તમારા માટે, તમારી સાથે, સતત…

અવિશ્વાસ એટલે આત્મવિશ્વાસનો અભાવ

માણસ વીસ કે ત્રીસ રૃપિયાની કિંમતના તાળાનો વિશ્વાસ કરે છે - માણસ માણસનો વિશ્વાસ કરી શકતો નથી!

0 312
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

 મનોચિકિત્સાના એક ડૉક્ટર મિત્રે હમણા વાતવાતમાં કહ્યું – માણસ વીસ કે ત્રીસ રૃપિયાની કિંમતના તાળાનો વિશ્વાસ કરે છે – માણસ માણસનો વિશ્વાસ કરી શકતો નથી! આપણે ઘરને તાળું મારીને નિશ્ચિંત બની જઈએ છીએ! શું આપણે જાણતા નથી કે આ તાળું તૂટી શકે છે? શું આપણે જાણતા નથી કે કોઈ બીજી ચાવી લગાડીને પણ તેને ખોલવામાં સફળ થઈ શકે છે? શું આપણે જાણતા નથી કે આ તાળું જે દ્વાર પર લટકે છે તેને બાજુ પર મૂકીને કોઈક ચોર કે ધાડપાડુ બીજી કોઈક જગ્યાએ જ બાકોરું પાડી શકે છે?

ડૉક્ટરની વાત બિલકુલ સાચી છે. જે વાત તાળાંને લાગુ પડે છે તે જ વાત માણસ પરના વિશ્વાસને લાગુ પડે છે. તાળું તૂટવાની શક્યતા રહે જ છે, તે ભળતી ચાવીથી ખૂલવાની શક્યતા પણ છે જ અને એ જ રીતે માણસ ઉપર મૂકેલો વિશ્વાસ તૂટવાની કે તેનું સ્થાનાંતર થવાની શક્યતા રહે જ છે, પણ વિચારવાનો મુદ્દો એ છે કે તાળું મારવાની વ્યવસ્થા તાળું નહીં મારવાની વ્યવસ્થા કરતાં એકંદરે સારી અને સલામત છે અને એ જ રીતે માણસ પર વિશ્વાસ રાખવાની વ્યવસ્થામાણસ ઉપર વિશ્વાસ નહીં રાખવાની વ્યવસ્થા કરતાં ચોક્કસ વધુ સારી અને સલામત છે. તમે જ્યારે કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ કરો છો ત્યારે તમે તમારું અને એનું બંનેનું સન્માન કરો છો. તમે જ્યારે કોઈ વ્યક્તિનો અવિશ્વાસ કરો છો ત્યારે તેનું અપમાન કરો છો અને સાથે-સાથે તમે તમારી પોતાની સામે જ આત્મવિશ્વાસના અભાવનો પ્રસ્તાવ રજૂ કરો છો!

Related Posts
1 of 281

એક માણસમાં તમે સહજ રીતે જ્યારે વિશ્વાસ મૂકવા તૈયાર થાઓ છો ત્યારે મનમાં ઊંડે ઊંડે શંકાની કોઈ લાંબી કસરત કર્યા પછી તૈયાર થયા નથી હોતા. એ રીતે કોઈ ઉપર વિશ્વાસ મૂકી જ શકાતો નથી. હકીકતે તમે એવી મૂળભૂત શ્રદ્ધાને કારણે જ વિશ્વાસનો વહેવાર કરવા તૈયાર થયા હો છો કે; (૧) ઈશ્વર સારું જ કરશે – મેં જેનો વિશ્વાસ કર્યો છે તેના હૃદયમાં તે સારી પ્રેરણા મૂકશે અને (૨) ખોટ જ જવાની છે તેમ માની વેપાર જ ન કરવો તેના કરતાં કંઈક લાભ થવાનો સંભવ સ્વીકારીને વેપાર કરવો સારો!

વેપારી જેમ વધુ વેપાર કરે તેમ ખોટ પણ મોટી જવાનો સંભવ, તેમ માણસ જેમ વધુ વિશ્વાસ કરે તેમ તેને વધુ નુકસાન થવાની શક્યતા ખરી જ. છતાં જેમ મોટા વેપારમાં લાભ થાય તો ઘણો મોટો લાભ થાય છે તેમ વિશ્વાસના કારોબારમાં પણ એવું જ પરિણામ આવી શકે છે. ગમે તેટલી ગણતરીઓ કરો છતાં છેવટે તમારે તમારા પુરુષાર્થ અને પ્રારબ્ધમાં શુભ શ્રદ્ધા રાખીને કોઈ પણ વ્યવસાય કે વેપાર કરવો પડે છે, કેમ કે તમે જાણો છો કે સરવાળે સક્રિયતા ફળ-ફૂલ આપી શકે – નિષ્ક્રિયતાના વૃક્ષ પર ફળ કે ફૂલ બેસતાં જ નથી! તમે નુકસાન કે દગાફટકાના ડરથી નિષ્ક્રિય બનીને ઘરના ખૂણે બેસી શકો નહીં. કેમ કે એવું કરો તો પછી એ જીવન પણ રહેતું નથી અને એક માણસ તરીકેની તમારી  યોગ્યતા પણ રહેતી નથી. કોઈક વાર વિશ્વાસે વહાણ ડૂબવાનો અનુભવ થાય, પણ તેથી કરીને માણસ જીવન-સાહસ બંધકરી દેવાનું વિચારી શકે નહીં! અમદાવાદમાં મિલ ઉદ્યોગના સ્થાપક રણછોડલાલ છોટાલાલ શેઠે ઇંગ્લેન્ડથી મગાવેલી મશીનરીનાં વહાણ ત્રણ વાર ડૂબ્યાં, પણ પહેલી વાર વહાણ ડૂબ્યું ત્યારે જ તેમણે ઈતિશ્રી કરી દીધું હોત તો? તેમણે નસીબનો કે દરિયાનો કે વહાણનો અવિશ્વાસ ન જ કર્યો! છેવટે વિશ્વાસ જીત્યો.

અમેરિકાના આંતરવિગ્રહ વખતે પ્રમુખ અબ્રાહમ લિંકનના સરસેનાપતિ મોટી હાર પામીને ઘેર પહોંચી ગયા – લિંકને રાતે તેને તેડું મોકલ્યું તો મળવા ન ગયા અને એ જ મોડી રાતે લિંકન જાતે તેમને ઘેર મળવા ગયા તો સેનાપતિ શરમ-ભોંઠપથી સંતાઈ ગયા. તેમના નોકરે જવાબ આપ્યો કે, ‘સાહેબ ઊંઘી ગયા છે!અબ્રાહમ લિંકનને હાડોહાડ અપમાન લાગ્યું – સલાહકારોએ કહ્યું કે એને બરતરફ જ કરો! પણ લિંકને એ જ સેનાપતિની પરાજયની મનોવ્યથા સમજીને ફરી લડવા માટે તેને તૈયાર કર્યો – તેની શક્તિમાં ફરી અતૂટ વિશ્વાસ મૂકીને! લિંકને કહ્યું કે તમારી જગ્યાએ હું હોત તો મારી પણ એવી જ દશા થઈ હોત! તમારી શક્તિમાં મને પૂરો વિશ્વાસ છે. તમે એક બહાદુર સેનાપતિ છો! આપણે ફરી ઈશ્વરની મદદ માગીએ અને તમે લડો! આંતરવિગ્રહમાં છેવટે લિંકનની ફોજ – અમેરિકાની કેન્દ્રીય સરકારની ફોજ જીતી! મુદ્દો એ છે કે આ સંસારમાં માની પણ ન શકાય તેવા બધા ચમત્કારો વિશ્વાસથી થયા છે! અવિશ્વાસથી કશું જ થયું નથી – અવિશ્વાસથી વર્તનારી ઘણીબધી વ્યક્તિઓ તો પોતાનો જાન સુધ્ધાં બચાવી શકી નથી!
————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »