તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છના રણમાં લિગ્નાઇટ મળશે?

લિગ્નાઇટની ઉત્પત્તિ લાખો વર્ષો પહેલાં થઈ છે તેથી જમીનમાં ખૂબ ઊંડે બંને જગ્યાએથી લિગ્નાઇટ મળવાની શક્યતા છે

0 462

ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે કચ્છથી માત્ર ૪૦ કિ.મી. દૂર પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં આવેલા થરના રણમાં ૯ હજાર ચો.કિ.મી.ના વિસ્તારમાં ૧૭૫ બિલિયન ટન લિગ્નાઇટનો જથ્થો મળી આવ્યો છે. થરના રણની દક્ષિણે કચ્છનું મોટું રણ છે. લિગ્નાઇટ તો લાખો વર્ષ પહેલાં બન્યું હતું. આથી કચ્છના રણની નીચેના ખડકો પર કદાચ લિગ્નાઇટનો જથ્થો હોઈ શકે તેવી સંભાવના વૈજ્ઞાનિકો જોઈ રહ્યા છે.

જોકે આ વાતને ભૂસ્તરશાસ્ત્રીઓ અનુમોદન આપતા નથી. તેઓના મતે જે સમયગાળા દરમિયાન લિગ્નાઇટની રચના થઈ તેનાં લાખો વર્ષો પહેલાં કચ્છના રણની નીચેના ખડકોની રચના થઈ હતી. તેમ જ લિગ્નાઇટ બનવાના સમયગાળા દરમિયાન કચ્છના રણનો વિસ્તાર દરિયાઈ સપાટીથી ઊંચાણમાં આવેલી જમીનનો ભાગ હતો તેથી ત્યાં લિગ્નાઇટ હોઈ ન શકે.

કચ્છના પાન્ધ્રો અને આસપાસના અનેક વિસ્તારોમાં લિગ્નાઇટની ખાણો છે. અહીંથી નિકળતા લિગ્નાઇટથી પાવરપ્લાન્ટ પણ ચાલે છે, ત્યારે કચ્છના મોટા રણમાં પણ લિગ્નાઇટ હોવાની શક્યતાઓ અમુક વિજ્ઞાનીઓ જોઈ રહ્યા છે. ખાસ કરીને પાકિસ્તાનના સિંધ પ્રાન્તમાં આવેલા થરપારકર જિલ્લાના થરના રણમાં અમેરિકાની મદદથી પાકિસ્તાને લિગ્નાઇટનો વિશાળ જથ્થો શોધી કાઢ્યો છે અને આ લિગ્નાઇટથી ચીનની મદદ વડે મોટા પાયે વીજઉત્પાદન પણ શરૃ કરાયું છે. એવા સંજોગોમાં જો કચ્છના રણમાં પણ લિગ્નાઇટનો જથ્થો મળી આવે તો દેશની ઊર્જાની ખૂબ મોટી જરૃરત સહેલાઈથી સંતોષી શકાય. પાકિસ્તાનનું થરનું રણ અને કચ્છનું રણ ભૌગોલિક રીતે પાસે પાસે આવેલા છે. થરના રણની દક્ષિણે કચ્છનું રણ છે. આ ઉપરાંત લિગ્નાઇટની ઉત્પત્તિ લાખો વર્ષો પહેલાં થઈ છે તેથી જમીનમાં ખૂબ ઊંડે બંને જગ્યાએથી લિગ્નાઇટ મળવાની શક્યતા છે. આ માટે કચ્છના રણમાં આધુનિક ટૅક્નોલોજીની મદદથી સંશોધન કરવું જોઈએ એવું વૈજ્ઞાનિકો માની રહ્યા છે. જોકે અમુક ભૂસ્તરશાસ્ત્રીઓ આ વાત સાથે સહમત નથી. તેઓ માને છે કે લિગ્નાઇટ જ્યારે પૃથ્વીના પેટાળમાં પેદા થયું તે સમયે થરના રણની અને કચ્છના રણની ભૂસ્તરીય પરિસ્થિતિ અલગ-અલગ હતી. કચ્છના રણના ખડકો લિગ્નાઇટની રચનાથી ઘણા વર્ષો પહેલાંના છે. તેમ જ તે સમયે થરના રણની જગ્યાએ દરિયો હતો અને કચ્છના રણની જગ્યાએ ભૂમિ હતી. તેથી કચ્છના રણની નીચે લિગ્નાઇટ હોવાની શક્યતા તદ્દન નહીંવત છે. જોકે રણમાં સંશોધન થાય તો લિગ્નાઇટ, ઓઇલ કે ગેસ કંઈ પણ મળી શકે. આથી સંશોધન કરવા માટે બધા જ વૈજ્ઞાનિકો સહમત છે.

કચ્છના રણમાં લિગ્નાઇટ મળી શકે તેવું માનનારા ઇસરોના માજી વૈજ્ઞાનિક પ્રભુદાસ ઠક્કરના જણાવ્યા મુજબ, ‘૧૯૯૧માં જિયોલોજિકલ સર્વે ઓફ પાકિસ્તાન અને યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ’ દ્વારા સંયુક્ત રીતે સંશોધન કરીને થરના રણમાં દુનિયાનો ૧૬મો સૌથી મોટો લિગ્નાઇટનો જથ્થો શોધી કઢાયો હતો. ૯૦૦૦ ચો.કિ.મી.ના વિસ્તારમાં અંદાજે ૧૭૫ બિલિયન ટન જેટલો લિગ્નાઇટનો જથ્થો છે. આટલો જથ્થો સદીઓ સુધી પાકિસ્તાનની ઊર્જાની જરૃરિયાત પુરી કરી શકે તેમ છે. આ વિસ્તાર કચ્છથી ફક્ત ૪૦ કિ.મી. દૂર છે. લિગ્નાઇટનો જથ્થો લાખો વર્ષો પહેલાં ધરતીના પેટાળમાં રચાયો છે. ત્યારે પાકિસ્તાનની જેમ જ કચ્છના રણમાં પણ આવો જથ્થો હોવાની શક્યતા છે. આ માટે અત્યાધુનિક ટૅક્નોલોજી વડે સંશોધન જો કરવામાં આવે તે જરૃરી છે.’

Related Posts
1 of 142

પોતે આ અંગે કેવી રીતે જાણ્યું તે અંગે વાત કરતાં તેઓ કહે છે, ‘હું અને ઇસરોના બીજા એક વૈજ્ઞાનિક દીપકભાઈ મારૃ સરસ્વતી નદીના વહેણ અંગે સેટેલાઇટ તસવીરો વડે સંશોધન કરતા હતા. પાકિસ્તાનના થરપારકરમાં આ નદી ક્યાં સુધી જાય છે તે જોવાના પ્રયત્નમાં અમને થરના રણમાં નવો જ થયેલો વિકાસ નજરે ચડ્યો અને ખ્યાલ આવ્યો કે ચીનની મદદથી પાકિસ્તાને લિગ્નાઇટ આધારિત ૩૩૦ મેગાવોટના બે પાવરપ્લાન્ટ પણ તૈયાર કર્યા છે અને તેમાંથી વીજઉત્પાદન પણ શરૃ થઈ ગયું છે. ચીને તેમને નગરઠઠ્ઠાથી કોલ ફિલ્ડ સુધીના માર્ગ પહોળા કરવામાં પણ મદદ કરી છે. હજુ પણ બીજા બે ૩૩૦ મે.વો.ના પ્લાન્ટ નાખવાની તૈયારી કરાઈ થઈ રહી છે. અત્યારે તે ૩.૮ મિલિયન ટન કોલસો કાઢે છે. ફેઝ-૨માં ૧૩.૫ અને ફેઝ-૩માં ૧૯.૫ મિલિયન ટન કોલસો કાઢીને ૨૪૦૦ અને ૩૬૦૦ મે.વો. વીજઉત્પાદનની ગણતરી છે.’

તેઓ વિશેષમાં જણાવે છે કે, ‘ભારતમાં રાજસ્થાનમાં સિંધડી પાસે અને કચ્છમાં પાન્ધ્રો પાસેથી લિગ્નાઇટ નિકળે છે. લિગ્નાઇટનો આ બેડ જ પાકિસ્તાનના થરપારકર સુધી લંબાયો હોવાની અને તે જ બેડ કચ્છના મોટા રણમાં હોવાની પણ શક્યતા છે. લિગ્નાઇટ લાખો વર્ષ પહેલાં ટર્શરી સમયગાળામાં બન્યું છે જ્યારે રણ બન્યાને તો માત્ર ૫૦૦૦ વર્ષ જ થયાં છે. આથી રણની નીચેનો સ્તર જેમાં લિગ્નાઇટ છે તે બધે જ એક જ હોવાની શક્યતા છે. આ માટે એડવાન્સ ટૅક્નોલોજીની મદદથી સંશોધન કરવું જોઈએ. ખાસ કરીને કચ્છના રણમાં આવેલા ધરમશાળા, કુંવરબેટ, શક્તિબેટ, ભેડિયાબેટ, વીધાકોટ, નરાબેટ વગેરેમાં સંશોધન થાય તો વધુ વિગત મળી શકે. જોકે આ વિસ્તારની સેટેલાઇટ તસવીરો પરથી કંઈ ખ્યાલ આવી શકતો નથી, કારણ આ વિસ્તારમાં પાણી ભરાય છે અને જ્યારે પાણી ન હોય ત્યારે મીઠાના થર જામેલા હોય છે. તેમ જ આ રણ વિસ્તારમાં જમીનમાંથી પણ પાણી ઉપર આવી જાય છે. જેના કારણે સેટેલાઇટ તસવીરોમાંથી કંઈ ખબર પડતી નથી. આથી ગ્રાઉન્ડ સર્વે અને ડ્રિલિંગ વડે જ સંશોધન થઈ શકે તેમ છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ઇસરો કે પીઆરએલ જેવી સંસ્થાઓ દ્વારા આ અંગે વધુ સંશોધન થવું જોઈએ.’

તેમની વાત સાથે ઇસરોના અન્ય વૈજ્ઞાનિકો પણ સહમત હોવા છતાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના માજી પ્રોફેસર કૃષ્ણા તિવારી સહમત નથી. તેઓ જણાવે છે કે, ‘કચ્છના રણમાં લિગ્નાઇટ મળવાની સંભાવના નથી. અહીં જે ખડકો છે તે મેસોઝોઇક (૧૮૦થી ૨૦૦ કરોડ વર્ષ પહેલાંનાં વર્ષો) સમયગાળાના ખડકો છે. જ્યારે લિગ્નાઇટની રચના ૪૩થી ૪૦ કરોડ વર્ષ પહેલાંના ખડકો પર થઈ છે. કચ્છના રણ વિસ્તારમાં વધુ જૂના ખડકો છે. આ સમયના ખડકો પર લિગ્નાઇટ નથી. પાન્ધ્રો વિસ્તારમાં અંદાજે ૪૦-૪૩ કરોડ વર્ષ જૂના ખડકો છે. તેથી અહીં લિગ્નાઇટ મળે છે. તેમ જ ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જોઈએ તો જ્યારે લિગ્નાઇટ ખડકો પર જમા થયું ત્યારે એટલે કે ૪૦ કરોડ વર્ષ પહેલાં કચ્છના રણનો વિસ્તાર ઊંચાઈ પર, જમીનના ભાગરૃપે હતો. જ્યારે રાજસ્થાનના બાડમેર, બિકાનેરનો વિસ્તાર તે સમયે દરિયાઈ વિસ્તાર હતો. પાકિસ્તાનનો થરપારકરનો વિસ્તાર પણ રાજસ્થાન જેવો દરિયો હતો. તેથી નદી દ્વારા લવાતો વનસ્પતિઓનો કચરો નદીના મુખત્રિકોણમાં, દરિયામાં  ઠલવાતો હતો અને કાળે કરીને તેમાંથી બનેલો લિગ્નાઇટ ત્યાંના ખડકો પર એકઠો થયો. લાખો વર્ષો પછી ધરતીકંપ જેવી ઘટનાઓના કારણે કચ્છનું રણ સર્જાયું. આથી ત્યાં લિગ્નાઇટ મળવાની કોઈ શક્યતા નથી. આમ છતાં જો આધુનિક યંત્રોની મદદથી સર્વેક્ષણ કરાય તો લિગ્નાઇટ નહીં તો કદાચ ઓઇલ કે ગેસ મળી પણ શકે. આથી સર્વેક્ષણ કરવામાં કંઈ ખોટું નથી.’

ઇસરોના વૈજ્ઞાનિકોના મતાનુસાર કચ્છના રણમાં લિગ્નાઇટ મળવાની શક્યતા છે, જ્યારે ભૂસ્તરશાસ્ત્રીના મતે આવી કોઈ શક્યતા નથી. જોકે આ વિસ્તારમાં આધુનિક ટૅક્નોલોજીથી સર્વે અને સંશોધન કરવામાં આવે તે બાબતે બંને સહમત છે.

પ્રભુદાસ ઠક્કર એક આશંકા વ્યક્ત કરતાં જણાવે છે, ‘જો કચ્છના રણ પ્રત્યે આપણે જાગરૃક નહીં રહીએ તો કદાચ પાકિસ્તાન ચીનની મદદથી પોતાના વિસ્તારમાં લિગ્નાઇટ કાઢતી વખતે ભારતની સરહદની જમીનની નીચેથી લિગ્નાઇટ પણ લઈ જઈ શકે છે. ઉપર આપણે ચોકી કરતાં રહીએ અને નીચે તે મહામૂલું લિગ્નાઇટ ઉસેડી જાય, એવું ન બને તે માટે પણ આ વિસ્તારમાં સંશોધન કરીને સરહદોને જાગતી રાખવી જરૃરી છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »