તમારા માટે, તમારી સાથે, સતત…

વિજ્ઞાનના વિષયોની જેમ જ અર્થશાસ્ત્ર કારકિર્દી માટે બેસ્ટ છે

મોટી સંખ્યામાં અર્થશાસ્ત્રીઓની નિયુક્તિ કરવામાં આવે છે.

0 148
  • નવી ક્ષિતિજ – – હેતલ રાવ

અર્થશાસ્ત્ર વિષયમાં નિપુણતા મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની રાહ સરળ બની જાય છે. સામાન્ય રીતે એમ સમજી લેવામાં આવતું હોય છે કે આ વિષય અન્ય વિષયોની સરખામણીમાં કરિયર બનાવવામાં વધુ મદદરૃપ નથી, પરંતુ જો તમે અર્થશાસ્ત્ર જેવા વિષયમાં સારા માક્ર્સ સાથે ઉત્તીર્ણ થયા હશો તો તમારી કારકિર્દી સફળતા સર કરશે.

વિષયોની પસંદગી કરવાની હોય ત્યારે વિદ્યાર્થીઓ સાયન્સના વિષયો વધુ પસંદ કરે છે. તેમને લાગે છે કે સારા કરિયર માટે આ વિષયો જ યોગ્ય છે, પરંતુ હકીકત થોડી જુદી છે. અર્થશાસ્ત્ર વિષયની વાત કરીએ તો તે વિજ્ઞાનના વિષયોની જેમ જ કારકિર્દી માટે ઉમદા છે. આ વિષયનું મહત્ત્વ એ વાત પરથી નક્કી થાય છે કે તેમાં સ્પેશિયલ નોબલ પુરસ્કાર આપવામાં આવે છે. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને સ્નાતક પછી નોકરીની તક મળી રહે છે. વિદ્યાર્થીની યોગ્યતામાં વધવાની સાથે-સાથે તેમને વધુ યોગ્ય અવસર પણ મળવા લાગે છે. વર્તમાન સમયમાં અર્થશાસ્ત્રના જાણકારોની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. આજના ડિજિટલ યુગમાં ઇકોનોમિક્સમાં નિપુણ લોકોને સારા હોદ્દાની સાથે ઉચ્ચ પેકેજની નોકરીની ઓફર મળે છે. ઓનલાઇન ખરીદી અથવા કામની જરૃરિયાતથી લઈને ઓનલાઇન ડેટા ઇન્ટરપ્રિટેશનમાં આ વિષયના વિદ્યાર્થીઓની માગમાં પણ વધારો થયો છે. અર્થશાસ્ત્ર અંતર્ગત વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન, વિતરણ, વિનિમય અને વપરાશનો અભ્યાસ કરવામાં આવે છે. આ અભ્યાસમાં પુરા વિશ્વની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે. લોકોની ખર્ચ કરવાની ક્ષમતા અને માર્કેટ વચ્ચેના સંબંધ, જીડીપી, મોંઘવારી અને બેરોજગારી જેવી બાબતોમાં અર્થશાસ્ત્રીઓની ભૂમિકા, જેવા વિષયો વિશે વિસ્તારથી જણાવવામાં આવે છે.

યોગ્યતા
દેશની મોટા ભાગની યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં અર્થશાસ્ત્ર સંબંધિત ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના કોર્સ ઉપલબ્ધ છે. સ્નાતક સ્તર પર બીએ અથવા બીએ (ઓનર્સ) ઇકોનોમિક્સ, બીએસસી ઇકોનોમિક્સ, બીએ ઇન બિઝનેસ ઇકોનોમિક્સ અને બીએ ઇન એપ્લાઇડ ઇકોનોમિક્સ જેવા કોર્સ જાણીતા છે. આ વિષયમાં પોસ્ટ અનુસ્નાતક થવા માટે કોઈ પણ સ્ટ્રીમમાંથી સ્નાતક થવું જરૃરી છે. વિદ્યાર્થીઓ પીજી સ્તર પર ફાઇનાન્સિયલ ઇકોનોમિક્સમાં એમએ, ઇકોનોમિક્સમાં એમએ, બિઝનેસ ઇકોનોમિક્સમાં એમએ, એપ્લાઇડ ઇકોનોમિક્સમાં એમએ, બિઝનેસ ઇકોનોમિક્સમાં એમએસસી, એમબીએ (બિઝનેસ ઇકોનોમિક્સ), જેવા કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. ત્યાર પછી ઇકોનોમિક્સમાં એમ. ફિલ. અને પીએચડી પણ કરી શકાય. વિદ્યાર્થીને જો આ વિષયમાં વધુ રસ હોય તો તે માઇક્રો ઇકોનોમિક્સ, માઇક્રો ઇકોનોમિક્સ અને ફાઇનાન્સિયલ ઇકોનોમિક્સ જેવા તેના પેટા વિભાગોમાં નિપુણતા મેળવી શકે છે.

વિશેષતાઓ
અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓમાં હાલના ડેટાનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. મેથ્સ અને સ્ટેટિસ્ટિક્સની પાયાની સમજ પણ જરૃરી છે. વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં રસ હોવો જોઈએ. તેમના વિચારો અને વ્યવહાર સમસ્યાઓનો ઉકેલ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ પર વધુ હોય તે અનિવાર્ય છે, કારણ કે નોકરી દરમિયાન તેમને નવી-નવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓમાં આંકડાને જાણવાની અને સમજવાની રુચિ હોવી પણ મહત્ત્વની છે.

નોકરીના વિકલ્પ
ખાનગી કંપનીના તમામ ઓદ્યૌગિક એકમો, કોમર્સ, એક્ચુરિયલ સાયન્સ વગેરેમાં આ ક્ષેત્રના પ્રોફેશનલ્સની માગ છે. દર વર્ષે સરકારી ક્ષેત્રમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પૉલિસી, નેશનલ સેમ્પલ સરવે અને વિભિન્ન રાજ્ય સરકાર સંબંધિત વિભાગોમાં મોટી સંખ્યામાં અર્થશાસ્ત્રીઓની નિયુક્તિ કરવામાં આવે છે. ફિક્કી, એસોચેમ જેવા વ્યાવસાયિક સંસ્થાઓ આર્થિક વિશ્લેષક તરીકે નોકરી આપવા માટે કાયમ તૈયાર જ રહે છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક યુવાનોને બેંક અને નાણાકીય સંસ્થાઓમાં પૉલિસી મેકરની જોબ માટે તક મળે છે. ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસના માધ્યમથી વિવિધ મંત્રાલયોમાં ઇકોનોમિક્સ એડવાઇઝર તરીકે પણ તક મળે છે. જેમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં અર્થશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ વિષયમાં માસ્ટર્સ ડિગ્રીધારક યુવાઓ જ બેસી શકે છે.

અર્થશાસ્ત્રના વિશેષજ્ઞોને વિદેશી સંસ્થાઓ જેવી કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંક, એશિયન ડેવલોપમેન્ટ બેંક ઉપરાંત મલ્ટિકાસ્ટ કંપનીઓમાં ઉત્તમ તક મળે છે. જેમની ઍપોઇન્ટમૅન્ટ અર્થશાસ્ત્રી, એનાલિસ્ટ, કન્સલ્ટન્ટ ઉપરાંત અન્ય હોદ્દા પર કરવામાં આવે છે. આરબીઆઈના વિભિન્ન હોદ્દા પર  ૨૧થી ૨૮ વર્ષના યુવાનો માટે સમયઅંતરાલે ભરતી થતી રહે છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચ, નવી દિલ્લી, અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચમાં યુવાનોનું ઉજ્જ્વળ ભવિષ્ય રહેલું છે. વિદ્યાર્થીઓ ઇકોનોમિક્સમાં એમએ કર્યા પછી પીએચડીની ડિગ્રી લઈને કોઈ પણ કૉલેજ અને યુનિવર્સિટીમાં લેક્ચરર બની શકે છે અથવા વિશ્વવિદ્યાલય સ્તર પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ટેસ્ટ પછી આસિસ્ટન્ટ પ્રોફેસર પણ બની શકાય. અર્થશાસ્ત્રમાં બીએડ કર્યા પછી સરકારી કે ખાનગી શાળાઓમાં ટીચર તરીકે પણ જોબ મળી રહે છે. જો વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્રના અભ્યાસ સાથે (લૉ)નો અભ્યાસ પણ કર્યો હોય તો તે (લૉ)ફર્મમાં પણ નોકરી મેળવી શકે છે. ઉપરાંત વર્તમાન સમયમાં બિઝનેસ પત્રકારત્વનું પણ ઘણુ મહત્ત્વ રહેલું છે.

આકર્ષક સેલરી પેકેજ
સરકારી સંસ્થાઓમાં કામ કરતા પ્રોફેશનલ્સને શરૃઆતના સમયમાં પ્રતિમાસ ૨૦થી ૨૫ હજાર રૃપિયા સેલેરી મળે છે. એક બે વર્ષના અનુભવ પછી પગાર વધીને ૩૦થી ૩૫ હજાર રૃપિયા પ્રતિમાસ મળે છે. ખાનગી ક્ષેત્રમાં કંપની પોતાની પૉલિસીના આધારે પગાર નક્કી કરે છે. યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના શિક્ષકોને ૪૦થી ૪૫ હજાર રૃપિયા દર મહિને મળી રહે છે. અનુભવના આધારે વર્ષનું પેકેજ લાખો રૃપિયા સુધી પહોંચી જાય છે. કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાને મંદીમાંથી બહાર લાવવાના કામમાં અર્થશાસ્ત્રીઓનું મહત્ત્વનું યોગદાન છે. દેશના વિકાસની નિર્ભરતા તેમની બનાવેલી નીતિઓ પર આધારિત હોય છે. આજ કારણ છે કે અર્થશાસ્ત્ર રોજગારની દ્રષ્ટિએ લોકપ્રિય ક્ષેત્ર છે. કુશળ યુવાનોની ડિમાન્ડ સરકારી અને ખાનગી બંને કંપનીઓમાં વધી છે.

આ ક્ષેત્રમાં જેટલી સફળતા છે એટલા જ પડકારો પણ છે. ગ્રેજ્યુએશન પછી નોકરીના વિકલ્પ મળી રહે છે, પરંતુ તરક્કી માટે ઉચ્ચ અભ્યાસ કરવો પણ અનિવાર્ય છે. મેથ્સ અને સ્ટેટિસ્ટિક્સની પાયાની સમજ ખૂબ જ જરૃરી છે, અર્થશાસ્ત્રનો અભ્યાસ ગંભીરતાપૂર્વક કરવાથી જ તેની સચોટ જાણકારી મેળવી શકાય છે. અર્થશાસ્ત્રના બીએ (ઓનર્સ) સિલેબસ અઘરો હોય છે, પરંતુ જો સમજદારીથી કરવામાં આવે તો તમે સહેલાઈથી આ કોર્સ પૂર્ણ કરી શકો છો. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે માત્ર સારી કારકિર્દી બનાવવાના આશયથી જ અર્થશાસ્ત્ર જેવા વિષયની પસંદગી કરો તે અયોગ્ય છે. સારું કરિયર ત્યારે જ બની શકશે, જ્યારે તમને તે વિષયમાં રસ હોય. માટે તમારે અર્થશાસ્ત્ર જેવા વિષયમાં પહેલેથી જ રુચિ અને સમજ મેળવવી જોઈએ.

Related Posts
1 of 289

————-.

મુખ્ય સંસ્થાઓ

*           દિલ્લી વિશ્વવિદ્યાલય, સાઉથ કેમ્પસ

*           દિલ્લી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ

*           જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય, દિલ્લી

*           બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય

*           મેરઠ વિશ્વવિદ્યલાય

*           કુમાઉ વિશ્વવિદ્યાલય (ઉત્તરાખંડ)

*           બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલય (લખનઉ)

*           વિનોબા ભાવે વિશ્વવિદ્યાલય (ઝારખંડ)
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »