તમારા માટે, તમારી સાથે, સતત…

વિદ્યાર્થી અને રાજકારણ બહુ નાજુક સંબંધ છે!

છાત્ર સંસદ પોતાની સમસ્યા માટે કાર્ય કરે તો તેમનું જ ભવિષ્ય સુધરશે.

0 181
  • કોલકાતા કૉલિંગ – મુકેશ ઠક્કર

લોકશાહીમાં ચૂંટણી નિર્ણાયક શક્તિ છે. દરેક નિર્ણયો સર્વસંમતિથી થાય એ શક્ય નથી. સ્વાભાવિક છે બહુમતી જે તરફ ઢળે તે નિર્ણય છેવટનો ગણાય. જોકે તે નિર્ણય સામે પણ રાજકારણ વિજ્ઞાનની બદલે ગણિતથી માપી લેવાય છે, તેમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી પણ બાદ નથી.

તાજેતરમાં કોલકાતાની બહુચર્ચિત જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનની ત્રણ વરસ બાદ ચૂંટણી યોજાઈ, જે દિવસે ચૂંટણીની તારીખ ૧૯ ફેબ્રુઆરી જાહેર થઈ તે દિવસથી કેમ્પસ અને આસપાસના વિસ્તારની આબોહવા જ બદલાઈ ગઈ. વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીના મુદ્દાઓ સામાન્ય રીતે શૈક્ષણિક સાધનો, અભ્યાસ ક્રમમાં સુધારો, નવા કોર્સ, વિવિધ વિષયો, રમતગમત માટે અનુકૂળતા વગેરે હોય છે. જોકે આપણા દેશની કેટલીક વિશ્વવિદ્યાલયો વેર, વિરોધ અને વિકારનો શિકાર બની ગઈ છે. વિદ્યાર્થી માનસ બહુ નાજુક સમયથી પસાર થતો તબક્કો હોય છે. દેશ-દુનિયાની માહિતી, જ્ઞાનને ઝડપથી સ્પર્શ કરી જોશભર્યા નિર્ણયો લઈ શકે છે. ભવિષ્ય, કરિયર જેવા ધ્યેયથી ભટકાઈ જવાની શક્યતા ઊભી થઈ જાય છે.

કોલકાતામાં ૧૯૬૭થી એક દૌર એવો શરૃ થયો જેમાં કૉલેજ અને વિશ્વવિદ્યાલયમાં રાજકારણે પગપેસારો કર્યો. તે સમયે દર વર્ષે સ્નાતકોની સંખ્યા વધતી જઈ રહી હતી, તે સામે એટલાં રોજગારીનાં સાધનો ઉપલબ્ધ નહોતાં. પરિણામે ઉદ્યોગોમાં ટ્રેડ યુનિયન અને શિક્ષણ સંસ્થાઓમાં છાત્ર સંગઠનને બળ મળ્યું. ડાબેરી વિચારધારા પ્રસરી, સરઘસ અને હડતાળને શસ્ત્ર બનાવી સામ્યવાદીઓએ સફળતા મેળવી. પશ્ચિમ બંગાળ, કેરળ અને ત્રિપુરામાં રાજ્ય સરકારો નાનાં-મોટાં સામ્યવાદી પક્ષોના ગઠબંધનથી બની, કેરળમાં ઉલટફેર થયાં, પણ પશ્ચિમ બંગાળ ૩૪ વર્ષો સુધી રાજકારણ ડાબેરીઓના હાથમાં જ રહ્યું.

વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન આંદોલનો કરે, પણ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મોટા ભાગે તેઓ પોતાના નિશ્ચિત કરેલા માર્ગ પર આગળ વધી જાય. સામ્યવાદી રંગમાં ઓતપ્રોત વિદ્યાર્થીઓ તે ઝંડો છોડતાં નથી, તેઓ ગમે તે ક્ષેત્રમાં જાય ત્યાં પોતાની અલગ છાપથી અળગા રહી શકતાં નથી.

Related Posts
1 of 37

જાદવપુર યુનિવર્સિટીમાં આવંુ દ્રશ્ય અનેકવાર સર્જાયું છે જે વિચાર કરતાં વધુ વિવાદનું કારણ બનતું રહ્યું છે. આ વર્ષે વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીમાં સામ્યવાદી તરફી એસએફઆઈ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પહેલીવાર જંપલાવ્યું. જાદવપુર યુનિવર્સિટીમાં ઘણા વિભાગો છે. ૧૩ પદાધિકારીઓ અને ૬૦૦ વર્ગ પ્રતિનિધિઓ માટે ૪૫૦૦ આર્ટ્સ વિભાગના, ૨૪૦૦ વિજ્ઞાન વિભાગના, ૭૦૦ એન્જિનિયરિંગ વિભાગનાં વિદ્યાર્થીઓએ મતદાન કર્યું. રણક્ષેત્ર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

થોડા મહિનાઓ પહેલાં કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન બાબુલ સુપ્રિય જાદવપુર યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન ઘેરાઈ ગયા હતા. રાજ્યપાલ જગદીપ ધનકડે હસ્તક્ષેપ કરી તેમને કેમ્પસમાંથી બહાર નીકાળ્યા હતા.ત્યારથી રાઈટ અને લેફ્ટ વચ્ચે ઘર્ષણ ચાલતું રહ્યું છે. એવીબીપી માટે આ ચૂંટણી સરળ નહોતી તેમ છતાં તેમણે વિદ્યાર્થીઓ વચ્ચે પોતાનો ધ્યેય રજૂ કર્યો. અગાઉથી જામી પડેલી શક્તિઓએ ગણિત બદલાવ્યું. એસએફઆઈ સાથે ડેમોક્રેટિક સ્ટુડન્ટ ફ્રન્ટ, ઇન્ડિપેન્ડેન્ટ ફ્રન્ટ પણ ઉતાર્યું.એક જ વિચારધારાના વિદ્યાર્થીઓએ દેખાવ ખાતર અલગ મોરચો ખોલ્યો અને પરિણામ બહાર પડ્યું તો ડેમોક્રેટિક ફ્રન્ટ મોખરે રહ્યું.એસએફઆઈ તેની પાછળ રહ્યું. આશ્ચર્યજનક રીતે એવીબીપીએ પણ પોતાનો પરચો દેખાડ્યો. પહેલીવાર સત્તાવાર ચૂંટણીમાં જંપલાવી પોતાની હાજરી નોંધાવી.

અહીં અઘરા દાવપેચ હતા જેઓ વર્ષોથી બ્રેઇન વૉશ માટે નિષ્ણાત છે. રાજકારણમાં કાર્યકર્તા, કાર્યક્રમ, કાર્યકારિણી, કોષ અને કાર્યાલય મુખત્વે પક્ષ કે સંગઠનનો પાયો અને નિસરણી બને છે, તેની બદલે એવી અર્થહીન દલીલો સાથે મિથ્યા ચિત્ર વિદ્યાર્થીઓ સામે દોરવામાં આવે છે જેની દેશની મૂળ સંસ્કૃતિ સાથે કોઈ જોડાણ જ નથી. આ તર્ક કરીને સમાચારોમાં ઝબકતા જીવો અગાઉ ઍવૉર્ડ જીતી લેતાં, રાજ્યસભામાં નોમિનેટ થઈ જતાં.

જોકે પોતાના રાજ્યમાં ચૂંટણીમાં જંપલાવવાનું સાહસ કરતાં નથી! વિદ્યાર્થીઓના ખભે ભાર મૂકી પોતાનું નિશાન પાર પાડી લેતાં હોય છે. વર્તમાનમાં ચર્ચા એ છે કે એક દિવસમાં કંઈ થાય નહીં, પણ એક દિવસ કંઈક જરૃર થશે. જ્યાં ઉમેદવાર મળવા મુશ્કેલ હોય, સંગઠન નબળું હોય ત્યાં પૂર્ણ પરિવર્તન માટે થોડો સમય લાગે.

છાત્ર સંસદ પોતાની સમસ્યા માટે કાર્ય કરે તો તેમનું જ ભવિષ્ય સુધરશે. રોજગારની જૂની વ્યવસ્થા હવે રહી નથી. પરિણામલક્ષી અને સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થઈ ચૂક્યું છે. આજના વિદ્યાર્થીઓને સમજવું પડશે હવે માગણીઓ મૂકવાનો યુગ નથી, દક્ષતા દેખાડીને સ્થાન બનાવવાનો યુગ છે. સફળતા સામે બાકી બધા રંગ ફિક્કા લાગશે!
——————————————

Leave A Reply

Your email address will not be published.

Translate »