તમારા માટે, તમારી સાથે, સતત…

સિંહ અને વાંદરો

સિંહનો કાન ખેંચીને ભાગું એટલે ડેથ વૉરંટ નક્કી છે.'

0 495
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

સુભાષચંદ્ર બોઝને તેમના પિતાશ્રી જાનકીનાથ બોઝ એક સુવાક્ય કાયમ કહેતા હતા કે પિતાની અમીરી જેવી ઝેરી ગરીબી બીજી કોઈ નથી. તુમ મુઝે ખૂન દો, મંૈ તુમ્હે આઝાદી દુંગા – જેવું સૂત્ર આપનાર સુભાષબાબુનું અવસાન આજે પણ એક કોયડો છે. આ સિંહ જેવા સુભાષચંદ્રને જેલવાસ દરમિયાન એકવાર આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. એ વખતે આમ સુભાષબાબુનો દુશ્મન પરંતુ બોઝના વ્યક્તિત્વથી મિત્ર થઈ ગયેલા અંગ્રેજે સોનેરી સલાહ આપી હતી કે,  Mr. Bose, you are forgeting one thing is that live Donky is more valuable than dad lion.  સુભાષબાબુ, આપ એક વાત ભૂલી રહ્યા છો કો જીવતાં ગધેડાની કિંમત મરેલા સિંહ કરતાં વધુ હોય છે. એનો કહેવાનો અર્થ એ હતો કે આપ સુભાષ નથી, પરંતુ સિંહ છો. આપ સામે ચાલીને મૃત્યુને નોતરશો તો આપની કિંમત કોડીની થઈ જશે.

‘જે માતાજી પથુભા…’

‘જે માતાજી લેખક, જે માતાજી…’

‘સૌરાષ્ટ્રના સિંહ, વીર કેશરી પથુભાને જે માતાજી…’ મારી સાથે અંબાલાલે પણ પથુભાને જે માતાજી કહ્યા.

‘સૌરાષ્ટ્રના સિંહ તો સાસણ ગીરમાં ફરે છે તે હશે. લવલી પાન સેન્ટરના માલિક એવા પથુભાને સિંહ કહેવાની જરૃર નથી.’ પથુભાએ વખાણથી જરા પણ વિચલિત થયા વગર જવાબ આપ્યો, કારણ એ બરાબર સમજતા હતા કે વખાણના પુલ નીચેથી મતલબની નદી વહેતી હોય છે.

‘એક વાર એક વાંદરાને વિચાર આવ્યો કે મારે આપઘાત કરવો છે.’ મેં સાસણ ગીરના સિંહનું સ્મરણ થવાથી વાત માંડી.

‘પછી?’

‘વાંદરાને આપઘાત માટે ઝેરી દવા પીવાનો કે ગળે ફાંસો ખાવાનો વિચાર ન આવે તે સ્વભાવિક છે એટલે એણે નક્કી કર્યું કે સિંહનો કાન ખેંચીને ભાગું એટલે ડેથ વૉરંટ નક્કી છે.’

‘હા… વાંદરો પણ આપણા અંબાલાલ કરતાં બુદ્ધિશાળી હશે.’ પથુભાએ કટાક્ષ કર્યો.

‘બુદ્ધિશાળી કોઈ પણ વિચારને આચરણમાં મૂકતાં પહેલાં વિચાર કરે અને જે મૂરખ હોય તે તાત્કાલિક અમલ કરે એ સનાતન નિયમ મુજબ વાંદરાએ તો સિંહની બોડ પાસે જઈ સિંહનો કાન ખેંચ્યો.’

‘શું વાત કરો છો લેખક?’

‘હા… મારણ કરીને સિંહ ઝોકે ચડી ગયો હતો અને વાંદરાએ કાન ખેંચીને ભરઊંઘમાંથી સિંહને જગાડી દીધો. સિંહે પૂંછડાનો ઝંડો ઊંચો કરીને ત્રાડ નાખી. કોઈ કાચીપોચી સ્ત્રીનો ગર્ભ છૂટી જાય એવી ત્રાડ સાંભળીને જંગલનાં પશુ-પક્ષીઓ થરથર ધ્રૂજવા લાગ્યાં. વાંદરાને તો મરી જવું હતું એટલે ભાગ્યા વગર સિંહ સામે જ ઊભો હતો.’

‘પછી?’

‘સિંહે ત્રાડ નાખી સામે ઊભેલા વાંદરાને જ પૂછ્યું કે જંગલના રાજાનો કાન ખેંચવાની હિંમત કોણે કરી છે! આ સાંભળી વાંદરો બોલ્યો કે રાજા.. મેં આપનો કાન ખેંચ્યો છે. આ જંગલ છે, ભારત નથી. બીજું, અહીં આપનું રાજ્ય છે, લોકશાહી નથી કે કોઈ રાજાના કાનની બૂટ પકડી ન શકે અને રાજાની ભૂલો તરફ અંગુલીનિર્દેશ કરી જ ન શકે.’

‘વાંદરો આવું બોલ્યો?’ અંબાલાલને આશ્ચર્ય થયું.

‘દિલ્હીની ચૂંટણીનું આજે જ પરિણામ આવ્યું છે. ભાજપને માત્ર આઠ સીટ મળી છે એટલે લેખક એની અસરમાં બોલી ગયા લાગે છે.’ પથુભાએ મારી વાતને બરાબર પારખી લીધી.

‘પછી એ વાંદરાનું શું થયું?’ અંબાલાલને ઇંતેજારી થઈ.

‘વાંદરાને મનમાં હતું કે મારી આ ચેષ્ટાથી ક્રોધે ભરાઈને સિંહ મને મારી નાખશે, પરંતુ સિંહે હળવેથી કહ્યું કે તેં જ્યારે મારી બૂટ ખેંચી ત્યારે કોઈ જોતું નહોતું ને? આ સાંભળી વાંદરાએ ના પાડી. ત્યાર બાદ સિંહે આજુ-બાજુ નજર કરીને ખાત્રી કરી કે અત્યારે પણ કોઈ જોતું નથી – પછી વાંદરાને હળવેથી વિનંતી કરી કે હજુ એકવાર મારી બૂટ ખેંચ.’

‘શું વાત કરો છો?’

‘હા… હું જે કહું છું તે સત્ય કહું છું. વાંદરાને તો મરી જવું હતું એટલે એણે હિંમત રાખીને બીજીવાર કાનની બૂટ ખેંચી. સિંહે કહ્યું નહોતું છતાં બીજા કાનની પણ બૂટ ખેંચી.’

‘પછી?’

Related Posts
1 of 29

‘ત્યાર બાદ સિંહે કહ્યું કે તું દરરોજ અહીંયા આવતો રહેજે અને કોઈ જોઈ જાય નહીં એ રીતે મારા કાનની બૂટ ખેંચતો રહેજે, કારણ રાજા થયા પછી કોઈએ કાન ખેંચ્યો નથી તો મઝા આવતી નથી. તેં આજે કાન ખેંચ્યો તો મને થયું કે મારો પણ કાન ખેંચી શકે એવું કોઈ તો આ દુનિયામાં છે. હું તને આજથી મારો મિત્ર બનાવું છું.’

‘વાંદરાને મરવું હતું એનું શું થયું?’

‘એની મરવાની ઇચ્છાનું બાળમરણ થઈ ગયું કે શું?’

‘વાંદરો ગરીબ બાપનો દીકરો હતો એટલે એની સાથે કોઈ વાંદરી લગ્ન કરવા તૈયાર નહોતી, પણ જંગલમાં વાયુ વેગે સમાચાર ફેલાઈ ગયા કે સદરહુ વાનરકુમારની સિંહ સાથે દોસ્તી છે એટલે યુવાન અને લગ્નલાયક વાંદરીઓનાં માબાપની લાંબી લાઈન લાગી ગઈ.’

‘વાંદરો તો ફાવી ગયો.’

‘પછી તો રાજાના મિત્ર વાંદરાએ ચાર-પાંચ વાંદરીઓ સાથે દાંપત્યજીવનના શ્રીગણેશ કર્યા અને ચાર-પાંચ વાંદરીઓ સાથે લગ્નતેર સંબંધો પણ રાખ્યા. આમ વાંદરો રાતોરાત પાંચમાં પૂછાવા લાગ્યો.’ મેં વાત પુરી કરી.

‘લેખક તમે વાંદરાની વાત કરી અને આજે જ સમાચાર છે કે અમદાવાદમાં અમેરિકાથી ટ્રમ્પકાકા આવવાના હોવાથી વાંદરા પકડવાનું પાંજરું અવેલેબલ નથી.’

‘પાંજરામાં ટ્રમ્પને પકડવાના છે?’

‘ના… એવું નથી, પરંતુ સુરક્ષાના ભાગરૃપે બધાં પાંજરાંઓ તૈયાર રાખ્યાં છે એટલે થોડા દિવસ આમ જનતા માટે પાંજરાસેવા ઉપલબ્ધ નથી.’

‘એમ તો થોડા દિવસો પહેલાં સમાચાર હતા કે ઍરપોર્ટ ઉપર વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે. વાંદરા છેક રનવે સુધી દોડીને જતાં રહે છે એટલે ઍરપોર્ટ ઑથોરિટી રીંછના કોસ્ચ્યુમ માણસને પહેરાવીને વાંદરાને ભગાડવાની કોશિશ કરે છે.’

‘સિંહના કોસ્ચ્યુમ પહેરાવો તો પણ વાંદરા જવાના નથી, કારણ એ ભલે વાનર છે, પરંતુ નર કરતાં વધુ બુદ્ધિશાળી છે. સાચા અને ખોટા જાનવર વચ્ચેનો ભેદ એ બરાબર સમજે છે. માણસ સાચા અને ખોટા માણસનો ભેદ હજુ સુધી સમજી શક્યો નથી.’

‘લેખકે વાંદરાની વાત કરી એટલે મને પણ વાંદરાની એક વાત યાદ આવે છે.’ પથુભાએ વાત માંડી.

‘બોલો બાપુ બોલો…’ અંબાલાલે ટેકો કર્યો.

‘એકવાર એક વાંદરાને થયું કે કંઈક એવું પરાક્રમ કરવું છે કે આ જંગલનો જે દિવસે ઇતિહાસ લખાય ત્યારે એકાદ પ્રકરણ મારા નામે પણ લખાઈ જાય. મારા વંશજો મને યાદ કરીને ગૌરવ લઈ શકે.’

‘વાહ કવિરાજ વાહ…’

‘એને થયું કે જો સિંહને ફેરવીને એક થપ્પડ મારી દઉં તો અમર થઈ જઉં. ત્યાર બાદ મારું જે થવું હોય તે થાય, પરંતુ લોકો સિંહને લાફો મારનાર વાંદરા તરીકે મને યાદ કરશે.’

‘જય હો… વાનરકુમારની જય હો.’

‘લેખકે હમણા વાત કરી એમ સિંહ ધરાઈને લંચ લીધા પછી નેપ લેતો હતો. એની બંને આંખો બંધ હતી અને વાંદરાએ અડબોથ ઝીંકી દીધી. સિંહને થયું કે વાંદરા લાફા મારી જાય તો જીવવું કેમ? એ વાંદરાની પાછળ દોડ્યો. વાંદરાને કંઈ સૂઝ્યું નહીં તે એક ન્યૂઝ પેપર જમીન ઉપર પડ્યું હતું એ વાંચતો હોય એ રીતે ચહેરા સામે રાખીને બેસી ગયો.’

‘પછી?’

‘થોડીવારમાં સિંહ કાળઝાળ થઈને ત્યાં આવી ચડ્યો. એણે છાપું વાંચતા વાંદરાને પૂછ્યું કે અહીંથી કોઈ વાંદરાને ભાગીને જતો જોયો? વાંદરાએ છાપામાં જ મોઢું રાખીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું. એણે સિંહને પ્રતિપ્રશ્ન કર્યો કે ક્યો વાંદરો? સિંહને લાફો મારીને ભાગ્યો એ વાંદરો?’

‘પછી?’

‘આ સાંભળીને સિંહ સાવ નરવસ થઈ ગયો. એણે ગળગળા સાદે એટલું જ કહ્યું કે હવે મારે મરી જવું પડશે, કારણ આટલી વારમાં તો આ સમાચાર છાપામાં આવી ગયા. એકવાર છાપામાં આબરૃ ગઈ પછીથી હવે જીવી શકાય નહીં. એ સિંહ આપઘાત કરીને મરી ગયો અને વિજય માલ્યા, નીરવ મોદી વગેરે હજુ જીવે છે.’ પથુભાએ વાત પુરી કરી અને અમે વિખેરાયા.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »