- કવર સ્ટોરી – હેતલ ભટ્ટ
જિસ કા મુઝે થા ઇંતજાર, જિસ કે લિયે દિલ થા બેકરાર વો ઘડી આ ગઈ… આ ગઈ – બરાબર ને. ઘણા લોકો હરખપદુડા થઈને આ ગીત ગણગણતા હશે, પણ હવે જ ખરી કસોટીનો સમય શરૃ થયો છે એમ કહેવું યોગ્ય રહેશે. લૉકડાઉન -૪ નવા રંગરૃપ સાથે અમલમાં મૂકાયું છે. લૉકડાઉન ભલે અમલી હોય પણ ઘણી જગ્યાએ તો તે ન હોવા બરાબર જ છે. જે લોકોએ અત્યાર સુઘી ઘરમાં રહીને ચુસ્તપણે લૉકડાઉનના નિયમોનું પાલન કર્યું હોય એમના માટે અને જેમણે નથી કર્યું એમના માટે પણ હવે પરીક્ષાનો સમય શરૃ થયો છે. સરકારે છૂટછાટ આપી છે, એ સાથે વણકહી જવાબદારીઓ પણ આપી છે. જવાબદારી છે – આપણી જાતને અને અન્યોને સુરક્ષિત રાખવાની. લૉકડાઉનમાં છૂટછાટ મળતા કેટલાંય લોકો હરખઘેલા થઈ ગયા છે. એવા લોકોને બાદ કરતાં ઘણા બધાં એવા છે, જેમને ઇચ્છાએ કે અનિચ્છાએ હવે કાર્યસ્થળ પર હાજર થવાનો સમય આવી ગયો છે, ઉદ્યોગ-ધંધા શરૃ કરવાની ફરજ પડી છે. આવી કપરી પરિસ્થિતિમાં પોતાને અને અન્યોને સુરક્ષિત રાખવા કેટલીક મહત્ત્વની બાબતો પર ધ્યાન આપવું જરૃરી છે.
સૌથી મહત્ત્વપૂર્ણ અને પહેલી વાત એ કે આરોગ્ય સેતુ ઍપ્લિકેશન પોતાના મોબાઇલ ફોનમાં અચૂક ડાઉનલૉડ કરી લો. આ ઍપ્લિકેશન ઘણી મહત્ત્વની છે. જો તમે કોરોના વાઇરસથી સંક્રમિત કોઈ વ્યક્તિના સંપર્ક આવશો અથવા એવી કોઈ વ્યક્તિ તમારી આસપાસ હશે તો તમને તરત રેડ સિગ્નલ મળશે. રેડ સિગ્નલ મળશે એટલે કે આ ઍપ્લિકેશનના માધ્યમથી તમને જાણ થઈ જશે કે તમારે સતર્ક રહેવાની જરૃર છે. કોવિડ-૧૯થી સંક્રમિત વ્યક્તિ તમારી આસપાસ છે એવો સંકેત તમને મળી જશે, પરિણામે તમે તમારી જાતને આવી વ્યક્તિઓના સંપર્કમાં આવતા રોકી શકશો અને સુરક્ષિત રહેશો.
હવે વાત કરીએ ઘરથી બહાર નીકળવાનું થાય ત્યારે શું ધ્યાન રાખવું એની. લૉકડાઉન ચાર દરમિયાન સરકારે ઘણી બધી છૂટ આપી છે. કંપનીઓ, ઑફિસો, ફેક્ટરીઓ, દુકાનો, ઉદ્યોગ-ધંધા શરૃ થઈ ગયા છે. એટલે અત્યાર સુધી જેમણે લૉકડાઉનનું ચુસ્તપણે પાલન કર્યું હોય, જરૃર હોય ત્યારે જ ઘરની બહાર નીકળ્યા હોય એવા લોકોએ પણ હવે ઘરની બહાર નીકળવું પડે એવી સ્થિતિ ઊભી થઈ હોય એવું બને. હવે જ્યારે ઘરની બહાર નીકળવાનું થવાનું છે અથવા થાય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની વાત કરીએ.
ઘરે બનાવેલું જમવાનું કે નાસ્તો સાથે લઈ જવાનો રાખો. બહારનું ખાવાનું ટાળો. ઑફિસ કૅન્ટીનમાં પણ જો જમવાનું કે નાસ્તો ઉપલબ્ધ કરાવવામાં આવતાં હોય તો પણ હમણા થોડો સમય એ આરોગવાથી દૂર રહો. શક્ય હોય તો ઘરેથી જ પીવાનું પાણી સાથે લઈ જવાનું રાખવું. બહારનું પાણી ન પીવું.
શરીરનું તાપમાન અચૂક ચેક કરવાનું રાખો. ઘરેથી ઑફિસ જતી વખતે ટેમ્પરેચર ચેક કરો. ઑફિસ પહોંચ્યા પછી ચેક કરો અને ઑફિસેથી ઘરે પહોંચતી વખતે તાપમાન માપવાનું રાખો. જો તમને તાવ કે શરદી-ખાંસી જેવાં લક્ષણો નજરે પડે તો ઑફિસ જવાનું ટાળો.
મોઢે માસ્ક, હાથમાં મોજાં અને સેનેટાઇઝર લીધા વિના ઘરની બહાર ન નીકળો. જેવી રીતે મોબાઇલ અને રૃપિયા સાથે લેવાનું નથી ભૂલતા એવી રીતે હવે આ ત્રણ વસ્તુઓને પણ એસેન્શિયલ એટલે કે જરૃરી વસ્તુઓની યાદીમાં સ્થાન આપી દો. જો માસ્ક ન હોય તો મોઢા પર રૃમાલ અથવા અન્ય કોઈ કપડું બાંધવાનું રાખો, એ રીતે બાંધો કે જેથી તમારું મોઢું અને નાક ઢંકાય, સહેજ પણ જગ્યા ન રહે. ચશ્મા હોય તો સારું છે, પણ જેમને ચશ્મા ન હોય તેમણે ગોગલ્સ પહેરીને આંખોને સુરક્ષિત રાખવી, કારણ કે ઘણીવાર કહેવામાં આવે છે કે આ વાઇરસ આંખોના માધ્યમથી પણ શરીરમાં પ્રવેશી શકે છે, તેથી આંખોને પણ સુરક્ષિત રાખો. આ વાત થઈ ઘરેથી નીકળતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતોની. કહેવત છે કે આખી પૃથ્વી પર સૌથી સુરક્ષિત સ્થાન હોય તો તે છે પોતાનું ઘર. વ્યક્તિ પોતાના ઘરમાં જ સૌથી વધુ સુરક્ષિત હોય છે. ઘરની બહાર નીકળીએ ત્યારે જ ખરી કસોટીનો સમય શરૃ થાય છે. જો તમે તમારું વ્યક્તિગત વાહન લઈને જઈ રહ્યા હોય તો કદાચ જોખમ ઓછું છે તેમ છતાં વાહનને સેનેટાઇઝ કરો. પાણીથી સાફ કરી લો. હેન્ડલ-સ્ટિયરિંગ બરાબર સેનેટાઇઝ કરો. જો તમે કારનો ઉપયોગ કરી રહ્યા હો અને એક કરતાં વધુ લોકો સાથે મળીને ઑફિસ જવાનો હો તો સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેનું ધ્યાન રાખો. જ્યારે પણ રિક્ષા, કેબ કે બસનો ઉપયોગ કરવાનો થાય ત્યારે ખૂબ જ સતર્ક રહો. સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખો. જે-તે સ્થળે પહોંચ્યા પછી સૌથી પહેલું કામ હાથને પાણીથી ધોવાનું અથવા સેનેટાઇઝ કરવાનું કરો. હાથ ધોયા વિના કે સેનેટાઇઝ કર્યા વિના કોઈ જગ્યાએ ન અડકો તેમ જ પોતાના મોઢાને પણ સ્પર્શ કરવાનું ટાળો.
જ્યારે કાર્યસ્થળ પર પહોંચી જાવ ત્યારે શું ધ્યાન રાખવું એ જોઈએ. લિફ્ટ ના બદલે પગથિયાંનો ઉપયોગ કરવાનું રાખો. લિફ્ટમાં જવું જરૃરી હોય તો બેથી વધુ વ્યક્તિ લિફ્ટમાં ન જાવ. એટલે કે એકસાથે બે વ્યક્તિ જ લિફ્ટનો ઉપયોગ કરો, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય. લિફ્ટના બટનો ઓપરેટ કરવા માટે ટૂથપિક અથવા તેના જેવી અન્ય વસ્તુનો ઉપયોગ કરવાનું રાખો, દરવાજા ખોલવા માટે કોણીનો ઉપયોગ કરો. ટિશ્યુ પેપરનો ઉપયોગ કરો. જો કોઈ જગ્યાએ દરવાજા કે લિફ્ટના બટનને હાથ લગાવવાની જરૃર પડી હોય તો હાથને સેનેટાઇઝ કરવાનું ન ચૂકો. સહકર્મચારી સાથે ઓછામાં ઓછું એક મીટરનું અંતર જાળવો. એસીનો ઉપયોગ કરવાનું ટાળો, તાજી હવા મળે એ માટે બારીઓ ખોલો. સેન્ટ્રલ એસી હોય તો તો બિલકુલ ન ચલાવો. કોઈ પણ વ્યક્તિ સાથે ભોજન, પાણી કે ઑફિસ સ્ટેશનરી શેર ન કરો. જો મીટિંગ કરવાની થાય તો કોન્ફરન્સ હૉલમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેની તકેદારી રાખો. કાર્યસ્થળે પણ સાફ-સફાઈ અને સ્વચ્છતા પર ધ્યાન આપો. ઑફિસમાં પણ સમયાંતરે હાથ ધોવાના રાખો. ડેસ્કટોપ, ટેબલ, ખુરશી, કી-બોર્ડ, ટેલિફોન કે અન્ય ચીજ-વસ્તુઓ જે પણ ઉપયોગમાં લેવામાં આવતી હોય તેને સાફ કરતા રહો. સતર્ક રહો.
કાર્યસ્થળેથી ઘરે પરત ફરો ત્યારે ઘરે પહોંચ્યા બાદ સૌથી પહેલાં હાથ ધુઓ, તાપમાન માપો, શક્ય હોય તો સ્નાન કરી લો. જે કપડાં ઘરની બહાર નીકળતી વખતે પહેર્યા હોય તે તુરત જ ચેન્જ કરો. તેને ઘરની બહાર જ રાખો અથવા પાણીમાં બોળી દો. પગરખા પણ બહારની તરફ જ રાખો, તેમ જ હેન્ડબેગ ઘરની બહાર મૂકવાની રાખો. એવું બની શકે કે હેન્ડબેગમાં જરૃરી વસ્તુઓ એક કોથળીમાં રાખી દો. એ જ થેલી હેન્ડબેગમાં મૂકીને વાપરવાની રાખો, જેથી હેન્ડબેગ ઘરમાં લાવવાની ફરજ નહીં પડે. જો બેગપેક કે લેપટોપ બેગ વાપરતા હો તો તેમાં રહેલી વસ્તુઓને ઘરમાં લઈ આવો, પણ બેગ તો બહાર જ રાખો.
સૌથી પહેલાં તો એ વાત સારી રીતે સમજી લો કે હવે લૉકડાઉન વધવાનું નથી.તો તમારી અંદર જેટલી પણ નકારાત્મકતા વ્યાપી ગઈ છે, તેને બહાર કાઢી નાંખો. હાલમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, તે બધાની સાથે થઈ રહ્યું છે અને સારા માટે જ થઈ રહ્યું છે એવું સમજો. બીજી વાત જે દિમાગમાંથી કાઢવાની જરૃર છે એ એ છે કે કોરોના વાઇરસ એ કોઈ રાક્ષસ નથી, જે આપણને બધાને ખાઈ જશે. બે મહિના દરમિયાન સંક્રમણના એક લાખની આસપાસ કેસ નોંધાયા છે અને ત્રણ હજારની આસપાસ મૃત્યુ થયાં છે. આપણા દેશમાં ટીબીના ૨૭ લાખ જેટલા દર્દીઓ છે અને દર વર્ષે બે લાખ જેટલા લોકો આ બીમારીને કારણે મૃત્યુ પામે છે. હવે જ્યારે આપણે લોકો ટીબીથી નથી ડરતા તો કોરોના વાઇરસથી આટલું બધું શા માટે ડરીએ છીએ. એ જ રીતે મેલેરિયાને કારણે દર વર્ષે ૩૫થી ૪૦ હજાર જેટલાં લોકો મૃત્યુ પામે છે, પણ મેલેરિયાના ડરને કારણે આપણે લોકો ઘરમાં ભરાઈને તો નથી બેસી રહેતા. મેલેરિયાને દૂર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, જો થઈ જાય તો ઇલાજ કરીએ છીએ અને જીવનશૈલીમાં બદલાવ કરી થોડા વ્યવસ્થિત રીતે જીવવાનો પ્રયાસ કરીએ છીએ. વર્તમાન સમયમાં ટીબી અને મેલેરિયા જેવી બીમારીઓનો નાશ કરવા માટે રાષ્ટ્રીય સ્તર પર કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. તો સમજવાની વાત એટલી જ છે કે કોવિડ-૧૯ને હળવાશમાં લેવાની જરૃર નથી કે તેનાથી ડરવાની પણ જરૃર નથી. પોતાની સ્વચ્છતા અને સુરક્ષા પર હંમેશાં ધ્યાન આપો – માસ્ક પહેરો, રોગપ્રતિરોધક ક્ષમતા વધારો, જીવનશૈલી-આહારવિહાર પર ધ્યાન આપો, કસરત કરો, શારીરિક અંતર જાળવો. જ્યારે પણ ઘરે આવો ત્યારે હાથ-પગ અને મોઢું બરાબર પાણીથી ધોઈને સાફ કરો.
આવનારા કેટલાક દિવસો માટે યોજના બનાવી લો કે કેવી રીતે તમે તમારા શરીર, મન, પરિવાર અને વ્યવસાયનું ધ્યાન રાખવાના છો. છેલ્લા બે મહિનાથી આપણે જે રીતે જીવન-વ્યાપન કરી રહ્યા છીએ, એ જ રીતે પણ થોડી વધુ સ્વતંત્રતા સાથે આપણે આવનારા ઓછામાં ઓછા છ મહિના સુધી પોતાનું જીવન વ્યતીત કરવાનું છે, સુરક્ષિત રહેવાનું છે અને અન્યોને સુરક્ષિત રાખવાના છે. હવે રોજિંદા કામો અને મહત્ત્વના પ્રસંગોમાં ધરમૂળ પરિવર્તન અને તૈયારી સાથે નીકળવાનું છે. ઑફિસે જવાનું હોય, શાકભાજી જેવો સામાન લેવા જવાનું હોય, ડૉક્ટરને મળવા જવાનું હોય કે અન્ય કોઈ કામે જવાનું હોય – ખૂબ જ સમજી-વિચારીને તૈયારી સાથે બહાર નીકળવું પડશે. આપણા તહેવારો, લગ્ન મેળાવડા, જન્મદિવસના કાર્યક્રમો, કિટી પાર્ટી, બૌદ્ધિક સંગોષ્ઠિઓ, સેમિનારો, સ્કૂલ અને કૉલેજ વગેરે પ્રસંગો અને સ્થળોએ બદલાવ લાવવો પડશે. જરૃરી એ છે કે આપણે માનસિક રૃપથી આ પરિવર્તન માટે પોતાની જાતને સજ્જ કરી તેનો સ્વીકાર કરીએ. નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા ન આવડતું હોય, તો તે જલદી શીખી લો. જરૃર પડ્યે ઓનલાઇન શોપિંગ કરવાનું થાય તો તે પણ શીખવું જરૃરી છે. રોજબરોજના જીવનમાં વપરાતી ચીજવસ્તુઓની યાદી બનાવી, એક જ વારમાં બહાર નીકળીને તેની ખરીદી કરવાની આદત પાડવી પડશે, આ આદત તમારા માટે અને તમારા પરિવાર માટે સુરક્ષા કવચ સમાન કામ કરશે. હવે સેનેટાઇઝરને તમારી રોજિંદી જરૃરિયાતમાં સામેલ કરી લો. જે લોકો પહેલેથી કોઈ બીમારીનો ઇલાજ કરાવી રહ્યા છે, તેમને વધુ સતર્ક રહેવાની જરૃર છે. દવાઓ સમયસર લેવાનું રાખો અને ડૉક્ટરના સંપર્કમાં રહો. ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, લિવર અને કિડનીની સમસ્યા હોય તો સમયાંતરે ડૉક્ટરની સલાહ લેતાં રહો અને ટ્રીટમેન્ટ કરાવતા રહો. જ્યારે પણ આવો સમય આવતો હોય છે, તો લોકોમાં જે સમસ્યા સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે એ છે – ડિપ્રેશન. ઘણા લોકો વિષમ પરિસ્થિતિઓ સામે લડવાને બદલે ડિપ્રેશનમાં આવી જતા હોય છે, જ્યારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થતું લાગે તો તમારા મિત્રો અને પરિવાર સાથે વાતચીત કરો, વિચારો શેર કરો. તમારા અંતરમનમાં વ્યાપેલી નકારાત્મકતા ચોક્કસ દૂર થશે. મહામારીના અનુસંધાનમાં આવતી દુખદ ઘટનાઓ પર બહુ ધ્યાન આપવાનું ટાળો, સંવેદનશીલ વ્યક્તિ તરીકે આવી ખબરો વ્યક્તિને અંદરથી હચમચાવી મૂકતી હોય છે. આપણે આપણી જાતને લાચાર અને નિસહાય અનુભવીએ છીએ, પરિણામે આપણુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ ને વધુ કથળતું જાય છે. તેથી તમારું મન અને મસ્તિષ્ક સ્વસ્થ રહે એવા વાતાવરણમાં રહો અને એવી વાતોમાં ધ્યાન પરોવો. પોતાની જાતને સકારાત્મક રાખો અને સ્વસ્થ રાખો.
હવે જ્યારે લૉકડાઉન ૪ નવા રંગરૃપ સાથે અમલમાં મૂકાયું છે, ત્યારે ખરાખરીનો જંગ શરૃ થયો છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અત્યાર સુધી બહુ સીમિત વર્તુળમાં રહીને આપણે આપણી જાતને અને પરિવારને સુરક્ષિત રાખતા આવ્યા છીએ. હવે ડગલે ને પગલે જોખમ રહેલું છે ત્યારે સતત જાગૃત રહો. જરૃરી બાબતોનું ધ્યાન રાખો. સંયમ અને ધીરજપૂર્વક વર્તો. સુરક્ષિત રહો અને અન્યોને સુરક્ષિત રાખો.
———————–