તમારા માટે, તમારી સાથે, સતત…

દેશ કોરોના ઉપરાંત તીડના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે

અચાનક આમ તીડના આક્રમણની ઘટનાઓ કેમ આકાર લઈ રહી છે

0 90
  • સાંપ્રત – હેતલ ભટ્ટ

દેશમાં હજુ કોવિડ-૧૯નું સંકટ ઊભું ને ઊભું છે ત્યાં વળી એક નવા સંકટ સામે દેશ ઝઝૂમી રહ્યો છે. સંક્ટ છે તીડના આક્રમણનું. ગયા વર્ષે તીડના આક્રમણે ગુજરાતમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. એ ઘટનાને હજુ સમય નથી વીત્યો ત્યાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ફરી એકવાર તીડોએ આક્રમણ કર્યું છે.

રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના રસ્તે તીડનાં ઝુંડ મધ્ય પ્રદેશમાં પ્રવેશ્યા અને સમગ્ર ઊભા પાકને નુકસાન પહોંચાડ્યું. મે મહિનાના મધ્યગાળા દરમિયાન તીડ સૌ પ્રથમ નીમચ અને પછી આગ્રા, માલવા, શ્યોપુર, રતલામના રસ્તે થઈને ચંબલ, અંચલ, મધ્યભાગ, નર્મદાંચલ, બુંદેલખંડ, મહાકોશલ અને વિંધ્ય પહોંચ્યા, જ્યાં તેમણે મોટાપાયે ઊભા પાકનો વિનાશ વેર્યો. જે માર ગયા વર્ષે ગુજરાતે વેઠવો પડ્યો હતો, એ જ સ્થિતિ આજે મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાં તીડોના ઝુંડે આક્રમણ કર્યું છે, પણ આ વખતના આક્રમણમાં સૌથી વધુ નુકસાન મધ્યપ્રદેશને પહોંચ્યું છે. તીડોએ શાકભાજી અને મગના પાકને નુકસાન પહોંચાડ્યું.

ગયા વર્ષે તીડે ગુજરાતમાં મોટાપાયે વિનાશ વેર્યો હતો. તેની પાછળ ઘણા બધાં કારણો જવાબદાર હતાં. ઘણા લાંબા સમય પછી તીડોનું આક્રમણ થયું હતું, ખેડૂતો અને તંત્ર અચાનક થયેલા આ આક્રમણ સામે લડવા સજ્જ નહોતા. પરિણામે તેમના પર કાબૂ મેળવવો મુશ્કેલ બની ગયું હતું. આ વખતે કોવિડ-૧૯ને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેના કારણે તંત્ર તીડના આક્રમણ સામે પગલાં લેવામાં નબળું પુરવાર થયું છે. ચોમાસું શરૃ થતાં જ ખેડૂતો વિવિધ ધાન્ય, શેરડી, કપાસ અને અન્ય પાકની વાવણી કરે છે, હવે આવા સમયે જો તીડના આક્રમણને રોકવામાં ન આવ્યું તો ખેડૂતોને મોટાપાયે નુકસાન જવાની શક્યતા છે.

Related Posts
1 of 142

સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય કે અચાનક આમ તીડના આક્રમણની ઘટનાઓ કેમ આકાર લઈ રહી છે. તો તેનો જવાબ છે – ઇન્ડિયન ઑશન ડિપોલ. હિન્દ મહાસાગરના નિયત તાપમાન કરતાં વધુ ગરમ થઈ જવાની ઘટનાને ઇન્ડિયન ઑશન ડિપોલ કહેવામાં આવે છે. તેના પરિણામે પૂર્વી અને પશ્ચિમી વિસ્તારોમાં અલગ-અલગ તાપમાન નોંધાય છે. તેને કારણે ભારત અને પશ્ચિમ એશિયામાં પડનારા વરસાદ પર અસર પડે છે. જો પશ્ચિમ ભાગ પૂર્વી ભાગની સરખામણીમાં વધુ ગરમ હોય તો તેને સકારાત્મક રીતે જોવામાં આવે છે. ગયા વર્ષે આ પોઝિટિવ ડિપોલ ખૂબ પ્રભાવી હતો, તેને કારણે જૂન મહિનામાં જ જબરદસ્ત વરસાદ વરસ્યો. લાંબા વર્ષાકાળને કારણે સૂકા વિસ્તારોની માટીમાં પણ ભેજનું પ્રમાણ નોંધાવા લાગ્યું. આ રીતે બદલાયેલો મોસમ અને ભૌગોલિક સ્થિતિ તીડને પ્રજનન માટે મદદરૃપ પુરવાર થાય છે. આમ અનુકૂળ પરિસ્થિતિઓને કારણે તીડની પ્રજનન પ્રક્રિયાને વેગ મળે છે પરિણામે તેમની વસતીમાં પણ વધારો નોંધાય છે.

સામાન્ય રીતે તીડ ખરીફ પાક દરમિયાન હુમલો કરતાં હોય છે. એટલે કે જૂનથી નવેમ્બર મહિનાની વચ્ચે તેઓ આક્રમણ કરે છે. જોકે, આ વર્ષે જૂન મહિના પહેલાં જ તેમણે ભારતમાં વિવિધ રાજ્યોમાં નુકસાન કર્યું છે.  માનવામાં આવી રહ્યું છે કે તીડના ઝુંડ બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળને પાર કરતાં નેપાળ અને બાંગ્લાદેશ સુધી પહોંચી શકે છે. જોકે, તેમને ગંગાના મેદાની વિસ્તાર એટલે કે બિહાર-ઝારખંડ પાસે જ રોકી લેવામાં આવે તેવો પ્રયત્ન ભારત દ્વારા કરવામાં આવી રહ્યો છે.

તીડના આક્રમણને રોકવા માટે માઇક્રોનિયરનો ઉપયોગ કરવામાં આવે છે. આ માઇક્રોનિયર બ્રિટનથી મંગાવવામાં આવ્યા છે, પણ કોવિડ-૧૯ને કારણે માઇક્રોનિયર ભારત પહોંચતા સપ્ટેમ્બર મહિના સુધીનો સમય લાગશે તેમ કહેવાઈ રહ્યું છે. હાલમાં જેટલાં માઇક્રોનિયર ભારત પાસે છે તેનાથી જ કામ ચલાવાઈ રહ્યું છે. આ ઉપરાંત હેલિકૉપ્ટર માઉન્ટેડ સ્પ્રે બનાવનારી કંપની પણ બ્રિટનની છે. લૉકડાઉનને કારણે તેના ભાગો પણ ભારત પહોંચી નથી શક્યા.

કેન્દ્ર સરકારે ડ્રોનના ઉપયોગથી સ્પ્રે કરવાની પદ્ધતિને ચોવીસ કલાકમાં જ મંજૂરી આપી દીધી હતી, પરંતુ હજુ સુધી ડ્રોન સ્પ્રેનો ઉપયોગ કરવાની કોઈ રણનીતિ બનાવવામાં આવી હોવાનું જણાવાયું નથી. જનમાનસમાં એવી સમજ પ્રવર્તી રહી છે કે તીડનું આક્રમણ થાય એમાં આપણે કેટલા ટકા, એ તો ખેડૂતોનો પ્રશ્ન છે, જ્યારે આ આક્રમણ એ માત્ર ખેડૂતો પર નથી એ સમજવું રહ્યું. જો ઊભા પાકને નુકસાન થશે તો આપણે ખાઈશું શું, એ વિચારવા જેવી વાત છે. જે પાક બચી ગયો હશે, તે માર્કેટમાં આવશે, ત્યારે તેના ભાવમાં વધઘટ નોંધાશે, એ મુદ્દો પણ આપણને સૌ ને જ સ્પર્શવાનો છે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »