તમારા માટે, તમારી સાથે, સતત…

બાળકનાં ‘પગલાં’ની છાપથી રોગનું વહેલું નિદાન

શું છે વૉટર પ્રિન્ટ ટૅક્નોલોજી?

0 244

સપાટ તળિયાવાળા બાળકને જિંદગી આખી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ નાની ઉંમરે આ સમસ્યા તરફ બહુ ધ્યાન જતું નથી. બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન સેન્ટર દ્વારા બાળકના પગના તળિયાની સમસ્યાના નિદાન માટે વગર પૈસે અને બહુ જ ઓછા સમયમાં કરી શકાતી ટેક્નિક શોધાઈ છે.

આજે બાળકો મેદાની રમતો ભૂલી ગયા છે. મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં ઘરની બહાર રમવા જવાનું પ્રમાણ ઘટ્યું છે, જ્યાં બાળકો બહાર રમે છે, ત્યાં પણ તેઓ મોટા ભાગે સિમેન્ટ- કોન્ક્રિટના બનેલા મેદાનમાં રમે છે, આથી માટીમાં રમવાનો તો સવાલ જ પેદા થતો નથી. આના કારણે બાળકોના પગમાં જે ક્ષતિઓ હોય છે તે કુદરતી રીતે રિપેર થતી નથી. આજે અનેક બાળકોના પગના તળિયા સપાટ હોય છે. આવા બાળકોને ઊભા રહેવામાં, દોડવા જેવી રમતો રમવામાં મુશ્કેલી પડે છે અને મોટી ઉંમરે કમર, એડી અને ઘૂંટણના દુખાવાની તકલીફ થાય છે. દરેક વ્યક્તિના પગના તળિયામાં એક પ્રકારનો વળાંક હોય છે, પરંતુ જો આવો વળાંક ન હોય અથવા બહુ વધારે હોય તો અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો નાની ઉંમરમાં પગના તળિયાની સમસ્યાનો ખ્યાલ આવી જાય તો કસરત કે અમુક પ્રકારના સપોર્ટથી તળિયાના સ્નાયુઓ મજબૂત થઈ શકે અને તકલીફો ઘટી શકે, પરંતુ નાની ઉંમરમાં આવી સમસ્યાનું નિદાન થતું નથી.

માંડવી તાલુકાના બિદડામાં આવેલા સર્વોદય ટ્રસ્ટ દ્વારા દર વર્ષે બાળ આરોગ્ય શિબિર યોજાય છે. જેમાં મુન્દ્રા અને માંડવી તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના હજારો વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. આ કેમ્પ દરમિયાન બાળકોના તળિયાની સમસ્યાઓ સામે આવી હતી. મોટા શહેરોમાં આવી તકલીફના નિદાન માટે મોંઘા મશીનો અને અદ્યતન ટૅક્નોલોજીની મદદ લેવામાં આવે છે, પરંતુ તે ખૂબ જ ખર્ચાળ હોય છે. ભારતના ખાસ કરીને કચ્છનાં નાનાં નાનાં ગામડાં સુધી આવી ટૅક્નોલોજી હજુ પહોંચી પણ નથી. આથી જ કોઈ સસ્તી અને ગામડાંમાં સહેલાઈથી ઉપલબ્ધ કરી શકાય તેવી પદ્ધતિની જરૃર હતી. સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા વગર પૈસે અને કોઈ ખર્ચાળ ટૅક્નોલોજી વિના પગના તળિયાની સમસ્યાઓનું નિદાન કરી શકાય તેવી સહેલી પદ્ધતિ શોધી કઢાઈ છે. તેને નામ અપાયું છે – વૉટર પ્રિન્ટ ટૅક્નોલોજી.

આ ટૅક્નોલોજી વિશે વાત કરતાં સંસ્થાના માનદ્ ડાયરેક્ટર મુકેશભાઈ દોશી જણાવે છે કે, ‘ભગવાને આપેલો પગનો પંજો એ જાણે એન્જિનિયરિંગની કમાલ હોય તેવો છે. તેમાં સૌથી વધુ હાડકાં, લીગામેન્ટ, મસલ્સ અને કમાનો (આર્ચ) છે. માણસને હરવા ફરવા માટે પગનો પંજો સૌથી વધુ ઉપયોગી અંગ છે, પરંતુ જો બાળકના પગના પંજામાં કે તળિયામાં કોઈ સમસ્યા હોય તો તેના કારણે ઘૂંટણ, એડી, કમર વગેરે અંગોમાં સમસ્યાઓ સર્જાય છે. જો તળિયાની સમસ્યાનું વહેલું નિદાન થાય તો ભવિષ્યમાં, મોટી ઉંમરે સર્જાનારી બીમારીઓમાંથી બચી શકાય છે. અત્યારે આ સમસ્યાના નિદાન અંગે જે ટૅક્નોલોજી ઉપલબ્ધ છે તે બહુ મોંઘી અને ગામડાંમાં ઉપલબ્ધ ન હોય તેવી છે. અમે જે પદ્ધતિ વિકસાવી છે તેમાં માત્ર એક વાસણમાં ભરેલું ચોખ્ખું પાણી જ જરૃરી છે. વીજળી કે અન્ય કોઈ સાધનોની જરૃર નથી. તેમાં સમય પણ ખૂબ જ ઓછો લાગે છે. તેમ જ આ નિદાન કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. શાળાઓમાં થતી આરોગ્ય ચકાસણી દરમિયાન પણ તે સહજ જાણકારીથી કરી શકાય તેમ છે. આ ઉપરાંત આ પદ્ધતિની વિશેષતા એ છે કે તેના થકી થયેલું નિદાન અદ્યતન મશીનો વાપરીને કરાયેલા નિદાન જેટલું જ અચૂક હોય છે. આ ટૅક્નોલોજીથી છેલ્લાં ચાર વર્ષથી ૧૭૧૧૯ જેટલા ૫ાંચથી ૧૭-૧૮ વર્ષની વયનાં બાળકોની ચકાસણી કરવામાં આવી છે. જેમાંથી લગભગ ૧૪.૧૨ ટકા બાળકો પગના પંજાની સમસ્યા ધરાવતા હોવાનું જણાયું છે.’

શું છે વૉટર પ્રિન્ટ ટૅક્નોલોજી?

Related Posts
1 of 55

આ ટૅક્નોલોજી વિશે માહિતી આપતા સંસ્થાના ફિઝિયોથેરાપિસ્ટ અશોકભાઈ ત્રિવેદી જણાવે છે કે, ‘બાળકને ચોખ્ખું પાણી ભરેલા ટબમાં ઊભું રાખીને તેના તળિયા બરાબર ભીના થાય એટલે તેને ચોખ્ખી જમીન પર થોડાં ડગલાં ચલાવવાના. તેનાં જે પગલાં પડે તેનું નિરીક્ષણ જાણકારો કરે. તેમાં જો પગની ખાંચ મોટી દેખાય તો કે જો ખાંચ ન દેખાય તો બાળકના પગના તળિયામાં સમસ્યા છે તેવું નિદાન થઈ શકે છે. સમસ્યા હોય તેવા બાળકોને ખાસ પ્રકારની કસરતો શીખવાડાય છે. જે કરવાથી તળિયાના સ્નાયુઓ મજબૂત બને છે અને ૧૨ વર્ષ સુધીનાં બાળકોના પગનો વિકાસ થતો હોવાથી તેની સમસ્યા પણ ઘટે છે. તળિયાની છાપમાં સમસ્યા વધુ લાગે તો બાળકને કસરતની સાથે-સાથે ચપ્પલ, બૂટ કે સેન્ડલમાં ફીટ થઈ શકે તેવો એક ખાસ પ્રકારનો સોલ અપાય છે. જેનાથી તેના તળિયાને એક પ્રકારનો આધાર મળી રહે અને તેની સમસ્યા ઘટી જાય. પગના તળિયાની સમસ્યા માટે અત્યારે કોઈ ખાસ સર્જરી કે અન્ય કોઈ સારવાર ઉપલબ્ધ નથી. આથી કસરત અને તળિયાને સપોર્ટ એ જ મહત્ત્વનું છે.  જો બાળકને નાનપણથી માટી કે રેતીમાં ખૂબ રમવા દેવામાં આવે, તો આવી તકલીફો કુદરતી રીતે જ સારી થવામાં મદદ મળે છે, પરંતુ આજે બાળકો મેદાની રમતો ઓછી રમે છે. શહેરો કે ગામડાંમાં રમવા માટે સિમેન્ટ- કોંક્રિટનાં મેદાનો હોય છે, આથી બાળકની તકલીફ વધતી જાય છે.’

વૉટર પ્રિન્ટ ટૅક્નોલોજી માત્ર નાના બાળકો માટે જ ઉપયોગી છે એવું નથી. મોટી ઉંમરના લોકોની સમસ્યાઓનું પણ આ ટૅક્નિકથી નિદાન થઈ શકે છે, પરંતુ નાની ઉંમરમાં જ્યારે પગનો વિકાસ થતો હોય ત્યારે કરાયેલું નિદાન અને તેની કસરતોથી જે ફાયદો થાય છે તેટલો ફાયદો મોટી ઉંમરની વ્યક્તિને થતો નથી. મોટી વ્યક્તિને કસરત આજીવન કરવી પડે છે અને ચપ્પલ કે બૂટમાં ખાસ પ્રકારના સોલ પણ કાયમ માટે પહેરવા પડે છે, પરંતુ તેથી તેને થતી કમર, એડીની તકલીફો ઓછી થાય છે.

પગના પંજા ઉપરાંત બાળકોને ખૂંધની સમસ્યા પણ સતાવતી હોય છે. કરોડરજ્જુના અસામાન્ય વળાંકના કારણે પીઠની એક તરફ ખૂંધ નીકળે છે. આવી ખૂંધનો ઇલાજ પણ અહીં એક ખાસ પ્રકારનું જેકેટ પહેરાવીને કરાય છે. આ પ્રકારના રોગના કારણે બાળકની શારીરિક સ્થિતિ પર સીધી અસર થાય છે. આ પ્રકારની શારીરિક પરિસ્થિતિનું પણ જો વહેલાસર નિદાન થાય તો બાળકને ભવિષ્યમાં થનારી વિવિધ સમસ્યાથી બચાવી શકાય છે. ગામડાંમાં આ પ્રકારની સમસ્યાના પ્રાથમિક નિદાન માટે આધુનિક મશીનો ઉપલબ્ધ નથી. તેથી જ તેના માટે સાદી અને એક પણ પૈસાના ખર્ચ વગરની ટૅક્નિક આ ટ્રસ્ટ દ્વારા વપરાય છે. આ માટે એડમ્સ ફોરવર્ડ બેન્ડિંગ ટેસ્ટ કરાય છે. જેમાં બાળકને કમરથી નીચા વળવાનું કહેવામાં આવે છે અને તેના પીઠ પર કોઈ અસામાન્ય લક્ષણ જણાય તો તે વિશે વધુ વિગતે તપાસ કરવામાં અને નિષ્ણાતોનું માર્ગદર્શન લેવામાં આવે છે. જો વહેલું નિદાન થાય તો ભવિષ્યમાં ઑપરેશનમાંથી બચી શકાય છે. જો બાળકને ખૂંધનાં લક્ષણો જણાય તો તેને વિશેષ પ્રકારની કસરતો શિખવાડાય છે અને ખાસ પ્રકારના ઓર્ફિટ મટીરિયલમાંથી બનેલા બ્રેસિસ (એક પ્રકારના જેકેટ) ખાસ કરીને રાતના સમયે પહેરવા અપાય છે. જેના કારણે આવેલી

વિકૃતિ ધીરે ધીરે ઓછી થતી જાય છે.

આ પ્રકારે જો સીધીસાધી પદ્ધતિથી સપાટ તળિયા અને ખૂંધ જેવી બાળકોની શારીરિક વિકૃતિઓનું પ્રાથમિક તબક્કે નિદાન થાય તો તેનો ઇલાજ કરી શકાય છે અને મોટા થયા પછી થતી બીમારીથી બચી શકાય છે. આ

પ્રકારની પદ્ધતિથી નાનાં ગામડાંની દરેક શાળાઓમાં થતાં બાળ આરોગ્ય કેમ્પમાં બાળકોની તપાસ કરવામાં આવે તે ઇચ્છનીય છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »