તમારા માટે, તમારી સાથે, સતત…

સંકટમાંથી પાર પડી પ્રવાસન ઉદ્યોગ વૈશ્વિક અર્થતંત્રને વેગ આપશે

આ ઍપનો પ્રયોગ કેટલીક ઍરલાઇન્સે કર્યો છે. હવે ૨૦૨૧માં ઇન્ટરનેશનલ ઍર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (આઈટા) દ્વારા પણ એક ઍપ શરૃ થવાની સંભાવના છે.

0 205

કોરોના મહામારીના વિતેલા વર્ષના નવ માસના સમયગાળા દરમિયાન સૌથી વધુ અસર પ્રવાસન ક્ષેત્ર પર પડી છે. એક સર્વેક્ષણ અનુસાર લગભગ ૯૪ ટકા અસર પ્રવાસનને થઈ છે. મતલબ પ્રવાસન ઉદ્યોગ સાવ ઠપ થઈ ગયો છે. હવે નવા વર્ષમાં સૌથી વધુ આશા આ ક્ષેત્રમાં જ જોવાય છે અને આ ક્ષેત્રને જ જલ્દી બેઠું કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. એક તરફ સ્થાનિક પ્રવાસન ક્ષેત્રને ફરી ધમધમતું કરવાની વાત છે તો બીજી બાજુ આંતરરાષ્ટ્રીય પ્રવાસનને નવેસરથી શરૃ કરવાના પ્રયત્નો થવાના છે. સૌથી વધુ મુશ્કેલી આંતરરાષ્ટ્રીય પ્રવાસનના ક્ષેત્રમાં જ અનુભવાય છે. કેમ કે લોકો હજુ વિદેશ પ્રવાસે જવા તૈયાર થતા નથી. એક માત્ર આશા વેપાર-ઉદ્યોગ જગત દ્વારા કામના ભાગરૃપે વિદેશ પ્રવાસ અનિવાર્ય બને તો તેને લોકો અપનાવશે અને બીજું મેડિકલ ટૂરિઝમ શરૃ થવાની શક્યતા છે. એ પછી લોકોમાં આત્મવિશ્વાસ વધતો જશે તેમ તેમ અન્ય દિશાઓ ખૂલવા લાગશે. એક તરફ કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને કારણે ચિંતાનો માહોલ છે તો બીજી બાજુ વેક્સિનેશન શરૃ થવાને કારણે નવી આશાનો સંચાર પણ થઈ રહ્યો છે.

વિશ્વના દેશો પ્રવાસન ક્ષેત્રને મહત્ત્વ આપી રહ્યા છે તો તેનું કારણ એ છે કે વૈશ્વિક જીડીપીમાં ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ક્ષેત્રનો હિસ્સો ૨૦૧૯માં દસ ટકાથી વધુ રહ્યો હતો. એટલે નિષ્ણાતો એવો અભિપ્રાય ધરાવે છે કે વિશ્વ અર્થતંત્રને ફરી સ્ટાર્ટ કરવા માટે આ એક ક્ષેત્ર એવું છે જે ઊર્જા પૂરી પાડશે. એ માટે ટૂરિઝમ ક્ષેત્રે ટૅક્નોલોજીના મહત્તમ ઉપયોગના પ્રયોગો ચાલી રહ્યા છે. સેનિટાઇઝર, માસ્ક અને ઇમ્યુનિટી બુસ્ટર પ્રવાસનના અનિવાર્ય અંગ બની રહેશે. પ્રવાસ શરૃ કરતા સમયે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાણવા ઉપરાંત કોન્ટેકલેસ સુવિધાઓ માટે હોટેલના વર્ચ્યુઅલ પરીક્ષણના વિકલ્પ અપાશે. ટચલેસ ટ્રાન્ઝિટ વ્યવસ્થા અંતર્ગત કોરોના વેક્સિન પછીના સમયમાં બાયોમેટ્રિક એનેબલ્ડ ડિજિટલ ઓળખ દ્વારા સુનિશ્ચિત કરાશે કે તમારો પ્રવાસ કેટલો સહજ હશે. ડિજિટલ ઓળખની ચકાસણી પછી પ્રવાસીની ઓળખ અને બુકિંગ ડેટાની પુષ્ટિ કરી બુકિંગ, સિક્યૉરિટી ચેક, વિમાન-બોર્ડિંગ, લગેજ કલેક્શન, કેબ હાયરિંગ, હોટેલમાં ચેક-ઈન, ચેક-આઉટ ટચલેસ એટલે કે સ્પર્શ વિના કરી શકાશે.

પ્રવાસન ક્ષેત્રે અત્યારે એક પ્રયોગ થઈ રહ્યો છે વર્ચ્યુઅલ ટૂરિઝમનો. મોટા ટૂર ઓપરેટરો આ કોન્સેપ્ટ પર કામ કરે છે. તેઓ પ્રવાસન સ્થળોનો વર્ચ્યુઅલ પ્રવાસ કરાવે છે. તેની ચેનલ પર પ્રવાસી પસંદગીના સ્થળના વર્ચ્યુઅલ પ્રવાસની ડિમાન્ડ કરી શકે છે. આ સ્થળ, ત્યાંના ખાન-પાન, સંસ્કૃતિનો આભાસી અનુભવ કરાવીને પ્રવાસીને વાસ્તવિક પ્રવાસ માટે પ્રેરિત કરાઈ રહ્યા છે. ટૂર ઓપરેટરો માને છે કે પરિસ્થિતિ નોર્મલ થયા પછી આવા ક્લાયન્ટ વાસ્તવિક પ્રવાસ માટે પ્રોત્સાહિત થશે.

Related Posts
1 of 70

આવો જ એક પ્રયોગ ટ્રાવેલ બબલનો છે. તાજેતરમાં સ્પોર્ટ્સ ઇવેન્ટનાં આયોજનોમાં બાયો બબલનો પ્રયોગ કરાયો હતો. એ જ પ્રણાલીના આધારે કેટલાક ઓપરેટરો ટ્રાવેલ બબલના કોન્સેપ્ટને અજમાવવા તૈયારી કરે છે. આ ટ્રાવેલ બબલમાં પ્રવાસ દરમિયાન તમારા સ્વાસ્થ્યની ચકાસણી પછી તમારી સાથે તમે પસંદ કરેલા લોકો જ સામેલ થશે. હોટેલમાં તમારા દ્વારા નિર્ધારિત સમયમાં તમારું ગ્રૂપ જ સ્પા, ડાઇનિંગ હૉલ, સ્વિમિંગ પુલ જેવા સ્થળોનો ઉપયોગ કરી શકશે. તમારા પરિચિત ન હોય એવા બધાને દૂર રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરાશે.

ઇઝરાયલે તેના નાગરિકો માટે પાંચમી જાન્યુઆરીથી ગ્રીન પાસપોર્ટની સુવિધા શરૃ કરી છે. જેને વેક્સિન લગાવાઈ ગઈ છે તેમને આવો પાસપોર્ટ અપાય છે. આવી વ્યક્તિએ વિદેશ પ્રવાસેથી પાછા ફર્યા પછી ક્વૉરન્ટાઇન થવાની કે અન્ય નિયંત્રણોના પાલનની જરૃર નથી. આવો પાસપોર્ટ આપનાર ઇઝરાયલ પ્રથમ દેશ છે.

આ જ પ્રકારે વેક્સિન પાસપોર્ટ અથવા હેલ્થ પાસપોર્ટનો કોન્સેપ્ટ પણ અપનાવાઈ રહ્યો છે. એ એક એવો દસ્તાવેજ છે જેમાં પાસપોર્ટ ધારકના સ્વાસ્થ્ય સંબંધી તમામ માહિતી, વેક્સિનેશન,  ટેસ્ટ રિપોર્ટ, મેડિકલ હિસ્ટ્રીનો રેકર્ડ્સ તેમાં હશે. આ બધી માહિતી એક ઍપ દ્વારા સંગ્રહિત કરવામાં આવશે. વિશ્વભરમાં તે ટ્રાવેલ-પાસની માફક ઉપયોગમાં લેવાશે. કોરોનાને કારણે આવી રહેલી ઍપને કોવિડ પાસપોર્ટ પણ કહેવામાં આવે છે. તેની સાથે આ ઍપમાં પ્રવાસીના પાસપોર્ટની ઇ-કોપી પણ સામેલ હશે. આ ઍપનો પ્રયોગ કેટલીક ઍરલાઇન્સે કર્યો છે. હવે ૨૦૨૧માં ઇન્ટરનેશનલ ઍર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (આઈટા) દ્વારા પણ એક ઍપ શરૃ થવાની સંભાવના છે.

પ્રવાસન ઉદ્યોગને ફરી શરૃ કરવા માટેના આ બધા પ્રયાસો છે, પરંતુ પ્રવાસન ઉદ્યોગને તેના ફુલ ફોર્મમાં આવતાં સમય લાગશે. કેેમ કે કોરોના સંક્રમણનો ખતરો હજુ ટળ્યો નથી. એથી સુરક્ષિત પ્રવાસ માટે પ્રત્યેક ટચ-પોઇન્ટ પર વધુમાં વધુ બાયોમેટ્રિક્સ અને ઓછામાં ઓછા સ્પર્શ પર ભાર મુકાય છે. તેમાં ડિજિટલ આઇડેન્ટિટી મૅનેજમૅન્ટની ભૂમિકા સૌથી વધુ મહત્ત્વની હશે.

Leave A Reply

Your email address will not be published.

Translate »