‘અહેસાસ’: કોરોનાના દર્દીઓને પ્રોત્સાહિત કરતું અનોખું બૅન્ડ!
બૅન્ડના ગિટારવાદક રાજ શાહ અનુભવનો દોર આગળ વધારતાં કહે છે, 'શરૃઆતમાં અમે કોરોનાના જનરલ વૉર્ડમાં પરફોર્મ આપતા હતા, એ પછી ધીરે-ધીરે ગંભીર દર્દીઓના આઈસીયુ વૉર્ડ સુધી પહોંચ્યા.
મ્યુઝિક બૅન્ડનું નામ પડે એટલે સામાન્ય રીતે આપણા દિમાગમાં સ્ટેજ પરની રંગીન લાઈટો વચ્ચે ચળકતાં કપડાં, વધેલી દાઢી અને લાંબા વાળ સાથે ડ્રમ કે ગિટાર હાથમાં લઈને વગાડતાં યુવાનોનું કોઈ ગ્રૂપ ઝળકી ઊઠે, પણ પીપીઈ કિટ પહેરીને કોઈ મ્યુઝિક બૅન્ડ કોરોના વૉર્ડમાં, કોરોનાના દર્દીઓ વચ્ચે પરફોર્મન્સ આપતું હોય તેવું તમે સાંભળ્યું છે? જો ના, તો વાંચો આગળ…
સોશિયલ મીડિયા અને ટૅકનોલૉજીના કારણે હવે દુનિયા બહુ નાની બની ગઈ છે. બે દાયકા અગાઉ એક દેશનું કલ્ચર અન્ય દેશોમાં પણ લોકપ્રિય થાય ત્યાં સુધીમાં વર્ષો વીતી જતાં હતાં, પણ ટૅકનોલૉજી, એમાં પણ ઈન્ટરનેટનાં વધતાં વ્યાપને કારણે આ પરિવર્તન હવે ગણતરીના દિવસોમાં અને ક્યારેક તો કલાકોમાં થઈ જતું જોવા મળે છે. સાંસ્કૃતિક આદાનપ્રદાનની આટલી ઝડપની પહેલાં તો કલ્પના પણ થઈ શકતી નહોતી, પણ હવે ઈન્ટરનેટ દ્વારા સંગીત અને માહિતી યુવાનોની આંગળીનાં ટેરવે રમતી થઈ ગઈ છે. ખાસ કરીને સંગીત હવે ખરા અર્થમાં ગ્લોબલ બની ચૂક્યું છે. હવે દેશનાં નાનાં શહેરનો કૉલેજિયન પણ સ્પોટીફાય પર જસ્ટિન બીબર, લેડી ગાગા, રિહાન્ના, સેલેના ગોમેઝ અને ઍકોનને સાંભળતો થયો છે. વેસ્ટર્ન મ્યુઝિક બૅન્ડની અસર હેઠળ ભારતમાં પણ ‘યુફોરિયા’, ‘અગ્નિ’, ‘ઇન્ડિયન ઓશન’ અને ‘કબીર કૅફે’ જેવા મ્યુઝિક બૅન્ડ લોકપ્રિય થયાં. આજે ગુજરાત સહિત દેશનાં દરેક મોટાં શહેરોમાં અનેક યુવાનો પોતાનું મ્યુઝિક બૅન્ડ બનાવીને આગવી ઓળખ ઊભી કરતા થયા છે.
આવા જ એક અનોખા મ્યુઝિક બૅન્ડની આપણે અહીં વાત કરવી છે. તેઓ એક એવું કામ કરે છે જે તેમને અન્ય તમામ બૅન્ડોની સરખામણીએ ખાસ બનાવી દે છે. વાત છે અમદાવાદના ત્રણ મિત્રોના બનેલા ‘અહેસાસ’ મ્યુઝિક બૅન્ડની. જેઓ કોવિડ હૉસ્પિટલોમાં પીપીઈ કિટ પહેરીને, જિંદગીનો જંગ લડી રહેલા કોરોનાના દર્દીઓનું મનોબળ વધારવા પ્રયત્નો કરે છે. સંગીત તેમનું પૅશન છે અને તેનો આ કપરાકાળમાં કેવો સદુપયોગ થઈ શકે તે તેમણે બતાવી આપ્યું છે. છેલ્લા ચાર મહિનાથી આ બૅન્ડના સભ્યો પીપીઈ કિટ પહેરીને કોરોના વૉર્ડમાં જઈને સંગીતના કાર્યક્રમો આપે છે. અત્યાર સુધીમાં તેઓ આ રીતના ૫૦થી વધુ પરફોર્મન્સ આપી ચૂક્યા છે.
અમદાવાદ સ્થિત ‘અહેસાસ’ બૅન્ડના ત્રણ સભ્યો વિરલ પટેલ, પાર્થ ભાવસાર અને રાજ શાહ પીપીઈ કિટ પહેરીને, જીવના જોખમે, કોરોના આઈસીયુ વૉર્ડમાં જઈને સંગીત રેલાવે છે. તેમની આ મહેનતના પરિણામે અનેક હિંમત હારી ચૂકેલા દર્દીઓને નવું જોમ મળે છે.
તમને જો એમ થતું હોય કે આજકાલ ભણવામાં નિષ્ફળ ગયેલા યુવાનો મ્યુઝિક બૅન્ડના રવાડે ચડીને ટાઇમપાસ કરતા હોય છે, તો ભૂલો છો. કેમ કે આ બૅન્ડના ત્રણેય સભ્યોએ ઉચ્ચ અભ્યાસ કરીને તગડા પગારની નોકરીઓ ફગાવીને પોતાના પેશનને અપનાવ્યું છે. વિરલ પટેલે લંડનમાં રહીને પ્રથમ એન્જિનિયરિંગ અને પછી એમ.બી.એ.ની ડિગ્રી મેળવી છે, પણ ગાયકી અને સંગીતના પાગલપને તેને તગડા પગારની નોકરીને ઠોકર મારીને વતન પરત ફરવા મજબૂર કરેલો. તેણે ગીતસંગીતની કોઈ પ્રોફેશનલ તાલીમ લીધી નથી. છતાં માત્ર જાતમહેનતે સૂરતાલમાં એક્કો છે. તેના અન્ય બે સાથીઓ પાર્થ ભાવસાર અને રાજ શાહે પણ અનુક્રમ એમબીએ અને બી.કોમ. કર્યું છે અને ઉચ્ચ હોદ્દાની નોકરીઓ જતી કરીને સંગીત ક્ષેત્રે ઝંપલાવ્યું છે. પાંચ વર્ષ પહેલાં એક કોમન મિત્ર થકી સંગીતના એક કાર્યક્રમમાં પરફોર્મ કરતી વખતે ત્રણેય પહેલીવાર મળ્યા હતા. એ પછી સમયાંતરે થતું રહ્યું. છેલ્લે ત્રણેયનું લક્ષ્યાંક એક હોવાનું સમજાતા ‘અહેસાસ’ નામથી મ્યુઝિક બૅન્ડ બનાવ્યું.
કોરોના વૉર્ડમાં, કોરોનાના દર્દીઓ સામે સંગીત પિરસવાનો પ્રસ્તાવ કેવી રીતે આવ્યો અને એ વખતે તમારી પ્રતિક્રિયા શું હતી? આ સવાલના જવાબમાં ડ્રમર પાર્થ ભાવસાર કહે છે, ‘એક ઇવેન્ટમાં અમારું પરફોર્મન્સ હતું. શૉ પુરો થયા પછી એક ભાઈ અમારી પાસે આવ્યા જેમણે પોતે ડૉક્ટર હોવાનું કહ્યું. વાતવાતમાં તેમણે પોતાની હૉસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓ માટે અમારા સંગીતનો કાર્યક્રમ યોજવા માગે છે, તેવો પ્રસ્તાવ અમારી સામે મૂક્યો. પહેલાં તો અમને ગુસ્સો આવ્યો. અમને લાગ્યું કે તેઓ અમારી કળાની મજાક ઉડાવી રહ્યા છે, પણ જે ગંભીરતાથી તેઓ વાત કરી રહ્યા હતા તેના પરથી અમે ઠંડા પડ્યા. તેમણે કોરોનાના દર્દીઓને સંગીતની જરૃરિયાત અને તેની તેમના માનસ પર કેવી સકારાત્મક અસર થઈ શકે તેની વિગતે છણાવટ કરી. છૂટા પડતી વખતે તેમણે વિઝિટિંગ કાર્ડ આપ્યું અને ઑફર મંજૂર હોય તો સંપર્ક કરવાનું કહ્યું. એ પછીનો સમય અમારા માટે મૂંઝવણનો હતો. કેમ કે ઑફર સ્વીકારવી કે નહીં તે અંગે અમે ભારે દ્વિધા અનુભવી રહ્યા હતા.’
બૅન્ડના ગાયક વિરલ પટેલ અહીંથી આગળની વાત કરતાં કહે છે, ‘આ વિચિત્ર ઑફર હતી. શરૃઆતમાં અમને સમજાતું નહોતું કે તે સ્વીકારવી કે નહીં. અંદરખાને અમને ક્યાંક તેમાં મજાકનું પાત્ર બની જવાની પણ બીક લાગતી હતી. સૌથી મોટો ભય તો કોરોના થઈ જવાનો લાગતો હતો. ઑફર આવી ત્યારે અમદાવાદમાં દરરોજ કોરોનાના કેસો અને મૃત્યુઆંક નવો રેકોર્ડ નોંધાવી રહ્યા હતા. સરકારથી લઈને સામાન્ય માણસ સુદ્ધાં તેનાથી કેવી રીતે બચી શકાય તે માટે પ્રયત્નશીલ હતા. એ સ્થિતિમાં આવી ઑફર સ્વીકારવાનો મતલબ સામે ચાલીને મોતના મોંમાં હાથ નાખવો એવો થતો હતો. અમે ત્રણેય મિત્રો દ્વિધામાં હતા. અંતે લાંબી ગડમથલ બાદ બે એવાં કારણો અમને મળી આવ્યાં જેણે આ જોખમી ઑફર સ્વીકારવા માટે અમને મજબૂર કર્યા. અમને યાદ આવ્યું કે દર વર્ષે અમે આનાથી પણ વધુ જોખમી અને દુર્ગમ ગણાતા પ્રદેશોની બાઈક રાઈડ કરીએ છીએ. જો સિક્કિમ, લેહ-લદ્દાખ, મેઘાલય, આસામ સહિત પૂર્વોત્તર ભારત અને નેપાળ જેવા પ્રતિકૂળ પ્રદેશમાં જોખમી રાઈડ કરીને પરત ફરી શકતાં હોઈએ તો આ સેવાકાર્ય આપણાથી થઈ જ શકે. આ સિવાય કોરોના વૉરિયર્સ એવા ડૉક્ટરોના જીવને પણ અમને પ્રોત્સાહિત કર્યા. અમે વિચાર્યું કે તેઓ જો સતત કોરોનાના દર્દીઓના સંપર્કમાં રહીને કામ કરી શકતાં હોય તો આપણે પણ કરી જ શકીએ. જો આપણા સંગીતથી પરિવારથી દૂર રહેલા દર્દીઓ, ડૉક્ટરોનું અને અન્ય સ્ટાફનું મન હળવું થતું હોય અને કોઈકની જિંદગી બચી જતી હોય તો આ કામ કરવું જ રહ્યું. આમ ફાઈનલી અમે કોરોનાના દર્દીઓ વચ્ચે જઈને સંગીત પિરસવાનું નક્કી કર્યું.’
બૅન્ડના ગિટારવાદક રાજ શાહ અનુભવનો દોર આગળ વધારતાં કહે છે, ‘શરૃઆતમાં અમે કોરોનાના જનરલ વૉર્ડમાં પરફોર્મ આપતા હતા, એ પછી ધીરે-ધીરે ગંભીર દર્દીઓના આઈસીયુ વૉર્ડ સુધી પહોંચ્યા.
જોકે અહીં સુધીની સફર જરાય આસાન નહોતી. ડૉક્ટર અને હૉસ્પિટલ સ્ટાફની જેમ અમારે પણ પીપીઈ કિટ પહેરી રાખવી પડતી હતી અને તેમ છતાં શરૃઆતમાં કોરોના થઈ જવાનો ભય સતત લાગ્યા કરતો હતો, પણ ડૉક્ટરો જે રીતે દર્દીઓની નજીક જઈને કામ કરતા હતા તેનાથી અમારો આત્મવિશ્વાસ વધ્યો. હવે તો આઈસીયુ વૉર્ડમાં જઈને કાર્યક્રમ કરવામાં પણ અમને ડર નથી લાગતો. અહીં અમે જોયું છે કે ગંભીર દર્દીઓની હાલત જોઈને તેમની આસપાસ રહેલા સામાન્ય દર્દીઓ પણ ભય અનુભવતા હોય છે, પણ અમે ગીત-સંગીત પિરસીને તેમનો ભાર હળવો કરવામાં સફળ થયા હતા. સતત ખડે પગે રહેતા ડૉક્ટરો અને હૉસ્પિટલ સ્ટાફનું મન પણ સંગીતને કારણે હળવું થતું હતું. હવે તો અમે સૌ ક્યારે ફરી પરફોર્મ કરવા આવીએ તેની રાહ જોતાં હોય છે. સામાન્ય રીતે કોરોના વૉર્ડમાં મોટી ઉંમરના દર્દીઓ વધુ હોય છે. એટલે અમે સુગમ સંગીત અને ૭૦-૮૦ના દાયકાના બોલિવૂડ ગીતોને પ્રાધાન્ય આપીએ છીએ. છેલ્લે તમે ગુજરાતમાં હો અને ગરબા ન થાય તો કેવી રીતે ચાલે? એટલે છેલ્લે ગરબા રજૂ કરીએ છીએ અને તેના પર દર્દીઓ, ડૉક્ટરો સૌ ઝૂમી ઊઠે છે.’
ડ્રમર પાર્થ ભાવસાર એક લાગણીસભર અનુભવ યાદ કરતાં કહે છે, ‘સંગીત માણસના દિમાગ પર કેવી જાદુઈ અસર કરી શકે છે તે મેં નજરે જોયું-અનુભવ્યું છે. અમે પરફોર્મ કરવા ગયા ત્યારે એક વડીલની સ્થિતિ ગંભીર હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેઓ બોલી પણ શકતા નહોતાં, પણ જેવું અમે ગાવાનું શરૃ કર્યું કે ધીમે-ધીમે તેઓ સંગીતમાં લીન થવા લાગ્યા. અમારું પરફોર્મન્સ જેમ-જેમ આગળ વધતું ગયું તેમ-તેમ વડીલ ખીલતા ગયા. પથારીમાં પડ્યા પડ્યા તેમના હાથપગ ડોલવા લાગ્યા. શરીર અમારા ગીત સાથે તાલ મેળવવા લાગ્યું. એ રીતે તેમનું મન પ્રફુલ્લિત થઈ ગયું. મનોભાર ઓછો થયો અને છેલ્લે અમે વિદાય લીધી ત્યારે તેમની સ્થિતિ ઘણી સામાન્ય થઈ ચૂકી હતી. ફરીવાર જ્યારે અમે ત્યાં ગયા ત્યારે તેઓ એકદમ સ્વસ્થ થઈ ગયા હતા. એ વખતના કાર્યક્રમમાં તેમણે સૌની સાથે ગરબા કર્યા અને સાંજે હૉસ્પિટલમાંથી તેમને રજા અપાઈ. આ સિવાય અમુક એવા દર્દીઓ પણ અમે જોયા છે જે વ્હિલચૅરમાં બેસીને હૉસ્પિટલમાં દાખલ થયા હોય, પણ અમારાં ગીતો પર ઊભા થઈને ગરબા કર્યા હોય અને પછી ટૂંક સમયમાં સ્વસ્થ થઈને રજા લીધી હોય.’
વિરલ, પાર્થ અને રાજ આગામી દિવસોમાં કોરોના પર પાંચ ગીતોનું એક આલ્બમ લૉન્ચ કરવા જઈ રહ્યા છે. જેમાં કોરોના સામે કેવી રીતે લડવું તેની વાત છે. હવે તો તેમણે પોતાનું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ બનાવ્યું છે જ્યાં વધુ ને વધુ લોકો તેમની સાથે જોડાતા જઈ રહ્યા છે. હાલ અમદાવાદમાં અનેક મ્યુઝિક બૅન્ડ છે, પણ ‘અહેસાસ’નું કામ અને ભાવના બંને તેમને અનન્ય બનાવે છે.