તમારા માટે, તમારી સાથે, સતત…

હસ્તકલા માટે ઓનલાઇન મંચ કેટલો ઉપયોગી?

ઓનલાઇન વેચાણની મુશ્કેલીઓ પણ છે

0 457

પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

કચ્છમાં હસ્તકલાને જીવંત રાખતા કારીગરો વસી રહ્યા છે. પ્રવાસનને વેગ મળ્યા પછી તેમના વ્યવસાયમાં પ્રાણ ફૂંકાયા છે, પરંતુ બધી જગ્યાએ પ્રવાસીઓ પહોંચી શકતા નથી. તેથી કારીગરોને મોટા ભાગે વેપારીઓ અને તેમની વચ્ચે માધ્યમની ભૂમિકા ભજવનારાઓ પર જ આધાર રાખવો પડે છે. આજે ઇન્ટરનેટના જમાનામાં ઓનલાઇન વેચાણ સહજસાધ્ય બન્યું છે ત્યારે મોટા-મોટા ઓનલાઇન શોપિંગ માર્કેટ હસ્તકલાની વસ્તુઓ વેચવા મેદાને પડી છે.

કચ્છ જિલ્લામાં  અમુક કારીગરોએ પોતાની વસ્તુઓ વેચવા માટે વૉટ્સઍપ, ફેસબુક જેવી સોશિયલ સાઇટ્સનો પણ સહારો લીધો છે, ત્યારે સવાલ એ છે કે આ ઓનલાઇન વેચાણ પદ્ધતિ ગામડાંમાં વસતા અને ઓછું ભણેલા એવા કારીગરોને કેટલો ફાયદો કરાવશે? નાના કારીગરો માટે તે ઉપયોગી નિવડશે? રૃબરૃ ગ્રાહકો આવીને ખરીદી જાય કે મોટા વેપારીઓને હસ્તકલાની જથ્થાબંધ વસ્તુઓ વેચાય ત્યારે કારીગરોને આર્થિક રોકાણ પ્રમાણમાં ઓછા સમય માટે કરવું પડે છે. જ્યારે ઓનલાઇન વેચાણમાં આર્થિક રોકાણ લાંબા સમય માટે કરવું પડતું હોવાથી નાના કારીગરોને મુશ્કેલી પડી શકે.

આમ છતાં નવી પેઢીના જે કારીગરોએ પોતાના વડીલોના પગલે ચાલીને હસ્તકલાને જ વ્યવસાય બનાવ્યો છે તેઓ ધીરે-ધીરે ઓનલાઇન પદ્ધતિ તરફ વળી રહ્યા છે. મોટી-મોટી ઓનલાઇન કંપનીઓ ઉપરાંત વૉટ્સઍપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયાના સહારે પણ કારીગરો પોતાની વસ્તુઓનું વેચાણ વધારવા પ્રયત્નશીલ બન્યા છે. કચ્છમાં વણાટકામ, ભરતકામ, ચર્મકલા, બ્લોક પ્રિન્ટ, બાટિક, લાકડાં પર કોતરણીનું કામ, લાખકામ, મડવર્ક, પોટરી, ચાંદીકામ, ધાતુકામ, અજરખકામ, ખરડ પ્રકારનું વણાટકામ, નામદા કલા કે રોગાન કલા જેવી ૨૨ જેટલી વિવિધ પ્રકારની કલાઓ નોંધાઈ છે. નામદા કે રોગાન જેવી કલાને આજે માંડ એકાદ કારીગરનો પરિવાર જીવંત રાખી રહ્યો છે. આજે ઇન્ટરનેટ ગામડે-ગામડે પહોંચ્યું છે, ભણેલો અને અભણ માનવી પણ તેનાથી સારી રીતે વાકેફ થવા લાગ્યો છે. સોશિયલ મીડિયાનું વળગણ ગામડાંના લોકોમાં વધી રહ્યું છે તેવી જ રીતે ઓનલાઇન શોપિંગનું ચલણ પણ વધી રહ્યું છે.

Related Posts
1 of 142

દેશના કોઈ પણ ભાગમાં ઘરે બેઠા કોઈ પણ વસ્તુઓ હાથમાં મળવા લાગી છે ત્યારે કચ્છના કારીગરોની નવી પેઢીએ નવી ટૅક્નોલોજીનો ફાયદો પોતાના વ્યવસાયના લાભાર્થે લેવાનું શરૃ કર્યું છે. આજે અનેક કારીગરો પોતાની વસ્તુઓ વૉટ્સઍપ અને ફેસબુકના માધ્યમથી લોકોને વેચી રહ્યા છે. આવા ગ્રાહકોની સંખ્યા પણ પ્રતિદિન વધી રહી છે. તેવા સમયમાં એમેઝોન, રિલાયન્સ જીઓ, ફેબ-ઇન્ડિયા, ગાથા કે ક્રાફ્ટ રૃટ્સ જેવા ઓનલાઇન માર્કેટે આજે કચ્છી હસ્તકલા વિશ્વભરમાં વેચવા માટે કમર કસી છે. આ સાઇટના માધ્યમથી કચ્છનાં ગામડાંમાં બેઠેલા કારીગરે બનાવેલી વસ્તુ દેશના કોઈ પણ ભાગમાં વસતા લોકોને ઘરે બેઠા મળી શકે છે. કારીગરને મોટું બજાર મળે છે, તેનું નામ અને કામ લાખો લોકો સુધી પહોંચી શકે છે. તેની વસ્તુઓનું વેચાણ વધવાની શક્યતા વધે છે.

જોકે, ઓનલાઇન વેચાણના ફાયદા હોવાની સાથે થોડી મુશ્કેલીઓ પણ છે. જેમ કે ગામડાંમાં વસતા બહુસંખ્ય કારીગરો ખૂબ ઓછું ભણેલા હોય છે. તેમના માટે ઓનલાઇન રહેવાનું અઘરું બને છે. તેમ જ ઇ-કોમર્સ માર્કેટિંગ સાથે તેમની શરતો મુજબ કામ કરવાનું પણ આ અસંગઠિત કારીગરોને મુશ્કેલ લાગે છે. સૌથી મહત્ત્વનું પાસું છે મૂડી રોકાણનું. વસ્તુ ઓનલાઇન વેચવા માટે એક નિયત માત્રામાં જથ્થો તૈયાર હોવો જરૃરી છે. તે માટે મોટું મૂડી રોકાણ કરવું પડે. તેના પૈસા વસ્તુ ઓનલાઇન વેચાય પછી મળે તેમ હોવાથી નાના કારીગર માટે ઓનલાઇન વેચાણ કરવું એ આર્થિક રીતે પણ થોડું મુશ્કેલી ભર્યું બની શકે છે.

હાથભરત કામ અને તેની કારીગર બહેનો માટે કચ્છમાં પાયાનું કામ કરનારી સંસ્થા ‘શૃજન’ના ગૅલરી, પી.આર. અને ઇવેન્ટ્સના હેડ મહેશ ગોસ્વામી આ અંગે વાત કરતાં કહે છે, ‘પ્રવાસનની સિઝન દરમિયાન ગામડાંમાં વસતા કારીગરોએ બનાવેલી વસ્તુઓનું વેચાણ થાય છે, પરંતુ અનેક વખત બહારથી લાવેલા સસ્તા ભાવની અને મશીન વડે બનેલી વસ્તુઓ ભુજના માર્કેટમાં વધુ ઠલવાય છે. તેની અસર પણ કચ્છી કારીગરોએ બનાવેલી વસ્તુઓના વેચાણ પર પડે છે. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકાર દ્વારા પણ સમયાંતરે મેળા યોજાય છે, પરંતુ તેમાં પણ મોટાપાયે વેચાણ થતું નથી. તેથી ઓનલાઇન વેચાણ કચ્છી હેન્ડિક્રાફ્ટની વસ્તુઓના વેચાણ માટે વધુ ઉપયોગી બની શકે, પરંતુ આ માટે વસ્તુઓના ડેમોન્સ્ટ્રેશન, તેના ફોટા કે પિક્ચરાઇઝેશન વગેરે માટે કારીગરોને તૈયાર કરવા પડે. આ માટે કારીગરોની નવી પેઢીને શિક્ષણ આપવું પડે. તો જ માર્કેટિંગનો નવો માર્ગ ઉપયોગી નિવડી શકે.’……………
——————————.

હસ્તકલા માટે ઓનલાઇન મંચ કેટલો ઉપયોગી તેની વિશેષ માહિતી વાંચવા અભિયાન સબસ્ક્રાઇ કરો…

Leave A Reply

Your email address will not be published.

Translate »