તમારા માટે, તમારી સાથે, સતત…

સુપરફૂડ ‘સરગવો’ નાથશે કુપોષણના દાનવને

0 1,114

કવર સ્ટોરી – નરેશ મકવાણા

નવાઈની વાત છે કે આયુર્વેદમાં સરગવાને ખૂબ જ ઉપયોગી વૃક્ષ ગણાવાયું હોવા છતાં આપણે ત્યાં તેનો ઉપયોગ મર્યાદિત છે, પણ હવે લાગે છે તેમાં સુધારો થશે. કેમ કે હાલમાં જ એક સંશોધનમાં સરગવો કુપોષિત બાળકો માટે રામબાણ ઇલાજ સાબિત થયો છે અને સરકારે પણ તેના ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે. હાલ ભૂખમરા મામલે ભારત વિશ્વના ગંભીરતમ ૧૧૯ દેશોમાં ૧૦૦મો ક્રમ ધરાવે છે ત્યારે સરગવા વિશે જાણવું જરૃરી બની જાય છે…

કુપોષણની સમસ્યા આમ તો સમગ્ર દેશને લાગુ પડે છે છતાં શરૃઆત મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના એક મહત્ત્વના કિસ્સાથી કરીએ. અહીં ગત જૂન માસમાં છ મહિનાથી ૬ વર્ષ સુધીના ૧ લાખ ૨૦ હજાર બાળકોનું વજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦ હજારથી વધુ બાળકોનું વજન સામાન્ય કરતાં ઓછું જ્યારે ૧૦ હજાર બાળકોનું વજન અતિશય ઓછું નીકળ્યું. સ્વાભાવિક રીતે જ આ તમામ બાળકો એવા પરિવારોમાંથી આવતાં હતાં જ્યાં બે ટંકનું ભોજન મળવાના પણ સાંસા હતા. આંકડાઓને લઈને હોબાળો થતાં સમગ્ર મામલો મહિલા અને બાળ વિકાસ વિભાગ સુધી પહોંચ્યો અને તંત્ર હરકતમાં આવ્યું. બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સરકારે નિયત કરેલા કેટલાક પ્રયોગો કરી જોયા, પણ તેનાથી બાળકોના સ્વાસ્થ્યમાં કોઈ દેખીતો કોઈ ફરક ન આવતા આખરે મામલો પોષણ નિષ્ણાતો પાસે પહોંચ્યો. જ્યાં તેમણે અધિકારીઓને કુપોષિત બાળકોને સરગવાનાં ફળ, ફૂલ અને પાનનું સેવન કરાવવાની ભલામણ કરી. સાથે જ કેવી રીતે આફ્રિકા ખંડના ગરીબ દેશોએ તેના થકી કુપોષણને માત આપી છે તેનાં ઉદાહરણો પણ આપ્યાં.

પોષણ નિષ્ણાતોની વાત અધિકારીઓને ગળે ઉતરી અને તેમણે બાળકોને કુપોષણથી બચાવવા સરગવાને હથિયાર બનાવવાની તૈયારી કરી. સૌ પ્રથમ તો જે ઘરોમાં કુપોષિત બાળકો હતાં ત્યાં તેનાં વૃક્ષો વાવવામાં આવ્યાં. આંગણવાડી કેન્દ્રોના પરિસરમાં પણ સરગવાનાં ઝાડ વાવ્યાં. પ્રથમ તબક્કામાં ૧૫૦૦થી વધુ રોપા રોપવામાં આવ્યા, જે માત્ર ૬ મહિનામાં વૃક્ષ બનીને ફળ અને ફૂલ આપવા લાગ્યાં. એ તમામનો ઉપયોગ કુપોષિત બાળકોના ખોરાકમાં કરવાનું શરૃ કરાયું. શરૃઆતમાં અહીંની એક આંગણવાડીના બે કુપોષિત બાળકોને સરગવાનાં પાનનો પાવડર અને તેની શિંગોનું શાક નિયમિત રીતે ખવડાવવામાં આવ્યું. જેનું પરિણામ એ આવ્યું કે માત્ર એક જ મહિનામાં બંને બાળકો કુપોષિતમાંથી સામાન્ય કક્ષામાં આવી ગયા. અઢી વર્ષની સૃષ્ટિનું વજન માંડ ૮ કિલોગ્રામ હતું અને જિલ્લાની હૉસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી છતાં તેના શરીરમાં કોઈ ફરક પડતો નહોતો. તેને આંગણવાડી કાર્યકર્તા કવિતા તિરોલે ચપટી જેટલો સરગવાનાં પાનનો પાઉડર ખોરાકમાં મિક્સ કરીને આપવાનું શરૃ કર્યું હતું. આ પ્રયોગ ભાવેશ નામના અન્ય એક કુપોષિત બાળક પર પણ શરૃ કરાયેલો. સૌના આશ્ચર્ય વચ્ચે જોતજોતામાં બંનેનું વજન અઢી કિલો વધી ગયું.

સફળ આ પ્રયોગ બાદ હવે સરગવાનો પાવડર અહીંની દરેક આંગણવાડીમાં નોંધાયેલાં બાળકો અને મહિલાઓને ફરજિયાત આપવામાં આવે છે. આંગણવાડીની બહેનો દ્વારા સરગવાનો પાવડર જાતે જ તૈયાર કરવામાં આવે છે, જે કુપોષિત બાળકોની સાથે ગર્ભવતી, ધાત્રી મહિલાઓ સુધી પહોંચાડવામાં આવે છે. અહીં રજૂ કર્યું તે ફક્ત એક ઉદાહરણ થયું, બાકી સરગવામાં એવા અનેક ગુણો છે જે કુપોષણની સાથે બીજા પણ અનેક રોગોમાં લાભદાયી છે. એની વાત પછી, પહેલાં વાત કુપોષણની વર્તમાન પરિસ્થિતિની.

સરગવો – એક ઓલરાઉન્ડર વૃક્ષ
કુપોષણના કહેર વચ્ચે ફિલ્મી હીરોની સ્ટાઈલમાં સુપરફૂડ સરગવાની એન્ટ્રી થઈ છે. આપણી ફિલ્મોમાં જેમ ગુંડાઓનો ત્રાસ વધતો જાય, લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠે, ઈશ્વરને પ્રાર્થના કરવા માંડે એ પછી હીરોની એન્ટ્રી થાય, કંઈક એવી જ અદાથી કુપોષણના વિલનનો ખાત્મો બોલાવવા સરગવો આવી પહોંચ્યો છે. તેનાં મૂળથી લઈને છાલ, પાન, ફળ, ફૂલ એમ દરેકનો કોઈ ને કોઈ ઉપયોગ થાય છે. એ રીતે તે આપણા ફિલ્મી હીરોની જેમ ઓલરાઉન્ડર છે. અહીં કુપોષણમાં તેની મહત્તા સમજતા પહેલાં તેનાં વિશે સામાન્ય જાણકારી મેળવી લઈએ.

ભગવદ્ગોમંડળમાં સરગવાને ઉષ્ણ, દીપક, પાચક, સારક અને મૂત્રલ ગણાવાયો છે. તેનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા છે. મોરિંગાની તમામ પ્રજાતિઓમાં સૌથી વધુ ખેતી સરગવાની થાય છે. ફિલિપાઇન્સ, મેક્સિકો, શ્રીલંકા, મલેશિયા, ઘાના, ટોગો વગેરે દેશોમાં તેનો મોટાપાયે ઉપયોગ થાય છે. આપણે ત્યાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં વિવિધ વાનગીઓમાં તે છૂટથી વપરાય છે. ઉત્તર અને દક્ષિણ ભારતમાં સરગવો થોડો જુદો પડે છે. દક્ષિણમાં તેનાં વૃક્ષ પર આખું વર્ષ શિંગો આવતી રહે છે, જ્યારે ઉત્તર ભારતમાં માત્ર એક વખત સિઝન દરમિયાન શિંગો આવે છે. ઉત્તર ભારતમાં તે સહજન અને મોંગાના નામે વધુ જાણીતો છે. સરગવાના ઝાડની ખાસિયત એ છે કે ઓછા પાણીમાં પણ તે ઉછરી જાય છે. તેની કાપેલી ડાળી જમીન પર પડી રહીને પણ લાંબો સમય સુધી સુકાતી નથી અને તેમાંથી નવી કૂંપળો ફૂટે છે. તેની કડવી અને મીઠી એમ બે જાતો પૈકી એકમાં કાળા અને બીજામાં સફેદ ફૂલ થાય છે. પાન નાનાં અને આવળની જેમ સામસામે, જ્યારે શિંગ એકથી બે ફૂટ લાંબી, સાત આઠ કોરવાળી અને અંદરથી ત્રિધારા બીવાળી હોય છે. જેમાં પ્રોટીન, ચરબી, શર્કરા અને લોહ સહિતનાં તત્ત્વો હોય છે. નિષ્ણાતોના મતે સરગવો ૩૦૦થી વધુ રોગોને દૂર ભગાડતી કુદરતી ઔષધિ છે. અઠવાડિયામાં એક કે બે દિવસ સરગવો ખાવાથી ઘણીબધી બીમારીઓ દૂર ભાગે છે. તેના તાજા ફૂલોમાંથી આયુર્વેદિક શક્તિવર્ધક પાવડર બને છે, જ્યારે છાલ, પાન, મૂળિયાં વગેરેમાંથી આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. તેની આ ખાસિયતોને લીધે અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા વર્ષ ૨૦૦૮માં તેને ‘પ્લાન્ટ ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોને અત્યાર સુધીમાં સરગવામાં ૯૦ જેટલા મહત્ત્વનાં પોષકતત્ત્વો મળી આવ્યાં છે અને હજુ વધુનો તેમાં ઉમેરો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

સરગવા અંગે નિષ્ણાતો શું કહે છે?
સરગવા અંગે આટલી સામાન્ય જાણકારી મેળવ્યા પછી સૌથી પહેલો સવાલ તેની સ્વીકૃતિને લઈને થાય. ખાસ તો લોકો તેને તુચ્છ ગણીને નકારી કાઢતા હોય ત્યારે. આવી સ્થિતિમાં ઉપર જણાવેલા તેના ગુણો અંગે નિષ્ણાતો શું મત ધરાવે છે તે જાણવું જરૃરી બની જાય છે. સરગવાનો કુપોષણ નાથવામાં ઉપયોગ કરવાનો આઇડિયા જેમના ફળદ્રુપ ભેજામાં આવ્યો તે ગુજરાત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડિરેક્ટર ડૉ. ગૌરવ દહિયા કહે છે, ‘સરગવો દક્ષિણ એશિયાનો એક જાદુઈ છોડ છે. ચિકિત્સા પ્રણાલીમાં વર્ષોથી તેનો ઉપયોગ થતો આવે છે. તે એન્ટિઓક્સાઇડથી ભરપૂર હોઈ તેને સ્વર્ગના વૃક્ષની ઓળખ આપવામાં આવી છે. તેની પાતળી છાલ અને શિંગમાં મોટા પ્રમાણમાં ખનીજતત્ત્વો અને વિટામિનો રહેલાં હોય છે. સરગવાનો એક નાનો કપ ૧૫૭ ટકા આરડીએ વિટામિન-સી આપે છે. તેના એક કપમાંથી દૈનિક જરૃરિયાતનું વિટામિન બી૬, ૯ ટકા વિટામિન એ, ૨ ગ્રામ પ્રોટીન, ૧૨ ટકા વિટામિન સી, ૧૧ ટકા વિટામિન બી૨ રેડીફ્લેવન અને ૧૧ ટકા આયર્ન આસાનીથી મળી રહે છે. સામાન્ય રીતે વિટામિન એ, ઈ અને સી જો દવા તરીકે કે દવા સ્વરૃપે લેવામાં આવે તો માણસની સરેરાશ આવરદામાં બહુ ફરક પાડી શકતા નથી, પરંતુ ખોરાકમાં તેનો ઉપયોગ થાય તો ઉત્તમ પરિણામ આપે છે.

માનવ શરીરને અંદાજે ૨૦ જેટલા એમિનો એસિડની જરૃર પડે છે અને તે સીધું જ પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલું છે. જેમ વિવિધ અક્ષરો મળીને એક શબ્દ બને છે તેમ એમિનો એસિડોના સંયોજનથી પ્રોટીન બને છે. મહત્ત્વની વાત એ છે કે સરગવામાં કુલ ૨૦ પૈકી ૧૮ એમિનો એસિડ રહેલા છે અને શરીર માટે અત્યંત જરૃરી એવા આઠેય એમિનોનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. આ બધા એમિનો એસિડ લાલ માંસ કે ચીઝ વગેરે જેવા ડેરી ઉત્પાદનોમાંથી મળતાં હોય છે. જેના કારણે શાકાહારી લોકો આમાંના ઘણા તત્ત્વોથી વંચિત રહી જાય છે. આવી સ્થિતિમાં સરગવો એ ઊણપ પૂર્ણ કરવા સક્ષમ છે. તેમાં આવા લગભગ ૯૦ કરતાં વધુ પોષકદ્રવ્યો રહેલાં છે. જેમાં પાચન માટે અત્યંત જરૃરી એવા ફાઇબરનો પણ સમાવેશ થઈ જાય છે. તેના આ અસામાન્ય ગુણોને કારણે કુપોષણ નાબૂદી માટે અમે રાજ્યની તમામ જિલ્લા પંચાયતોના હેલ્થ ઓફિસરોને પરિપત્ર દ્વારા લોકોમાં સરગવાનો ઉપયોગ વધે તે માટે પગલાં લેવા આદેશ કર્યો છે.’

Related Posts
1 of 262

બદલાયેલી ખાણીપીણીની ટેવોને કારણે બાળકોની સાથે સૌથી વધુ મહિલાઓ અને યુવતીઓ કુપોષણનો શિકાર બનતી હોય છે. તેમની શારીરિક ખામીઓની અસર પછી તેમનાં બાળકોમાં પણ જોવા મળતી હોય છે. ત્યારે સ્ત્રીરોગ નિષ્ણાતો પણ આ મામલે સરગવાની તરફેણ કરતાં જોવા મળ્યાં છે. અમદાવાદ સ્થિત એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના અધ્યક્ષ અને આઈવીએફ નિષ્ણાત ડૉ. વિનિત મિશ્રા તેમાં સૌ પ્રથમ છે. સરગવાના ઔષધિય ગુણો અને તેના સેવનથી સ્ત્રીઓને થતાં ફાયદા વર્ણવતાં તેઓ કહે છે, ‘સરગવો એક એવું સસ્તું શાક છે જે ખાવાથી સ્ત્રીઓની અનેક શારીરિક ફરિયાદો ગણતરીના દિવસોમાં જ દૂર થઈ શકે છે. એક સંશોધન પ્રમાણે સરગવાનું નિયમિત સેવન કરવાથી માનવજીવનમાં એક દાયકાનું આયુષ્ય વધી શકે છે. મોટા ભાગે મહિલાઓને પેટનાં દર્દો, અનિયમિત માસિક, કબજિયાત, વગેરે સમસ્યાઓ ખાણીપીણીની ખોટી આદતોને કારણે થતી હોય છે, પણ હું તેમને સરગવાનો ઉપયોગ કરવાની સલાહ આપીશ. તેનાં પાનને લસોટી તેમાં લસણ, આદુ, ફુદીનો, ધાણા, જીરુ, મરચું વગેરે નાખીને જે રીતે લસણની ચટણી બનાવીએ છીએ તે રીતે તૈયાર કરીને દરરોજ ભોજનમાં ઉપયોગ કરવાથી પેટની સમસ્યાઓ દૂર થઈ જશે. બજારમાં મળતી પેટ સાફ રાખવાની દવાઓ કરતાં આ પ્રયોગ વધારે અસરકારક છે. સરગવાનાં પાન અને શિંગો ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહિલાઓ માટે અકસીર ઔષધિ છે. જેમને ગેસ, એસિડિટીની તકલીફ રહેતી હોય તેવી મહિલાઓએ શાક, દાળમાં સરગવાની શિંગો નાખીને ખાવી જોઈએ. ઓછું વજન ધરાવતી મહિલાઓએ સરગવાનાં પાન રોટલી, ભાખરી, થેપલાં, હાંડવો, ઈડલી વગેરે વાનગીઓ બનાવતી વખતે મિક્સ કરીને ખોરાકમાં સમાવવા જોઈએ. અહીં મહત્ત્વની વાત એ છે કે તેની કોઈ આડઅસર નથી. તેથી ગર્ભવતીથી લઈને તમામ ઉંમરની સ્ત્રીઓ, બાળકો, યુવાનો, આધેડો અને

વૃદ્ધો સુદ્ધાં તેનો બેધડક ઉપયોગ કરી શકે છે. પ્રકૃતિની રીતે તે નરમ હોઈ તેની માત્રાને લઈને કોઈ ચિંતા રહેતી નથી. સરગવાના આવા અઢળક ગુણોથી લોકો વાકેફ થાય તે હેતુથી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગે તેને એક મિશન તરીકે હાથ પર લીધું છે તે આવકાર્ય બાબત છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોમાં સરગવાના ગુણો વિશે જાણકારી વધે, તેનો ઉપયોગ વધે તે માટે જનઆંદોલન શરૃ કર્યું છે તે યોગ્ય દિશામાં છે.’

અમદાવાદની જાણીતી અપોલો હૉસ્પિટલના લાઇફસ્ટાઇલ કાઉન્સેલર અને ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. શ્વેતા બેનરજી સરગવાના સૌંદર્ય નિખારતા ગુણોના ફેન છે. કેવી રીતે સરગવો સૌંદર્ય નિખારમાં ઉપયોગી થઈ શકે તેની વાત કરતાં તેઓ કહે છે ઃ ‘હું તો મારે ત્યાં આવતી દરેક મહિલાઓ, યુવતીઓને સરગવાના ઉપયોગની ભલામણ કરતી હોઉં છું. જોકે મને તેના એકથી વધુ ગુણો આકર્ષે છે. તેના તેલનો સૌંદર્યવર્ધક તરીકે મોટા ભાગે મોઇશ્ચરાઇઝિંગ અને સ્કિન કન્ડિશનર તરીકે અને ચામડીની તકલીફોમાં ઉપયોગ થાય છે. તેના ફૂલના ઉપયોગથી સોજા, સ્નાયુરોગ, માંસપેશીઓના રોગ દૂર થાય છે. તેનાં પાન શીત અને આંખો માટે ગુણકારી છે. તેમાં વિટામિન એ તથા સી, પ્રોટીન, લોહતત્ત્વ તથા પોટેશિયમ જેવા પોષકત્ત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા છે. તેના નિયમિત સેવનથી સ્કીન પર અણધારી ચમક જોવા મળે છે. ખીલ, લોહીમાં ખામી જેવી સમસ્યાઓમાં તે અક્સીર ઉપચાર સાબિત થાય છે. હું તો ત્યાં સુધી કહીશ કે જીવનમાં લાંબા સમય સુધી સુંદર અને સ્વસ્થ રહેવું હોય તો સરગવાનું નિયમિત સેવન કરવું જોઈએ.’

નારાયણા હૉસ્પિટલના ક્લિનિકલ ડાયટિશિયન ડૉ. શ્રુતિ ભારદ્વાજ તો તેનાથી પણ એક ડગલું આગળ વધીને સરગવાને પોષણનું પાવરહાઉસ ગણાવે છે. ખાસ તો ડાયટ પ્લાનમાં તે એકદમ ફિટ બેસતો હોવાની વાત તેમને સૌથી વધુ ગમે છે. શા માટે તેમને સરગવો પોષણનું પાવરહાઉસ લાગે છે તેની વાત કરતાં તેઓ કહે છે, ‘તેમાં સંતરાની છાલની સરખામણીએ સાતગણું વિટામિન-સી છે, ગાજર કરતાં ચારગણુ વિટામિન-એ (એ પણ લેક્ટોઝ વિના) છે. કેળાને આપણે ત્યાં પોટેશિયમનો શ્રેષ્ઠ સોર્સ ગણવામાં આવે છે પણ સરગવામાં તેની સરખામણીએ ત્રણસો ટકા વધુ પોટેશિયમ છે. દહીં કરતાં તેમાં બમણું પ્રોટીન છે. ઝીંકની ખામીથી જો વાળ ખરતાં હોય તો એ પ્રક્રિયા પણ તે અટકાવી શકે છે. ટૂંકમાં, અનેક શારીરિક ખામીઓ, સમસ્યાઓનું સમાધાન સરગવામાં રહેલું છે. એટલે મારા કહેવાથી નહીં, પણ તેમાં રહેલા ગુણોથી તે વગર કહ્યે જ પોષણનું પાવરહાઉસ બની જાય છે.’

હાલ આપણે ત્યાં આરોગ્યની સમસ્યાઓના સમાધાન બાબતે કાખમાં છોકરું અને ગામમાં ઢંઢેરો જેવી સ્થિતિ પ્રવર્તે છે. મોટા ભાગના લોકો સામાન્ય શારીરિક સમસ્યાઓનું સમાધાન બહાર શોધતા-ફરતા હોય છે. જ્યારે સુપરફૂડ સરગવામાં એ તમામ ગુણો મોજૂદ છે જે આ સમસ્યાઓનું સમાધાન કરી શકે છે.

સરગવો કુપોષણને કેવી રીતે નાથશે?
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા દેશભરમાં કુપોષણને નાથવા માટે સરગવાનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ થાય કે સરગવામાં એવું તે શું છે કે ખુદ સરકાર તેમાં આટલો બધો રસ લઈ રહી છે? શું ખરેખર સરગવો કુપોષણ નાથવા સક્ષમ છે? – આ અને આવા બીજા અનેક મૂંઝવતા સવાલોના જવાબ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ત્રણ ઉચ્ચ અધિકારીઓ ગજબના આત્મવિશ્વાસથી આપે છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડૉ. પ્રકાશ વાઘેલા ગુજરાતમાં કુપોષણની સમસ્યા અંગે વાત કરતાં કહે છે, ‘ગુજરાતના આપણા પરિવારોમાં જ ન્યૂટ્રિશનની જાણકારીની જ ભારે કમી છે. આપણી ખાણીપીણીની આદતો બહુ સારી નથી જેના કારણે એક મધ્યમ વર્ગના પરિવારનું બાળક પણ કુપોષિત જોવા મળે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં શ્વેત ક્રાંતિ છતાં જિલ્લાઓની મારી ફિલ્ડ વિઝિટમાં મેં જોયું છે કે, પરિવારનાં બાળકોને જરૃરી માત્રામાં દૂધ મળતું નથી. વળી કન્યાઓ માટે આપણે ત્યાં ખાનપાનના જુદા જ નિયમો અસ્તિત્વ ધરાવે છે. તેણે પાતળું દેખાવાનું હોય છે, જેના કારણે ઓછું ખાવાની પણ ટેવ પાડવામાં આવે છે. એમાં માબાપને ખ્યાલ નથી હોતો કે ઓછો ખોરાક તેને કુપોષિત બનાવી શકે છે. આવી કન્યાઓ જો ભણવા જતી હોય તો બહારનું જમતી હોય છે, જે મોટાભાગે જંકફૂડ હોય છે. તેથી તેમનામાં કુપોષણનું પ્રમાણ વધુ હોવાનું. આ ચેઈન આગળ પણ ચાલુ રહેતી હોય છે. ખાસ કરીને લગ્ન બાદ તેનું બાળક પણ ઓછું વજન ધરાવતું જન્મતું હોય છે. આ બાબતે પંજાબ અને હરિયાણાનાં ઉદાહરણો સમજવા જેવાં છે. ત્યાં પરિવારનો દરેક સભ્ય દરરોજ ઓછામાં ઓછું ૫૦૦થી ૭૦૦ મિ.લી. દૂધ પીવે છે. તેમની લસ્સીનો ગ્લાસ એટલો મોટો હોય છે કે આપણે જો તે પીએ તો આખો દિવસ જમવાની જરૃર જ ન પડે. જેની સામે આપણે ત્યાં બધું દૂધ ડેરીઓમાં જમા કરાવી દેવાય છે. માત્ર ચાના ખપ પૂરતું જ દૂધ ઘરમાં રખાય છે. આ સ્થિતિ સૌરાષ્ટ્રમાં ઓછી છે. ત્યાં દૂધ, છાશ, દહીં વગેરે વિપુલ પ્રમાણમાં ખાવાનો રિવાજ છે જેના કારણે ત્યાં કુપોષણનો આંક પણ નીચો છે. વિવિધ પરિસ્થિતિ વચ્ચે આપણે ત્યાં કુપોષણ ત્રણ પ્રકારે જોવા મળે છે. ઉંમરના પ્રમાણમાં બાળકનું વજન ઓછું રહે છે જેને અન્ડરવેઇટ કહે છે. કેટલાંક બાળકોમાં ઉંમર પ્રમાણે ઊંચાઈ ઓછી હોય છે, તેને સ્ટન્ટિંગ કહેવાય છે. જ્યારે ઊંચાઈના પ્રમાણમાં વજન ઓછું હોય તેને માલન્યૂટ્રિશન કહીએ છીએ. સરગવો આ ત્રણેય પરિસ્થિતિમાં રામબાણ ઇલાજ છે. તેમાં રહેલાં તત્ત્વો નવા કોષોની ઝડપ એકદમ વધારી દે છે. ખાસ કરીને કુપોષિત બાળકોમાં જ્યારે અપૂરતા ખોરાકને કારણે નવા કોષોનું ઉત્પાદન મંદ પડી રહ્યું હોય છે ત્યારે સરગવો ખૂબ ઝડપથી નવા કોષો પેદા કરે છે. આ પ્રક્રિયા માત્ર સરગવામાં જ શક્ય છે. એટલે જ જો તે નિયમિત લેવામાં આવે તો શરીરમાં કુપોષણ ઝડપથી ઘટે છે.’

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ગુજરાતના સ્ટેટ ન્યૂટ્રિશન કન્સલટન્ટ ડૉ. આબિદ કુરેશી કેવી રીતે સરગવાનો ઉપયોગ રાજ્યમાં કુપોષણ હટાવવા થઈ રહ્યો છે તેની વાત કરતાં કહે છે, ‘સરગવાનાં પાન, શિંગ, ફૂલ એમ દરેકનો કોઈ ને કોઈ ઉપયોગ છે. એટલે જ અમે કુપોષિત બાળકોની માતાઓ અને આંગણવાડીની બહેનોને સરગવાનો કેવી રીતે ખોરાકમાં ઉપયોગ કરવો તેની રીતો શીખવીએ છીએ. સરગવાનાં પાનનો ભજિયાં, થેપલાં, રોટલી, ભાખરી, ચટણી વગેરેમાં ઉપયોગ કરી શકાય છે. આ સિવાય હાંડવો, ઢોકળાં અને છાશમાં પણ તે મિક્સ કરી શકાય. આ માટે અમે રાજ્યના વિસ્તારોમાં મહિલાઓને આ વાનગીઓ શીખવવા માટેના કેમ્પ યોજીએ છીએ. આંગણવાડી કેન્દ્રો પર પણ મહિલાઓ સરગવાની વાનગીઓ શીખે છે. હવે તો મહિલાઓ તેમાં અવનવા પ્રયોગો પણ કરતી થઈ છે. જેમ કે સરગવાનાં પાનને સોજીના લોટમાં મિક્સ કરીને તેની ઈડલી બનાવે છે. જે સરગવો મિક્સ કરેલા સંભાર સાથે કુપોષિત બાળકોને સર્વ થાય છે. આ માટે અમે આંગણવાડીઓમાં સરગવાના વૃક્ષનું વાવેતર કરવાનું પણ શરૃ કર્યું છે. વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સરગવાના એકથી વધુ વૃક્ષો વવાય છે અને તેનો ઉપયોગ આંગણવાડીની બહેનો કુપોષિત બાળકો માટે કરે છે. અમે ગામડાંઓમાં જે પણ પરિવારમાં કુપોષિત બાળકો હોય તેમને આંગણામાં સરગવો વાવવાની ભલામણ કરીએ છીએ. કેમ કે, તે ઓછા પાણીમાં અને માત્ર છ મહિનામાં ફળ આપતો થઈ જાય છે. દરેક પ્રકારની જમીન તેને માફક આવતી હોઈ એ બાબતની પણ કોઈ ચિંતા કરવાની રહેતી નથી.’

ડૉ. જયેશ સોલંકી, જેઓ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ગુજરાત ખાતેના ન્યૂટ્રિશન બાબતોના નોડલ ઓફિસર છે તેઓ શા માટે સરગવો સુપરફૂડ છે તેનું રહસ્ય ખોલતાં કહે છે, ‘સરગવાના ફાયદા અનેક છે, પણ માત્ર તેમાંથી જ મળતાં હોય તેવાં પોષકતત્ત્વો પણ અનેક છે. તે જગતના અન્ય કોઈ પણ સુપરફૂડ કરતાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વોમાં બહેતર છે. હૃદય અને તેની નળીઓને સ્વસ્થ રાખવાની ક્ષમતા માત્ર સરગવામાં છે. દાહ દૂર કરતાં ૩૬ તત્ત્વો તેમાંથી મળે છે જે અન્ય કોઈ સુપરફૂડમાંથી મળતાં નથી. એ જ રીતે એન્ટિ એજિંગ(અકાળે વૃદ્ધત્વ દૂર કરતાં)તત્ત્વો પણ તેમાં સામેલ છે. આપણે ત્યાં જ્વારાના બહુ ગુણગાન ગવાય છે, પરંતુ તેના રસમાં જેટલાં હરિતદ્રવ્યો હોય છે તેનાં કરતાં ચારસો ટકા વધુ હરિતદ્રવ્યો સરગવામાં છે. ટૂંકમાં, સ્વસ્થ અને રોગમુક્ત જીવન જીવવું હોય તો આજથી જ સરગવાનું સેવન કરવાનું ચાલુ કરી દેવું જોઈએ.’

—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »