તમારા માટે, તમારી સાથે, સતત…

હોલિવૂડ ફિલ્મોની ગાથા બોલિવૂડમાં યથાવત્

બોલિવૂડ ટુ હોલિવૂડ

0 150
  • મૂવીટીવી  – હેતલ રાવ

બોલિવૂડમાં હિટ રહેલી ફિલ્મોના દર્શકો મનભરીને વખાણ કરે છે. એટલંુ જ નહીં, એક કરતાં વધારે વાર પોતાના ગમતા કલાકારને જોવા પણ જાય છે, પરંતુ જે ફિલ્મ તે હિન્દીમાં જોઈ રહ્યા હોય છે, હકીકતમાં તે હોલિવૂડ ફિલ્મની રિમેક હોય છે. બોલિવૂડમાં હોલિવૂડ ફિલ્મની રિમેક બનાવવાનો ટ્રેન્ડ ઘણો જૂનો છે. આવનારા સમયમાં પણ ઘણી એવી ફિલ્મો જોવા મળશે જે હોલિવૂડની પટકથા આધારિત હશે.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ સત્તે પે સત્તાને આજે પણ લોકો વારંવાર જોતા હોય છે. વરુણ ધવન, ટાઇગર શ્રોફ, કાર્તિક આર્યન જેવા ન્યુકમર એક્ટર્સને પસંદ કરનારા ચાઇલ્ડ ચાહકો પણ બિગ બીની આ ફિલ્મ મજાથી જુએ છે. હકીકતમાં સત્તે પે સત્તા ફિલ્મ હોલિવૂડની ૭ બ્રાઇડ્સ ફોર સેવન બ્રધર્સની રિમેક છે. આવી એક નહીં, પરંતુ બોલિવૂડમાં હિટ નીવડેલી ઘણી બધી ફિલ્મો છે જે બોલિવૂડની થીમ પરથી બની હોય અથવા તો તેની રિમેક હોય. રિતિક રોશનની એક્શનથી ભરપૂર ફિલ્મ બેન્ગ બેન્ગ, અક્ષય કુમારની સંઘર્ષ, હે બેબી, વી આર ફેમિલી, સલમાન અને ગોવિંદા સ્ટાર હિટ ફિલ્મ પાર્ટનર, ક્યુ કી.., કાંટે જેવી ઘણી બધી ફિલ્મો હોલિવૂડની દેન છે. બોલિવૂડમાં બનનારી દર ત્રીજી ફિલ્મ તમિલની રિમેક હોય છે એ વાતથી ભાગ્યે જ કોઈ અજાણ હશે, પરંતુ હોલિવૂડની પરંપરા પણ બોલિવૂડમાં દાયકાઓથી ચાલે છે. એની જાણ ઘણા ઓછા લોકોને હશે. આવનારા સમયમાં પણ હોલિવૂડ રિમેકની ધમાકેદાર એન્ટ્રી બોલિવૂડમાં થવા માટે તૈયાર છે.

બોલિવૂડમાં પરફેક્ટ મેન તરીકે ઓળખાતા આમિર ખાનની ફિલ્મની રાહ તેના ચાહકો જોતા હોય છે. લાલ સિંહ ચઢ્ઢા આમિરની અપકમિંગ ફિલ્મ છે. જોકે આ ફિલ્મ હોલિવૂડના ટોમ હેક્સની ફોરેસ્ટ ગેમ્સથી પ્રેરિત છે. દીપિકા પાદુકોણ અને રિશી કપૂરની ફિલ્મ ધ ઇર્ન્ટ્ન, ઉપરાંત ધ ગર્લ ઓન ધ ટ્રેન, ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ ફિલ્મની બોલિવૂડ રિમેક બનશે. શોર્ટ પિરિયડમાં બોલિવૂડ પર પોતાના અભિનયનો જાદુ પાથરનારી તાપસી પન્નૂ હોલિવૂડની રન લોલા રનની રિમેક લૂપ લપેટામાં જોવા મળશે. એક્શનથી ભરપૂર અને બોલિવૂડના નવા એક્શન મેન ટાઇગર શ્રોફની આવનારી ફિલ્મ રેમ્બો હોલિવૂડ ફિલ્મ રેમ્બોની રિમેક છે.

Related Posts
1 of 14

દર્શકોનો એક વર્ગ એવો છે, જે હોલિવૂડની બોલિવૂડ રિમેક જોવા માટે આતુર હોય છે. જ્યારે ઘણા દર્શકો એવા છે, જેમણે હોલિવૂડની તમામ એવી ફિલ્મો જોયેલી છે જેની બોલિવૂડ રિમેક બને છે. ફિલ્મો બનાવવાની પહેલી શરત છે કે તમારે રિસ્ક લેવા માટે હંમેશાં તૈયાર રહેવંુ પડે છે, માટે જ કહેવામાં આવે છે કે, શુક્રવારે રિલીઝ થતી ફિલ્મો કલાકારોથી લઈને ફિલ્મ સાથે જોડાયેલી દરેક વ્યક્તિનું નસીબ પલટી શકે છે. રિસ્કની સાથે ઘણી એવી વાતો છે જે ફિલ્મો માટે મહત્ત્વની બની રહે છે.

હિટ તે ફિટ
ભારતીય સિનેમાના નિષ્ણાતોનું માનવંુ છે કે, વર્તમાન સમયમાં ક્ષેત્રિય ફિલ્મોની હિન્દી રિમેક સાથે હોલિવૂડ ફિલ્મોની રિમેક બનાવવાનું ચલણ વધી રહ્યું છે. ટ્રેન્ડ એનાલિસ્ટોના અનુમાન પ્રમાણે વાત કરીએ તો, એક સમય એવો હતો જ્યારે ગેરકાયદેસર રીતે હોલિવૂડ ફિલ્મોની સ્ક્રિપ્ટની ઉઠાંતરી કરવામાં આવતી હતી, પરંતુ કાયદો વધુ મજબૂત થવાના કારણે હવે એ શક્ય નથી. હવે તમે પ્રેરણાની વાત કરી કોઈના વિચારો ચોરી નથી કરી શકતા. માટે જ ફિલ્મના રાઇટ્સ લઈ તેના પર કામ કરવંુ યોગ્ય રહે છે. કોઈ પણ ફિલ્મને તમારા અંદાજમાં ફરી વખત રજૂ કરવા માટેના રાઇટ્સ કાયદેસર ખરીદો છો, તો તે ફિલ્મ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ માટે યોગ્ય બની રહે છે.

ફિલ્મ સાથે જોડાણ જરૃરી
કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડા ફિલ્મ દિલ બેચારાથી નિર્દેશક તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. આ હોલિવૂડ ફિલ્મ ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સની રિમેક છે જેમાં બે દર્દીની વાત છે, જે કૅન્સર પીડિત હોય છે. બંને વચ્ચે દર્શાવવામાં આવેલા પ્રેમના કારણે મુકેશ આ ફિલ્મથી પ્રભાવિત થયા. તેઓ કહે છે, પ્રેમ એવો અહેસાસ છે જેની સાથે દરેક વ્યક્તિ જોડાઈ જાય છે. આ ફિલ્મ જોયા પછી મને લાગ્યું કે જો તેને ભારતીય દર્શકો માટે રજૂ કરવામાં આવે તો ચોક્કસથી ગમશે અને ફિલ્મ સાથે જોડાણ મહેસૂસ કરશે. જ્યારે રિભુ દાસગુપ્તા હોલિવૂડ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનની હિન્દી રિમેક બનાવી રહ્યા છે. રિભુને આ સ્ટોરી પર આધારિત ઉપન્યાસ વાંચવાની મજા આવી. ઉપન્યાસ અને હોલિવૂડ ફિલ્મ બંને રીતે લોકોએ તેને પસંદ કરી, જેથી તે પ્રભાવિત થયા રિમેક બનાવવા માટે. કોઈ પણ ફિલ્મની રિમેક બનાવવાનો સૌથી મોટો લાભ એ પણ હોય છે કે તમને પહેલેથી જ અંદાજો હોય છે કે તમે શંુ બનાવવા જઈ રહ્યા છો. હોલિવૂડ ફિલ્મની વાત કરીએ તો તેમાં સૌથી મહત્ત્વનો પાર્ટ સ્ક્રીન પ્લે છે, જે સ્થાનિક લોકોને સ્પર્શે તેવો હોવો જોઈએ.

રિસ્ક માટે તૈયાર       
હોલિવૂડ ફિલ્મની હિન્દી રિમેક જોનારો દર્શક વર્ગ ભારતમાં વધારે છે. જે દર્શકો હોલિવૂડ ફિલ્મ જોતાં હોય છે, તેવા દર્શકોમાં હોલિવૂડની હિન્દી રિમેક જોવાની ઉત્સુક્તા હોય છે. જોકે રિમેક કેવી બની છે તેના પર બધી નિર્ભરતા રહેલી છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે સલ્લુમિયાની ટ્યૂબલાઇટ ફિલ્મ. અમેરિકન ફિલ્મ લિટિલ બોય પર આધારિત આ ફિલ્મને ભારતમાં નિષ્ફળતા મળી હતી.
——.

બોલિવૂડ ટુ હોલિવૂડ
હોલિવૂડની નકલ કરી અસલ લાગતી બોલિવૂડની ફિલ્મોનું લિસ્ટ ઘણુ લાંબું છે, પરંતુ બોલિવૂડની એવી ઘણી ફિલ્મો છે જેની પ્રેરણા લઈને હોલિવૂડે ફિલ્મો બનાવી છે. જેમાં સૌથી મોખરાનું નામ છે શૉ મેન સ્ટાર રાજ કપૂર, જ્યુબિલીમેન રાજેન્દ્ર કુમાર અને વીતેલા જમાનાની સુંદર અભિનેત્રી વૈજયંતી માલાની સંગમ ફિલ્મનું છે. ૧૯૬૪ના સમયમાં બનેલી બોલિવૂડની આ ફિલ્મની રીમેક હોલિવૂડમાં પર્લ હાર્બરના નામથી ૨૦૦૧માં બની હતી. ઉપરાંત શાહરુખ ખાનને બોલિવૂડનો બાદશાહ બનાવનારી ફિલ્મ ડરની રીમેક ફીઅર, ૨૦૦૮માં નસીરુદ્દીનની ફિલ્મ એ વેન્સ ડે પરથી હોલિવૂડમાં ૨૦૧૩માં એ કોમનમેન બનાવવામાં આવી હતી. વિકી ડોનરની રીમેક ડિલિવરી મેન, જબ વી મેટ પરથી લિપ યર, બોલિવૂડની અભયની પ્રેરણા લઈને કિલ બીલ, ૨૦૦૫માં આવેલી બોલિવૂડ ફિલ્મ મૈને પ્યાર ક્યૂ કિયા પરથી ૨૦૧૧માં જસ્ટ ગો વિથ ઈટ બની હતી. આ ઉપરાંત પણ બોલિવૂડની એવી ઘણી ફિલ્મો છે જે હોલિવૂડના ડાયરેક્ટરોને પસંદ આવી હોય અને તેના હૂક સાથે અંગ્રેજી ફિલ્મ બને.
——————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »