તમારા માટે, તમારી સાથે, સતત…

સમાજ અને દેશહિતમાં પરિવર્તનના અધ્યાય લખશે મહિલાઓ

કોવિડ ૧૯ દરમિયાન જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડને પ્રશંસનીય કામગીરી કરી. મહામારી સામે દેશને મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું

0 463

મહિલાઓએ સાબિત કર્યું છે કે તેઓ સંકટમોચક છે. સદીના નવા દશકમાં મહિલાઓ પરિવર્તનનો નવો અધ્યાય લખશે. મહિલાઓમાં પરિવર્તન લાવવાની તાકાત છે. છેલ્લા કેટલાક દશકોમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે તેમના યોગદાન વિના દેશનો વિકાસ અધૂરો રહી જાય છે. પરિવાર, સમાજ અને દેશના વિકાસમાં સ્ત્રીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. કોવિડ કાળ દરમિયાન મહિલાઓએ જે સાહસ, રચનાત્મકતા અને કાર્યક્ષમતાનો પરિચય આપ્યો છે એ જોતાં લાગે છે કે વર્ષ ૨૦૨૧માં મહિલાઓનું પ્રદર્શન વધુ મજબૂત અને આત્મવિશ્વાસથી સભર હશે.

કોવિડ ૧૯ દરમિયાન જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડને પ્રશંસનીય કામગીરી કરી. મહામારી સામે દેશને મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે. શૈલજાને પણ વર્ષ ૨૦૨૦ના ટૉપ થિંકરમાં પહેલા સ્થાને મૂકવામાં આવ્યા. કોવિડ કાળ દરમિયાન તેમણે નિભાવેલી ભૂમિકા અને કામગીરીની નોંધ લેવામાં આવી. મહિલાઓની આ મૅનેજમૅન્ટ સ્કિલને દુનિયાએ વખાણી છે, તેમની આ જ મૅનેજમૅન્ટ સ્કિલ સમાજમાં પરિવર્તન લાવવામાં તેમ જ દેશના વિકાસમાં નોંધપાત્ર અને સશક્ત ભૂમિકા ભજવશે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલનો કાર્યકાળ વર્ષ ૨૦૨૧માં પુરો થઈ રહ્યો છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચાન્સેલરની ચૂંટણી યોજાશે ત્યારે જર્મનીના લોકો નવા ચાન્સેલર તરીકે કોની વરણી કરશે તેના પર નજર રહેશે. રસપ્રદ વાત એ છે કે એન્જેલા મર્કેલ વર્ષ ૨૦૦૫થી જર્મનીના ચાન્સેલર છે. વર્ષ ૨૦૨૧માં સશક્ત ભૂમિકા નિભાવનારી મહિલાઓની યાદીમાં આપણા નાણામંંત્રી નિર્મલા સીતારામન પણ સામેલ છે. નિર્મલા સીતારામને એવો દાવો કર્યો છે કે તેઓ આ વર્ષે એવા બજેટની તૈયારી કરી રહ્યાં છે, જે અગાઉ ક્યારેય નહીં આવ્યું હોય. તેઓ કેવા પ્રકારની યોજનાઓ લઈને આવી રહ્યાં છે, તેમ જ કેટલી છૂટ આપી રહ્યાં છે તેના પર સૌની નજર રહેશે. જ્યારે સશક્ત મહિલાઓની વાત કરી રહ્યા છીએ તો અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ કેવી રીતે ચૂકાય. કમલા હેરિસે બીમારોની સેવા, ઘરેલુ હિંસાથી બહાર આવવા માટે પેઇડ લીવની વાત કરી હતી. વર્ષ ૨૦૨૧માં તેઓ કેવા અને કેટલાં નક્કર પગલાં ભરશે તેના પર સૌનું ધ્યાન રહેશે.

Related Posts
1 of 70

જ્યારે મહિલાઓની શક્તિ અને સાહસની વાત થઈ રહી છે તો સેનામાં તેમની ભૂમિકા અને યોગદાનની વાત કરવી જ રહી. માર્ચ, ૨૦૨૧ સુધીમાં ભારતીય સેનામાં મહિલાઓની પહેલી બેચ શરૃ થશે. તેમને સેનાના કોર્પ્સ ઓફ મિલિટ્રી પોલીસમાં કમિશન આપવામાં આવશે. મહિલાઓના પ્રશિક્ષણની અવધિ પુરુષોને સમાન એટલે કે ૬૧ સપ્તાહની રાખવામાં આવી છે. સરકાર મહિલાઓને સશક્ત કરવા માટે વિવિધ યોજનાઓ અને કાયદાઓ લાવી રહી છે, જે અંતર્ગત સૌથી વધુ ચર્ચાયેલો કાયદો છે – લગ્નની ઉંમર એકવીસ વર્ષ કરવાની. ગયા વર્ષે આ મુદ્દો હોટ ટૉપિક રહ્યો હતો. માતૃત્વ મૃત્યુદરમાં ઘટાડો કરવા માટે સરકાર બાળ વિવાહ નિષેધ અધિનિયમ ૨૦૦૬માં વિવાહ આયુ, સજા અને દંડ ફટકારવા પર કામ કરી રહી છે. વર્ષ ૨૦૨૧માં વધુ સારા કાયદા, નિયમો અને યોજનાઓ લાગુ કરવામાં આવે તેવી અપેક્ષા સરકાર પાસે છે. લગ્નની સાથે કારકિર્દી પણ વ્યક્તિજીવનનો મહત્ત્વનો ભાગ છે. મહિલાઓ પણ કારકિર્દીલક્ષી બને તે આશયથી સરકારે વર્ષ ૨૦૨૧માં વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો કરવાના સંકેત આપ્યા છે. વર્કફોર્સમાં ઓછામાં ઓછી ત્રીસ ટકા મહિલાઓનો સમાવેશ કરવાની નીતિ પર કામ ચાલી રહ્યું છે. જો નીતિ લાગુ કરવામાં આવશે તો દેશના વૃદ્ધિદરમાં ૨૭ ટકાનો વધારો નોંધાશે. મહિલાલક્ષી યોજનાઓ તો લાગુ કરવામાં આવી રહી છે, જે થકી મહિલાઓ ઉદ્યોગ-વ્યવસાયમાં પણ સ્વતંત્રપણે કામ કરી શકે તેવી વ્યવસ્થાને જોર આપવામાં આવશે. માત્ર કન્યા શિક્ષણ પર જ નહીં, પણ કન્યાઓ ઉજ્જવળ કારકિર્દીમાં પણ રસ લે તે પ્રમાણનું માળખું તૈયાર થશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર ભૂમિકા નિભાવી રહી છે, જે સૂચવે છે કે મહિલાઓને જો યોગ્ય માહોલ મળે તો તેઓ પોતાની ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ કરીને સમાજને આગળ લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. આવનારાં વર્ષોમાં ભારત સહિતના અન્ય દેશો સ્ત્રીઓની સશક્ત ભૂમિકાનો પૂરેપૂરો ઉપયોગ થાય તે રીતે કામ કરશે.

કહેવાય છે કે મુશ્કેલીના સમયમાં જ વ્યક્તિ પોતાની ખરી ક્ષમતાનો પરિચય મેળવે છે. વિપત્તિના સમયમાં મહિલાઓ હંમેશાં આગળ રહે છે. એમ કહી શકાય કે તે પરિવાર, સમાજ અને દેશ માટે ઢાલની ભૂમિકા નિભાવે છે. મહિલાઓ જેટલી બખૂબીથી ઘર ચલાવે છે, એટલી જ બખૂબીથી સમાજ અને દેશ ચલાવી શકે છે એ વાત સાબિત થઈ ગઈ છે. બસ, હવે આવનારાં વર્ષોમાં મહિલાઓ પરિવર્તનના કેવા અને કેટલા અધ્યાય લખશે તે જોવાનું રહેશે.

Leave A Reply

Your email address will not be published.

Translate »