તમારા માટે, તમારી સાથે, સતત…

પરિવારના આયનામાં ખુદને નિરખવાનો અવસર

જીવનનો એક મોકો છે આ, આપણા પોતાના લોકોને નીરખવાના છે

0 195
  • સોશિયલ મીડિયા  – શૈશવ વોરા

શરીરને જોવાના આયના તો ઘણા મળશે બજારમાં અને એમાં તો કંઈક લોકોએ આખા ને આખા શીશમહેલ ઊભા કરી મૂક્યા છે, પણ પોતાની જાતને જોવાના આયના બહુ ઓછા છે. આજે જે લોકો ઘરમાં આપણી આજુબાજુ ફરી રહ્યા છે ને, એ જ આપણા આયના છે..!!

જબરજસ્ત બિઝી જિંદગી અચાનક ઠપ થઈ ચૂકી છે, એક ના એક વૉટસઍપના ફોર્વર્ડિંંગ થઈ રહ્યા છે, બીજા સોશિયલ મીડિયામાં પણ એકની એક ક્લીપો આવી રહી છે, છોકરાઓ નેટફ્લિક્સ અને પ્રાઇમ કે પછી ઓનલાઇન ગેમના સહારે છે..!!

અમારા જેવા મઝધારે આવેલા હવે રિટાયર્ડ થયા પછીની જિંદગી કેવી હશે એનો અહેસાસ કરી રહ્યાં છે..!!

અંતે તો તું અને હું અને બીજા શબ્દોમાં કહીએ તો જેના એ તેના અને ડોશી ફાંફાં મારે એના..!!

પોતાની જાત જોડે રહેવાનો સમય આવ્યો છે.

મૉટિવેશનલ લોકોને સાંભળ્યા, પણ ક્યાંક મૂંઝાઈ ગયા હોય એવું લાગે છે..!!

એમને પણ એમની જાત જોડે જ રહેવું પડે છે જખ મારીને..!!

બહુ જ કપરું છે જાત જોડે રહેવું.

કોઈને એવો સવાલ થાય કે ક્યા એવા એકલા છીએ કે જાત જોડે રહીએ છીએ?

આખું ઘર ભરેલું છે, બધાય સામાને સામા મૂઆ છે..!!

બહેન મારી, આજે જે લોકો તારી સામાને સામા છે ને એ જ તારી જાતના પ્રતિબિંબ છે.

શરીરને જોવાના આયના તો ઘણા મળશે બજારમાં અને એમાં તો કંઈક લોકોએ આખા ને આખા શીશમહેલ ઊભા કરી મૂક્યા છે, પણ પોતાની જાતને જોવાના આયના બહુ ઓછા છે. આજે છેલ્લા બે દિવસથી જે લોકો ઘરમાં આપણી આજુબાજુ ફરી રહ્યા છે ને, એ જ આપણા આયના છે..!!

ઝીણી નજરે આજે જોજો.. ખાલી ઓબ્ઝર્વ કરજો, બોલશો નહીં, પણ જેવું બાપા બા કરે છે એ જ તમે કરો છો અને એ જ તમારા છોકરા કરે છે..!

દાદી જેવી દીકરી છે કે દાદા જેવો દીકરો છે, બધાની હરકતો અને ડિમાન્ડ બધું જ એકબીજાને મળતું આવે છે.

ભારત ભૂમિની આ જ ખાસિયત કે જોડે રહી રહીને બધા જ એકબીજા જોડે ઍડજસ્ટ કરી કરીને બધાય એકબીજા જેવા થઈ ગયા હોય અને સૌથી મોટી વાત એ છે કે જો દુઃખના વધારે કાઢ્યા હોય તો એકબીજાના ચહેરા સુધ્ધાં એકસરખા થઈ ગયા હોય..!

જીવનનો એક મોકો છે આ, આપણા પોતાના લોકોને નીરખવાના છે, ઘસાઈ ગયેલા સંબંધોને સહેજ ચમક આપવાની છે.

નીરખવા શબ્દ વાપરું છું. જોવું અને નીરખવું એનો ફર્ક રાખજો, પેલું મહેતા નરસિંહનું આવે છે ને, નીરખવા નંદકુમાર રે ..!! બસ, જેમ નંદકુમારને નીરખો ને એમ નીરખજો..

વ્હાલ આવશે..!!

હેરાન પરેશાન કરી મૂકતા બાળરાક્ષસને ઊંઘતો નીરખો, કરચલીઓ પડેલા ચહેરાને ધ્યાનથી જુઓ અને તમારા ખરા ટાઇમે કેવા આવીને ઊભા રહી ગયા હતા એ યાદ કરો. કચકચ કરતી કે કચકચિયાને નવરો કે નવરી બેઠેલીને લ્લનીરખોલ્લ બસ આનંદ લ્યો..!!

નીરખવા નીરખવામાં જો એક પણ સારી પોઝિટિવ વાત યાદ આવશે ને તો આખો દિવસ મસ્ત જશે..!

આ બધું કરવામાં એક શરત પણ છે, એકાદ દિવસ પૂરતું કોગળિયું ફાટ્યું છે એની ચર્ચા ટીવી કે સોશિયલ મીડિયા ઉપર ‘મ્યૂટ’ રાખજો.. હજી ઘણા દિવસો કાઢવાના છે, એક ના એક ટૉપિક ઉપર વાત કરવી અને જોયા કરીએ તો ઉપર લખેલું કશું જ થતું નથી..!!

Related Posts
1 of 29

દરેકના જીવનમાં એકાદ બે દસકા જાય એટલે આવો સમય આવતો જ હોય છે અને એના માટે જ આપણા ઘરની અંદર સામાને સામા ફરી રહેલા જે લોકો છે જેમણે જૂની જૂની વાતો કરીને આપણને ભૂતકાળમાં ‘પકવ્યા’ હોય એ પકવેલું આજે ઊગશે..!!

આપણા ઘરોમાં ઘરડાઓ પોતાને પડેલી મુસીબતોને વારંવાર દોહરાવતા હોય છે, પણ આજે એ વાત યાદ કરજો તો આ કપરો કાળ કેમ કાઢી નાખવો કે ખેંચી નાખવો એની ચાવી એમાંથી મળી જશે..!!

મુસીબત હંમેશાં પોતાના સ્વરૃપ બદલી બદલીને આવતી હોય છે અને જિંદગી એ પ્રમાણે પોતાને ઍડજસ્ટ કરીને જીવતી થઈ જતી હોય છે..!

બીજું પણ એક કામ કરજો કે, છેલ્લા બે દિવસથી કોને કોને નથી મળાયું અને કોનો રીતસરનો ખાલીપો લાગી રહ્યો છે એ યાદ કરો .

કેટલા ચહેરા નજરની સામે આવ્યા? એ ચહેરામાં દોસ્ત કેટલા દુશ્મન કેટલા? દોસ્તના સ્વરૃપમાં દુશ્મન દેખાયા કે દુશ્મનના સ્વરૃપમાં દોસ્ત?

છતાંય એમના વિના નથી ચાલતું ને? આજે? કંટાળો આવે છે?

મતલબ શું? એ પણ તારો એક આયનો જ છે, પણ થોડો જુદો.. યાદ છે પેલા બહિર્ગોળ અને અંતર્ગોળ આયના?

હા, આ લોકો એવા બહિર્ગોળ કે અંતર્ગોળ આયના છે, તમારાને મારા ..!!

આપણે જાડા હોઈએ તો પતલા દેખાવા અંતર્ગોળ આયના પાસે જઈને બેસીએ છીએ અને પતલા હોઈએ તો જાડા દેખાવા બહિર્ગોળ આયના પાસે બેસી જઈએ છીએ..!

જો ઊંધું થઈ જાય તો?

દોસ્તમાં દુશ્મન અને દુશ્મનમાં દોસ્ત..!!

આપણી જાતને જે આયનામાં જોવી ગમે ને એની સામે બેસવું ગમે..!!

રૉમેન્ટિક ફિલ આવી નહીં ?

જો જો અલ્યા, ડિસેમ્બરમાં પછી ગાયનેકને ત્યાં ખાટલા ઓછા પડશે, જાળવજો..!!

કૅમિસ્ટની દુકાને થોડીક રૃટિન દવા લેવા ગયો હતો, આપણો પાળેલો એક છે ત્યાં…

મેં પૂછ્યું, ભૂરા શું વધ્યું લ્યા? મારો બેટો પેલું કોન્ટ્રાસેપ્ટિવવાળું કોર્નર બતાડીને કહે, સાહેબ, આ લ્લનહીંલ્લ વેચાતું..!! બાકી તો આખી દુકાન સાફ કરી ગઈ છે જનતા..!!

ભૂરો…ભૂરો..!!!

ભૂરો સાચો હતો ‘હાઉ’ બહુ મોટો થઈ ગયો છે, સાવધાની ‘ને સતર્કતા ચોક્કસ જરૃરી છે, પણ મનમાં ભય રાખવાથી કે બીક રાખી ને આ દિવસો નહીં જાય. જો લાંબું ખેંચવાનું આવ્યું તો એકબીજાના વાંક અને વાળ ખેંચ્યે નહીં ખેંચાય એટલે વચડકાં ઓછાં કરો ને થોડુંક સારું બોલો અને હા, બહુ પ્રેમ કરતા હો તો થોડાક છણકાભણકા પણ કરતા રહેજો.!!

ગુજરાતી દાળમાં હળદર, મીઠું, ગોળ, રાઈ, મરચું, મીઠો લીમડો બધું માપમાં પડે..!

જરાક માપ આઘુંપાછું થયું તો પછી દાળ બગડી અને ખબર છે ને દાળ બગડે તો શું થાય…?

બોલો બોલો..?

માપમાં, માપમાં બધું..!!
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »