તમારા માટે, તમારી સાથે, સતત…

પુરાણોક્ત રાધા – શ્રીકૃષ્ણપ્રિયા રાધા જન્માંતરનું સખ્ય

રાધાજીના સ્વરૃપની બ્રહ્માજીએ કરેલી સ્તુતિમાં વિગતવાર વર્ણન આવે છે

0 448

( 3 ) કવર સ્ટોરી પુરાણોક્ત રાધા – શ્રીકૃષ્ણપ્રિયા રાધા જન્માંતરનું સખ્ય

દેહ વિના આત્મા અને શરીરની ચેષ્ટા અસંભવિત છે. શ્રીકૃષ્ણ રાધાને કહે છે કે, હું પૃથ્વીનો સ્પર્શ પામીશ કે તરત જ વસુદેવ મને ગોકુળમાં નંદના ઘરે પહોંચાડશે અને નંદ-યશોદાને પુત્રરૃપે હું પ્રાપ્ત થઈશ. તમે મારું નિત્ય દર્શન કરશો અને મારા વરદાનથી યોગ્ય સમયે તમને મારું સ્મરણ થશે. પછી વૃંદાવનમાં તમારી સાથે હું વિહાર કરીશ. માટે હે રાધા, તમે સુશીલા, લલિતા આદિ તેત્રીસ સખીઓ તેમજ ગોપીવૃંદ સાથે ગોકુળમાં જાઓ. ત્યાં હું તમારા સાંનિધ્યમાં જ હોઈશ, પરંતુ શ્રીદામાના શાપને કારણે કર્મના ફળરૃપે સો વર્ષ સુધી તમારો અને મારો વિયોગ થશે. તે સમયગાળામાં હું પૃથ્વીનો ભાર ઉતારવાનું કાર્ય કરીશ. શાપનો અવધિ પૂરો થતાં યોગ્ય સમયે પુનઃ તમારી સાથે મારું મિલન થશે. ત્યાર પછી દિવસરાત ક્યારેય તમારાથી હું અલગ થઈશ નહીં. શાપના સમય દરમિયાન સ્વપ્નમાં તમારી સાથે મારું નિત્ય મિલન થશે. અવતારકર્મ પૂરું થયા પછી ગોપ-ગોપીઓના સમૂહ સાથે આપણે પુનઃ ગોલોકમાં પ્રવેશીશું.

શ્રીકૃષ્ણ અવતારકાર્યની વિગતો રાધાજીને જણાવે છે. તદાનુસાર દેવકી-વસુદેવની કેદખાનામાંથી મુક્તિ, મુચુકુન્દને યવનરાજાના પાશમાંથી છોડાવવો, દ્વારિકાનગરી વસાવવી, ૧૬ હજાર રાજકન્યાઓ સાથે લગ્ન, એકસો દશ શત્રુ રાજાઓને શિક્ષા, વારાણસીનગરીનો દાહ, બાણાસુરવધ, સ્વર્ગના પારિજાત કલ્પવૃક્ષનું અપહરણ વગેરે વિવિધ કર્મો કરી તીર્થયાત્રા કરશે. રાધા સાથે મિલન પછી શ્રીકૃષ્ણના અંશરૃપે દ્વારિકાગમન, રાધા અને ગોપીઓ વૃંદાવનમાં રાસક્રીડા કરશે. આમ ભૂભાર ઉતારીને શ્રીકૃષ્ણ રાધા સાથે ગોલોકમાં પુનરાગમન કરશે, તે બધી સંપૂર્ણ માહિતી શ્રીકૃષ્ણે રાધાને આપી હતી.

રાધાજીના સ્વરૃપની બ્રહ્માજીએ કરેલી સ્તુતિમાં વિગતવાર વર્ણન આવે છે. તે મુજબ બ્રહ્માંડની બહાર આવેલા ગોલોક અને વૈકુંઠની જેમ અહીં પણ રાધા અવિનાશી છે, બ્રહ્માંડમાંનાં પ્રાણીઓ શ્રીકૃષ્ણના અંશરૃપે જીવી રહ્યાં છે. આ પ્રાણીઓમાં રાધાની શક્તિરૃપ સ્થિતિ છે. સ્તુતિમાં બ્રહ્માજી ત્યાં સુધી કહે છે કે, સમગ્ર લોકના પુરુષો તે શ્રીકૃષ્ણના અંશરૃપ છે અને સ્ત્રીઓ રાધાના અંશરૃપ છે. આમ શ્રીકૃષ્ણના આધારરૃપ રાધાજી ગણવામાં આવ્યા છે. બ્રહ્મ દ્વારા કરવામાં આવેલી રાધાની આ સ્તુતિ રાધાસ્તોસ્ત્ર તરીકે પ્રચલિત છે.

પરમેશ્વરી રાધાનાં સોળ નામો વેદમાં નિર્દેશાયેલાં છે. આ સોળ નામો રાધા, રાસેશ્વરી, રાસવાસિની, રાસિકેશ્વરી, રાસવાસિની, રાસિકેશ્વરી, કૃષ્ણપ્રાણાધિકા, કૃષ્ણપ્રિયા, કૃષ્ણ-સ્વરૃપિની, કૃષ્ણવામાંગસંભૂતા, પરમાનંદરુપિણી, કૃષ્ણા, વૃંદાવની, વૃંદા, વૃંદાવન વિનોદિની, ચંદ્રાવતી, ચંદ્રકાન્તા અને શતચંદ્રનિભાનના છે.

રાધા રાસેશ્વરી, રસિકેશ્વરી અને રાસવાસિની એવાં પરમેશ્વરીનાં નામો રાસ અને રાસલીલાનાં દ્યોતક છે. રાસમાં રાધા, કૃષ્ણ, ગોપીઓ અને ગોપવૃંદનો સમાવેશ થાય છે, જ્યારે રાસલીલા શ્રીકૃષ્ણના પૂર્ણાવતારની અને ગોપીઓના આદ્યાત્મયોગની પારાશીશી રૃપ છે. આથી જ શ્રીમદ્ ભાગવતનો શ્રીકૃષ્ણના સાાત વાન્ગમય વિગ્રહ તરીકે સ્વીકાર થયો છે. તેમાંય શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધને ભગવાન કૃષ્ણના વિગ્રહનું ઉદયસ્થાન અને રાસપંશ્ચાધ્યાયીના પાંચ અધ્યાયોને શ્રીકૃષ્ણના પાંચ પ્રાણો માનવામાં આવ્યા છે. કૃષ્ણલીલાઓમાં રાસલીલા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ઋગ્વેદના પ્રથમ મંત્ર ‘અગ્નિમિળે’માં શ્રીકૃષ્ણની લીલાનો નિર્દેશ છે. આવી જ રીતે ઋગ્વેદ ૧, ૩૦-૫માં સ્ત્રોત્રમ્ રાધાના પતે – આ મંત્રમાં રાસેશ્વરી રાધાજીનો સાદર ઉલ્લેખ થયો છે.

અગ્નિમિલે પુરોહિતં યજ્ઞસ્ય દેવમુત્વિજમ્ ।
હોતારં રત્નઘાતમમ્ ।। (ઋ. ૧-૧-૧)
આમ શ્રીકૃષ્ણલીલાનો ઉલ્લેખ ઋગ્વેદમાં છે જ તે વિશે શંકાને સ્થાન નથી, તેમ છતાંય કેટલાક એવું કહે છે કે આ મંત્રમાં કૃષ્ણનું નામ સુદ્ધાં નથી, તેથી કૃષ્ણની વેદ પ્રતિપાદ્યતા ઉપર કેવી રીતે વિશ્વાસ થઈ શકે? આ પ્રશ્નનો ઉત્તર ઋગ્વેદના ૧-૧૬૪, -૪૭ મંત્રમાં સમાયેલો છે, આ જ વિચારનું સમર્થન અથર્વવેદ ૬-૨૨-૧, ૯-૧૦-૨૨. ૧૩-૩-૯, તૈતરીય સંહિતા ૩-૧-૧૧-૪, નિરુક્ત ૭-૨૪ના મંત્રો જોઈ શકાય. આ જ મંત્રના ત્રીજા ચરણમાં.

ઈનો વિશ્વસ્ય જીવનસ્ય ગોપા ઃ (સમસ્ત ભૂત સમૂહના સ્વામી ગોપાલ છે.) જે સંશયને નિર્મૂળ કરે છે. આ ઉપરાંત શુકલ યજુર્વેદમાં શ્રીકૃષ્ણને પ્રતિપાદિત કરતા ઘણા મંત્રો ઉપલબ્ધ થાય છે. જેમ કે, ‘ધ્રુવાસ્મિન ગોપતૌસ્યાત્’ આ ગોપતિ (સમસ્ત ભૂત-સ્વામી ગોપાલ)માં સાધકવૃંદ સ્થિર થાય, શુકલ યજુર્વેદની બીજી કંડિકામાં કૃષ્ણલીલાનું વર્ણન પ્રાપ્ત થાય છે.

વસો પવિત્રમસિ! (યજુ-૧-ર) આ કંડિકામાં પ્રજાપતિ શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે. ‘આપ વ્રજવાસીઓના નિવાસનું સાધન યમુનાના જળને કાલિય નાગના દમન દ્વારા વિષમુક્ત કરનાર સાક્ષાત પરબ્રહ્મ છો.’ આમ શ્રીકૃષ્ણ વેદમાં પ્રમાણભૂતતા માટે કોઈ શંકા રહેતી નથી, પરંતુ કોઈ પૂછે કે ગોપિત કૃષ્ણ છે પણ તેમનું વિષ્ણુ સ્વરૃપ હોવાપણા અંગે શું પ્રમાણ છે? આ પ્રશ્નનો ઉત્તર પણ શુકલ યજુર્વેદેના ૩૪-૪૩ મંત્રમાં મળે છે.

Related Posts
1 of 262

વિષ્ણુર્ગોપા અદાજ્ય એટલું જ નહીં, પણ શ્રીકૃષ્ણનો પૂરો પરિચય આપવા માતા દેવકીનો પણ વેદમાં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કૃષ્ણાય દેવકીપુત્રાય ા છંદોગ્ય, ૩-૧૭-૬ આવી રીતે સ્તોત્રં રાધાનામ પતે મંત્રમાં રાધાનો ઉલ્લેખ પણ પ્રમાણભૂત જ ગણાય.

રાસલીલાનું સૌ પ્રથમ વર્ણન હરિવંશ પુરાણના વિષ્ણુપર્વના (ર૦-૧પ-૩પ)માં મળે છે. આ પુરાણમાં રાસલીલાનું નામ હલ્લીસક મળે છે. ટીકાકાર નીલકંઠે હલ્લીસક શબ્દનો અર્થ રાસ જ કર્યો છે. વિષ્ણુપર્વના એકવીસ શ્લોકોમાં વર્ણિત રાસલીલા અતિશય સંક્ષિપ્ત છે. જ્યારે નીલકંઠે રાસલીલાનું મૂળ શ્રુતિમાં બતાવી ઋગ્વેદનો ૩-પપ-૧૪ મંત્ર ટાંક્યો છે. બ્રહ્મપુરાણમાં હરિવંશપુરાણની સરખામણીમાં રાસલીલાનું કંઈક વધુ મનોરંજક વર્ણન પ્રાપ્ત થાય છે. અત્રે શ્લોકોમાં રાસલીલા વર્ણવાઈ છે. એવું કહી શકાય કે રાસલીલાનું મૂળ સ્વરૃપ હરિવંશ પુરાણમાં અંકુરિત થઈ બ્રહ્મપુરાણમાં નવપલ્લવિત થાય છે. બહ્મપુરાણની રાસલીલામાં શ્રીકૃષ્ણની સાથે બલરામ પણ જોડાય છે,

જ્યારે વિષ્ણુપુરાણ પ-૧૩ મુજબ રાસલીલામાં ફક્ત શ્રીકૃષ્ણનો જ સંદર્ભ છે. તેમાં બલરામ નથી તથા આ રાસલીલા મુજબ કૃષ્ણ ગોપીઓ સાથે હંમેશાં રાત્રે રાસક્રીડા કરતા હતા. પદ્મપુરાણ રાસલીલાને આધિભૌતિક સ્વરૃપે રજૂ કરે છે. તદુપરાંત તેમાં રાસલીલાના આધિદૈવિક અને આદ્યાત્મિક ભાવો પણ વર્ણવાયા છે. પદ્મપુરાણમાં રાસલીલાના વર્ણનમાં એવું પણ દર્શાવાયું છે જેમાં

શ્રીકૃષ્ણ વૃંદાવનમાં કાલિન્દી નદીના કિનારે કલ્પવૃક્ષની છાયામાં કરોડો ગોપીઓની વચ્ચે બિરાજમાન છે. આ શ્રીકૃષ્ણ ત્રિગુણાતિત અને અવ્યયરૃપે તેમની સાથે શ્રુતિરૃપી  સેંકડો ગોપીઓ ક્રીડા રહી છે અને શ્રીકૃષ્ણની ચિન્મયી સ્વરૃપ શક્તિ પરમેશ્વરી રાધાના સ્વરૃપે ઉપસ્થિત છે. આમ શ્રીકૃષ્ણ અવ્યય પુરુષ અને શ્રીરાધા પ્રકૃતિ તથા ગોપીઓ શ્રુતિઓના રૃપમાં વર્ણવાયેલી જોવા મળે છે, જેને આદિ દેવિક ભાવ કહેવાય. આ પુરાણમાં જ ગોપીઓને યોગિની, યમુનાને અમૃતવાહિની સુષુમ્ણા અને શ્રીકૃષ્ણ સર્વવ્યાપક પરમાત્મા તેમજ વૃંદાવનને લૌકિક આંખોનું અગોચર તેજોમય સ્થાન ગણાવાયું છે. આને આદ્યાત્મિક ભાવ કહી શકાય.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં વૈભવથી પરિપૂર્ણ રાસમંડપનું સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે, શ્રીહરિએ યોગમાયાથી વૃંદાવન નગરીની રચના વિશ્વકર્મા દ્વારા કરાવી આ અદ્ભુત નગરીની વિશિષ્ટ સ્થાપત્યકલા આગળ નિર્દેશાઈ છે. આ કલાના ઉત્તમ નમૂનારૃપ  રાસમંડપની રચના કરાઈ જે રાધા અને કૃષ્ણની રાસક્રીડા માટેની ખાસ જોગવાઈ હતી. ત્રીસ વનોમાંના એક ‘મધુવન’માં સરોવરની પશ્વિમે ચંપાનાં વૃક્ષોનો ઉદ્યાન અને પૂર્વમાં કેવડાનું વન આ બંને માદક વનોની મધ્યમાં વિશ્વકર્માએ રત્નોનો એક મંડપ બનાવ્યો તેની ચારે બાજુએ વેદિકાઓ હતી તેમાં ઉત્તમ તળાઈઓ અમૂલ્ય રત્નોથી સુશોભિત અને નાના વિધિ ચિત્રોથી ચિત્રિત હતી. મંડપને સુરમ્ય નવ દ્વારો હતાં. રત્નજડિત દીપમાળાઓથી મંડપ ઝગમગી રહ્યો હતો અને દીપકોના પ્રકાશમાં અસંખ્ય સુવર્ણ કલશો તેજપુંજથી પ્રજ્વલિત હતા. મંડપ ઊંચાઈમાં ૧૦૦ ધનુષ્યના માપનો અને વિસ્તારમાં ૧૦૦ હાથ જેટલો ગોળાકાર હતો.

જ્યારે દેવીભાગવતમાં આંધિ-દૈવિક ભાગમાં રાસલીલાની ઝલક પ્રાપ્ત થાય છે, તે મુજબ ચિત્શક્તિ રાધા સાથે પરબ્રહ્મ શ્રીકૃષ્ણ વિહાર કરે કે. અહીં સૃષ્ટિ માટે પ્રકૃતિ અને પુરુષનો સંબંધ સ્ફોટ કરવાનો રાસલીલાનો આશય છે. રાસલીલા હરિવંશ પુરાણમાં અંકુરિત થઈ, બ્રહ્મપુરાણમાં નવપલ્લવિત થઈ અને તેનો પૂર્ણ-વિકાસ શ્રીમદ્ ભાગવત પુરાણમાં થયો તેમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. રાધાના સ્વરૃપનું વર્ણન આપતાં મહર્ષિ અરવિંદ કહે છે કે…

આમ રાસલીલા એ ભેદના અભેદની લીલા છે. ભેદ એ ઉત્કૃષ્ટ પ્રેમનો વિરોધી સ્વભાવ છે. ભેદથી સંકોચ-જડભાવ ઉત્પન્ન થાય, પણ ભેદનો અભેદ થતાં સર્વાત્મભાવ પ્રકટ થાય. ભાગવતામૃતમાં ભગવાન કહે છે કે, ત્રિલોકમાં પૃથ્વી જંબુદ્વીપ, જંબુદ્વીપમાં ભારત અને તેમાંય વૃંદાવન ધન્ય છે. વૃંદાવનમાં સખીવર્ગ અને તેમાંય રાધા મને સવિશેષ પ્રિય છે. આદિપુરાણ પરમેશ્વરી રાધાની પરમશ્રેષ્ઠતાને વર્ણવતાં કહે છે કે જેના ભયથી પવન વહે છે, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર અને કાળ જેના ભયથી પોતાની કામગીરી નિયમિત બજાવે છે તે પરમપુરુષ વિષ્ણુ જ કૃષ્ણ નામધારી છે, પરંતુ ખુદ શ્રીકૃષ્ણ જેના વશમાં છે તે શ્રીરાધા જ મારી પરમ દેવી છે. તેમનાથી શ્રેષ્ઠ કોઈ જ નથી.

બ્રહ્માંડપુરાણ રાધાની ગરિમાને વાચા આપતાં કહે છે કે –

ગૃહે રાધા વને રાધા રાધિકા ભોજને ગતૌ
રાત્રૌ રાધા દિવા રાધા રાધૈવારાધ્યતે મયા

સંહિતા તો ત્યાં સુધી કહે છે કે રાધા નામના ઉચ્ચારણ પછી  જ શ્રીકૃષ્ણના નામનું ઉચ્ચારણ કરવું. જે કોઈ રાધાનું નામ લીધા વિના કૃષ્ણનું નામ લે તે પાતકી મનાય છે. સંમોહન તંત્ર પણ આવી જ ભાવનાને અભિવ્યક્તિ આપે છે. મહાદેવ પાર્વતીને કહે છે કે ગૌર તેજ વિના જે શ્યામ તેજનું પૂજન, અર્ચન કે ધ્યાન કરે તે અચૂક પાતકી થાય છે.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »