અમદાવાદમાં યોજાયો લઘુ ફિલ્મોનો મોટો ફિલ્મોત્સવ
'ટૅક્નોલોજીના કારણે હવે દરેક ક્ષેત્રમાં પરિવર્તનો આવ્યાં છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ તેમાંની એક છે.
- કલા સંવાદ – નરેશ મકવાણા
આપણે ત્યાં બહુ ઓછા લોકોને એ વાતનો ખ્યાલ હશે કે અમદાવાદમાં ઘણા એવા ફિલ્મકારો છે જે દર મહિને કોઈ ને કોઈ શોર્ટ ફિલ્મનું નિર્માણ કરે છે. સામાજિક મુદ્દાઓને વણી લેતી આવી ફિલ્મો પછી મુંબઈ, ગોવા કે અન્ય શહેરોમાં યોજાતાં ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવતી હોય છે. કેમ કે ગુજરાતમાં આ પ્રકારની ફિલ્મોને કોઈ સ્ટેજ મળતું નહોતું, પણ હવે આ પરિસ્થિતિમાં ફેરફાર થઈ રહ્યો છે.
આયોજનની અનેક ખામી વચ્ચે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે તારીખ ૨૧થી ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ ત્રીજો ‘ચિત્ર ભારતી નેશનલ શોર્ટ ફિલ્મ ફૅસ્ટિવલ’ યોજાઈ ગયો. જેમાં દેશભરમાંથી ફિલ્મકારો, સમીક્ષકો અને ફિલ્મરસિકોએ વિવિધ ૧૧ જેટલી થીમ પર બનેલી ટૂંકી ફિલ્મોને ઉત્સાહપૂર્વક નિહાળી હતી. છેલ્લાં છ વર્ષથી ‘ભારતીય ચિત્ર સાધના ટ્રસ્ટ’ દ્વારા દર બે વર્ષે આ પ્રકારના ફિલ્મ ફૅસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. પહેલો ફૅસ્ટ ૨૦૧૬માં ઇન્દોર ખાતે યોજાયો હતો. એ પછી ૨૦૧૮માં તેની બીજી આવૃત્તિનું દિલ્હી ખાતે આયોજન થયું હતું. આ તેની ત્રીજી આવૃત્તિ હતી જેમાં દેશભરની મુખ્ય ભાષાઓની ફિલ્મોની એન્ટ્રી આવી હતી. જેમને તેની કક્ષા પ્રમાણે શૉર્ટ ફિલ્મ, એનિમેશન, ડૉક્યુમેન્ટરી અને કૅમ્પસ એમ કુલ ચાર કૅટેગરીમાં વહેંચીને પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ ફિલ્મ ફૅસ્ટિવલમાં યુવા ફિલ્મકારોને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા સુભાષ ઘાઈ, હેમા માલિની, પ્રસૂન જોષી, પ્રિયદર્શન, મધુર ભંડારકર, વિક્ટર બેનરજી, વિવેક અગ્નિહોત્રી, રવિ કિશન, હંસરાજ હંસ, અભિષેક જૈન, અભિષેક શાહ અને આરતી પટેલ સહિતની હિન્દી અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. દરેક કૅટેગરીની ફિલ્મો માટે અલગથી જ્યુરી મેમ્બરની નિમણૂક કરવામાં આવેલી હતી જેમણે ઍવૉર્ડ માટે વિજેતા ફિલ્મની પસંદગી કરી હતી. દરમિયાન ભારતીય ફિલ્મ ઇતિહાસ પર એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે કુલ ૨૮ ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.
આ ફિલ્મ ફૅસ્ટિવલને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કહ્યું હતું કે, ‘ફિલ્મોની સમાજ અને વ્યક્તિ પર આગવી અસર પડતી હોય છે. ફિલ્મોમાં સમાજનું પ્રતિબિંબ ઝીલાતું હોઈ એ રીતે તે સમાજ અને રાષ્ટ્ર ઘડતર પણ કરે છે. ફિલ્મો આપણા મન પર જબરદસ્ત પ્રભાવ પાડતી હોય છે અને ફિલ્મમાંથી જ પ્રેરણા લઈને કેટલાય લોકો જીવનમાં આગળ વધતા હોય છે-કંઈક કરી બતાવવાની તત્પરતા કેળવતા હોય છે. સમાજને મજબૂત બને અને નેશન ફર્સ્ટની સંકલ્પના સાકાર થાય તે માટેના જરૃરી પરિબળો પૈકીનું એક પરિબળ છે ફિલ્મો. હાલ જે રીતે આ ઉદ્યોગ સતત આગળ વધી રહ્યો છે તે જોતા ગુજરાત સરકાર પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થા આપણે ત્યાં ઊભી કરવા વિચારી રહી છે અને તે માટે જોઈતી મદદ કરવા સરકાર કટિબદ્ધ છે. આ ઇન્સ્ટિટ્યૂટમાં યુવાનો માત્ર અભિનયની કક્કો-બારાખડીની સાથે ફિલ્મની ટૅક્નિકલ બાબતોની પણ તાલીમ મેળવી શકશે. આજે ફિલ્મોનો વ્યાપ થિયેટર પૂરતો મર્યાદિત ન રહેતા મોબાઇલ સુધી વિસ્તર્યો છે ત્યારે, શૉર્ટ ફિલ્મો પણ લોકપ્રિય બની રહી છે. એ સ્થિતિમાં ટૂંકી ફિલ્મોને આવું જાહેર પ્લેટફોર્મ મળે તે સમયની માગ છે.’
જાણીતા ગીતકાર અને હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચૅરમેન પ્રસૂન જોશીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ફિલ્મોની વાત કરતા કહ્યું હતું કે, ‘ટૅક્નોલોજીના કારણે હવે દરેક ક્ષેત્રમાં પરિવર્તનો આવ્યાં છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ તેમાંની એક છે. દરેક વ્યક્તિ પાસે પોતાની વાત રજૂ કરવા માટે એક મંચ છે. ટૂંકમાં, આજના સમયમાં એ બધા મંચોનું લોકાર્પણ થઈ ગયું છે. જોકે, સમયની વરવી વાસ્તવિકતા એ છે કે તમે જે વ્યક્તિને પોતાની વાર્તા કે સ્ક્રિપ્ટ સંભળાવવા માગો છો એ વ્યક્તિ તમને પહેલાં પોતાની વાત કહેવા માગે છે. ટૂંકમાં, સાંભળવાની વાત પછી પહેલાં પોતાની વાત. વ્યક્તિનું અન્ય વ્યક્તિને અટેન્શન આપવાની ટેવમાં ઘટાડો નોંધાયો છે. લોકોને આજે નેગેટિવિટી બહુ જલદી પ્રભાવિત કરે છે, કારણ કે પોઝિટિવિટી આજના સમયમાં બહુ મોટો પડકાર સાબિત થઈ રહી છે. જોકે, એ પડકાર ઝીલવો જરૃરી છે. હું જ્યારે પણ વિદેશમાં જાઉં છું ત્યારે મને હંમેશાં પ્રશ્ન કરવામાં આવે છે કે ભારતીય ફિલ્મોનો પ્લોટ એક જ પ્રકારનો કેમ હોય છે ત્યારે મારો જવાબ હોય છે કે ભારતીય સંસ્કૃતિને ટકી રહેવા માટે કોઈ ટેકાની જરૃર નથી, તે આપબળે જ ચાલતી આવી છે.’
ફિલ્મો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતી કેટલીક મહત્ત્વની અને ગંભીર વાતોની વચ્ચે પ્રસૂન જોશીએ પોતાના આગવા અંદાજમાં હળવી શૈલીમાં દર્શકોની આદતો પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આપણે ત્યાં લોકો મનોરંજન માટે ફિલ્મો જોવા જાય છે. તેમને કોઈ પોઝિટિવ વાત કરો તો તેમને ઉપદેશ આપતા હો તેવું લાગે છે. દર્શકોને પ્લોટની સાથે ગીત-સંગીતમાં પણ ભારે રસ છે. જો કોઈ દર્શક ફિલ્મ જોવામાં મોડો પડે તો તે એવો પ્રશ્ન નથી કરતો કે પહેલો સિન કયો હતો, તે એવું પૂછે છે કે એકેય ગીત તો નથી ગયું ને.’
સુભાષ ઘાઈ જેવા જ બોલિવૂડના અન્ય એક જાણીતા ડિરેક્ટર પ્રોડ્યુસર જેમણે પોતાના સફેદ વસ્ત્રો થકી લોકોમાં આગવી ઓળખ ઊભી કરી છે એવા અબ્બાસ-મસ્તાને પણ શૉર્ટ ફિલ્મ ફૅસ્ટિવલમાં હાજરી આપી હતી. ફાંકડું ગુજરાતી બોલતાં અબ્બાસ-મસ્તાન બેલડીએ પોતાની કારકિર્દીની શરૃઆત સાજન તારા સંભારણા અને મોતી વેરાણા ચોકમાં જેવી ગુજરાતી ફિલ્મો દ્વારા કરી હતી. બોલિવૂડમાં રેસ, પ્લેયર, બાજીગર, ખિલાડી જેવી સસ્પેન્સ ફિલ્મો બનાવનારા અબ્બાસ-મસ્તાને પણ માસ્ટર ક્લાસ લીધો હતો. સુરતના આ બંને ભાઈઓએ બોલિવૂડમાં આગવી ઓળખ બનાવી છે. ફિલ્મો સંદર્ભમાં તેમનું કહેવું છે કે, ‘ફિલ્મમાં હોલસમ ઍન્ટર્ટેઇનમૅન્ટ હોવું જોઈએ. લોકોને લાગે છે કે અમે માત્ર સસ્પેન્સ અને મર્ડર મિસ્ટ્રી જેવી ફિલ્મો બનાવીએ છીએ પણ એવું નથી. અમારી ફિલ્મોમાં પ્લોટ, ગીત-સંગીતની સાથે સસ્પેન્સ અને થ્રિલ હોય છે. ટૂંકમાં, હોલસમ પેકેજ એ આજના સમયની માગ છે.’
ત્રીસ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય એવા અબ્બાસ-મસ્તાને ઇન્ડસ્ટ્રીમાં આવેલા પરિવર્તનો અંગે વાત કરતા કહ્યું હતું કે, ‘આજે લોકોને સરળતાથી અભિવ્યક્તિનો મોકો મળે છે. આપણે તેને ઇઝીલી એક્સપ્લોઝર તરીકે ઓળખી શકીએ. ફિલ્મો ક્યારેય નાની કે મોટી નથી હોતી. તે સારી હોય છે અથવા ખરાબ હોય છે. ફિલ્મોની સ્ક્રિનિંગ ટાઇમના આધારે તેની મુલવણી ન કરી શકાય. દરેક ફિલ્મ આગવું મહત્ત્વ ધરાવતી જ હોય છે. અબ્બાસ-મસ્તાન જેવા જ અન્ય એક ગુજરાતી કલાકાર, ડિરેક્ટર, પ્રોડ્યુસર જે.ડી. મજિઠિયાએ લોકોને ખૂબ વાંચવા, અભ્યાસ કરવા, લોકોને મળવા અને અનુભવો કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલાં તમારે તમારા વ્યક્તિત્વને મજબૂત બનાવવું જોઈએ. જો વ્યક્તિત્વ મજબૂત હશે તો કન્વિક્શન, જિદ અને રિજિડિટી વચ્ચેનો ભેદ તમે પારખી શકશો.’
અભિષેક જૈન અને મેહુલ સુરતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઓળખ છે. ભાગ્યે જ એવો કોઈ ગુજરાતી દર્શક હશે જે આ બે નામોથી પરિચિત નહીં હોય. શૉર્ટ ફિલ્મ ફૅસ્ટિવલમાં કેવી રીતે જઈશ, બે યાર જેવી ફિલ્મો આપનારા અભિષેક જૈને માસ્ટર ક્લાસ લીધો હતો. તેમણે ફિલ્મ હિટ જશે કે ફ્લોપ એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે એ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘ફિલ્મ હિટ જશે કે ફ્લોપ એ નક્કી કરવાનું કામ ફિલ્મમેકરનું નથી. જો તમે સવારે ઊઠીને એક પાનું લખશો અને બીજા દિવસે ઊઠીને એ પાનું વાંચશો તો તમને તેના કરતાં પણ સારું લખવાની પ્રેરણા મળતી જ રહેશે. ટૂંકમાં તમે જેટલાં ડેડિકેશન સાથે સતત નવું કરવાની ધગશ રાખતા હશો તો તમે સતત સારું અને નવું કામ કરી જ શકશો. ફિલ્મની વાર્તા હોય કે અન્ય કોઈ બાબત, આ વાત બધે જ લાગુ પડે છે. આપણે ત્યાં વ્યક્તિએ વ્યક્તિએ સફળતાની વ્યાખ્યા બદલાતી રહે છે. કેટલાકને બોલિવૂડમાં સફળતા મળે છે તો કેટલાકને નથી મળતી. તમને જ્યાં સંતોષ મળે ત્યાં કામ કરો. સફળતા આપોઆપ મળવા લાગશે.’
રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મ હેલ્લારો અને મોન્ટુની બિટ્ટુ જેવી ફિલ્મોમાં કર્ણપ્રિય સંગીત પીરસનારા મેહુલ સુરતીએ પોતાના માસ્ટર ક્લાસ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલા અભિન્ન અંગ એવા ગીત-સંગીતની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ફિલ્મમાં બે પ્રકારનું સંગીત હોય છે, એક હોય છે ગીતો રૃપે અને બીજું હોય છે બૅકગ્રાઉન્ડ સ્કોર રૃપે. વાર્તા જેટલી સારી હશે તેટલા જ ડાયલોગ્સ દમદાર હશે. ફિલ્મ ગમે તેવી હોય, પણ તેમાં સાઉન્ડ ડિઝાઇન જોરદાર હશે તો તે સરસ જ બનશે. સાઉન્ડ ડિઝાઇન પર ઘણો બધો મદાર રહેલો છે. એવી વ્યક્તિ પાસે સાઉન્ડ ડિઝાઇન કરાવવું જોઈએ જે ફિલ્મના ટૅક્નિકલ પાસાને સમજતી હોય. માત્ર સાત સૂરોનો ઉપયોગ કરીને કમ્પોઝર ડિરેક્ટરના વિચારોને સંગીતમાં ઢાળવાનું કામ કરે છે.
શૉ મૅન સુભાષ ઘાઈનો માસ્ટર ક્લાસ
કાર્યક્રમના ‘માસ્ટર ક્લાસ’ સેશનમાં ઉપસ્થિત રહેલા દિગ્ગજ ફિલ્મકાર સુભાષ ઘાઈએ સ્વાનુભાવો વાગોળીને યુવા ફિલ્મકારોને જરૃરી ટિપ્સ આપી હતી. કેવી રીતે પોતે એક લેખકમાંથી આગળ જતાં ડિરેક્ટર, પ્રોડ્યુસર અને પછી એક ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના માલિક બન્યા તેની વાત કરતા તેમણે કહ્યું હતું કે, ‘આજના સમયને લેખકની જરૃર છે. હું દ્રઢપણે માનું છું કે ભારતમાં ખૂણેખૂણે અનેક વાર્તાઓ અને કલાકારો છુપાયેલા છે તે બહાર આવવા જોઈએ. યુવા પ્રતિભાઓને બહાર લાવવા માટે આવા ફિલ્મ ફૅસ્ટિવલો થવા જરૃરી છે. અમદાવાદ ફિલ્મોને ચાહતું શહેર છે અને હું ઇચ્છું છું કે અહીંની પેઢી લેખક બને. પછી તે ફિલ્મનિર્માણનાં કોઈ પણ પાસાં સાથે જોડાયેલી હોય, પણ પોતાના દિલની કંઈક વાત કરે. પોતાનાં દેશ, સમાજ કે સંસ્કૃતિ વિશે કંઈક કહે. દરેક વ્યક્તિમાં એક લેખક છુપાયેલો હોય છે. ઘણીવાર તમે જોયું હશે કે ફિલ્મમાં ૧૦-૧૨ કલાકારો હોવા છતાં એ ફિલ્મ તમને ન ગમી હોય. તેની પાછળનું કારણ જણાવતાં તમે જ કહ્યું હશે કે, ફિલ્મમાં વાર્તા જેવું કશું નહોતું. વાત સાચી છે, જો ફિલ્મમાં કહાની નથી તો કથન પણ નથી. આપણે ભારતીય લોકો પહેલેથી જ વાર્તાઓ સાંભળતાં આવ્યાં છીએ. રામાયણ, મહાભારત, ગીતા વગેરે શું છે, વાર્તા છે. એ મૂલ્યો પર આજે આપણે ચાલી રહ્યાં છીએ. એ તાકાત લેખકોની હતી, જેની આજે મોટી અછત છે. માટે હું દિલથી ચાહું છું કે હવે પછીની પેઢી લેખક બને.’
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતે કેવી રીતે આવ્યા તેના અનુભવોની વાત કરતા તેમણે કહ્યું હતું કે, ‘દરેક વ્યક્તિની કરિયરની શરૃઆત બાળપણથી થતી હોય છે. એ અવસ્થામાં તમે જે કરો છો તે આગળ જતાં તમને કારકિર્દી બનાવવામાં અસર કરે છે. નાનપણથી મને વાંચવાનો શોખ હતો. યુવાનીમાં હું રોજ એક નવલકથા વાંચતો હતો. મારાં માતાપિતા મને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનાવવા ઇચ્છતા હતા, પણ મારું મન વાંચનને કારણે ફિલ્મો લખવા તરફ ફંટાયું હતું. વાંચનનો સૌથી મોટો ફાયદો એ થયો કે હું દરેક વ્યક્તિને એક પાત્ર તરીકે જોતાં શીખ્યો. એ જિજ્ઞાસાએ મને ‘કાલીચરણ’ લખવા મજબૂર કર્યો. એ ફિલ્મ સાત પ્રોડ્યુસરોએ નકારી કાઢી હતી, પણ એ પછી સુપરહિટ રહી હતી. મતલબ, રિજેક્ટ થવાની પણ તૈયારી રાખવી. એ ફિલ્મે મને ડિરેક્ટર બનાવ્યો. ફિલ્મોનું ગણિત સમજાતું નહોતું, પણ ઈમાનદારીથી ફિલ્મો બનાવતાં આવડતું હતું એટલે પ્રોડ્યુસર બન્યો અને સારું એવું કમાયો. સળંગ ૧૨ હિટ ફિલ્મો આપી એટલે યુવાનો મારે ત્યાં શીખવા માટે આવવા લાગ્યા. જેમાંથી મને ‘વિસ્લિંગ વૂડ્સ’નો આઇડિયા આવ્યો અને હું શિક્ષક બન્યો. મારી લેખકથી શિક્ષક બનવા સુધીની સફરમાં સૌથી અગત્યની બાબત હતી ‘જિજ્ઞાસાવૃત્તિ’. જો તમારે સફળ થવું હોય તો જિંદગીમાં કદી તમારી અંદરની જિજ્ઞાસાને મરવા ન દેતાં. તેની તીવ્રતા જેટલી વધુ એટલી સફળતાની શક્યતા વધારે રહેશે. સફળતા માટે હ્યુમિલિએશન, રિજેક્શન, ઓપોઝિશન આ ત્રણ બાબતો જરૃરી છે. એટલે તેને સ્વીકારીને ચાલવું.’
શૉર્ટ ફિલ્મ ફૅસ્ટિવલના અંતે કુલ ૨૮ ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં શૉર્ટ ફિલ્મ વિભાગમાં ૭, કૅમ્પસ પ્રોફેશનલ ફિલ્મ વિભાગમાં ૬, કૅમ્પસ નોન પ્રોફેશનલ ફિલ્મ વિભાગમાં ૬, ઍનિમેશન વિભાગમાં ૪ અને ડૉક્યુમેન્ટરી ફિલ્મ વિભાગમાં ૬ ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. શૉર્ટ ફિલ્મ વિભાગમાં બેસ્ટ ફિલ્મના ત્રણ ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. આ સિવાય શ્રેષ્ઠ ડાયરેક્ટર-ઍક્ટર(મેલ-ફીમેલ) મળીને કુલ ૬ ઍવૉર્ડ અપાયા. એ જ રીતે ડૉક્યુમેન્ટરી ફિલ્મ વિભાગમાં પણ શ્રેષ્ઠ ફિલ્મ અને સ્પેશિયલ જ્યુરી ઍવૉર્ડ મળીને કુલ ૬ ઍવૉર્ડ એનાયત કરાયા હતા. આમ તમામ કક્ષાની શ્રેષ્ઠ ફિલ્મોને કુલ રૃ. ૭ લાખનાં ઇનામો અપાયાં હતાં.
——————————