તમારા માટે, તમારી સાથે, સતત…

‘ઇનફેક્ટ, હું અહીં મારી એક રૂમ પાર્ટનર સાથે રહું છું..એ અત્યારે વતન ગઈ છે..’

'અરે, ઘેર બોલાવીને અંદર આવવા દેવાનો ઇરાદો નથી કે શું?'

0 274

નીલમ દોશી   હરીશ થાનકી

નવલકથા – એક અધૂરી વાર્તા – પ્રકરણ-૨૧

વહી ગયેલી વાર્તા

દેશના અગ્રગણ્ય વિજ્ઞાની ડૉ. કુલદીપ આબેહૂબ માનવ જેવી ઇવા રૉબોટનું સર્જન કરે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપ ઇવાના પ્રેમને નકારી દે છે તેથી ઇવા તેને છોડીને ચાલી જાય છે. ઇવા ઉશ્કેરાઈને ગેરકાનૂની કામ કરતા આરીફ નામના માણસના સંપર્કમાં આવે છે. આરીફ અને તેના સાગરીતો ઇવાનું અપહરણ કરી તેની પાસે બોમ્બ વિસ્ફોટ કરાવવાનું કાવતરું ઘડે છે. ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે. ઝાયેદ મોના નામની યુવતીને મળે છે. મોના રાજેન વકીલ નામની વ્યક્તિને પ્રેમ કરે છે. રાજેન ગુપ્ત રીતે આતંકવાદીઓની માહિતી એકઠી કરી સરકારને આપવાનું કામ કરતો હોય છે. મોના રાજેનને તેના આ કામમાં સાથ આપે છે. ઝાયેદ બોમ્બ વિસ્ફોટ માટે મોનાનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે. આ તરફ કુલદીપ તેની સેક્રેટરી  આયનાને ઇવાના સર્જન અને વિસર્જનની વાત કરે છે. આ વાતની જાણ થતાં આયના કુલદીપને આતંકવાદીઓના ષડયંત્રને રોકવા માટે પ્રયત્ન કરવાનું કહે છે અને મોનાની મદદ લે છે. મોના કુલદીપ અને આયનાની ઓળખાણ રાજેન સાથે કરાવે છે. રાજેન જે ગ્રૂપ સાથે સંકળાયેલો હોય છે તેના વડા કામ્બલી રાજેનને અમદાવાદમાં આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની વાત કરે છે. ઝાયેદ મોનાને અમદાવાદના જુદા જુદા ઠેકાણા બતાવે છે. જોકે, તે મોનાને તેનો પ્લાન નથી જણાવતો. મોના આ બધી વાત રાજેનને કરે છે. રાજેનને મોનાની ચિંતા સતાવવા લાગે છે. રાજેન મોનાની સુરક્ષા માટે વિક્રમસિંહ નામના વ્યક્તિને નિયુક્ત કરે છે. બીજી તરફ આયનાને ખ્યાલ આવે છે કે ડો. કુલદીપને આતંકવાદી હુમલા કે અન્ય કોઇ ઘટનાઓમાં રસ નથી તેથી તે તેના મિત્ર રણવીરસિંહની મદદ લેવાનું નક્કી કરે છે. રણવીર અને આયના કોલેજમાં સાથે હોય છે. રણવીર આયનાને પ્રેમ કરતો હોય છે પણ આયના સમક્ષ તેનો એકરાર નથી કરી શકતો.

હવે આગળ વાંચો…

અને બંને ખડખડાટ હસી પડ્યાં.

‘અચાનક તારા જેવો મિત્ર મળવાથી હું અતીતની સ્મૃતિઓમાં ખોવાઈ હતી. કદાચ એક્સાઇટ બની ગઈ હતી. તું કહે તો આપણે મળીએ. જો શક્ય હોય તો..તું ક્યાં છો?’

‘અહીં જ તારા જ શહેરમાં..’

‘ઓહ..રિયલી? ધેન મોસ્ટ વેલકમ.’

‘થેન્ક્સ.’

‘બોલ, ક્યારે અને ક્યાં?’

‘આજે રાત્રે ડિનર સાથે લેશું?’

‘ડન.’

આયનાએ પોતાનો ફોન નંબર અને એડ્રેસ લખ્યા.

સમય નક્કી થયો. લેપટોપ બંધ કરી આયના રણવીરની પ્રતીક્ષામાં ડૂબી રહી. કદાચ ઈશ્વરે જ તેને મદદગાર મોકલીને કોઈ દિશાનો સંકેત આપ્યો હતો કે શું? રણવીર સાથેની મુલાકાત કેવી નીવડશે? તે કોઈ રીતે પોતાને મદદરૃપ થઈ શકશે ખરો?

આયના થોડી વાર કૉલેજના દિવસોમાં, અતીતની યાદોમાં, સ્મરણોની ગલીમાં ઘૂમતી રહી. રણવીરને પોતા માટે લાગણી હતી એનો ખ્યાલ આવી જતાં આયના જેવી સ્માર્ટ યુવતીને વાર લાગે તેમ નહોતી. તે પોતે પણ રણવીરને એક સાચા દોસ્ત તરીકે જોતી હતી, પણ એનાથી વિશેષ કોઈ લાગણી તે નહોતી અનુભવી શકતી. બંનેની દોસ્તી સાચી હતી. એમાં બેમાંથી કોઈને શંકા નહોતી.

મનમાં વિચારો ચાલતા રહ્યા. આયના ડિનરની તૈયારી કરતા કરતા આયનાના મનમાં અનેક વિચારો ઊમટી રહ્યા હતા. ઘડીકમાં વર્તમાનમાં તો ઘડીકમાં અતીતની સફરે તે વિહરી રહી.

ટેબલ તૈયાર કરી, તે પોતે પણ તૈયાર થઈ. મધ્યમા હમણા તેને ઘેર ગઈ હતી. એથી તે એકલી જ હતી. રણવીર કેટલો બદલાયો હશે? કેવો લાગતો હશે? શું કામ કરતો હશે? પોતાને જે કરવું હતું એમાં મદદરૃપ થઈ શકશે કે કેમ? ભીતરમાં ઊઠતા અનેક સવાલો સાથે તે અધીરતાથી રણવીરની પ્રતીક્ષા કરી રહી.

ખરેખર, રણવીર આયનાને મદદરૃપ બની શકશે ખરો..?

* * *

આયનાએ ઝટપટ રસોઈ બનાવી. ટેબલ ગોઠવી બધું તૈયાર કરી લીધું અને આતુરતાથી રણવીરની પ્રતીક્ષા કરી રહી. આટલાં વરસોમાં રણવીરમાં કેવો અને કેટલો બદલાવ આવ્યો હશે એની કલ્પના કરી રહી. જોકે ફેસબુક પર જે રીતે વાત થઈ હતી એ જોતા તેના સ્વભાવમાં તો ઝાઝો બદલાવ આવ્યો હોય એવું નહોતું લાગતું. એવો જ સરળ અને સહજ લાગ્યો હતો. બાકી તો આવે ત્યારે જ સાચી જાણ થાય. રણવીરની જિંદગીમાં પણ કોઈ સ્ત્રી આવી હશે. તેણે લગ્ન કર્યાં હશે. બાળકો પણ હશે. તે પોતાના આ પ્રોજેક્ટમાં કેટલો મદદરૃપ થઈ શકશે એનો કોઈ આઇડિયા નહોતો, પણ પ્રયાસ તો કરવો જ રહ્યો.

આખરે થોડી વારે બેલ વાગી. જરૃર કરતા વધારે ઝડપથી આયના દોડી…અને બારણું ખોલ્યું.

‘હાય આયના.’

આયના જોઈ રહી.

એ જ રણવીર..એવો જ. વરસો પહેલાં જોયેલો એવો જ તરોતાજા..કૉલેજમાં હતો ત્યારે લાંબા વાળ રાખતો અત્યારે એ મિલિટરી કટમાં હતો. એટલો જ તફાવત પહેલી નજરે દેખાયો.

‘અરે, ઘેર બોલાવીને અંદર આવવા દેવાનો ઇરાદો નથી કે શું?’

‘ઓહ..સોરી…સોરી, પ્લીઝ કમ ઇન.’ કહેતી દરવાજો રોકીને ઊભેલી આયનાએ એક તરફ ખસીને મિત્રને આવકાર આપ્યો.

રણવીર અંદર દાખલ થયો.

ઓરડામાં ચારે તરફ નજર નાખતા  રણવીરે સોફાને બદલે હીંચકા પર બેસવાનું પસંદ કર્યું.

‘આયના, ઘર સરસ સજાવ્યું છે.’

‘થેન્ક્સ..રણવીર..’

‘ખાલી વીર કહીશ તો પણ ચાલશે અને વધારે ગમશે.’

‘ભલે..’ કહેતી આયનાએ વીર સામે પાણીનો ગ્લાસ ધર્યો અને પછી સામે રાખેલી રૉકિંગ ચૅર પર બેઠી.

ચૅર અને હીંચકાની ધીમી ગતિ જાણે એકમેક સાથે તાલ મેળવી રહી.

‘ઘરમાં બીજું કોઈ કેમ દેખાતું નથી?’

‘કોઈ હોય તો દેખાય ને?’

‘એટલે?’

‘એકલા માણસના ઘરમાં બીજું કોણ હોય?’

‘મતલબ..તેં હજુ સુધી લગ્ન નથી

કર્યાં?’

‘કદાચ મારી સાથે કોઈએ લગ્ન કરવાની હિંમત નથી કરી.’

આયના હસી પડી.

‘અર્થાત આવ ભાઈ હરખા..આપણે બેઉ  સરખા..એના જેવું કંઈક.’

‘મીન્સ તું પણ મારી જેમ એકલો..’

‘હા, તારી જેમ મારી સાથે પણ કોઈએ આજ સુધી લગ્ન કરવાની હિંમત નથી કરી.’

વીરને કહેવાનું મન થઈ આવ્યું કે આયનાને કહી દે..આયના, હજુ યે મારી પ્રતીક્ષા અધૂરી જ છે, પણ તે કશું બોલ્યા સિવાય આયના સામે જોઈ રહ્યો.

આયનાને થયું કે હાશ..વીરે લગ્ન નથી કર્યા તો કદાચ તેના મિશનમાં મદદરૃપ થવા તૈયાર થાય.

‘ઇનફેક્ટ, હું અહીં મારી એક રૂમ પાર્ટનર સાથે રહું છું..એ અત્યારે વતન ગઈ છે..’

‘આઈ સી..’

બે પાંચ મિનિટ બંને પોતપોતાના વિચારોમાં ખોવાઈ રહ્યાં.

‘વીર, આપણે જમીને નિરાંતે વાત કરીએ.’

‘યેસ..પહેલા પેટપૂજા..તારી રસોઈની સોડમથી જ મને તો ભૂખ લાગી ગઈ છે.’

‘જમ્યા પહેલાં જ તારીફ?’

‘આ તો સુગંધની તારીફ કરી..સ્વાદની તારીફ જમ્યા પછી.’

‘બોલવામાં તને નહીં પહોંચી શકાય. તું હજુ એવો જ રહ્યો.’

‘એવો એટલે કેવો? મારે બદલાવું જોઈએ?’

‘હા, તું થોડી ડાહી અને ઠાવકી બની છો એ દેખાઈ આવે છે.’

જમતાં જમતાં સામાન્ય હસી-મજાકની વાતો ચાલતી રહી. જાણે વચ્ચેના વરસો ખરી પડ્યા.

જમીને હાથ ધોતા વીર બોલ્યો.

‘ખરેખર મજા આવી ગઈ. થેન્ક્સ ફોર નાઇસ ડિનર..ઘણા સમયે ઘરનું બનાવેલું ખાવા મળ્યું અને આ ખોટી તારીફ છે કે ફોર્માલિટી છે એવું તું નહીં માને એવી આશા રાખું છું.’

Related Posts
1 of 34

‘તો રાંધી દેવાવાળી કેમ ન શોધી?’

‘શોધી હતી, પણ એ મારાથી રિસાઈને ન જાણે ક્યાં છૂ-મંતર થઈ ગઈ.’

‘ના વીર, છૂ-મંતર નહોતી થઈ. તેં તારા જીવના જોખમે મને બચાવી હતી એ વાત હું કદી ભૂલી નથી. સાવ અચાનક અમારી ટ્રાન્સફર થવાથી…’

‘ઓકે..ઓકે..નો નીડ ઓફ એની એક્સ્પ્લેનેશન..આઈ વોઝ જસ્ટ જોકિંગ.’

‘બાય ધ વે..અત્યારે શું કરે છે?’

આયનાએ પોતે ક્યાં અને શું કામ કરે છે તેની પ્રાથમિક માહિતી આપી.

‘ઓહ..ગુડ..તેં તારું સપનું પૂરું કર્યું.’

‘ના, મારું સપનું હજુ અધૂરું જ છે અને એ પૂરું કરવામાં મને તારી મદદની જરૃર છે.’ એવા કોઈ શબ્દો આયનાના ગળામાં જ અટકી ગયા.

‘તું શું કરે છે?’

‘ફક્કડ ગિરધારી છું. આમ તો મારી સેવાની કોઈને જરૃર નથી. એટલે એટલિસ્ટ દેશની સેવા તો કરું એમ માનીને ઍન્ટિટેરેરિસ્ટ સ્ક્વૉડમાં જોડાયો છું. મુંબઈ ખાતે ટ્રેનિંગ પૂરી થઈ. હવે જ્યાં ડિટેઇલ પોસ્ટિંગ આપશે ત્યાં જવાનું. હાલમાં રહું છું તો મુંબઈમાં, પણ અહીં આતંકવાદીઓનું કંઈક કાવતરું રંધાઈ રહ્યું છે, એવી કોઈ ગંધ આવી છે. એટલે હમણા અહીં છું.’

‘આતંકવાદી..?’

‘યેસ..એમાં ચોંકવા જેવું શું છે? આજકાલ એની ક્યાં નવાઈ છે? છાપાં નથી વાંચતી? કે ટીવી નથી જોતી?’

આયનાને મનમાં થયું..આ તો પોતાને જરૃર છે એવી જ કોઈ વાત છે. વીર તેને ચોક્કસ મદદ કરી શકશે.

‘આયના, મને ન જાણે કેમ લાગે છે કે તું કોઈ મૂંઝવણમાં, કોઈ અવઢવમાં છો.. કોઈ વાત કરવી કે ન કરવી એવી દ્વિધામાં હોય તો એક વાતની ખાત્રી વગર માગ્યે આપીશ. તારી મૂંઝવણમાં કોઈ મદદ કરી શકીશ કે નહીં એની ખબર નથી, પણ એક વાત ચોક્કસ કે મારાથી શક્ય હશે તે કરવામાં પાછું વાળીને નહીં જોઉં.’

આયના આભારભરી નજરે વીર સામે જોઈ રહી. આ વ્યક્તિના પ્રેમને એકવાર વરસો પહેલાં તેણે પરોક્ષ રીતે ઠુકરાવ્યો હતો..તેના દિલની વાત સમજવા છતાં ન સમજ્યાનો ડોળ કર્યો હતો. એ માણસ આજે પણ તેને દરેક રીતે મદદ કરવા તત્પર છે. આજે પણ તેની આંખોમાં લાગણીનો સમંદર ઘૂઘવતો જોઈ શકાય છે.

‘આયના, તેં કશો જવાબ ન આપ્યો?’

‘વીર, થેન્ક્સ કહીને તારી ભાવનાનું અપમાન નહીં કરું. વીર, પૂરી નિખાલસતાથી કહું તો મને તારી લાગણીનો અંદાજ ત્યારે પણ હતો અને આજે પણ છે. એક મિત્ર તરીકે મારા મનમાં તારું સ્થાન સૌ પ્રથમ છે. અને છતાં..ન જાણે કેમ…’

‘છોડ એ બધી વાતો..એ ઉંમરે તો લાગણીઓનું વાવાઝોડું ફૂંકાતું રહે.. હવે આપણે બંને મેચ્યોર છીએ. તારું મન મારા માટે તૈયાર નથી અને મારું મન કોઈ અન્ય માટે તૈયાર ન થયું. બસ..આટલી જ

વાત છે. મનના ખેલ આગળ માનવી લાચાર..’

કહેતા વીર મોટેથી હસી પડ્યો.. એના હાસ્યમાં પૂરી નિખાલસતા હતી.

‘એની વે..આયના, તારી લાઇફમાં બીજું કોઈ હજુ સુધી કેમ નથી આવ્યું એનું આશ્ચર્ય થાય છે.’

‘વીર, તારી વાત સમજવા છતાં હું અજાણ બની હતી એમ આજે મારા દિલની વાત સમજવા છતાં કોઈ અજાણ બને છે. કદાચ તારા નિસાસા લાગ્યા હોય..સોરી, વીર.. જસ્ટ જોકિંગ..પ્લીઝ ડોન્ટ ફીલ બેડ..હું પણ આજે એક સહૃદયી મિત્ર પાસે કોઈ પડદા સિવાય મનની વાત ઠાલવી રહી છું.’

‘થેન્ક્સ, તારા એટલા વિશ્વાસને પાત્ર હું આજે પણ છું એનો આનંદ છે. હા, નિસાસા કદાચ એ ઉંમરે નખાયા હશે, પણ તારું બૂરું થાય એવી બદલાની કોઈ વાત એ નિસાસામાં નહોતી, ન જ હોય એટલો વિશ્વાસ તો તને પણ હશે જ. હોવો જ જોઈએ.

‘બાય ધ વે..  એવો  મૂરખ છે કોણ? જે તારા જેવી વ્યક્તિને આમ પ્રતીક્ષા કરાવે?’

‘અનેક લોકો પાસેથી સાંભળ્યું છે કે અહીંનું અહીં જ છે.’

‘આપણે આવા મજાના મિત્રો છીએ એ પણ ક્યાં ઓછા નસીબની વાત છે? આજે આટલાં વરસો બાદ મળ્યાં..એવી જ લીલીછમ્મ લાગણી સાથે..એ પણ કુદરતની બલિહારી જ કહેવાય ને?’

‘વીર, આટલાં વરસો બાદ અચાનક મળ્યાં એની પાછળ કુદરતનો કોઈ સંકેત પણ હોઈ શકે.’

‘યેસ.. એ સંકેત શું હોઈ શકે એની લિપિ ઉકેલવી રહી.’

‘વીર,’

‘બોલ ને.. મનની મૂંઝવણ કહેવાની હજુ પણ દ્વિધા છે?’

‘ના..દોસ્ત, જરા પણ નહીં. એમાં પણ તારા કામ વિશે જાણીને તો જરાયે શંકા કે દ્વિધા નથી રહી. મને તો તારો આ સમયે મેળાપ થવામાં કુદરતનો સ્પષ્ટ સંકેત ઉકેલાઈ પણ રહ્યો છે.’

‘સમજાયું નહીં.’

‘વાત ક્યાંથી, કેવી રીતે શરૃ કરવી એ મને સમજાતું નથી એટલે જરા વિચારું છું.’

‘ગમે ત્યાંથી શરૃ કરી શકે છે. કોઈ ગંભીર વાત છે?’

આયનાએ કુલદીપ અને ઇવાથી માંડીને બધી વાત શરૃ કરી.

એકીશ્વાસે વાત પૂરી થઈ ત્યારે રણવીર ખરેખર સ્તબ્ધ બની ગયો હતો.

‘વીર, કુલદીપ માત્ર એક વૈજ્ઞાનિક છે. એણે યોગ્ય જગ્યાએ માહિતી આપીને પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ લીધો છે, પણ હું…’

‘મને સમજાય છે આયના, બધું જ સમજાય છે અને યસ..આઇ થિંક કુલદીપ જ એ વ્યક્તિ છે જેની તને પ્રતીક્ષા છે, રાઇટ?’

‘રાઇટ..ખોટું નહીં બોલું, પણ અત્યારે એ પ્રશ્ન, એ વાત ગૌણ સ્થાને છે.’

‘યેસ આયના અને તને ખબર નથી આ વાત કરીને તેં અમને કેટલી મોટી મદદ કરી છે. અમારા કેટલાયે ખૂટતા અંકોડા આ વાતથી મળી ગયા છે. નાઉ લીવ એવરિથિંગ ટૂ અસ..અમે અમારી રીતે બધું ફોડીશું અને સોરી..પણ આ બધું જાણ્યા, સાંભળ્યા પછી હવે  મારે ઉતાવળથી જવું પડશે. તેં આપેલી માહિતી ખૂબ જ અગત્યની છે. અમારી જાણ મુજબ અમારી પાસે વધારે સમય નથી. અમારે તાત્કાલિક કામે લાગવું પડશે. આવા કામમાં સમય વેડફી ન શકાય. અનેક જીવનું જોખમ હોય ત્યારે એક-એક પળ કીમતી હોય એ તું સમજી શકીશ.’

‘યેસ વીર, હું એમાં કોઈ રીતે મદદરૃપ બની શકું એમ હોય તો મને ગમશે. ગમે તેવા જોખમી કામથી હું ડરતી નથી.’

‘સ્યોર, બની શકે તારી હેલ્પની જરૃર પડે પણ ખરી. મારા ઉપરીઓ સાથે વાત કર્યા બાદ હું તારો કોન્ટેક્ટ કરીશ.’

‘વીર, સંપર્કમાં રહેજે..અને પ્લીઝ બી કૅરફુલ.. તારું ધ્યાન રાખજે.’

આયનાના શબ્દોમાં લાગણીની સચ્ચાઈ હતી.

વીરે આયનાના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો. પળ બે પળ બંને એ સ્પર્શની ઉષ્મા, હૂંફ અનુભવી રહ્યાં.

બાય કહીને જતા રણવીરને આયના એકીનજરે તાકી રહી. તેની આંખોમાં ન જાણે કેમ ભીનાં વાદળો તરી ઊઠ્યાં હતાં.

* * *

મોનાએ રૃમની બારીનો વિશાળ પડદો હટાવી નીચે ટ્રાફિકથી ભરચક રસ્તા નજર નાંખી. હાથલારી ખેંચતા મજૂરો, અમદાવાદની ઓળખ સમી પીળા પટ્ટાવાળી કાળી રિક્ષાઓ, બાઇક પર પૂરઝડપે જઈ રહેલા બિન્દાસ જુવાનિયાઓ, રસ્તાની ફૂટપાથ પર પસાર થઈ રહેલા થાકેલા ચહેરાઓ પર ફરતી તેની નજર કોઈને શોધી રહી હતી..વિક્રમસિંહ..હા એ જ નામ કહ્યું હતું ફોન પર રાજેને..અચાનક સામે ચાની લારી પાસે ટોળું વળીને ઊભેલા લોકો વચ્ચે ઊભેલી એક વ્યક્તિ પર તેની નજર પડી. રાજેને કહ્યું હતું એમ એણે પીળું ટીશર્ટ પહેર્યું હતું. મોનાએ તેના પર પોતાની નજર સ્થિર કરી. એ તેના હાથ પર લાલ કડું શોધતી હતી. હવે એ યુવાનની નજર પણ મોના પર પડી. એણે લાલ કડું પહેરેલા હાથ વડે પોતાના માથાના વાળ પસવાર્યા.

એ જ..એ જ વિક્રમસિંહ હતો. મોનાને ખાતરી થઈ ગઈ. તે એની સામે હાથ હલાવી કન્ફોર્મ કરવા જતી હતી ત્યાં જ તેનો હવામાં ઊંચો થયેલો હાથ કોઈએ પકડી લીધો. બીજી પળે મોનાને પોતે કેવી મૂર્ખાઈ આચરવા જઈ રહી હતી તેનો ખ્યાલ આવી ગયો. એણે તરત પોતાનો બીજો હાથ પણ હવામાં ઊંચો કરી જાણે કે અંગડાઈ લેતી હોય તેમ કર્યું. અને બારી પાસે  જ ઊભા રહી સહેજ પાછળ ફરી અને તેનો હાથ પકડી ઊભેલા ઝાયેદ સામે જોઈ હળવું હસી પડી.

‘અરે સરકાર..તમે ફ્રેશ થઈ ગયા. મને તો બહુ ભૂખ લાગી છે. નીચે ડાઇનિંગ હૉલમાં જઈશું..?’ કહી ઝાયેદને હળવું આલિંગન આપ્યું.

ઝાયેદની નજર બારીમાંથી બહાર ગઈ. ખબર નહીં કેમ પણ તેને અત્યારે, આ પળે કોઈ ખાસ કારણ સિવાય પણ મોના ઉપર પહેલી વખત શંકા કરવાનું મન થઈ આવ્યું. કશુંક તેની વિરુદ્ધ રંધાઈ રહ્યું હતું કે શું? તેણે નીચે નજર નાખી, ચારે તરફ ફેરવી. કશું વાંધાજનક ન દેખાયું. તેને થયું પોતાનો ભ્રમ હતો. કદાચ હવે આખી વાતને અંજામ આપવાને બહુ વાર નહોતી એથી છેલ્લી પળોની ઉત્તેજના હશે. મોના ઉપર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ આજ સુધી મળ્યું નથી. તેણે મનમાંથી બધા વિચારો ખંખેરી નાખ્યા.છતાં થોડું સાવધ રહેવું સારું.

અનૈતિક કામ સાથે જોડાયેલી વ્યક્તિની સિક્સ્થ સેન્સ પણ શું કદીક જાગૃત થઈ જતી હશે..?

‘મોના ડાર્લિંગ, આ અમદાવાદ છે ડિયર..આટલી મોટી બારી પાસે ખુલ્લા પડદે તારું આમ મને વળગવું યોગ્ય ન કહેવાય..અને આમ પડદા ખોલીને ઊભા રહેવાની જરૃર પણ શી છે? મારી મોનાને કોઈ જોયા કરે એ મને કેમ પોસાય?’ કહેતા ઝાયેદ હસી પડ્યો. મોનાને શંકા જાગે એવું કોઈ વર્તન ન થવું જોઈએ. મોના ઉપર તો સફળતાનો આખો મદાર હતો. એમાં એનો જીવ જવાનો હતો એની પણ તેને જાણ હતી. હવે મોના કેટલા દિવસની મહેમાન છે? એકાદ ક્ષણ પૂરતું તેનું મન ગ્લાનિથી ભરાઈ આવ્યું. જોકે આવા કામમાં કોઈ નબળા વિચારને સ્થાન હોય જ નહીં. એનું તેને ભાન હતું.

ઝાયેદે ધીમે રહીને પડદો બંધ કર્યો અને પછી મોનાના હોઠ પર એક તસતસતું ચુંબન કરતા બોલ્યો..

‘ડાર્લિંગ, ભૂખ તો મને પણ બહુ જ લાગી છે, પણ ભોજનની નહીં, તારી..’

મોનાએ ઝાયેદને પોતાનાથી સહેજ અળગો કર્યો અને પછી બોલી,

‘ એ બધું પછી, પહેલાં પેટપૂજા..’

બંનેએ ડાયનિંગ હૉલ તરફ જવા ડગલાં માંડ્યાં.

બરાબર એ જ વખતે એક વ્યક્તિ મુંબઈ અમદાવાદની ફ્લાઈટની બે ટિકિટ બુક કરાવી રહી હતી.

એ રાજેન હતો. એ તેના બોસ કામ્બલી સાથે આવતીકાલે સવારે અમદાવાદ આવી રહ્યો હતો.

(ક્રમશઃ)
————————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »