તમારા માટે, તમારી સાથે, સતત…

વુમન્સ ડે, સેલિબ્રેશન ફોર એનિથિંગ

મહિલાઓના સન્માનમાં સમર્પિત કરવામાં આવ્યો છે

0 116
  • યુવા  – હેતલ રાવ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર વિશ્વમાં ઊજવાય છે. પહેલાં કરતાં હવે મહિલાઓ માટેના આ દિવસને વધુ ખાસ બનાવવાના પ્રયત્નો દરેક જગ્યાએ થતા હોય છે. ઘરથી લઈને ઑફિસોમાં મહિલાઓ માટે કાર્યક્રમો અને સન્માનનીય પ્રોગ્રામોનું આયોજન થાય છે. એમ કહી શકાય કે હવે વુમન્સ ડેની ઉજવણીના અનેક ટ્રેન્ડ શરૃ થયા છે, સેલિબ્રેશન ફોર એનિથિંગ.

વર્ષ દરમિયાન અનેક એવા દિવસો છે જેની ઉજવણી કરવામાં આવે છે. સમયની સાથે એન્જોય કરવાના ટ્રેન્ડમાં પણ બદલાવ આવતા રહે છે. વાત કરીએ ૮ માર્ચની તો આ આખે..આખો દિવસ મહિલાઓના સન્માનમાં સમર્પિત કરવામાં આવ્યો છે. જોકે ઘણી મહિલાઓને એમ પણ લાગે છે કે માત્ર એક દિવસ કરતાં બારેમાસ મહિલાઓનો આદર કરવો જોઈએ. ખેર, એવી ફિલોસોફીની વાતમાં પડ્યા કરતાં, આપણે વુમન્સ ડેના ટ્રેન્ડ વિશે વાત કરીશું. પશ્ચિમી દેશોમાં તો આ પરંપરા ઘણી જૂની છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણા ત્યાં પણ મહિલા દિવસે મહિલાઓને વિશેષ રિસ્પેક્ટ આપવા આઠ માર્ચની રાહ જોવાતી હોય છે. ખાસ કરીને કોર્પોરેટ ઑફિસોમાં જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તો વળી, ફેક્ટરીઓમાં કામ કરતી લેબર લેવલની મહિલાઓને પણ આ દિવસે તે ખાસ છે તેવો અનુભવ કરાવવા માટે ગિફ્ટ, બે કલાકની વહેલી રજા આપવામાં આવે છે.

Related Posts
1 of 55

આ વિશે વાત કરતાં કોર્પોરેટ કંપનીના ઓનર કીર્તન પટેલ કહે છે, ‘મોટા ભાગના વર્કપ્લેસ પર કામ કરતી દરેક મહિલાઓ માટે વુમન્સ ડેને ખાસ બનાવવાનું આયોજન થાય છે, પરંતુ લાસ્ટ યરથી અમારી કંપનીમાં નવી શરૃઆત કરી છે. ઑફિસમાં વર્ક કરતી દરેક વુમન્સ માટે પાર્ટીનું આયોજન કરીએ જ છીએ. સાથે ગિફ્ટ, ફ્લાવર્સ આપી તેમને વિશેષ માન આપવાનો નાનકડો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ હવે ઑફિસનો તમામ સ્ટાફ આ દિવસે વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાં રહેતી દરેક ઉંમરની મહિલાઓ માટે જુદાં-જુદાં આયોજન કરીએ છીએ. મહિલાઓનું સન્માન કરવું તે આપણી નૈતિક ફરજ છે.’

વકીલાત કરતાં દીપિકા કિશોર પ્રદ્યુમન કહે છે, ‘ખાસ કરીને મહિલાઓના કેસ લડવાનું વધારે પ્રિફર કરું છું. મને એમ લાગે છે કે મહિલા દિવસની ઉજવણીના ટ્રેન્ડમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. મહિલાઓ માતા, બહેન, પત્ની અને અનેક રિલેશનથી બંધાયેલી હોય છે. માટે તેમનો આદર માત્ર એક દિવસ નહીં, સદાય કરવો જ જોઈએ. છતાં પણ આ દિવસે જે રીતે ઘરમાં, ઑફિસમાં, દરેક વર્કપ્લેસમાં મહિલાઓ માટે અલગ-અલગ પ્રોગ્રામોનું આયોજન થાય છે. તેના કારણે એક દિવસ તો એક દિવસ, મહિલાઓને પોતે વિશેષ છે તેવી લાગણી થાય છે. પહેલાં કરતાં હવે મહિલાઓને વુમન્સ ડેના દિવસે વધુ આદર-ભાવ મળે છે.’

વુમન્સ ડે માત્ર વર્કિંગ વુમન્સ માટે જ નથી, પરંતુ ગૃહિણી માટે પણ એટલો જ મહત્ત્વનો છે. તો વળી, સાવ સામાન્ય કામ કરતી મહિલાઓ માટે પણ એટલું જ ‘સન્માન હોવું જોઈએ જેટલું એક ઉચ્ચ હોદ્દા પર કામ કરતી મહિલા માટે હોય’ આ શબ્દો છે એનજીઓ સાથે જોડાયેલા ૨૨ વર્ષીય ઉદય મહેરાના. તેઓ કહે છે, ‘અમે મહિલા દિવસને વધુ ખાસ બનાવવા માટે સ્લમ વિસ્તારમાં કામ કરતી અને સ્લમ વિસ્તારમાં રહેતી મહિલાઓને મળીએ છીએ. જેમને વુમન્સ ડે એટલે શું તે પણ ખબર નથી હોતી. જ્યારે તેમને આ દિવસ વિશે સમજાવવામાં આવે છે ત્યારે તેમના ચહેરાની રોનક જોઈને અમારું ગ્રૂપ પણ આનંદિત થઈ જાય છે.’

જરૃરી નથી વુમન્સ ડે માટે પાર્ટી કરો, કાર્યક્રમોનું આયોજન કરો, મહિલાઓને  ગિફ્ટ, ચોકલેટ કે ફ્લાવર્સ આપો. જરૃરી એ છે કે આ દિવસે બને તો દરેક બહેન, દીકરી, માતાઓને વિશ્વાસ અપાવો કે એ તમારા માટે ખાસ છે અને તમે કાયમ તેમની રક્ષા કરશો, સન્માન આપશો.
————————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »