કારકિર્દી બનાવવાનો.

ભારત લોકશાહી દેશ છે, ઇલેક્શન અને તેના પરિણામને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વિષયમાં રસ લેનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. થોડા સમય પહેલાં પાંચ રાજ્યોમાં થયેલા વિધાનસભાના ઇલેક્શનમાં જે પ્રમાણે એક્ઝિટ પોલ અને પરિણામને લઈને લોકોમાં ચર્ચા જોવા મળતી હતી તે સાબિત કરે છે કે આપણા ત્યાં ઇલેક્શન એક તહેવાર સમાન છે. જોકે એક્ઝિટ પોલ અને પ્રિ-પોલ સરવેનું કાર્ય આપણે સમજીએ છીએ એટલું સહેલંુ પણ નથી હોતંુ. આ વર્ક કેટલાય દિવસની મહેનતનું પરિણામ હોય છે. આ પ્રોફેશનલ્સ ઇલેક્શન વિશ્લેષક અથવા સેફેલોજિસ્ટ તરીકે ઓળખાય છે. પૂર્ણ વિસ્તારનો અભ્યાસ જે વિભાગ દ્વારા કરવામાં આવે છે તેને સેફોલોજી કહેવામાં આવે છે. જેમ જેમ લોકોમાં ઇલેક્શનનો રસ વધતો જાય છે તેમ તેમ ચૂંટણી વિશ્લેષકની માગમાં પણ વધારો થઈ રહ્યો છે.

ઇલેક્શન વિશ્લેષકનું કાર્ય
આ ક્ષેત્રમાં આંકડા અને લોકોની નજરને ઓળખવાની આવડત હોવી જરૃરી છે. વિશ્લેષક આ ક્ષેત્રમાં માહિતી અને હકીકતોનો ભરપૂર ઉપયોગ કરે છે. જ્યારે ઇલેક્શન પહેલાં પૂર્વના આંકડાઓને જાણવા, ઇલેક્શન દરમિયાન મતની ટકાવારી અને ત્યાર બાદ નફા-નુકસાનની માહિતી, ઉપરાંત ગઠબંધનથી કેટલો લાભ થશે જેવી અનેક માહિતીનો અભ્યાસ પણ કરે છે. તો વળી કામ માટે થઈને વિશ્લેષકે ઇલેક્શન વિસ્તારની મુલાકાત પણ લેવાની હોય છે. માટે એવંુ કહી શકાય કે આ પ્રોફેશનલ્સનું કામ ધૂંધળા ચિત્રને સ્પષ્ટ કરી ચોક્કસ અંત સુધી લઈ જવાનું છે. એક્ઝિટ પોલના નિર્ણયનું મહત્ત્વ જોતાં વિશ્લેષકોની ડિમાન્ડ વધી રહી છે. લગભગ દરેક પાર્ટી આ પ્રોફેશનલ્સની મદદ લે છે.

Related Posts
1 of 289

કયારે કરી શકાય આ કોર્સ
ઇલેક્શન વિશ્લેષક બનવા માટે કોઈ ખાસ કોર્સનું સંચાલન કરવામાં નથી આવતું. પોસ્ટ ગ્રેજ્યુએટમાં રાજનીતિ શાસ્ત્ર, સમાજ શાસ્ત્ર અથવા આંકડાકીય ડિગ્રી જે વિદ્યાર્થીઓ પાસે હોય તેમને આ કામ માટે યોગ્ય ગણવામાં આવે છે. આ ક્ષેત્રમાં કાર્યશૈલીની ગંભીરતાને જોતાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માન્ય ગણાય છે. જો વિદ્યાર્થી પાસે ઉપરોક્ત ત્રણમાંથી કોઈ પણ વિષયમાં ડૉક્ટરની ડિગ્રી હોય તો તેને પ્રાધાન્ય આપવામાં આવે છે. છેલ્લાં બે ત્રણ વર્ષ દરમિયાન કેટલાક વિશ્વવિદ્યાલયોએ સેફોલોજીમાં સર્ટિફિકેટ કોર્સ શરૃ કર્યા છે. જેના દ્વારા તે વિશ્લેષકની ટીમ તૈયાર કરી શકે.

રાજનીતિક જ્ઞાન જરૃરી
આ ક્ષેત્રમાં રાજનીતિક આંકડાઓની માહિતી સાથે વસ્તીવિષયક પેટર્નને ઊંડાણપૂર્વક સમજવી જરૃરી છે. ઉપરાંત પ્રોફેશનલ્સને વંશીય સમીકરણો અને રાજકારણમાં થતાં ફેરફારોથી અપડેટ રહેવું પણ અનિવાર્ય છે. સારા ચૂંટણી વિશ્લેષક બનવા માટે મતના ધ્રુવીકરણને બરોબર સમજવાની કુનેહ હોવી જોઈએ. જે વિશ્લેષક પાસે આ વિષયની યોગ્ય જાણકારી નથી હોતી તે ક્યારેય યોગ્ય તારણો સુધી નથી પહોંચી શકતા. આ મુખ્ય ગુણ ઉપરાંત વિશ્લેષકો પાસે પરિશ્રમ કરવાની તૈયારી અને સ્વભાવમાં ધૈર્ય રાખવાની સમજ પણ ઉપયોગી છે. છેલ્લા કેટલાક ઇલેક્શનની આંકડાકીય માહિતી પણ જરૃરી છે તો ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરનું જ્ઞાન પ્રોફેશનલ્સને વધુ મજબૂત નિર્ણયો માટે તૈયાર કરે છે.

રોજગારના અવસર
આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનોને ખાનગી અને સરકારી બંને ક્ષેત્રમાં નોકરીની તક મળી રહે છે. જો વિદ્યાર્થીએ સફળતાપૂર્વક કોર્સ કરેલો હશે તો તેમને રોજગાર માટે ફરવું નહીં પડે. ઇલેક્શન સરવે અને રિસર્ચ કરનારી એજન્સીઓ, ટીવી ચેનલો, સમાચાર પેપરો, પત્રિકાઓ, મુખ્ય રાજનીતિક પક્ષો અને એનજીઓને આવા પ્રોફેશનલ્સની વિપુલ પ્રમાણમાં જરૃર હોય છે. આ ઉપરાંત પોલિટિકલ ઍડવાઇઝર, ટીચિંગ, સંસદીય કાર્ય અને પોલિટિકલ રિપોર્ટિંગમાં આ લોકોની ઘણી માગ રહેલી છે. જો પ્રોફેશનલ્સ કોઈ સંસ્થા કે બેનર સાથે જોડાઈને કામ કરવા નથી માગતા તો તે સ્વતંત્ર રીતે સલાહકાર બની કે પછી પોતાની એજન્સી શરૃ કરી કામ કરી શકે છે.

પગાર ધોરણ
આ ક્ષેત્રમાં સૅલરીની કોઈ ચોક્કસ રૃપરેખા નથી એટલે કે પગાર ધોરણ નક્કી નથી થતંુ. ઇલેક્શન સમયમાં કોઈ વિશેષ પ્રોેજેક્ટ પર કામ કરનારને સારી રકમનું પેકેજ મળી રહે છે. જ્યારે પ્રોફેસર અને એનાલિસ્ટને ૩૫-૪૦ હજાર રૃપિયા પ્રતિમાસ સહેલાઈથી મળે છે. જો તે વિશ્લેષક તરીકે કામ કરે છે તો તેમને આવક મેળવવાના અનેક વિકલ્પ મળી રહે છે. શરૃઆત સારી હોય તો પ્રોફેશનલ્સને આવક પણ સારી મળી રહે છે.

આવનારા સમયમાં વિપુલ તકો
 સેફોલોજીનું ક્ષેત્ર વિદેશમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ ભારતમાં તેને વધુ વેગ મળ્યો નથી. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે અહીંના લોકો મતદાન અને ઇલેક્શન મુદ્દાઓ પર ખૂલીને વાત નથી કરતા. સત્ય બોલવા પર અંકુશ હોય તેવું મનોવૈજ્ઞાનિક રીતે મતદારો માને છે. હકીકતમાં સેફોલોજી એવું કાર્ય છે જેમાં માનવીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરીને કોઈ નક્કર તારણ સુધી પહોંચાય છે. આ ઉપરાંત દિન-પ્રતિદિન એક્ઝિટ પોલના પરિણામ પણ સાચા થાય છે. જેના કારણે થઈને સેફોલોજીના અભ્યાસને પ્રોત્સાહન મળે છે. કારકિર્દી બનાવવા માટે યુવાનો પાસે સેફોલોજિસ્ટનો ઉત્તમ વિક્લ્પ છે, જે પ્રમાણે આ ક્ષેત્ર વેગવંતંુ બન્યું છે તે જોતાં લાગે છે કે આવનારા સમયમાં આ એક મોટંુ સેક્ટર બની રહેશે. આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે નિયમિત અભ્યાસ જરૃરી છે. યુજીસીએ આ સ્નાતક અને અનુસ્નાતક સ્તર પર નવા કોર્સ શરૃ કરવા જોઈએ.
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »