- પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા
અઢારસો સત્તાવનમાં જૂન મહિનામાં બળબળતા તાપમાં અને પછી ધોધમાર વરસાદમાં ગુજરાત કેવો વલોપાત અનુભવી રહ્યું હતું?
૧૬૭ વર્ષ પહેલાંનું એ દૃશ્ય આજે પણ કંપિત કરી મૂકે તેવું છે. અમદાવાદના લશ્કરી કન્ટેનમૅન્ટમાં સિપાહીઓને કતારબદ્ધ ઊભા રાખવામાં આવ્યા હતા. સામે તોપ અને ફાંસીનો માંચડો હતો. ગોરા અમલદારે હુકમ આપ્યો અને સેનામાં બગાવત કરનારા સાતમી મરાઠા રેજિમૅન્ટના વિપ્લવીઓને તોપના ગોળે ઊડાવી દેવાયા. તોપમાં દારૃગોળો ખૂટી પડ્યો એટલે બીજાને ફાંસીએ દેવાયા.
૧૪ સપ્ટેમ્બર, ૧૮૫૭નો એ દિવસ ગુજરાતમાં વિપ્લવનો યાદગાર ઘટના દિવસ હતો. આ બધાને પકડવા માટે કેપ્ટન ગ્રીમ્સ સક્રિય હતો. લશ્કરના આ સિપાહીઓની યોજના હતી કે વડોદરા સુધી પહોંચવું, વચ્ચેનાં ગામડાંઓને એકત્રિત કરવાં, હથિયાર બનાવવા, અંગ્રેજી છાવણીઓ પર આક્રમણ કરીને વેરવિખેર કરી નાખવી, એવુ થયું પણ ખરું. ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાનીઓનાં થોડાંક નામો જાણવાં છે? સૂરજમલ ઠાકોર શેરસિંહ, ગરબડદાસ મુખી, સૈયદ મોહમ્મદઅલી, દયાશંકર મામલતદાર મુસ્તફાખાન, નાથાજી ઠાકોર, કાનદાસ ઠાકોર, સૂરજમલ, ગોવિંદરાવ ગાયકવાડ, બાપુ સાહેબ, મગનલાલ વણિક, નિહાલચંદ ઝવેરી, રામકૃષ્ણ ટોપે, રાવસાહિબ પેશવા, ગોપાળ અંતાજી અને જેમને પગમાં દંડાબેડી સાથે કાળાપાણીની સજા થઈ, તેનાં નામો આપણા ઇતિહાસમાં ક્યાંય ભણાવાય છે ખરાં? આ રહ્યાં આંદામાનના કાળકોટડીમાં સજા ભોગવતાં કોઈ દી’ પાછા ન ફરેલા આ ગુજરાતી વિપ્લવીઓની યાદી (૧) ગોપાલકૃષ્ણ, (૨) શંભુ દોલત, (૩) મુરલીધર બાપુજી, (૪) મોતી ત્રિકમ, (૫) દાજી ભગવાન, (૬) પ્રાણશંકર હરિનારાયણ, (૭) નારાયણ લક્ષ્મીરામ વ્યાસ, (૮) ટોકરા સ્વામી. બીજા વિપ્લવીઓને ગુજરાતની જેલોમાં રાખવામાં આવ્યા. આવા ૩૦ વિપ્લવીઓ પર મુકદ્દમો ચાલ્યો હતો અને ૨૯ માર્ચ, ૧૮૬૫ના ચુકાદો આવ્યો હતો. છે આમાંના કોઈની જીવંત યાદગીરી? કોઈ સ્મારક?
ઓખાના વાઘેર માણેકોને અંગ્રેજોએ અને કેટલાંક રજવાડાંઓએ ‘ડાકુ’ ‘લૂટારા’ અને ‘બહારવટિયા’ કહ્યા હતા, ખરેખર તો સીમિત સાધનો સાથે તેઓ અંગ્રેજો સામે લડવા નિકળ્યા અને ૧૮૫૭માં પણ ભાગ લીધો હતો તેની વિગતો ચુકાદામાં મળે છે. દ્વારકાધીશ પર કેપ્ટન ડોનાવને સમુદ્રમાંથી તોપના ગોળા છોડવા માંડ્યા ત્યારે દ્વારિકા-ઓખાની વીર વાઘેરાણીઓએ ગાભા-ગોદડાં-ગાદલાં પલાળીને, તે ગોળા ઝીલ્યા હતા. ‘સ્ત્રી સશક્તિકરણ’નાં આ સાચુકલાં ઉદાહરણો હતાં!
મગનલાલ તો વણિક હતો, ઉમેઠી અને ભાદરવાના આગેવાનોની સાથે મસલત કરીને તેણે ભીલોને એકઠા કર્યા. હથિયાર અને ઘોડા આપ્યા. કડી તાલુકામાં ભારેલો અગ્નિ. પ્રતાપપુરામાં એકઠા થઈને ચોક તળાવ થઈને વડોદરા પહોંચવું એવી યોજના થઈ. વડોદરાથી અમદાવાદની આખી પટ્ટી ‘સ્વાધીન’ થઈ જાય તેવા પ્રયાસો હતા.
છોટા ઉદેપુર થઈને ગુજરાતમાં પ્રવેશેલા તાત્યા ટોપેની સરદારી નીચે મહી કાંઠા અને પંચમહાલમાં વ્યૂહરચના તૈયાર હતી.
મગનલાલ ભુખણદાસ, ગરબડદાસ મુખી, દ્વારકાદાસ શરાફ, જેઠાલાલ માધવજી, જીવાભાઈ ઠાકોર, મૂળજી જોશી, કૃષ્ણરામ દવે, આહજી પગી, બાપુજી પટેલ-મૂળજી જોશી… આણંદ અને મધ્ય-ઉત્તર ગુજરાતના આ ૧૮૫૭ના શહીદો હતા અને સારસા નજીક મહી કાંઠે ‘ફાંસિયા વડ’ પર અઢીસો ગ્રામજનોને માત્ર એટલા માટે ફાંસીએ લટકાવી દેવાયા, કેમ કે તે બધા તાત્યા ટોપેને મદદ કરી રહ્યા હતા.
૧૦૦ ગામડાં ભસ્મીભૂત. ૨૦૦થી વધુ જગ્યાએ વિપ્લવ. ૧૦૦૦૦ લોકોની આહુતિ.
બારિયા, કોળી, ભીલ, નાયકા, ઠાકર, પટેલ, વાઘેર, સંધિ, પઠાણ, ક્ષત્રિય, બ્રાહ્મણ આ સમુદાયોએ હથિયાર ઉઠાવ્યાં અને મર્યા.
ગુજરાત અને ૧૮૫૭ની આ રક્તરંજિત કહાણી છે.
(રાષ્ટ્રીય ઇતિહાસ સંકલન સમિતિ સમક્ષ આપેલાં વક્તવ્યનો સંક્ષેપ)
——————-