તમારા માટે, તમારી સાથે, સતત…

‘મા’ની પીડાને ચિત્ર થકી વાચા આપવાનો પ્રયત્ન

પ્રાણીજગતમાં માદા હાથીઓ જેવી રીતે પોતાના બચ્ચાનું ધ્યાન રાખે છે

0 371
  • ફેમિલી ઝોન – હેતલ રાવ

ક્રૂરતા નિર્દયીપણા સંવેદનહીનતાનું ઉદાહરણ હમણા દેશે જોયું. પંદર વર્ષની હાથણીના મોતના રૃપમાં અને તે પણ ગર્ભવતી હાથણીના મોતના રૃપમાં. એક માતા અને તેના ગર્ભસ્થ શિશુના મોતના રૃપમાં. ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેને આ સમાચાર જાણીને દુઃખ નહીં થયું હોય. આ ઘટના એ વાતની પણ સાબિતી આપે છે કે દુનિયામાં એવા પણ માણસો છે જેમના માટે અબોલ પ્રાણીઓનું જીવન અને અસ્તિત્વ કોઈ મહત્ત્વ નથી રાખતાં. આવા જ કોઈ અનુકંપાવિહીન માણસના કારનામાનો ભોગ બની પંદર વર્ષની હાથણી અને ગર્ભમાં રહેલું તેનું બચ્ચું.

અંગ્રેજીમાં માતાઓ માટે એક વાક્ય વાપરવામાં આવે છે – આર યુ એન એલિફન્ટ મૉમ એટલે કે શું તમે હાથી જેવી મા છો. પ્રાણીજગતમાં માદા હાથીઓ જેવી રીતે પોતાના બચ્ચાનું ધ્યાન રાખે છે – ઉછેર કરે છે – ઘડતર કરે છે એવી રીતે બીજા કોઈ પ્રાણીઓ પોતાના બચ્ચાનું પાલન-પોષણ નથી કરતાં. હાથી બચ્ચાને જન્મ આપતાં પહેલાં બે વર્ષ સુધી પોતાના ગર્ભમાં રાખીને ફરે છે. જ્યારે બચ્ચાનો જન્મ થાય ત્યાર બાદ સતત તેનું ધ્યાન રાખે છે. તેને પોષણક્ષમ ખોરાક મળે તેનું ધ્યાન રાખે છે. જરૃરિયાતના સમયે સૂંઢનો કેવી રીતે ઉપયોગ કરવો તેની તાલીમ આપે છે, સાથે જ વન્યસૃષ્ટિની જાળવણીમાં કેવી રીતે પોતાનું યોગદાન આપવું તેની પણ સમજ આપે છે. આમ તો દર વર્ષે લગભગ સો જેટલા હાથીઓ મનુષ્યોની અવળચંડાઈને કારણે મૃત્યુ પામે છે, પણ તાજેતરમાં કેરળમાં થયેલા હાથણીના મૃત્યુએ લોકોનું કાળજું કંપાવી નાંખ્યું. સાથે જ મનુષ્યોના અબોલ જીવો તરફના ક્રૂર ચહેરાને ઉજાગર કર્યો અને માનવતાને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાનું કામ કર્યું.

Related Posts
1 of 55

હાથણીના મૃત્યુના સમાચારથી વ્યથિત થયેલા લોકોએ પોતપોતાની રીતે તેને શ્રદ્ધાંજલિ આપવાનો અને અબોલ જીવો તરફ અનુકંપા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આવો જ એક પ્રયત્ન રાજસ્થાનના ભીલવાડા સ્થિત માંડના કલાકાર વિદ્યા દેવી સોનીએ કર્યો છે. બોત્તેર વર્ષીય વિદ્યાદેવીએ માંડના ચિત્રશૈલીમાં હાથણી અને તેના ગર્ભસ્થ શિશુનું ચિત્ર બનાવ્યું છે, જેને હરાજી માટે મૂકવામાં આવ્યું છે. આ ચિત્રમાં માત્ર હાથણી જ નહીં, પણ એક માતાની મનોવેદના વ્યક્ત કરવામાં આવી છે. એક મા નવ મહિના સુધી બાળકને પોતાના ગર્ભમાં રાખે છે. ક્ષણે ક્ષણે તેનું રક્ષણ કરે છે – કાળજી રાખે છે. અસહ્ય પ્રસવ-પીડા સહન કરીને મા જ્યારે બાળકને જન્મ આપે છે ને ત્યારે તે ઈશ્વરની તોલે આવી જાય છે. જ્યારે માતૃત્વની વાત થાય છે ત્યારે તે માત્ર મનુષ્યો પૂરતી જ સીમિત નથી હોતી, કારણ દુનિયાના દરેક ખૂણે માનવી હોય કે પ્રાણી, મા તો મા જ હોય છે. એ માએ જ્યારે મનુષ્યો દ્વારા તૈયાર કરવામાં આવેલું ફટાકડા ભરેલું અનનાસ આરોગ્યું અને તેને શારીરિક હાનિ પહોંચી. તેના ગર્ભસ્થ શિશુએ ગર્ભમાં જ છેલ્લા શ્વાસ લીધા ત્યારે એ અબોલ જીવને કેટલી વેદના થઈ હશે અને એથી પણ વિશેષ તેના શરીરમાં લાગેલી દાહને બુઝાવવા માટે કેટલાય દિવસો સુધી નહીં ઊંઘી શકેલી એ હાથણીએ નદીમાં જઈને આગ ઠારવાનો પ્રયાસ કર્યો, પણ અસફળ રહી. એ ક્ષણ તેના માટે કેટલી વરવી રહી હશે એ મનોભાવોને વર્ણવવાનો પ્રયત્ન વિદ્યાદેવીએ પોતાના ચિત્રમાં કર્યો છે.

ચિત્રના સંદર્ભમાં વિદ્યાદેવીનું કહેવું છે કે, ‘જ્યારે મેં હાથણી સાથે ઘટેલી ઘટના સાંભળી તો મન વ્યથિત થઈ ગયું. સાથે જ મને બાળપણના દિવસો યાદ આવી ગયા. અમારા ઘરમાં રહેલી ગાય-ભેંસો જ્યારે વિયાવાની થતી ત્યારે તેમની અસહ્ય વેદનાના ચિત્કાર અમારા મનને હચમચાવી મૂકતા. તેમને જે પીડા થતી તે જોવી જ મુશ્કેલ હતી, તો અબોલ જીવ તો કેવી રીતે એ પીડા સહન કરી શકતા હશે. માત્ર અબોલ જીવો જ નહીં, પૃથ્વી પરની દરેક મા જેણે પ્રસવ-પીડા અનુભવી હશે એ જ આ પીડાને સમજી શકશે. ખેર, અમારા ઘરની વડીલ મહિલાઓ એ સમયે મૂક પશુનું ધ્યાન રાખતી. સારસંભાળ રાખતી. જ્યારે મેં એ હાથણી વિશે સાંભળ્યું તો મને વિચાર આવ્યો કે અમારા ઘરમાં તો ગર્ભવતી પશુઓનું ધ્યાન રાખવા માટે મહિલાઓ તો હતી, એ હાથણી પાસે તો કોઈ જ નહોતું. એને પણ પોતાની પીડા કોઈને કહેવી હશે, પોતાને થયેલી ઈજા – તેના બાળકને થયેલી ઈજાની વાત કોઈને કરવી હશે, પણ તેની પાસે એ સમયે કોઈ જ નહોતું. ખબર નથી કે એ હાથણીના મનમાં એ સમયે શું વિચારો ચાલી રહ્યા હશે. એ કેટલી તકલીફમાંથી પસાર થઈ હશે. કદાચ, કોઈ તેને બચાવી શક્યું હોત.’

વિદ્યાદેવીએ માંડના ચિત્રશૈલીમાં હાથણીના એ મનોભાવોને ચિત્રિત કર્યા છે. માંડના એ ચિત્રશૈલીનો એક પ્રકાર છે. જેવી રીતે આપણે ત્યાં કચ્છમાં દીવાલો પર કરવામાં આવતું લીપણ કામ અથવા મડ વર્ક જાણીતું છે એવી રીતે રાજસ્થાનમાં માલવા અને નીમાડ પ્રદેશમાં માંડના વર્ક જાણીતું છે. માંડના શબ્દ મંડન પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે – સજ્જા. ઘરના સાજસજ્જા. માલવા અને નીમાડ વિસ્તારની મહિલાઓ તહેવારોમાં – ખુશીના અવસર પર ઘરની દીવાલોને માંડના આર્ટવર્કથી સુશોભિત કરે છે. હવે જોકે, ઘણા વિસ્તારોમાં માંડના વર્ક પ્રસર્યું છે અને તે દીવાલો પૂરતું સીમિત ન રહેતાં હવે કૅન્વાસ પર પણ ઊતર્યું છે. હાથણીને સમર્પિત આ માંડના વર્ક એ ખુશીના પ્રતીક રૃપે નહીં, પણ માણસાઈના આહ્વાનના ભાગરૃપે ચિત્રિત કરવામાં આવ્યું છે.

વિદ્યાદેવી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ માંડના આર્ટવર્કને સોશિયલ મીડિયા પર હરાજી માટે મૂકવામાં આવ્યું છે અને તેમાંથી જે રકમ મળશે તે અબોલ જીવો પાછળ વાપરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે. ખેર, વિદ્યાદેવી પાસે તો તેમની પીડા વ્યક્ત કરવા માટે કલા જેવું સબળ માધ્યમ છે, પણ વાસ્તવિકતા એ છે કે હાલના સમયમાં એક તરફ પ્રકૃતિએ આપણને તેની અહેમિયત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે બીજી તરફ એવા કેટલાક માણસો પણ અસ્તિત્વ ધરાવે છે જેમને પ્રકૃતિ કે પ્રાણી સાથે કોઈ નિસ્બત નથી. તેમને નિસ્બત છે તો માત્ર પોતાના સ્વાર્થીપણા સાથે.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »