તમારા માટે, તમારી સાથે, સતત…

આખરે ઓલિમ્પિક ૨૦૨૦ રદ કરાયો

ઓલિમ્પિક ૨૦૨૦નું આયોજન રદ કરવાનો નિર્ણય કર્યો.

0 147
  • કવર સ્ટોરી – હેતલ ભટ્ટ

ચીનથી શરુ થયેલા કોરોના વાઇરસે મહામારીનું રુપ ધારણ કરી લીધું છે. હાલના સમયમાં દુનિયાનો ભાગ્યે જ એવો કોઇ દેશ હશે જેણે કોરોના વાઇરસ સામે લડવા માટે પગલાં ન લીધા હોય. સમગ્ર વિશ્વ કોરોના વાઇરસે સર્જેલી કટોકટીને કારણે ચિંતામાં છે. ત્યારે આ વર્ષે ટોકિયોમાં રમાનારા ઓલિમ્પ્કિ રમતોત્સવના આયોજનને પણ રદ કરવાની ફરજ પડી. આ વર્ષે ઓલિમ્પિક રમતોત્સવ ૨૪ જુલાઇથી ૯ ઓગષ્ટની વચ્ચે ટોક્યોમાં યોજાવાનો હતો પણ હવે તે નહીં રમાય. કોરોના વાઇરસને કારણે જે પરિસ્થિતિ સર્જાઇ છે તેને ધ્યાનમાં રાખીને ઘણાં દેશોએ ઘણી રમતોના આયોજનો રદ કર્યા છે. હવે રદ કરાયેલી રમતોત્સવની યાદીમાં ઓલિમ્પિકનું નામ પણ ઉમેરાયું છે.

થોડા દિવસો પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઓલિમ્પિકના આયોજનને એક વર્ષ પાછું ઠેલવું જોઇએ એટલે કે આવતા વર્ષે ઓલિમ્પિક રમતોત્સવ આયોજિત કરવો જોઇએ. તેમનું કહેવું હતું કે જો દર્શકો વિના જ રમતોત્સવનું આયોજન કરવાનું હોય તો તેના કરતાં આયોજન મોકૂફ રાખવું કે એક વર્ષ લંબાવવું વધુ સારું છે. જોકે, ઓલિમ્પિકનું આયોજન કરતી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ એ સમયે વિમાસણમાં હતી કે રમતોત્સવનું આયોજન કરવું કે નહીં પણ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આખરે આઇઓસીએ વિશ્વના ખેલ મહાકુંભ એવા ઓલિમ્પિક ૨૦૨૦નું આયોજન રદ કરવાનો નિર્ણય કર્યો.

Related Posts
1 of 262

સામાન્ય રીતે ખેલાડીઓને દર્શકોની વચ્ચે રમવાની મજા આવે છે. દર્શકો ખેલાડીઓના જુસ્સાને જાળવવાનું કામ કરે છે. તેમનામાં ઉત્સાહનો સંચાર કરે છે. હવે જ્યારે મેદાનમાં દર્શકોની હાજરી જ ન હોય તો સ્વાભાવિક છે કે ખેલાડીઓને પણ રમવાની મજા ન આવે. આ જ પ્રકારની ઘટના થોડા દિવસો પહેલાં ઓસ્ટ્રેલિયામાં જોવા મળી હતી. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ પૈકીના એક એવા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે કોરાના વાઇરસની મહામારીના પગલે આ મેચ દર્શકો વિના જ રમાડવામાં આવી. દર્શકોની ગેરહાજરીને કારણે ખેલાડીઓમાં પણ ઉત્સાહની ગેરહાજરી વર્તાતી જોવા મળી. ખેલાડીઓનો ઉત્સાહ ગાયબ હતો. સ્થિતિ એ હતી કે જ્યારે ઓસ્ટ્રિલયન ઓપનર ડેવિડ વોર્નરે અર્ધશતક પૂરું કર્યું તેની જાણ તેને પોતાને જ ન થઇ. આખરે થોડી ક્ષણો બાદ તેને ખ્યાલ આવ્યો કે તેણે પચાસ રન પૂરા કર્યા છે અને તેણે ડ્રેસિંગ રુમ તરફ પોતાનું બેટ બતાવી અન્ય ખેલાડીઓનું અભિવાદન સ્વીકાર્યું. ટૂંકમાં દર્શકોની તાળીઓનો ગડગડાટ અને તેમના અવાજો ખેલાડીઓને તેમની રમતમાં સક્રિય બનવામાં મદદ કરે છે. દર્શકો તો ખેલાડીઓની રમતનો આનંદ ઉઠાવે જ છે પણ ખેલાડીઓ પોતે પણ દર્શકોની હાજરીને કારણે રમતમાં સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત થાય છે. આ જ મેચમાં જ્યારે વોર્નરે ન્યૂઝીલેન્ડના બોલર લોકી ફર્ગુસનના બોલ પર સિક્સર લગાવી તો ફર્ગુસને પોતે સ્ટેન્ડમાં જઇને બોલ શોધવાની અને લઇને આવવાની ફરજ પડી હતી. કારણ શું. તો કારણ હતું દર્શકોની ગેરહાજરી. જો દર્શકો સ્ટેન્ડમાં હાજર હોત તો કોઇ ને કોઇ એ બોલ પકડવા અને પાછો આપવાની તત્પરતા બતાવતું જ પણ જ્યાં દર્શકોની જ ગેરહાજરી હોય ત્યાં તત્પરતાનો તો પ્રશ્ન જ નથી ઉદભવતો. જો ઓલિમ્પિકનું આયોજન થાત તો પણ આ પ્રકારની સ્થિતિ જ જોવા મળતી. થોડાં દિવસો પહેલાં આઇઓસી દ્વારા કહેવાયું હતું કે હવે પછી ઓલિમ્પિક ક્યારે યોજાશે તે નક્કી નથી પણ નિયત તારીખ એટલે કે ૨૪ જુલાઇ તો નહીં જ શુ થાય તે નક્કી છે. ટૂંકમાં એ સમયે ઓલિમ્પિક રદ કરવાનો નિર્ણય નહોતો કરવામાં આવ્યો પણ હાલનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કમિટિએ પોતાના નિર્ણય પર પુનઃવિચાર કર્યો અને ઓલિમ્પિક રદ કરવામાં જ સારાઇ છે એમ વિચારીને તેનું આયોજન પડતું મૂકવામાં આવ્યું. હવે ઓલિમ્પિક ફરી ક્યારે રમાશે તેની જાહેરાત પછીથી કરવામાં આવશે.  એક સમય હતો જ્યારે કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી હોવા છતાં આઇઓસીના પ્રમુખ થોમસ બાખ સતત કહી રહ્યા હતા કે તેઓ ઓલિમ્પિકના આયોજન માટે કટિબદ્ધ છે. પણ હવે વિશ્વના જુદા જુદા દેશોમાં જે સ્થિતિ સર્જાઇ છે તેને જોતાં હવે નમતું જોખ્યું હોય એમ લાગે છે અથવા આયોજન ન કરવામાં જ સારાઇ છે એવું તેમને લાગ્યું હોય એમ લાગે છે.

કોરોનાના સંક્રમણને કારણે ખેલાડીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ઘણાં ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લેવો કે ન લેવો તેની વિમાસણમાં હતા. માત્ર ઓલિમ્પિક જ નહીં પણ અન્ય રમતોમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ખેલાડીઓ હવે અન્ય દેશોનો પ્રવાસ કરવા નથી ઇચ્છતા. ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોએ તો જાહેર કર્યું હતું કે તેમના ખેલાડીઓ અન્ય દેશોનો પ્રવાસ નહીં કરે અને રમતોત્સવમાં ભાગ નહીં લે. ઓસ્ટ્રેલિયા અને કેનેડાઓ તો તેમના ખેલાડીઓની સુરક્ષાને લઇને આ પગલું ભર્યું હતું પણ ખેલાડીઓ પોતે પણ પોતાની સુરક્ષાને લઇને સતર્ક છે અને તેનું તાજું ઉદાહરણ છે – પીવી સિંધુ. પી વી સિંધુએ ગયા વર્ષે ઓલિમ્પિકમાં રજત ચંદ્રક જીત્યો હતો. થોડા સમય પહેલાં ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગયેલી સિંધુએ ખેલ મંત્રી કિરેન રિજિજુને ફોન કરીને પૂછ્યું હતું કે તે ટુર્નમેન્ટમાં રમવાનું ચાલુ રાખે કે ભારત પરત ફરે. સિંધુની આ ચિંતા સ્વાભાવિક છે. ઘણાં જાણીતા ખેલાડીઓ કોરોનાના સંક્રમણનો શિકાર બની રહ્યા છે તો ખેલાડીઓને પણ પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા પણ સતાવે તે માનવું રહ્યું. પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તો કોરોનાના સંક્રમણથી એ હદે ડરી ગયો કે તેણે પોતે જ એકાંતવાસ એટલે કે આઇસોલેશનમાં રહેવાનું નક્કી કર્યું.

ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબ આર્સેનલ અને ચેલ્સીના કોચ પણ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયા છે, જેના પગલે હવે આર્સેનલે તો હાલ પૂરતું પોતાનું લંડન સ્થિત ટ્રેનિંગ સેન્ટર બંધ કરી દીધું છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેન રિચર્ડસને પણ ગળામાં ઇન્ફેક્શનની ફરિયાદ કરી અને આ ફરિયાદને કારણે ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાંથી તેને બાકાત રાખવામાં આવ્યો. સારી વાત એ રહી કે કેનનો કોરોના વાઇરસ રિપોર્ટ નેગેટિવ આવ્યો. જોકે, કેનની ફરિયાદને પગલે ટીમ ચિંતામાં મૂકાઇ ગઇ અને આખી સીરિઝ સ્થગિત કરી દેવામાં આવી. આ જ સ્થિતિ ભારત આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની હતી. પરિણામે ત્રણ મેચોની વન ડે અધૂરી રાખીને ટીમ પોતાના દેશ પરત ફરી. બંને ટીમો હવે સ્થિતિ સામાન્ય થાય ત્યાર બાદ જ સીરિઝ રમશે એમ કહેવામાં આવ્યું છે. ઓલિમ્પિક તો રદ કરી દેવામાં આવ્યો પણ હજુ આઇપીએલના આયોજન પર શંકા સેવાઇ રહી છે. પહેલાં કહેવામાં આવ્યું હતું કે આઇપીએલ નિયત કાર્યક્રમ પ્રમાણે જ શરુ થશે અને દર્શકો વિના રમાડવામાં આવશે. જોકે વૈશ્વિક મહામારીના પગલે આઇપીએલનું આયોજન પાછું ઠેલવામાં આવ્યું અને ૧૫ એપ્રિલ સુધી તેને સ્થગિત કરવામાં આવ્યુ. બીસીસીઆઇ તો નિર્ધારિત સમય પર જ આઇપીએલનું આયોજન કરવા પર અડી ગઇ હતી પણ કેન્દ્ર સરકારે વિદેશી ખેલાડીઓને વિઝા આપવાની મનાઇ કરી અને પછી રાજ્ય સરકારે પણ સ્ટેડિયમમાં ભીડ એકઠી કરવા પર રોક લગાવી તેથી આઇપીએલના આયોજનને પણ ૧૫ એપ્રિલ સુધી પાછું ઠેલવાનો નિર્ણય બીસીસીઆઇએ કર્યો. વર્તમાન પરિસ્થિતિઓને જોતાં ઓલિમ્પિકનું આયોજન રદ કરી દેવામાં આવ્યું પણ  આઇપીએલ આ વર્ષે જ રમાશે કે પછી આવતા વર્ષે આયોજિત થશે તે તો હવે આવનારા દિવસો જ નક્કી કરશે.
————————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »