તમારા માટે, તમારી સાથે, સતત…

ગુજરાતી બાળસાહિત્ય –  એવા વળાંક પર ઊભો છે કાફલો..

બાળસાહિત્ય માટે કપરો સમય ચાલી રહ્યો છે

0 916

કવર સ્ટોરી –  નરેશ મકવાણા

ગુજરાતી સહિત દેશની મોટા ભાગની ભાષાઓમાં બાળસાહિત્ય માટે કપરો સમય ચાલી રહ્યો છે. મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને ટેલિવિઝન સહિતના વિકલ્પો સામે બાળસાહિત્યએ ક્યારનાં હથિયાર હેઠાં મૂકી દીધાં છે. વળી આજના ચબરાક બાળકોની રસરુચિ, તર્કશક્તિ, સમજણનો વ્યાપ, બૌદ્ધિક ક્ષમતા વગેરેને ધ્યાનમાં રાખીને તેને શું પીરસવું તે સવાલ પણ તેના સર્જકોને મૂંઝવી રહ્યો છે, ત્યારે ગુજરાતી બાળસાહિત્યનો કાફલો કઈ દિશામાં જઈ રહ્યો છે તે વિચારવાનો સમય પાકી ગયો છે…

તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મજાની ખિસકોલી
– ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

છોકરાં રે સાંભળજો વાત, આવી છે અજવાળી રાત
રાતે તારા ચમકે છે, વચમાં ચાંદો ચમકે છે
ચાંદો ઊગ્યો ચોકમાં, રાણી બેઠી ગોખમાં
– નાગજીભાઈ દેસાઈ

રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી
સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી

ઝૂકી ઝૂકીને ભરી સલામો બોલ્યું મીઠાં વેણ
મારે ઘેર પધારો રાણા રાખો મારું કહેણ
– રમણલાલ સોની

ઉપરની પંક્તિઓ તમે માત્ર વાંચી નહીં, મનોમન ગણગણી પણ હશે એની ખાતરી છે. આ બાળગીતો સિવાય યાદ કરો, લાવરીની શિખામણ, સાબરનાં રૃપાળાં શિંગડાં, વાંદરો અને મગર, ઉંદર સાત પૂંછડિયો, કાગડો અને શિયાળ તથા ચકા ચકીની વાર્તા. જો તમારી ઉંમર ૪૦થી ૫૦ આસપાસ હશે તો તમારા બાળપણમાં આ બધું કેટલું મજાનું લાગતું હતું તે યાદ આવ્યા વિના નહીં રહે. બાળકોથી લઈને મોટેરાંઓ અને દાદા-દાદી સુધી તે લોકપ્રિય હતું. આઝાદી પછીની કેટલીયે પેઢીઓ આ સમૃદ્ધ બાળસાહિત્યનો લાભ લઈ ચૂકી છે. સવાલ એ છે કે, આટલું સરસ બાળસાહિત્ય રચાતું હતું તો અચાનક એવું તે શું થયું કે તેમાં ઓટ આવવા માંડી? બાળકો કેમ તેનાથી ધીરે-ધીરે વિમુખ થતાં ગયાં? આજે બાળસાહિત્યની શું સ્થિતિ છે? આ સવાલો આમ તો દેશભરના બાળસાહિત્યને લાગુ પડે છે છતાં આપણે અહીં તેને માત્ર ગુજરાતી ભાષા અને ગુજરાત પૂરતું મર્યાદિત રાખીને જોવા પ્રયત્ન કરીશું.

‘તમે એને તમારો પ્રેમ આપી શકો છો પણ વિચાર નહીં, કારણ કે તેમની પાસે પોતાના વિચારો હોય છે. તમે એમને એક રૃમમાં બંધ કરી શકો છો, પણ તેનો આત્મા નહીં, કારણ કે તેમનો આત્મા તો આવતીકાલમાં વસે છે. તમે તેમના જેવા બનવાનો પ્રયત્ન કરી શકો છો, પણ એમને તમારા જેવા બનાવવાની ઇચ્છા ન રાખતા. કારણ કે ન તો જીવનચક્ર પાછું ફરે છે, ના વિતી ગયેલા સમય સાથે તે રોકાય છે.’

Related Posts
1 of 262

બાળમાનસને ઉજાગર કરતી અને બાળકોમાં વિશ્વાસ દર્શાવતી આ ઉક્તિઓ ખલીલ જિબ્રાનની છે. સદીઓ પહેલાં તેમના દ્વારા કહેવાયેલી આ વાત આજે પણ એટલી જ સાચી અને મહત્ત્વપૂર્ણ છે જેટલી એ જમાનામાં હતી. કેમ કે સામાન્ય લાગતી આ વાત બાળમાનસને સ્પષ્ટ કરે છે. એક તરફ તે બાળકોમાં વિશ્વાસ મૂકે છે તો બીજી તરફ એવા સાહિત્યકારોને લપડાક મારે છે જે હજુ પણ બાળકોને ‘અણસમજુ’ માનીને તેમને જાદુટોણાં કે પરિકથાઓની અતાર્કિક વાર્તાઓથી રાજી રાખવા પ્રયત્ન કરે છે. આ ઉક્તિ એમના માટે પણ છે જેઓ એમ વિચારીને બાળકો માટે લખવાનું ટાળે છે કે ક્યાંક તેમની પ્રતિભાને ઓછી આંકી લેવામાં ન આવે. તેમના મનમાં એવું હોય છે કે, નહીંને ક્યાંક ‘બાળસાહિત્યકાર’નું લેબલ લાગી જશે તો એ માનસન્માન નહીં મળી શકે જે મોટેરાંઓ માટે લખવાથી મળી શકે તેમ છે. આમાં કેટલાક વળી એવા છે જે પોતાના નામનો લાભ ઉઠાવીને છાપાંઓમાં બાળસાહિત્યના નામે ગમે તે ઠપકારી દે છે અને પ્રકાશકો પાછા તેને બાળસાહિત્યના નામે પ્રગટ પણ કરે છે. આવા લોકો ન તો બાળકોને યોગ્ય રીતે સમજી શકતાં હોય છે ન તેમની જરૃરિયાતોને. માટે પહેલાં અહીં બાળસાહિત્યની વ્યાખ્યા સમજીએ.

જાણીતા બાળસાહિત્યકાર રમણભાઈ સોનીએ કહ્યું છેઃ ‘બાળસાહિત્ય એટલે બાળકો માટેનું, બાળકોને નજર સમક્ષ રાખીને લખાયેલું સાહિત્ય.’ તેઓ બીજી કોઈ પિષ્ટપીંજણ વિના સ્પષ્ટ કહે છે કે, ‘બાળસાહિત્યનું સર્જન બાળકને નજર સામે રાખીને થવું જોઈએ.’ અહીં કોઈ બોધાત્મક પ્રયોજનો જોવા મળતા નથી. ગિજુભાઈ બધેકા અને તારાબહેન મોડકે બાળસાહિત્યની વિભાવના કંઈક આવી કરી છેઃ ‘બાળકો માટે લખવું એટલે સહેલું ને જોડાક્ષરો ન હોય એવું લખવું, કાંઈક બોધપ્રદ લખવું એમ મનાય છે. એમ પણ મનાય છે કે જરા કાલુંઘેલું, જરા વાર્તારૃપે, જરા સંવાદાત્મક હોય તો બાળસાહિત્ય બને, પરંતુ બાલવાંચનમાં મોટાઓનાં સાહિત્યના બધા ગુણો હોઈ શકે, હોવા જોઈએ. માત્ર કક્ષાફેર હોય, વસ્તુફેર હોય, ભાષાફેર હોય, પણ તે સાહિત્ય તો હોય જ.  બાળસાહિત્યમાં ભાષાની કોમળતા હોય અને ગૌરવ પણ હોય, ભાષાનું રૃમઝૂમતું સંગીત હોય ને વિચારની સૂક્ષ્મ ઝીણવટ પણ હોય, હૃદયને ડોલાવે એવું ડોલન હોય તો સાથે સુંદર તોલન પણ હોય.’

જાણીતા બાળસાહિત્યકાર યશવંત મહેતાની બાળસાહિત્યની વ્યાખ્યા આમાં થોડો ઉમેરો કરે છે. તેમના મતે, ‘બાળસાહિત્ય એટલે બાળકોને જે વાંચવાથી કે સાંભળવાથી આનંદ મળે, કશુંક જ્ઞાન મળે, સમજણ કે બોધ મળે એવું સાહિત્ય. એની કેટલી શરતો છે. જેમ કે, એની ભાષા સરળ હોવી જોઈએ, તેની કથાવસ્તુ અને વિષયો બાળકોના જ્ઞાનવિશ્વની અંદરના હોવા જોઈએ. અમૂર્ત ચીજવસ્તુઓ કે ખ્યાલો એમાં ન આવવા જોઈએ. પાપ અને પુણ્ય, આ લોક અને પરલોક, દેવ અને દાનવ, તપ, ચમત્કાર, બ્રહ્મ આ જાતના જે ખ્યાલો છે તે પણ બાળસાહિત્યમાં ન હોવા જોઈએ. વાક્યો બનતાં સુધી સંયુક્ત ન હોય. દરેક વાક્ય સ્વતંત્ર હોવું જોઈએ. મિશ્ર વાક્ય તો આવવા જ ન જોઈએ. સાથે એક જ વાક્યમાં એકથી વધુ ક્રિયાપદો આવી જાય એવા વાક્યો પણ ન પાલવે. જે બાબત પ્રૌઢશિક્ષણને લાગુ પડે છે તે બાળસાહિત્યને પણ લાગુ પડે છે. કેટલાક લોકો એમ કહે છે કે, જેમાં બાળકો પાત્ર હોય તેે બાળસાહિત્ય કહેવાય. એ વાત ખોટી છે. ગુજરાતી ભાષામાં જે બહુ જ સફળ બાળસાહિત્ય થયું તે જીવરામ જોષીએ લખેલું મિયાં ફૂસકી અને તભા ભટ્ટની વાર્તાઓ. એમાં ક્યાંય બાળકો પાત્ર નથી. એવી જ રીતે પશુપ્રાણીઓ પણ પાત્રો બન્યાં. એટલે બાળકો તેમાં પાત્રો હોય એ બાબત જરૃરી નથી.’

ગુજરાતી સાહિત્યમાં શિષ્ટ સાહિત્યરૃપે આપણે કવિતા, નાટક, નવલિકા અને નવલકથા જેવાં સ્વરૃપોનો ઉલ્લેખ કરીએ છીએ, પણ સાહિત્યનાં આ સ્વરૃપોની તુલનાએ બાળસાહિત્યનો ઉલ્લેખ ભાગ્યે જ થાય છે. એટલે પ્રથમ તો બાળસાહિત્ય પણ ગુજરાતી સાહિત્યનો એક ભાગ છે તે સ્વીકારીએ. બીજું, બાળસાહિત્યનું સર્જન એ વિશેષ અઘરી સર્જન-પ્રક્રિયા છે એ પણ સમજીએ, કારણ કે એમાં એના સર્જકને બાળમાનસમાં પ્રવેશ કરીને આલેખન કરવાનું હોય છે, એટલે ગમે તે લેખક તે લખી ન શકે. આજે ગુજરાતી સાહિત્યમાં બાળ સાહિત્ય રચાય તો છે, પરંતુ ઘણીવાર સર્જક એના લેખનમાં જરૃરી ચીવટ દાખવતો નથી એટલે તે બીબાંઢાળ બનીને રહી જાય છે. આજનું વિશ્વ તીવ્ર ગતિએ પરિવર્તન પામી રહ્યું છે. સમૂહમાધ્યમોએ અને વિશેષ તો ટેલિવિઝન અને ઇન્ટરનેટે બાળમાનસ પર પ્રબળ અસર કરી છે એટલે આજના બાળક પાસે કાર્ટૂન ફિલ્મો, ચેનલો અને કોમિક્સ સહિતના અનેક વિકલ્પો છે. વળી તે પોતાની પસંદ નાપસંદને સારી રીતે જાણતું થયું છે. શું વાંચવું, શું જોવું, ખાવું, પીવું એ દરેક બાબતમાં તેની આગવી પસંદ છે. છાપાં અને તેની બાળપૂર્તિઓથી તે ક્યાંય આગળ નીકળી ગયાં છે ત્યારે તેની સામે બનાવટ કરી શકાય તેમ નથી.

ગુજરાતી બાળસાહિત્યનો વારસો
અન્ય દેશોની જેમ ભારતમાં પણ સાહિત્ય શ્રાવ્ય પરંપરામાંથી ઊતરી આવ્યું છે. શરૃઆતમાં તે લોકસાહિત્ય સ્વરૃપે હતું. પછી એ જ સમયે તે લોકોમાં મનોરંજનનું સાધન બન્યું. એમાં જે સરસ અને સહજ હતાં તેને હાલરડાં તરીકે બાળમનોરંજન માટે અપનાવી લેવાયાં. જોકે ભણતર જ્ઞાતિ વ્યવસ્થાનો ભોગ બની ચૂક્યું હોઈ બહુમતી વર્ગ તેનાથી અલિપ્ત જ રહ્યો. સાહિત્ય સર્જન પર અમુક જ કોમ-ધર્મનું એકહથ્થુ નિયંત્રણ રહ્યું અને તેના કારણે બાળસાહિત્યમાં રાજા-મહારાજાઓનાં જીવનચરિત્ર અને પૌરાણિક વિષયો જ લાંબા સમય સુધી છવાયેલાં રહ્યાં. ત્યાર પછીના વર્ષોમાં જો પંચતંત્ર અને હિતોપદેશને બાજુ પર મૂકી દેવામાં આવે તો એવી કોઈ કૃતિ નથી જેને વિશુદ્ધ બાળસાહિત્યની કક્ષામાં મૂકી શકાય. હિતોપદેશ તો પંચતંત્રની જ વાર્તાઓનું પુનઃ પ્રસ્તુતિકરણ છે. જોકે તેના આધારે બાળમાનસને અનુરૃપ નવી-નવી વાર્તાઓ વર્ષોવર્ષ ઘડાતી રહી છે. આજે પણ ન માત્ર ગુજરાતીમાં પરંતુ દુનિયાની અન્ય ભાષાઓના બાળસાહિત્ય પર પણ પંચતંત્રની અસર જોઈ શકાય છે.

આ તરફ મૌલિક અને બદલાતા સમયની જરૃરિયાતોના આધાર પર બાળસાહિત્યની રચનાનું કાર્ય ગુજરાતીમાં વર્ષો સુધી ન થઈ શક્યું. કારણ સ્પષ્ટ હતું. અશિક્ષિત અને અસમાન આર્થિક વિતરણવાળા સમાજમાં ઉપરી વર્ગ સંસાધનો પર પલાંઠી વાળીને બેસીને ભોગવિલાસમાં ડૂબ્યો રહેતો હતો અને સમાજનો બહુમતી વર્ગ અભાવગ્રસ્ત જીવન જીવવા મજબૂર હતો. જેના કારણે કળા અને સાહિત્યમાં સમય સાથે બદલાવની શક્યતાઓ ઘટી ગઈ. એ તાર્કિક વિચારોના અભાવનો ફાયદો યથાસ્થિતિની પક્ષધર તાકાતોએ બરાબરનો ઉઠાવ્યો અને તેઓ મૌલિક બાળસાહિત્યના વિકાસમાં અવરોધકનું કામ કરતા રહ્યા. જેના કારણે ગુજરાતી બાળસાહિત્યમાં ભૂતપ્રેત, ભાગ્યવાદ, ઉપદેશાત્મક વાર્તાઓ, રાજા-રાણી, જાદુમંતર જેવા વિષયોની ભરમાર રહી. આટલું ઓછું હોય તેમ લોકકથાઓની ખોટી પ્રસ્તુતિને પણ બાળસાહિત્યના નામે પિરસી દેવામાં આવી. આગળ જતાં વળી આપણા બાળસાહિત્યકારો એવી માનસિકતાનો શિકાર બની રહ્યા કે, બાળકો નાદાન અને નાસમજ છે અને તેમને સમજાવવાની-સુધારવાની જવાબદારી માત્ર તેમની ઉપર છે અને તેઓ તેમના સાહિત્ય થકી આ કર્તવ્યને સારી રીતે બજાવી શકવા સમર્થ છે. જેના કારણે એક ખોટો ટ્રેન્ડ લાંબા સમયગાળા સુધી ચાલતો રહ્યો.

જાણીતા બાળસાહિત્યકાર યશવંત મહેતા ગુજરાતી બાળસાહિત્યના વારસા વિશે કહે છે, ‘૧૮૩૦માં એક ફ્રેન્ચ પુસ્તકનો અંગ્રેજી, મરાઠી અને ગુજરાતીમાં ‘બાળમિત્ર’ નામે અનુવાદ પ્રગટ થયો ત્યારથી અમે લોકો ગુજરાતી બાળસામયિકોનો ઇતિહાસ ગણીએ છીએ. એટલે જ મજાકમાં હું કહેતો હોઉં છું કે, ગુજરાતી બાળસાહિત્યના પાયામાં અમૌલિકતા, ચોરી અને ઉતારાબાજી રહેલી છે. અહીં હું પોતે પ્રામાણિકતાપૂર્વક સ્વીકારું છું કે, દુનિયાભરનું સાહિત્ય લાવીને મેં આપ્યું છે. પોતાના મન, કલ્પના કે અનુભવોથી કંઈ રચ્યું હોય તેવું માંડ ત્રીસ ટકા હશે. આપણે જેને સૌથી મોટા બાળસાહિત્યકાર ગણીએ છીએ તે ગિજુભાઈ બધેકાએ પણ પોતાનું તો લગભગ કશું નથી લખ્યું. દાદી, માસી, ફૈબાઓ જે વાર્તાઓ તેમને કહેતી તેનું સંપાદન જ તેમણે કર્યું હતું. ગુજરાતી બાળસાહિત્યનો સુવર્ણયુગ આપણે જેને કહીએ તે ૧લી મે, ૧૯૫૨થી શરૃ થાય છે. કેમ કે તે દિવસે ગુજરાતીમાં જીવરામ જોષીએ ‘ઝગમઝ’ સાપ્તાહિક શરૃ કરેલું. એ પછી બીજા ચાર સાપ્તાહિકો પણ ક્રમશઃ શરૃ થયાં. એ પણ એક રેકોર્ડ હતો. કેમ કે વિકસિત ગણાતા અમેરિકા અને બ્રિટનમાં પણ એકસાથે પાંચ બાળસાપ્તાહિકો નહોતાં ચાલતાં. દેશ નવોસવો આઝાદ થયેલ હોઈ નવી સરકાર હતી, બજેટ હતું, વાલીઓ પણ ઉત્સાહી હતાં એટલે બધું ચાલેલું. આમ ઍવરેસ્ટ જેટલી ઊંચાઈ પણ આપણા બાળસાહિત્યએ જોઈ છે અને પૅસિફિક જેટલી ઊંડાઈ પણ હવે આપણે જોઈ રહ્યા છીએ. એંસીના દાયકા બાદ પુસ્તકો, સામયિકો, પૉકેટ બુકો એમ બધાં માટે કપરા દિવસો આવ્યા હતા. મુંબઈમાં આઠ હજાર અને અમદાવાદમાં ચારસો જેટલી લેન્ડિંગ લાઇબ્રેરીઓ ટીવીના આગમન બાદ ધીમે-ધીમે બંધ પડી ગઈ. આજે ગુજરાતીમાં સામયિક કે પુસ્તકો ખરીદનારાં નથી. તેની સામે ગુજરાતમાં અંગ્રેજી સ્કૂલોમાં ભણતાં બાળકો હૅરી પૉટરનું પુસ્તક બહાર પડે કે તરત ખરીદી લાવે છે. ગુજરાતી બાળસાહિત્યનું માર્કેટ ખતમ થઈ રહ્યું છે ત્યારે હવે રાજ્ય સરકારના ટેકા વિના તે ટકી શકે તેવી કોઈ શક્યતા મને નથી દેખાતી.’

——-.

અભિયાનની કવર સ્ટોરીને સંપૂર્ણ વાંચવા –  ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્ય ધીમે ધીમે ઓછું વંચાતુ રહ્યું છે. માતૃભાષા સાથેના સંબંધથી બાળકો શું વંચિત રહેશે…આ વિષય પર બાલસાહિત્યકારોની કેફિયત તથા ગુજરાતી બાળસાહિત્યના તમામ પાસાનું વિશ્લેષણ બાળસાહિત્યકારોની કલમે વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો….

Leave A Reply

Your email address will not be published.

Translate »