તમારા માટે, તમારી સાથે, સતત…

જેએનયુ પછી એએમયુમાં ‘આઝાદી’ના નારા !

એએમયુમાં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીરનો મુદ્દો

0 279

વિવાદ – હિંમત કાતરિયા

એએમયુમાં ઝીણાની તસવીરનો વિવાદ થયો અને આ વિવાદના પગલે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ની જેમ જ કથિત વીડિયોમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(એએમયુ)માં વિદ્યાર્થી ટોળાં ભારતથી ‘આઝાદી’ના સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. સમગ્ર ઘટનાક્રમને વિગતવાર સમજવાની જરૃર છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઝીણાની તસવીરનો વિવાદ અલીગઢના સાંસદ સતીશ ગૌતમના એક પત્રને કારણે સર્જાયો છે. ગત ૧લી મેના રોજ સાંસદે લખેલા પત્રમાં એએમયુમાં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. યુનિવર્સિટીમાં ઝીણાની તસવીર કેમ લગાવવામાં આવી છે? એવા પ્રશ્ન સાથે સાંસદે એએમયુના વાઇસ ચાન્સેલર તારિક મંસુરને પત્ર લખીને જવાબ માગ્યો હતો. સાંસદે પત્રમાં લખ્યું હતું કે, તસવીર લગાવવી જ હોય તો જેમણે પોતાની જમીન યુનિવર્સિટી બનાવવા દાનમાં આપી દીધી હતી એવા મહેન્દ્ર પ્રતાપ સિંહ જેવા લોકોની લગાવવી જોઈએ. આ પત્ર મીડિયામાં ચમક્યો અને બીજા દિવસે ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને હિન્દુ યુવા વાહિનીના કાર્યકરો ઝીણાની તસવીરના વિરોધમાં યુનિવર્સિટી પહોંચ્યા. ઝીણાની તસવીરથી ક્રોધિત વિદ્યાર્થીઓ અને હિન્દુવાદી સંગઠનોએ પરિસરની બહાર ઝીણાનું પૂતળું બાળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. એએમયુના વિદ્યાર્થીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો મારપીટ થઈ. પોલીસે હિન્દુ યુવાવાહિનીના ૬ વિદ્યાર્થીઓને પકડ્યા, પરંતુ કાર્યવાહી કર્યા વિના છોડી મુક્યા. તેના વિરોધમાં એએમયુના વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા. બેકાબૂ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો જેમાં ૨૮ વિદ્યાર્થીઓ અને ૧૩ પોલીસકર્મી ઘાયલ થયા હતા. પછીના દિવસે એટલે કે ત્રીજી તારીખે લાઠીચાર્જ અને એબીવીપી તથા હિન્દુ યુવાવાહિનીના વિદ્યાર્થીઓની ધરપકડની માગ સાથે એએમયુના ૪ હજાર વિદ્યાર્થીઓ ગેટ પર ધરણાં પર બેઠા. એ પછીના દિવસે ધરણાં પર બેઠેલા વિદ્યાર્થીએ પત્રકાર મનોજ અલીગઢીને માર માર્યો. તેનો કેમેરા પણ તૂટી ગયો. ફાયરિંગ પણ કર્યું. પરિણામે પોલીસે ફોર્સ વધાર્યાે, ઇન્ટરનેટની સેવા બંધ કરી અને તપાસ બેસાડી.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યંુ છે કે ઝીણાએ આપણા દેશના ભાગલા પાડ્યા છે ત્યારે એમના વખાણ કેવી રીતે થઈ શકે. ભારતમાં ઝીણાના ગુણગાન સહન કરવામાં નહીં આવે. એએમયુ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. રિપોર્ટ મળતાં જ કાર્યવાહી હાથ ધરાશે.

વિવાદ ઘેરો બન્યો પછી એએમયુના પ્રવક્તાએ સફાઈ આપી કે સાંસદ જે તસવીરની વાત કરી રહ્યા છે તે દાયકાઓથી સંસ્થામાં મુકાયેલી છે. ઝીણા તો યુનિવર્સિટીના સ્થાપક રહ્યા છે. તેમને સંસ્થાના વિદ્યાર્થી સંગઠનનું આજીવન સભ્યપદ અપાયું હતું અને સંસ્થાના બધા આજીવન સભ્યોની તસવીરો વિદ્યાર્થી સંગઠન હૉલની દીવાલ પર લગાવવામાં આવી છે. દરમિયાન એએમયુના ઇતિહાસના પ્રોફેસર મોહમ્મદ સજ્જાદે કહ્યું કે, આ તસવીર ૮૦ વર્ષથી અહીં મુકાયેલી છે. એટલે કે વિભાજનના ૯ વર્ષ પહેલાંથી. તે સમયે ઝીણાને આજીવન સભ્યપદ અપાયું હતું. જોકે એએમયુ વિદ્યાર્થી સંગઠનનું આજીવન સભ્યપદ મેળવનારી પહેલી વ્યક્તિ મહાત્મા ગાંધી હતા. આ યાદીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ, સી.વી. રામનનાં પણ નામ છે. ૧૯૨૦માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના સર સૈયદ અહમદ ખાને કરી હતી ત્યારે મહાત્મા ગાંધીએ યુનિવર્સિટીની મુલાકાત લીધી અને તેમને વિદ્યાર્થી સંઘે આજીવન સભ્ય બનાવ્યા. મહાત્મા ગાંધી એએમયુ વિદ્યાર્થી સંઘના પહેલા આજીવન સભ્ય હતા. આઝાદી પહેલાં ૧૯૩૮માં મોહમ્મદ અલી ઝીણા એએમયુ આવ્યા અને તેમને વિદ્યાર્થી સંઘે આજીવન સભ્ય બનાવ્યા.

વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ ફૈજુલ હસને કહ્યું કે, સંસદમાં પણ ઝીણાની તસવીર લાગેલી છે તો આ તસવીર ગેરવાજબી કેવી રીતે બની ગઈ. મુઘલોને દેશમાં ગાળો દેવામાં આવે છે અને તેમનાં સર્જનો અહીં છે, એમના પર સવાલો કેમ નથી ઉઠાવતા? દરમિયાન એવા સમાચાર આવ્યા કે યુનિયન હૉલમાંથી ઝીણાની તસવીર ઉતારી લેવામાં આવી છે. જોકે એ મુદ્દે એએમયુ વિદ્યાર્થી સંઘે કહ્યું કે સફાઈ માટે તસવીર ઉતારવામાં આવી હતી. આરએસએસના કાર્યકર્તા આમિર રશીદે ઝીણાની તસવીર હટાવવા ૫૧,૦૦૦ રૃપિયાના રોકડ ઇનામની જાહેરાત કરતા કહ્યું કે, એએમયુમાં ભારતીય શૂરવીરોની તસવીરો લગાવવાનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

Related Posts
1 of 142

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સંસ્થા હિન્દુ યુવા વાહિનીના જિલ્લા અધ્યક્ષે કહ્યંુ કે, ૪૮ કલાકમાં ઝીણાની તસવીર નહીં ઊતરે તો કાર્યકર્તાઓ સ્વયં તસવીર હટાવી દેશે. હિન્દુ યુવા વાહિનીએ એએમયુની હોસ્ટેલમાં રહેતા તમામ કાશ્મીરી વિદ્યાર્થીઓના પાછલા રેકોર્ડની તપાસ કરવાની માગ કરી છે. તેમના આતંકીઓ સાથે સંબંધ હોવાનો તેમણે આક્ષેપ કર્યાે છે. આ તરફ એએમયુ વિદ્યાર્થી નેતા નબીલ ઉસ્માનીના કહેવા પ્રમાણે પહેલા સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન આવ્યંુ અને પછી સાંસદ સતીશ ગૌતમનું નિવેદન આવ્યું. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનો કાર્યક્રમ એએમયુમાં થવાનો હતો અને તેને રોકવા માટે રણનીતિ બનાવવામાં આવી.

દરમિયાન રાજકીય પક્ષો અને રાજનીતિજ્ઞોએ વિવાદમાં ઝુકાવ્યું. ધરણાં સ્થળે એસપી, કોંગ્રેસ અને બીએસપીના નેતા પહોંચીને પોતાનું સમર્થન આપી રહ્યા છે. બસપા નેતા અને પૂર્વ ધારાસભ્યએ ગેટ પર ધરણાંમાં બેઠેલા વિદ્યાર્થીઓને ખુલ્લું સમર્થન આપ્યું. પોતાનો જીવ આપી દેવાની પણ વાત કરી. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજયસિંહે કહ્યંુ કે, ભારતના વિભાજન માટે જવાબદાર ઝીણા ભારતમાં સ્વીકાર્ય નથી. સાથે સંજયસિંહે હિંસા માટે ભાજપની નિંદા કરી. શિવસૈનિકોએ રાજ્ય ઉપ પ્રમુખ અજય ચૌબેના નેતૃત્વમાં ડઝનો વાહનો અને પોસ્ટરો સાથે ઝીણાની તસવીર હટાવવાની માગ કરી. શિવસેનાએ વારાણસી તરફથી ઝીણાની તસવીર હટાવવા પાંચ લાખ રૃપિયા ઇનામની જાહેરાત કરી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ કલરાજ મિશ્રાએ ઝીણાને અખંડ ભારતના સૌથી મોટા ખલનાયક ગણાવ્યા અને ભારતના વિશ્વવિદ્યાલયોમાં આવા લોકોની તસવીર લગાવવાનું કોઈ ઔચિત્ય ન હોવાનું કહ્યંુ હતું. તેમણે ઝીણાને લોકતંત્રના જલ્લાદ ગણાવ્યા હતા. આ વિવાદમાં ગોરખપુરના સાંસદ પ્રવીણ નિષાદે ઝુકાવ્યું અને કહ્યંુ કે ભારતની આઝાદીમાં ગાંધીજી અને નહેરુની જેમ ઝીણાનું પણ યોગદાન હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલેએ પોતાના નિવેદનને સંતુલિત કરવાનો પ્રયત્ન કરતા કહ્યું કે એએમયુમાં આઝાદી પહેલાં લાગેલી આ તસવીરનો વિવાદ અનાવશ્યક છે,

પરંતુ જનભાવનાને ધ્યાનમાં લઈને ઝીણાની તસવીર હટાવી લેવી જોઈએ. એટાના રાજ્યસભાના સાંસદ હરનાથ સિંહ યાદવે કહ્યંુ કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ઘણા સમયથી દેશદ્રોહી ગતિવિધિઓનો અડ્ડો બની ગઈ છે. વિદ્યાર્થીઓના આંદોલનને લઈને ઇત્તેહાદ મિલ્લત કાઉન્સિલના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના તૌકીર રઝા ખાન અલીગઢ મેયરના ઘરે દોડી ગયા. જાણકારી મળતા પોલીસે મૌલાનાને ઘટનાસ્થળે જતા રોક્યા અને અટકાયતમાં લીધા. બાદમાં તેમને પરત ફરવા જિલ્લાની હદ બહાર છોડી મુક્યા.

જાણીતા ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે આશ્ચર્યજનક વલણ અપનાવતા એએમયુમાં ઝીણાની તસવીરનો વિરોધ કર્યો હતો. તેમણે આ મુદ્દે ટ્વિટ કરતા કહ્યું કે, એએમયુમાં ઝીણાની તસવીર શરમજનક વાત છે. ઝીણા ન તો અલીગઢમાં વિદ્યાર્થી હતા કે ન તો શિક્ષક. શરમની વાત છે કે ત્યાં તેમની તસવીર લાગેલી છે. પ્રશાસન અને વિદ્યાર્થીઓએ તસવીરને સ્વેચ્છાએ ઉતારી લેવી જોઈએ. એએમયુ વિદ્યાર્થી સંઘ ભવનમાં ઝીણાની તસવીર ઉપરના માળે લગાવેલી છે. ત્યાં વિદ્યાર્થી સંઘની કાયમી સભ્યતા આપવામાં આવી હોય એવા ૩૦ જેટલા લોકોની તસવીર લગાવેલી છે. આ મુદ્દે પહેલાં પણ વિવાદ થયો હતો જ્યારે આરટીઆઈ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ઝીણાની તસવીર ક્યાં લગાવવામાં આવી છે? એએમયુ પ્રશાસને એ આરટીઆઈનો જવાબ નહોતો આપ્યો.

દરમિયાન હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓ એસએમવી ઇન્ટર કૉલેજ રામઘાટ રોડ પર એકત્ર થયા. તેમાં એએમયુને યુનિવર્સિટી માટે જમીન દાન કરનાર મહેન્દ્ર પ્રતાપ સિંહના પ્રપૌત્ર ગરુણધ્વજ સિંહ પણ પ્રદર્શનમાં જોડાયા હતા. હાથમાં દાદાની તસવીર સાથે ઊભેલા ગરુણધ્વજ સિંહની માગ હતી કે ઝીણાની તસવીર હટાવીને તેમના સ્થાને તેમના દાદાની આ તસવીર લગાવવામાં આવે. સાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું નામ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી કરવામાં આવે અને તેમની કેમ્પસમાં એક વિશાળ મૂર્તિ લગાવવી જોઈએ એવી માગ પણ તેમણે કરી હતી.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિવાદમાં સૌથી વધુ આઘાતજનક ઘટના છે, ‘આઝાદી’ના નારા સાથેનો બહાર આવેલો કથિત વીડિયો. વાઇરલ થયેલા આ વીડિયોમાં વિદ્યાર્થીઓ ‘ભગવા આતંક સે આઝાદી’ ‘હમ છીન કે લેંગે આઝાદી’ ‘ભારત સે લેંગે આઝાદી’ ‘આરએસએસ સે ભી આઝાદી’  ‘મોદી સે ભી આઝાદી’ના નારા લગાવી રહ્યા છે. ‘ભારત તેરે ટુકડે ટુકડે’ ગેંગની તરાહ પરનો આ વીડિયો જો સાચો હોય તો તે એએમયુમાં રાષ્ટ્રવિરોધી તત્ત્વોની સફાઈની તત્કાલ આવશ્યકતા તરફ અંગુલીનિર્દેશ કરે છે. દાયકાઓની તુષ્ટિકરણની રાજનીતિમાંથી જેએનયુ અને એએમયુની વર્તમાન સંસ્કૃતિ પેદા થઈ છે. હવે જ્યારે તૃષ્ટિકરણ બંધ થાય છે અને રાષ્ટ્રવિરોધી ગતીવિધિઓ પર સકંજો કસાય છે ત્યારે આવા બળવાના સૂરો ઊઠે છે. જે આપણને ભાન કરાવે છે કે દરમિયાનના વર્ષોમાં અહીં કેટલું સ્વચ્છંદી વાતાવરણ નિર્માયું હશે. ઉદરશૂળ જેવીે આ સ્થિતિ ઉપર તાત્કાલિક નિયંત્રણ મેળવી લેવું આવશ્યક છે. સરકારે લોખંડી મનોબળનો પરિચય આપીને તેની સર્જરી કરવી પડે. ઘણી વખત સર્જિકલ સ્ટ્રાઇકની સીમા પાર કરતાં દેશની અંદર વધુ આવશ્યકતા રહે છે. આ દેશની તો એ તાસીર રહી છે કે દેશ જ્યારે જ્યારે તૂટ્યો છે ત્યારે તેમાં કોઈક અમીચંદોનો હાથ રહ્યો છે. એ ઇતિહાસ બોધ પણ આપણને ઘણુ શીખવી જાય છે.
———————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »