તમારા માટે, તમારી સાથે, સતત…

સ્ત્રીબીજ દાન – ‘રોકડી’નો આ ‘શોર્ટકટ’ પકડવા જેવો નથી

સ્ત્રીબીજ દાન કરનાર યુવતીની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.

0 1,029

કવર સ્ટોરી – નરેશ મકવાણા અને વિશેષ માહિતી – મૌલિક પટેલ

દરેક નવી શોધ હંમેશાં બે બાજુઓ લઈને આવતી હોય છે. મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, ટેલિવિઝન, મેડિકલ સાયન્સનો વધતો જતો વ્યાપ તેનાં તાજાં ઉદાહરણો છે. સારી અને ખરાબ એમ બંને બાજુ ધરાવતાં આ લિસ્ટમાં હવે ‘સ્ત્રી બીજ દાન’નો ઉમેરો થવા જઈ રહ્યો છે. હાલ વિશ્વ મહિલા દિવસ નજીકમાં છે ત્યારે વાતોનાં વડાં કરવા કરતાં દેશભરની મહિલાઓએ ખરેખર ચેતવા જેવા આ મુદ્દે ચર્ચા કરવી વધુ યોગ્ય લાગે છે…

ડૉક્ટર કે જેને આપણે પૃથ્વી પરના ભગવાન માનીએ છીએ તેઓ ગરીબ મહિલાઓનાં શરીર અને જિંદગી સાથે કેવી રમત રમતાં હોય છે તેની આ વાત છે. અહીં એ બાબતનો પણ ખ્યાલ આવે છે કે, આજનો ડૉક્ટર ભગવાન નહીં, પણ વેપારી બની ચૂક્યો છે જેને સામાન્ય માણસની જિંદગી કે શરીરને થતાં નુકસાન સાથે કોઈ લેવાદેવા નથી. આખો મુદ્દો આમ તો દેશવ્યાપી છે, પણ આપણા માટે એ શરૃ થાય છે અમદાવાદના બાપુનગરમાંથી.

અહીંના ગુજરાત હાઉસિંગ બોર્ડના એક સામાન્ય મકાનમાં રહેતી અને ઓઢવ સ્થિત નારી વિકાસ ગૃહમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતી ૨૩ વર્ષની સોનલ પરમાર પોતાની મસ્તીમાં જીવતી યુવતી હતી. ગરીબીમાં ઉછરેલી સોનલને જોકે આર્થિક તંગી સિવાય એકેય વાતની કમી નહોતી. પ્રેમાળ તેનો પરિવાર તેને તમામ પ્રકારની છૂટ આપતો હતો. એટલે જ જ્યાં અન્ય યુવતીઓ પોલીસમાં સેવા આપવાનું વિચારતી પણ ડરતી હોય છે ત્યારે સોનલે પોલીસમાં ભરતી થવાનું સ્વપ્ન સેવેલું. એટલું જ નહીં, તેને પૂરું કરવા માટે હોમગાર્ડમાં પ્રેક્ટિસ માટે જોડાઈ ગયેલી. દરમિયાન તેની મુલાકાત તેના ઘરથી નજીકમાં જ રહેતી ખુશ્બૂ સાથે થઈ. ખુશ્બૂએ તેને કહ્યું કે, ‘હોમગાર્ડમાં તો તારે બે-ત્રણ મહિને માંડ પગાર થાય છે. આમાં ઘર ક્યાંથી ચાલે? આ જમાનામાં ખર્ચા પણ કેટલા બધા થતા હોય છે. તું મારી સાથે ચાલ, તને પંદર દિવસમાં ૧૫થી ૨૦ હજાર રૃપિયા અપાવીશ.’ વાત તો સાચી હતી. હોમગાર્ડની નોકરીમાં તેના પગારનું કોઈ ઠેકાણું નહોતું. બે-ત્રણ મહિને માંડ પગાર આવતો. સામે જરૃરિયાતો દિવસે દિવસે વધતી જતી હતી. એટલે તેના માટે આ બહુ મોટી ઑફર હતી. આમ પણ રૃપિયાની જરૃર કોને ન હોય? એટલે ભોળવાયેલી તેણીએ હા પાડી કે બીજા જ દિવસે ખુશ્બૂ તેને વસ્ત્રાલ સ્થિત પુષ્પક કોમ્પ્લેક્ષમાં ચાલતી ડૉ. પીયૂષ પટેલની હૉસ્પિટલે લઈ ગઈ. કહેવાતો આ ડૉક્ટર પોતે આયુર્વેદનું સર્ટિફિકેટ માંડ ધરાવતો હતો છતાં હૉસ્પિટલ ખોલીને ગાયનેક સ્પેશ્યાલિસ્ટ તરીકે ધૂમ કમાણી કરતો હતો.

જોકે તેનું અસલી કામ તો પાછું જુદું જ હતું અને સોનલ તેનાથી સાવ અજાણ હતી. ખુશ્બૂએ સોનલને અહીં લાવીને તેની ઓળખાણ વનિતા નામની બીજી એક મહિલા સાથે કરાવી. આ બંનેએ મળીને સોનલને સમજાવ્યું કે, જો તું તારાં સ્ત્રીબીજ આપીશ તો અમે તને દર વખતે રૃ. ૧૫ હજાર અપાવીશું. આમ કહીને બંને તેને હૉસ્પિટલની આસિસ્ટન્ટ નર્સ નિકીબહેન ઉર્ફે કીર્તિબહેન રાજપૂત અને પિંકીબહેન ઉર્ફે ચાંદનીબહેન રાજપૂત પાસે લઈ ગઈ. આ બંને તેને ડૉ. પીયૂષ પટેલ અને ડૉ. નિસર્ગ પટેલ પાસે લઈ ગઈ. બંને ડૉક્ટરોએ સોનલને સંભવિત ખતરાની જાણ કર્યા વિના માત્ર રૃપિયાની લાલચ આપીને પોતાનાં સ્ત્રીબીજ આપવા માટે તૈયાર કરી લીધી.

નક્કી કરેલા દિવસે સોનલ ઘેરથી હોમગાર્ડની ડ્યુટી પર જતી હોવાનું જણાવીને નીકળી. જ્યાંથી બંને ડૉક્ટરો તેને પ્રથમ પુણે અને પછી ભોપાલ સ્ત્રી-બીજ દાન આપવા લઈ ગયા. આ તરફ સોનલનો પરિવાર આ બાબતથી સાવ અજાણ હતો. ડૉક્ટરો વતી બંને એજન્ટ ખુશ્બૂ અને વનિતાએ પણ સોનલના પરિવારને આ બાબતની જરા સરખી પણ ગંધ ન આવે તેની તકેદારી રાખી હતી. ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કાનપુરથી સ્ત્રી-બીજ આપીને પરત ફરતાં રસ્તામાં સોનલની હાલત અતિશય ખરાબ થઈ ગઈ. પેટ ફૂલી ગયું, દુખાવો થવા માંડ્યો અને શરીર પર સોજા ચડી ગયા. જેથી બંને ડૉક્ટરોએ તેને રાજસ્થાનની આર.કે. હૉસ્પિટલમાં દાખલ કરી. જ્યાં હાજર ડૉક્ટરોએ સોનોગ્રાફી કર્યા બાદ જણાવ્યું કે, સોનલના પેટમાં ત્રણથી ચાર લિટર પાણી ભરાઈ ગયું છે. જો તેને બચાવવી હોય તો તાત્કાલિક અમદાવાદ લઈ જાવ. જોકે બંને ડૉક્ટરોએ સોનલની સારવાર કરાવવાને બદલે તેને વસ્ત્રાલ લાવીને ઉતારી મૂકી. ઘેર પહોંચ્યા બાદ સોનલની તબિયત વધુ બગડતા તેણે ફરી ડૉ. પીયૂષ પટેલને ફોન કર્યો એટલે તેણે તેને પોતાના ભાગીદાર ડૉ. નિસર્ગ પટેલની બોપલ સ્થિત નિશા વુમન હૉસ્પિટલમાં દાખલ થઈ જવા કહ્યું. રાત્રે સાડા અગિયારે ત્યાં દાખલ થયા પછી પણ સ્થિતિ કાબૂમાં ન આવતાં બંને ડૉક્ટરોએ મળીને તેણીને ઝાયડસ હૉસ્પિટલમાં ખસેડી.

અહીં તેણીને પહેલીવાર ખ્યાલ આવ્યો કે પેટમાં પાણી ભરાઈ જવાના કારણે તેની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ છે. અહીં પંદરેક દિવસ તેને રાખ્યા બાદ બંને ડૉક્ટરોના ધ્યાને આવ્યું કે તેનાં માતાપિતા પાસે બીપીએલ કાર્ડ છે. આથી પોતાને કોઈ ખર્ચ ન કરવો પડે તે માટે બંનેએ તેના માબાપને સમજાવી દઈને સોનલનેે સિવિલ હૉસ્પિટલમાં ખસેડાવી દીધી. જોકે અહીં સુધી બંને ડૉક્ટરોએ તેના પરિવારને સ્ત્રીબીજ દાનમાં પોતાનાથી થયેલી બેદરકારીનો અંદાજ નહોતો આવવા દીધો. ફાઇનલી સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ ફાઈલનો અભ્યાસ કરતાં ખ્યાલ આવ્યો કે સોનલ સ્ત્રીબીજ દાન કરવા દરમિયાન ડૉક્ટરોની બેદરકારીનો ભોગ બની છે. પછી તો સોનલમાં પણ હિંમત આવી અને તેણે આખો મામલો પરિવાર સમક્ષ જાહેર કરી દીધો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. બંને કિડનીઓ ખરાબ થઈ જવાના કારણે તે માત્ર ચોવીસ વર્ષની કુમળી વયે મૃત્યુ પામી. સોનલ ભલે બચી શકી નહીં, પણ લાલચુ ડૉક્ટરોની જાળમાં ફસાઈને મહામૂલા શરીર સાથે રમત કરવા દેતી કેટલીયે મહિલાઓ માટે સજ્જડ સંદેશ છોડતી ગઈ. તેના મૃત્યુ બાદ પોલીસ કેસ થતાં ડૉ. પીયૂષ પટેલ હાલ જેલના સળિયા ગણી રહ્યો છે અને તેની એજન્ટો ખુશ્બૂ અને વનિતા જામીન પર માંડમાંડ છૂટી છે. ગુજરાતમાં પહેલો એવો કેસ સામે આવ્યો જેમાં સ્ત્રી-બીજ દાનમાં બેદરકારી બદલ ડૉક્ટરને જેલ થઈ હોય.

અહીં સોનલનો કિસ્સો તો માત્ર એક ઉદાહરણ થયું. બાકી આવા તો કેટલાય કેસો હશે જે છાનેખૂણે ક્યાંય દફન થઈ જતા હશે અને તેના વિશે પોલીસને પણ જાણ નહીં હોય. આમાં સૌથી ગંભીર બાબત એ છે કે, કાયદો સ્ત્રીબીજ ડોનેશનમાં કશું ખોટું નથી જોતો જેના કારણે પીયૂષ પટેલ જેવા તકસાધુઓને મોકળું મેદાન મળી ગયું છે. બીજું કે, સ્ત્રીબીજ દાન કરતી યુવતીઓનો પરિવાર આ બાબતે સાવ અંધારામાં હોય છે. સોનલની મમ્મીની જ વાત કરીએ તો, તેમને ન તો સ્ત્રીબીજ દાનનો અર્થ ખબર હતી ન તેમની દીકરી છેલ્લા એક વર્ષથી આ કામ કરી રહી છે તેની માહિતી હતી. તેમને તો એ પણ ખબર નહોતી કે આ પ્રકારનું દાન કરવાના રૃપિયા મળે અને એમાં પાછો મોતનો ખતરો પણ એટલો જ હોય. આ બધું ત્યારે સામે આવ્યું જ્યારે સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટતા કરી કે, સ્ત્રીબીજ દાન કરવા માટે આપવામાં આવતાં હોર્મોન્સ વધારવાનાં ઇન્જેક્શનોના કારણે તેનું મોત નિપજ્યું હતું. કરુણતા એ છે કે, ગરીબ પરિવારોની યુવતીઓને ફર્ટિલિટી ક્લિનિક સુધી લઈ આવનાર એજન્ટો મોટા ભાગે મહિલાઓ હોય છે. કુમળી કન્યાઓના શરીર સાથે ચેડાં કરાવીને રૃપિયા કમાતી આ એજન્ટો પોતે પાછી મોજથી જીવન જીવતી હોય છે. બહુમતી કિસ્સાઓમાં એજન્ટ મહિલાઓ સ્ત્રીબીજ દાનમાં રહેલા સંભવિત ખતરાથી અજાણ હોય છે અથવા તો એમ કહો કે, ડૉક્ટરો જાણીજોઈને તેમને આ બધી બાબતોથી અંધારામાં રાખતા હોય છે. એ જ તર્જ પર એજન્ટ યુવતીના પરિવારને પણ આ બાબતની જાણ થવા દેતી નથી.

‘અભિયાન’એ જ્યારે સોનલના ઘરની મુલાકાત લીધી ત્યારે તેની મમ્મી કુસુમબહેને કહ્યું કે, ‘મારી દીકરીને રૃપિયાની લાલચ આપીને ડૉક્ટર અને તેની બંને એજન્ટોએ ફસાવી હતી. તેમણે આ પ્રક્રિયામાં રહેલા સંભવિત ખતરાની અમને જાણ ન કરી જેનો ભોગ અમારી દીકરી બની. એનો વાંક માત્ર એટલો જ હતો કે તે પરિવારને આર્થિક રીતે મદદ કરવા માગતી હતી, પણ ડૉક્ટર અને એજન્ટો તો બધું જાણતાં હતાં છતાં કેમ તેને વારી નહીં? જો કશું ગેરકાયદે નહોતું તો કેમ આખો મામલો અમારાથી છુપાવી રાખવામાં આવ્યો?’

રામોલ પોલીસ સ્ટેશન કે જ્યાં આ કેસની તપાસ થઈ હતી ત્યાંના પીઆઈ કે. એસ. દવેએ જણાવ્યું કે, ‘આ કેસનો આરોપી ડૉ. પીયૂષ પટેલ હોમિયોપેથિકની ડિગ્રી ધરાવતો, એટલે કે તેની પાસે ગાયનેકોલોજિસ્ટ તરીકેની કોઈ ડિગ્રી જ નહોતી છતાં તે સ્ત્રીબીજનો વ્યાપાર કરતો હતો. અમદાવાદમાં મારી જાણ મુજબ સ્ત્રીબીજ દાનમાં દર્દીનું ગુનાઇત બેદરકારીને કારણે મોત થયું હોય તે પ્રકારનો આ પહેલો કિસ્સો છે. એ જ રીતે આ પ્રકારના કેસમાં કોઈ ડૉક્ટરને જેલ થઈ હોય તેવું પણ પહેલીવાર બન્યું છે.’ સોનલના મોતે દાનની આડમાં ચાલતાં સ્ત્રીબીજના વેપારનો ભાંડો ફોડી નાખ્યો છે. સાથે આખી પ્રક્રિયામાં રહેલા ખતરાનો પણ પર્દાફાશ કરી દીધો છે. હાલ વિશ્વ મહિલા દિવસ નજીકમાં છે ત્યારે માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ દેશ આખાની મહિલાઓએ આ મામલે જાણકારી મેળવી લેવી જરૃરી છે.

Related Posts
1 of 262

કરોડોનો કારોબાર
જાણીને નવાઈ લાગશે, પણ આજે ભારતના લગભગ તમામ મોટાં શહેરોમાં સ્ત્રીબીજનો વેપાર ધમધોકાર ચાલે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે ત્યાં નિઃસંતાન દંપતીઓની સંખ્યા વધી છે. જેના કારણે આ ધંધામાં તેજી આવી છે. માગને પહોંચી વળવા માટે મોટાં શહેરોમાં ડૉક્ટરોએ મૂળ પ્રેક્ટિસ છોડીને સ્ત્રીબીજના વેપારમાં ઝંપલાવી દીધું છે. આ માટે તેમણે જુદા-જુદા વિસ્તારોમાં પોતાના એજન્ટો સક્રિય કરી દીધા છે. આ એજન્ટો મોટા ભાગે મહિલા હોય છે, જે ઝૂંપડપટ્ટીમાં રહેતી અન્ય જરૃરિયાતમંદ મહિલાઓ, કૉલેજ કન્યાઓને ફોસલાવી પટાવીને સ્ત્રીબીજ આપવા માટે તૈયાર કરે છે. આ માટે તેમને સ્ત્રી દીઠ રૃ. ૫૦૦થી ૧૫૦૦૦ કમિશન પેટે મળતાં હોય છે. આ ધંધાને નજીકથી જાણતા એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે ‘અભિયાન’ને જણાવ્યું કે, ‘શરૃઆતમાં આ ધંધામાં સારી એવી કમાણી હતી, પણ પછીથી એજન્ટોની સંખ્યા વધી જતાં કમિશનમાં થોડો ઘટાડો થયો છે, પણ સામે સ્ત્રીબીજની માગ પહેલાં કરતાં બમણી થઈ ગઈ હોવાથી અમારે વધુ ને વધુ મહિલાઓને શોધી લાવવી પડે છે. અમદાવાદમાં એક એજન્ટને દરેક કેસ પર રૃ. ૫૦૦થી ૧૫૦૦ કમિશન મળે છે.

જેમાં દાતા મહિલાને ક્લિનિક પર લાવવાથી માંડીને ફોર્મ ભરાવવું, મેડિકલ ચેકઅપ માટે તૈયાર કરવી અને તેના પરિવારને આખી બાબતથી અજાણ રાખવો જેવાં કામો સામેલ હોય છે. મોટા ભાગની એજન્ટો સ્ત્રીબીજ દાનમાં રહેલાં જોખમો વિશે દાતાને જાણ કર્યા વિના જ ફોર્મ પર તેની સહી લઈ લેતાં હોય છે. તેઓ મુખ્યત્વે શહેરની ગરીબ વસ્તીઓમાં સક્રિય હોય છે જેથી જરૃરિયાતમંદ યુવતીઓનો આસાનીથી સંપર્ક સાધી શકાય. અમદાવાદમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારના નારોલ, વટવા, બાપુનગર, વસ્ત્રાલ, ઇસનપુર, ગીતામંદિર, દાણીલીમડા, જુહાપુરા, વાડજ, અમરાઈવાડીમાં આ મહિલા એજન્ટોનું નેટવર્ક સજ્જડ રીતે કામ કરી રહ્યું છે. પશ્ચિમ અમદાવાદમાં એસ.જી. હાઈવે, વસ્ત્રાપુર, નહેરુનગર અને સી.જી. રોડ પર પણ આ કાર્ય થાય છે. એકલા અમદાવાદમાં જ ૫૦૦ જેટલા એજન્ટો સક્રિય છે જે દરરોજ અનેક મહિલાઓને સ્ત્રીબીજ આપવા માટે વિવિધ ક્લિનિકો પર લઈ આવે છે. એક એજન્ટ પાસે પાંચસોથી લઈને બે હજાર યુવતીઓના કોન્ટેક્ટ હોય છે. જેનો તેઓ જરૃરિયાત પ્રમાણે સ્ત્રીબીજ આપવામાં ઉપયોગ કરતા હોય છે.’

આખી વાતમાં દમ છે. કેમ કે, સોનલના કેસમાં એજન્ટ રહેલી ખુશ્બૂને ડૉ. પીયૂષ પટેલ યુવતી દીઠ રૃ. ૫૦૦ કમિશન આપતો હતો. ખુશ્બૂની ઉપરી એવી વનિતાને પણ એટલું જ કમિશન મળતું હતું. આ બંને એજન્ટોનો ભાંડો ફોડતાં તેમની જ નજીકની એક વ્યક્તિએ જણાવ્યું કે, બાપુનગર અને તેની આસપાસના વિસ્તારોની જ અંદાજે અઢી હજાર જેટલી મહિલાઓ તેમની સાથે જોડાયેલી હતી. આ કામમાં ડૉક્ટર પીયૂષ પટેલને કેસ દીઠ રૃપિયા ૧૫ હજાર કમિશન મળતું હતું. તેની પાસે કામ એટલું બધું વધી ગયું હતું કે, તેની વસ્ત્રાલની હૉસ્પિટલ ઉપરાંત રખિયાલ, બોપલ અને ગીતામંદિર સ્થિત હૉસ્પિટલમાં પણ ધંધો શરૃ કર્યો હતો. એક દાયકા અગાઉ અમદાવાદમાં સ્ત્રીબીજના બિઝનેસ વિશે ભાગ્યે જ કોઈને ખ્યાલ હતો, પણ આજે આ શોર્ટકટ મારફતે રૃપિયા રળી લેવા એજન્ટો, ડૉક્ટરો અને યુવતીઓનું આખું નેટવર્ક તૈયાર થઈ ગયું છે જે હવે અન્ય શહેરોમાં પણ સક્રિય થઈ રહ્યું છે. દેવું થઈ ગયું હોય, ઘરમાં કોઈ પ્રસંગ હોય, સંતાનોનાં લગ્ન લેવાના હોય, મકાન લેવું હોય, પરિવારમાં બીમાર કોઈ વ્યક્તિનો ઇલાજ કરવો હોય એવા સમયે આકસ્મિક નાણાની જરૃરિયાત ઊભી થાય ત્યારે ગરીબ મહિલાઓ મજબૂરીની મારી આવા એજન્ટોનો સંપર્ક કરતી હોય છે. એક અંદાજ મુજબ માત્ર અમદાવાદમાં જ સ્ત્રીબીજ વ્યાપારનો કારોબાર વર્ષે પચાસ કરોડ આસપાસ થવા જાય છે.

સ્ત્રીબીજ દાનમાં સંભવિત જોખમો
સમસ્યા એ છે કે, કાયદાની લગામ આ મામલે ઢીલી છે. એજન્ટો સ્ત્રીબીજ આપવા તૈયાર થતી મહિલાઓને માત્ર રૃપિયાની લાલચ આપે છે, પણ સંભવિત જોખમ સામે ભાગ્યે જ કશો ફોડ પાડતાં હોય છે. પરિણામે ટૂંકા ગાળામાં જો મહિલા પાસેથી એકથી વધુ વખત સ્ત્રીબીજ લેવામાં આવે તો તેના શરીરમાં લોહી જામી જવા, સોજા ચડી જવા, કિડની ખરાબ થઈ જવાનાં જોખમો રહે છે.

આ મામલે અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ગાયનેક વિભાગના અધ્યક્ષ ડૉ. વિનિત મિશ્રા કહે છે, ‘સ્ત્રીબીજ દાન કરતી મહિલાઓને પણ આઈવીએફ સારવારની જેમ ઇન્જેક્શનો આપવામાં આવે છે. સામાન્ય રીતે મોટી ઉંમરની મહિલાઓ, સ્ત્રીબીજ ન બનતાં હોય તેવી અથવા ઓછાં બનતાં હોય તેવી મહિલાઓ બાળકની ઇચ્છા ધરાવતી હોય ત્યારે તેમને આ પ્રકારે અન્ય મહિલાઓના સ્ત્રીબીજની જરૃર પડતી હોય છે. એ મેળવવા માટે દાતા મહિલાને હોર્મોનનાં ઇન્જેક્શનો આપવામાં આવે છે. જેનાથી સ્ત્રીદાતાના ગર્ભાશયમાં એકથી વધુ સ્ત્રીબીજ તૈયાર થાય છે. આ ઇન્જેક્શનો ઘણીબધી જાતનાં હોય છે. જેમ કે, એચએમજી(હ્યુમન મૅનોપૉઝલ ગોનેડોટ્રોપિન્સ), એફએસએચ(ફૉલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન) વગેરે. રૃ. ૨૦ હજાર સુધીની કિંમતનાં આ ઇન્જેક્શનો ગર્ભમાં રહેલાં સ્ત્રીબીજને મોટું કરવા માટે પણ આપવામાં આવતાં હોય છે. સમસ્યા એ છે કે, વધારે સ્ત્રીબીજ તૈયાર કરવાની લાલચમાં ઘણીવાર દાતાને ‘ઓવેરિયન હાઈપર સ્ટિમ્યુલેશન’ થઈ જતું હોય છે. જેમાં તેનાં પેટ, ફેફસાં અને હૃદયની આસપાસ પાણી ભરાઈ જાય છે. આ સમસ્યા વધુ વિકરાળ બને તો દર્દીની કિડની ખરાબ થઈ શકે છે. જોકે ઓવેરિયન હાઈપર સ્ટિમ્યુલેશનના કારણે કોઈનો જીવ ગયો હોય તેવું અગાઉ મારી જાણમાં નથી. આવું ત્યારે જ બને જ્યારે ડૉક્ટરે દર્દી પ્રત્યે ભારે બેદરકારી દાખવી હોય.’

હાલ ભારતમાં સ્ત્રીબીજ દાનની પ્રક્રિયામાં દિશાનિર્દેશ આપનાર સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચની ગાઇડલાઇન પ્રમાણે સ્ત્રીબીજ દાનની પ્રક્રિયા ગેરકાયદેસર નથી. છતાં બીજી તરફ સ્ત્રીબીજ દાન કરતી વખતે ઊભી થતી મેડિકલ સમસ્યાઓના કારણે ૮ ટકા મહિલાઓને મોતનો ખતરો રહે છે. સ્ત્રીબીજ દાન સહિત ઇનફર્ટિલિટીની તમામ સારવારને નિયંત્રિત કરવા માટે સંસ્થાએ વર્ષ ૨૦૦૫ તથા ૨૦૧૦માં તૈયાર કરેલા વિધેયક મુજબ ભારતમાં સ્ત્રીબીજ દાન કરવા માગતી ૧૮ વર્ષથી ઉપરની મહિલાઓએ તેની માતા કે પતિની રજા લેવાની જરૃર નથી. સામાન્ય રીતે એક મહિલાના શરીરમાં દર મહિને એકથી બે સ્ત્રીબીજ બનતાં હોય છે. જ્યારે દાતા મહિલાના શરીરમાં ઇન્જેક્શનો આપીને એકથી વધુ સ્ત્રીબીજ તૈયાર કરવામાં આવે છે. જેનો ઉપયોગ પછી એવી મહિલાઓને ગર્ભવતી બનાવવામાં થાય છે જેનું શરીર સ્ત્રીબીજ બનાવવા સક્ષમ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના નિયમ મુજબ સ્ત્રીબીજ દાતાની ઉંમર ૨૩ વર્ષથી નીચે હોવી જોઈએ નહીં. છતાં અંદરખાને તેનાથી પણ નાની ઉંમરની છોકરીઓનાં સ્ત્રીબીજનો વેપલો થતો હોવાનું આધારભૂત સૂત્રો જણાવે છે. સામાન્ય રીતે તંદુરસ્ત, નિર્વ્યસની યુવતી ગર્ભાવસ્થા કે માસિક સિવાયના સમયમાં મહિનામાં બે વખત સ્ત્રીબીજ આપી શકે છે.

સ્ત્રીબીજ દાનની પ્રક્રિયા અને કાયદો
સ્ત્રીબીજ દાનની પ્રક્રિયા પુરુષના સ્પર્મ ડોનેશન કરતાં અલગ અને લાંબી હોય છે. તેને પુરા થવામાં ઓછામાં ઓછા ૧૨થી ૧૪ દિવસ લાગતા હોય છે. સૌ પ્રથમ તો યોગ્ય યુવતીની પસંદગી કરવામાં આવે છે. ત્યાર બાદ તેના શરીરને આઠથી દસ દિવસ સુધી ઇન્જેક્શનો આપીને મા બનવા ઇચ્છુક મહિલાના હોર્મોનના સ્તર સુધી લઈ જવાય છે. અહીં એ પણ જોવામાં આવે છે કે તેના ગર્ભાશયમાં એકથી વધુ સ્ત્રીબીજ તૈયાર થાય. આ રીતે તૈયાર થયેલાં સ્ત્રીબીજને બહાર કાઢી લઈને શુક્રાણુઓ સાથે ફલન કરીને માતૃત્વ ધારણ કરવા ઇચ્છુક મહિલાના ગર્ભમાં વધુ વિકાસ થવા માટે નિશ્ચિત સમયે મુકી દેવામાં આવે છે. આ પ્રક્રિયાના ૧૨ દિવસમાં મહિલાને ગર્ભ રહેતો હોય છે. આ આખી પ્રક્રિયામાં સ્ત્રીબીજ દાન કરનાર યુવતીની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. આ રીતે બીજ દાન કરનારી છોકરીઓના મુખ્યત્વે ત્રણ વર્ગો પાડવામાં આવ્યા છે. (૧) જે પોતે બાળકોની માતા છે પણ પૈસાની જરૃર હોવાથી આ કરે છે. (૨) તે આઈવીએફ માટે હૉસ્પિટલ જાય છે ત્યાં તેના સ્ત્રીબીજની ગુણવત્તા જોઈને ડૉક્ટર તેને તે અન્ય મહિલાને દાન કરવાનું કહે છે અને તેનો આઈવીએફનો ખર્ચ માફ કરી દેવામાં આવે છે. (૩) આ વર્ગમાં એવી હાઈપ્રોફાઈલ છોકરીઓનો સમાવેશ થાય છે જે પોતાનો ખિસ્સાખર્ચ કાઢવા માટે સ્વેચ્છાએ આ કામ કરે છે. ૧૯થી ૨૨ વર્ષની આ છોકરીઓ ‘વિકી ડૉનર’ જેવી હોય છે. એક સમય હતો જ્યારે સ્ત્રીબીજ દાતાની શોધ કરવામાં મુશ્કેલી પડતી હતી. જ્યારે હવે તે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. ઇન્ટરનેટ પર અંગ્રેજીમાં એગ ડોનર શબ્દો સર્ચ કરવાથી અનેક વિકલ્પો મળી આવે છે. તો કેટલીક ફર્ટિલિટી ક્લિનિકની વેબસાઈટો પણ આ પ્રકારની સર્વિસ આપવા માંડી છે.

મહિલાઓને લગતાં કાયદાઓનાં નિષ્ણાત પ્રતિભા ઠક્કર કહે છે, ‘સ્ત્રીબીજ દાન કરતી વખતે જો કોઈ યુવતીના શરીરને નુકસાન થાય તો સિવિલ લૉ પ્રમાણે માનવ અસ્તિત્વને લગતાં હાનિકારક કૃત્યના આધારે કેસ દાખલ કરી શકાય છે. જેમાં યુવતી અને તેના પરિવારને થયેલા નુકસાનના પ્રકારના આધારે વળતર મળી શકે છે. જો યુવતીનું મૃત્યુ થાય તો તેવા સંજોગોમાં અન્ય ફોજદારી કલમો પણ ઉમેરી શકાય છે. અહીં પ્રથમ તો આપણે એ સમજી લેવાની જરૃર છે કે જ્યારે આ મામલે કાયદો ઘડાયો ત્યારે પરિસ્થિતિ જુદી હતી. ટૅક્નોલોજી મર્યાદિત હતી અને સ્ત્રીબીજનો ઉપયોગ વળી તેનાથી પણ મર્યાદિત હતો. જેને ધ્યાનમાં રાખીને કાયદાઓ અસ્તિત્વમાં આવેલા. એ વખતે કાયદાના નિષ્ણાતોને કલ્પના પણ નહીં હોય કે માનવજીવનને બહેતર બનાવવા માટે તેઓ જે છૂટછાટ આપી રહ્યા છે તેનો આ પ્રકારે દુરુપયોગ થશે. ડૉક્ટરો માનવતા નેવે મુકીને દાતાઓના શરીર પ્રત્યે બેદરકારી દાખવશે અને તેમનું મોત પણ થશે. આવું ત્યારે જ બને જ્યારે માનવતાની જગ્યાએ લાલચ ચડિયાતી સાબિત થાય. ડૉક્ટરો ટૅક્નોલોજીનો મર્યાદામાં રહીને ઉપયોગ કરવાને બદલે દુરુપયોગ કરે ત્યારે જ આવું બને. વિદેશોમાં આવું ઓછું બને છે, કેમ કે ત્યાં એક નાગરિક તરીકે તમને તમામ જરૃરી સલામતી આપવામાં આવે છે. આપણે ત્યાં સ્થિતિ તેનાથી વિપરીત છે. છતાં મને લાગે છે કે સ્ત્રીબીજ દાનમાં દાતાના શરીરને નુકસાનીના કેસ વધશે તો ગર્ભપાતના કાયદાની જેમ આમાં પણ સરકાર વધુ કડક કાયદા અમલમાં મૂકશે.’

સરકાર તો કાયદાકીય પ્રતિબંધો લાદે ત્યારે ખરી, પણ મહિલાઓએ આ મામલે અત્યારથી ચેતી જવાની જરૃર છે. થોડાક રૃપિયાની લાલચમાં આવી જઈને મહામૂલા શરીરને કોઈ તકસાધુ ડૉક્ટરોના હવાલે કરવામાં કેટલાં જોખમો રહેલાં છે તે સોનલના કિસ્સા પરથી જાણી સમજી શકાય છે. એમાંથી કેટલું ગ્રહણ કરવું તે આપણા પર નિર્ભર કરે છે. એ માટે પહેલાં તો રૃપિયા કમાવવા શોર્ટકટ પકડવાને બદલે જાતમહેનત પર ભરોસો કરી લાંબા ગાળાનું આયોજન કરવું જરૃરી છે. જો એમ થશે તો આપોઆપ આવા પીયૂષ પટેલ જેવા લેભાગુ ડૉક્ટરોના હાથ હેઠા પડશે.

———————.
રૃપિયાની લાલચ આપીને ડૉક્ટર અને તેની એજન્ટોએ તેને ફસાવી હતી. તેમણે સ્ત્રી બીજ દાનમાં રહેલા ખતરાની અમને જાણ ન કરી જેનો ભોગ અમારી દીકરી બની – કુસુમબહેન પરમાર, પીડિતાનાં મમ્મી, બાપુનગર, અમદાવાદ
——–.
ડૉક્ટર અને એજન્ટો મહિલાઓએ અમને સાવ અંધારામાં રાખ્યાં એટલે ઇન્જેક્શનોની આડઅસરના કારણે બહેનની બંને કિડનીઓ ખરાબ થતાં તે મૃત્યુ પામી ભાવેશ પરમાર, પીડિતાના ભાઈ, બાપુનગર, અમદાવાદ
——–.
સ્ત્રીબીજ દાનમાં જો દાતા યુવતીના શરીરને નુકસાન થાય તો સિવિલ લૉ પ્રમાણે માનવ અસ્તિત્વને લગતાં હાનિકારક કૃત્યનો ગુનો લાગુ પડે અને વળતર પણ આપવું પડે – પ્રતિભા ઠક્કર, મહિલા કાયદાનાં નિષ્ણાત, અમદાવાદ
=——–.
ઇન્જેક્શનોની આડઅસરના કારણે દાતાને ‘ઓવેરિયન હાઈપર સ્ટિમ્યુલેશન’ થઈ જતું હોય છે. જેમાં તેનાં પેટ, ફેફસાં અને હૃદયની આસપાસ પાણી ભરાઈ જાય છે – ડૉ. વિનિત મિશ્રા, અધ્યક્ષ, ગાયનૅક વિભાગ, સિવિલ હૉસ્પિટલ અમદાવાદ
—————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »