તમારા માટે, તમારી સાથે, સતત…

મનોવૈજ્ઞાનિક બનીને બનાવો બેસ્ટ કારકિર્દી

ક્લિનિકલ સાઇકોલોજી -  ગંભીર રૃપે બીમાર હોય તેવા માનસિક દર્દીનો ઉપચાર કરવામાં આવે છે.

0 493

– હેતલ રાવ

અત્યારના સમયમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ અનેક પ્રકારના બિઝનેસમાં થવા લાગ્યો છે. સમયની સાથે આ પ્રકારના કામમાં વધારો થઈ રહ્યો છે. જેમાં શિક્ષણ, મૅનેજમૅન્ટ, મેથડ, રમત-ગમત જેવી અનેક જ્ગ્યાઓ પર મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે આ વિષયના વિદ્યાર્થીઓ માટે રોજગારીની ભરપૂર તક ઊભી થઈ છે.

આ વાત કદાચ સાંભળવામાં નવી લાગે, પરંતુ હકીકત છે કે આજે કાર ડિઝાઇનિંગથી લઈને ફર્નિચર ડિઝાઇન કરતી કંપનીઓ પણ મનોવૈજ્ઞાનિકોની મદદ લેતી હોય છે. જેના કારણે મનુષ્યનો સ્વભાવ અને પસંદગીના આધારે ડિઝાઇન તૈયાર કરી શકાય. ઉચ્ચસ્તરની કંપનીઓ પણ ગ્રાહકના વ્યવહાર અને તેમની પસંદના આધારે વિજ્ઞાપન તૈયાર કરતી હોય છે. જેની પાછળ કંપનીઓ કરોડો રૃપિયાનો ખર્ચ પણ કરે છે, જ્યારે પણ કોઈ નવી પ્રોડક્ટ બજારમાં લાવવાની હોય તે પહેલાં વિશેષજ્ઞોના સલાહ-સૂચન લેવામાં આવે છે.

નવા જ પડકારો રહેલા છે
સરળ ભાષામાં કહીએ તો મનોવિજ્ઞાન એ જુદી-જુદી પરિસ્થિતિમાં મનુષ્યના મગજમાં ચાલતા વિચારો, ક્રિયા, પ્રતિક્રિયા અને સ્થિતિનું વૈજ્ઞાનિક પ્રકરણ છે. આ વિષયમાં માનસિક સમસ્યાઓ સામે ઝઝૂમતા લોકોની સારવાર દવાઓથી વધુ કાઉન્સિલિંગ દ્વારા કરવામાં આવે છે. આ કામ સરળ નથી. આની સાથે અનેક પ્રકારની સમસ્યા જોડાયેલી છે.

રોજગારમાં વિવિધતા
મનોવિજ્ઞાનમાં સ્નાતક થયા પછી માસ્ટર ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓનેે આગળ વધવાની અનેક તક મળી રહે છે. જોકે સ્નાતક થયા પછી પણ નોકરીની અનેક તક કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટમાં મળી રહે છે, પરંતુ આ ફિલ્ડમાં સારા કરિયરની આશા રાખનાર વિદ્યાર્થીઓએ કમ સે કમ માસ્ટર ડિગ્રી તો મેેળવવી જ જોઈએ. આ વિષયમાં નિપુણ થયેલા વિદ્યાર્થીઓ માટે સરકારી વિભાગ, શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો, એનજીઓ અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ નોકરીની વિશાળ તક રહેલી છે. બી.એડ્.નો કોર્સ મનોવિજ્ઞાનમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ કરે છે તો શિક્ષકની નોકરી માટે તેમની પસંદગીના સ્ત્રોત વધી જાય છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા માટે થઈને પ્રયાસ કરવાની સાથે-સાથે પ્રબંધક અને કર્મચારીઓ વચ્ચેનો તાલમેલ બનાવી રાખવાનું મહત્ત્વનું કાર્ય આવા જ કુશળ વ્યક્તિઓ કરતા હોય છે. ઘણી બધી એવી સંસ્થાઓ છે જેમાં માર્કેટ રિસર્ચ એનાલિસ્ટની નોકરી માટે મનોવૈજ્ઞાનિક ડિગ્રી મેળવેલા યુવાનોને પસંદ કરવામાં આવે છે, કારણ કે આ વિષયમાં નિપુણ થયેલા લોકો બજારના સમીકરણોને સારી રીતે સમજી શકે છે. નામાંકિત કંપનીઓ ઇન્ટરવ્યૂ બોર્ડમાં મનોવૈજ્ઞાનિકોનો સમાવેશ કરે છે. આ ક્ષેત્રમાં નિપુણ થયેલા યુવાનો માટે ચાઇલ્ડ પ્રોટેક્શન વર્કર, ચાઇલ્ડ સુપરવાઇઝર, રિહેબિલિટેશન સ્પેશિયાલિસ્ટ, બિહેવિયર કાઉન્સેલર જેવી અનેક નોકરીઓના વિકલ્પ છે.

પગારનો દર
શરૃના સમયમાં નિષ્ણાતો ૧૫થી ૨૦ હજાર રૃપિયા પ્રતિમાસ મેળવે છે. જેમ જેમ આ ક્ષેત્રમાં અનુભવ વધે છે તેમ-તેમ વેતનમાં પણ વધારો થતો રહે છે. તો વળી પોતાની સ્વતંત્ર એનજીઓ પણ શરૃ કરી શકાય છે. જેમાં સરકારી મદદ મેળવીને સારી આવક ઊભી કરી શકાય છે.

Related Posts
1 of 289

કેવી વ્યક્તિ આ વિષયમાં રસ લઈ શકે છે?
આ વિષયમાં આગળ વધવાની ઇચ્છા કરતા યુવાનોમાં સતર્કતાની સાથે નાનામાં નાની વાતોની ઓળખવાની આવડત હોવી જરૃરી છે, કારણ કે આ આવડતના ઉપયોગથી બીજાની માનસિકતાની માહિતી મેળવી તેમને યોગ્ય મદદ કરી શકાય છે. જે વ્યક્તિ આ રોગથી પીડાતો હોય તેની સાથે સારી અને સરળ ભાષામાં વાતચીત કરવાની ક્ષમતા ખૂબ જ જરૃરી છે. દર્દીની સમસ્યાને શાંતિથી સાંભળી તેના નિરાકરણની જાણકારી આપવાની આવડત હોવી પણ જરૃરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કામ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ કે યુવાનમાં પોતાના કામ પ્રત્યે સન્માન અને ધગશ બંને ખૂબ જ જરૃરી છે.

નિષ્ણાતોના મુખ્ય ક્ષેત્ર
ક્લિનિકલ સાઇકોલોજી –  ગંભીર રૃપે બીમાર હોય તેવા માનસિક દર્દીનો ઉપચાર કરવામાં આવે છે. આમાં પીડિત વ્યક્તિનું માત્ર કાઉન્સેલિંગ કરવાથી કામ ચાલતંુ નથી. તેની સાથે અનેક પ્રકારની માનસિક દવાઓ પણ આપવી પડે છે. ત્યારે જ દર્દીની સારવાર શક્ય બને છે.

ક્રિમિનલ સાઇકોલોજી –  અપરાધકર્તાઓ સાથે જોડાયેલી પોલીસ તપાસ માટે
ગુનેગારોની માનસિક્તા સમજવા માટે આ વિષયમાં જાણીતા હોય તેવા મનોવૈજ્ઞાનિકની મદદ લેવામાં આવે છે.

માનવ સંસાધન પ્રબંધક પર આધારિત મનોવિજ્ઞાન
સરકારી અને ખાનગી કંપનીઓમાં નોકરી માટેના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા દરમિયાન મનોવૈજ્ઞાનિકની નીતિના આધારે કર્મચારીની પસંદગી કરવામાં આવે છે. માટે જ એચ.આર. સાથે જોડાયેલી નોકરીમાં કુશળ મનોવૈજ્ઞાનિકોની જરૃર રહે છે.

કરિયર કાઉન્સેલર – પોતાના રસના આધારે કારકિર્દી સાથે જોડાયેલા પ્રશ્નોના હલ માટે આ નિષ્ણાતોની સલાહ અને સૂચન લેવામાં આવે છે.
એટલું જ નહીં, આજે સ્પોટ્ર્સ સાઇકોલોજી, ઇન્ડસ્ટ્રિયલ સાઇકોલોજીમાં નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવે છે. કાયદાકીય બાબતોમાં સમાધાન કરાવાથી લઈને ડિપ્રેશન સાથે જોડાયેલી અનેક બાબતોમાં સંબંધિત નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે. દિન-પ્રતિદિન નિષ્ણાતોની ઉપયોગિતા અને મહત્ત્વ વધી રહ્યું છે.

મનોવિજ્ઞાન વિષય થોડો અઘરો જરૃર છે, પરંતુ આ વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક થયેલા યુવાનોએ ક્યારેય બેકારીનો ભોગ બનવું પડતું નથી. તેમની માટે નોકરીના એક બે નહીં, પરંતુ અઢળક વિકલ્પ રહેલા છે.

—————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »